Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > બજારમાં ઉમંગ ને તરંગ છે, પરંતુ પવનની દિશા હજી અધ્ધર છે

બજારમાં ઉમંગ ને તરંગ છે, પરંતુ પવનની દિશા હજી અધ્ધર છે

14 January, 2019 10:01 AM IST |
Jayesh Chitaliya

બજારમાં ઉમંગ ને તરંગ છે, પરંતુ પવનની દિશા હજી અધ્ધર છે

બજારમાં ઉમંગ ને તરંગ છે, પરંતુ પવનની દિશા હજી અધ્ધર છે


શૅરબજારની સાદીવાત

પતંગ જેમ પવનને આધારે ઊડે કે લહેરાય એમ અત્યારે બજાર સ્થાનિક અને ગ્લોબલ સંકેતો તથા સમાચારોને આધારે વધઘટ કર્યા કરે છે. સમય-સંજોગ મુજબ પવન તોફાની બનતાં બજાર વૉલેટિલિટી પણ બતાવે છે. 



ગયા સપ્તાહનો પ્રથમ દિવસ તેજીના તાલે શરૂ થયો હતો. સેન્સેક્સ સાડાત્રણસો પૉઇન્ટ ઉપર જઈને પ્રૉફિટ-બુકિંગને પરિણામે પાછો ફર્યો હતો જેમાં બજાર સેન્સેક્સના દોઢસો પૉઇન્ટના અને નિફ્ટીના ૪૪ પૉઇન્ટના સુધારા સાથે બંધ રહ્યું હતું. સોમવારે ગ્લોબલ સંકેતો પણ સારા આવ્યા હતા જેમાં અમેરિકાના જૉબડેટા પૉઝિટિવ હતા. ચીન સાથેની વાટાઘાટના પણ સારા નિર્દેશો હતા તેમ જ અમેરિકન ફેડરલ તરફથી વ્યાજદર વિશેનો નિર્ણય મોકૂફ રહેવાની ધારણા જાણવામાં આવી હતી. વધુમાં બજારના સુધારા માટે એક કારણ એવું પણ ચર્ચામાં હતું કે રિઝર્વ બૅન્ક માર્ચ ૨૦૧૯ સુધીમાં ૩૦૦થી ૪૦૦ અબજ રૂપિયા ઇન્ટરિમ ડિવિડન્ડ પેટે સરકારને ટ્રાન્સફર કરે એવી શક્યતા છે જે માથે ચૂંટણી હોવાથી સરકારને એની ડેફિસિટ ઘટાડવામાં કામ લાગી શકે અને સામાજિક કાર્યક્રમોમાં વાપરવા માટે પણ કામ લાગી શકે. કરવેરાના કલેક્શનમાં થયેલા ઘટાડાના સમયમાં આ રકમ સરકાર માટે ખરા અર્થમાં ઉપયોગી થઈ શકે છે. મંગળવારે શરૂમાં વધઘટ કરતું બજાર પછીથી ખરીદીના આધારે ઊંચે જવા લાગ્યું અને અંતમાં સેન્સેક્સ ૧૩૦ પૉઇન્ટ અને નિફ્ટી ૩૦ પૉઇન્ટ પ્લસ બંધ રહ્યા હતા. બુધવારે જબ્બર વધઘટ સાથે અંતમાં બજાર ઊંચામાં બંધ રહ્યું હતું. શરૂઆત તેજીથી થઈ, મધ્ય સમયમાં માર્કેટ નેગેટિવ થઈ ગયું હતું, પરંતુ અંત પહેલાં વળાંક આવ્યો અને સેન્સેક્સ ૨૩૦ પૉઇન્ટ તેમ જ નિફ્ટી ૫૩ પૉઇન્ટ પ્લસ રહ્યા હતા. મંગળવારની જેમ બુધવારે પણ બૅન્ક સ્ટૉક્સની તેજીએ બજારને ઊંચે લઈ જવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. રિઝર્વ બૅન્કના સંકેતો બૅન્કોને બૂસ્ટ કરવાના જણાઈ રહ્યા હોવાથી બૅન્ક શૅરોમાં નવી ઝમક આવી હોવાનું કહેવાય છે.


હવે બજારની નજર

ગુરુવારે બજારે એશિયન અને અમેરિકન માર્કેટ નેગેટિવ રહેવાની અસરરૂપે દમ વિનાની વધઘટનાં દર્શન કરાવ્યાં હતાં. જોકે આ મૂવમેન્ટ માર્કેટ કન્સોલિડેશન જેવી હતી. ક્રૂડના વધારાની તેમ જ રૂપિયાના ઘસારાની પણ સહજ અસર હતી. અંતમાં સેન્સેક્સ ૧૦૬ પૉઇન્ટ અને નિફ્ટી ૩૩ પૉઇન્ટ માઇનસ બંધ રહ્યા હતા. જોકે ગુરુવારે સરકારે ગુડ્સ ઍન્ડ સર્વિસિસ ટૅક્સ (GST)માં ઘણી રાહતો જાહેર કરતાં, ખાસ કરીને નાના ઉદ્યોગ વર્ગમાં આનંદની લાગણી હતી જેની


વેપાર-ઉદ્યોગ પર સારી અસર થવાની આશા રહે એ સ્વાભાવિક છે. શુક્રવારે પણ બજારે સાધારણ વધઘટ સાથેનો તાલ બતાવ્યો હતો. સેન્સેક્સ ૯૬ પૉઇન્ટ અને નિફ્ટી ૨૬ પૉઇન્ટ માઇનસ બંધ રહ્યા હતા. આગામી દિવસોમાં બજારની નજર કૉર્પોરેટ અર્નિંગ્સ, હોલસેલ અને રીટેલ ફુગાવા (મોંઘવારી)ના આંક તેમ જ ઔદ્યોગિક ઉત્પાદનના આંક પર રહેશે. આ આંકડા બજારની ચાલ માટે મહત્વના બનશે.

રોકાણકારોમાં સાવચેતી

રોકાણકારો હાલમાં માર્કેટની ચાલ પ્રત્યે સાવધ થવા લાગ્યા હોવાનું પ્રતીત થાય છે. બજારની નજર અમેરિકા-ચીન વાટાઘાટ પર તેમ જ ક્રૂડ અને ડૉલર-રૂપિયા પર પણ રહે છે. જોકે અત્યારે હવે બજાર ત્રીજા ક્વૉર્ટરનાં પરિણામો-અર્નિંગ્સ પર મીટ માંડી રહ્યું છે. આ અર્નિંગ્સ સારાં રહેવાની આશા છે, પરંતુ રોકાણકારો માટે સિલેક્ટિવ બની રહેવામાં વધુ સાર છે. લાર્જ કૅપ અને ફન્ડામેન્ટલ્સમાં મજબૂત કંપનીઓમાં લાંબા ગાળાનું રોકાણ કરવા માટે વધુ પડતું વિચારવાની જરૂર નથી. ઇલેક્શનની અસર છે અને રહેશે, પરંતુ લાંબી નહીં. જોકે મોટું અને આડુંઅવળું જોખમ લેવાથી દૂર રહેવું સારું. મોટા ભાગની ખરીદી માર્કેટ તૂટે એ દિવસોમાં કરવી. બાકી સમાચાર અને સંકેતો પર નજર રાખવી.

ફૉરેન બ્રોકરેજ હાઉસિસ આશાવાદી

ફૉરેન બ્રોકરેજ હાઉસિસ ભારતના આ ચૂંટણી સમયના સંવેદનશીલ સમયને માર્કેટમાં રોકાણની તક માને છે. સરકારે છેલ્લાં ચાર વર્ષમાં માળખાકીય પ્રોજેક્ટ્સને કાર્યરત બનાવવા અને વેગ આપવા માટે ખૂબ તૈયારી કરી છે જેના લાભ હવે પછી મળવાની આશા આ બ્રોકરજ હાઉસિસ વ્યક્ત કરે છે. વર્લ્ડ બૅન્કે ગ્લોબલ ગ્રોથ-રેટ આ વર્ષે નીચો રહેવાની ધારણા મૂકી છે જે ચિંતાનો વિષય ગણાય. જોકે આ સાથે ઇમર્જિંગ દેશોએ અથવા કહો કે વિકસતા દેશોએ વિકાસ માટે વધુ તૈયારી-મહેનત કરવી પડશે.

ફૉરેન ઇન્વેસ્ટરોનો ટ્રેન્ડ

અહીં એ નોંધવું પણ જરૂરી છે કે ફૉરેન ઇન્વેસ્ટર્સ ૨૦૧૮માં સતત વેચવાલ રહ્યા હતા, પરંતુ છેલ્લા બે મહિનામાં નવેમ્બર-ડિસેમ્બરમાં તેમણે પણ ટર્ન લીધો હતો જેમાં તેમનું ભારતીય શૅરબજાર પ્રત્યે વલણ પૉઝિટિવ બન્યું હતું, જેને પરિણામે બજારમાં વર્ષના અંતિમ દિવસોમાં રિકવરી જોવાઈ હતી. આ ટ્રેન્ડ હવે પછી પણ પૉઝિટિવ રહેવાની ધારણા મુકાય છે.

ગ્રોથ-રેટનો અંદાજ નીચો

સપ્તાહ દરમ્યાન વિચારવાલાયક અહેવાલ એ પણ છે કે દેશનો આર્થિક વિકાસદર ધારણા કરતાં થોડો નીચો રહેવાનો અંદાજ સેન્ટ્રલ સ્ટૅટિસ્ટિક્સ ઑફિસે મૂકયો છે, જેના મુજબ વિકાસદર ૭.૨ ટકા રહેશે, જ્યારે કે રિઝર્વ બૅન્કે ૭.૪ ટકાની અને નાણાં ખાતાએ ૭.૫ ટકાની ધારણા મૂકી હતી. જોકે ૭.૨ ટકા ગયા વર્ષના ૬.૭ ટકા કરતાં ઊંચો દર ગણાય. આ વર્ષે ઉત્પાદન અને રોકાણપ્રવૃત્તિ વધી છે છતાં અંદાજ ઘટવાનું કારણ ગ્લોબલ ગ્રોથ પણ છે જેનો અંદાજ પણ નીચો મુકાયો છે.

GSTના રાહતદાયી સુધારા

સરકારે ઞ્લ્વ્માં વધુ એક વાર સુધારા સ્વરૂપે નાના બિઝનેસ એકમોને મોટી રાહત આપી છે. ઇન શૉર્ટ, GSTના માળખામાં પણ ધરખમ સુધારાની અપેક્ષા બંધાઈ છે. નાના એકમોની ટર્નઓવર લિમિટ વધારીને અપાયેલી રાહતથી અનેક એકમો ટૅક્સનેટમાંથી મુક્ત થઈ જશે, વધુમાં આની અસરરૂપે તેઓ બિઝનેસ વધારી શકશે અને જૉબ માટેની તકો પણ ઊભી કરી શકશે. આગામી સપ્તાહમાં નાના-મધ્યમ એકમોની સમસ્યા સાંભળવા અને એના ઉપાય કરવા રિઝર્વ બૅન્કની એક્સપર્ટ કમિટી પણ આ સેક્ટરના અગ્રણીઓ-સ્ટેકહોલ્ડરો સાથે મીટિંગ કરવાની છે અર્થાત્ આ સેક્ટર માટે વધુ રાહત અને પ્રોત્સાહનનાં કદમ અપેક્ષિત છે.

નાની સાદી વાત - પ્રવાહિતા

રિઝર્વ બૅન્કના ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું છે કે રિઝર્વ બૅન્ક પ્રવાહિતાની અછત થવા દેશે નહીં. જોકે આનો અર્થ એ ન કરવો કે ઇઝી મની ઉપલબ્ધ થયા કરશે, પરંતુ રિઝર્વ બૅન્ક જરૂરી સંજોગોમાં પ્રવાહિતાને ટેકો આપવા સજ્જ રહેશે.

નાની ખાસ વાત - દસ વર્ષનો ટ્રેન્ડ

છેલ્લાં દસ વર્ષનો ટ્રેન્ડ જોવામાં આવે તો પાંચ વર્ષમાં જાન્યુઆરીમાં બજાર તેજીમય જોવામાં આવ્યું છે. આ વર્ષ ચૂંટણીનું હોવાથી વૉલેટિલિટીની શક્યતા ઊંચી છે, પરંતુ સરકાર દ્વારા જે રીતે સામાજિક-આર્થિક પ્રોત્સાહક પગલાં લેવાવાના સંકેત જણાય છે એને ધ્યાનમાં રાખતા બજાર પ્રથમ ચાર મહિના તો ઊંચી વધઘટ સાથે તેજીમય રહે એવું માની શકાય.

પતંગોત્સવ પરથી જાણો-સમજો શૅરબજારને

અત્યારે પતંગોત્સવ ચાલી રહ્યો છે. પતંગ ઉડાડવામાંથી કે ઊડતી જોવામાંથી પણ શૅરબજારના રોકાણની કળાને સમજી શકાય છે. અલબત્ત, જરા જુદી દૃષ્ટિથી એને નિરખવી જોઈએ. પતંગ ઉડાવવા માટે એક તો માંજો મજબૂત હોવો જોઈએ જેને આપણે સ્ટૉકના કંપનીના મજબૂત ફન્ડામેન્ટલ્સ કહી શકીએ. એની કન્ની મજબૂત બંધાવી જોઈએ અર્થાત્ રોકાણને લાંબો સમય હોલ્ડ કરવાની તૈયારી હોવી જોઈએ. પતંગને ધીમે-ધીમે ઉડાવવી જોઈએ એટલે કે માર્કેટમાં પણ ધીમે-ધીમે પ્રવેશવું જોઈએ. એક સીમા પર પહોંચ્યા બાદ પતંગને સ્થિર રહેવા દેવી જોઈએ. એને તરત જ બીજાની સાથે પેચ લગાડવામાં રોકી દેવી જોઈએ નહીં.

આ પણ વાંચો : ક્રૂડ ઊછળતાં રૂપિયાની તેજીને બ્રેક : યુઆનમાં શાનદાર કમબૅક

બાય ધ વે, બીજાના પતંગ જોવા કરતાં પોતાની પતંગ પર ધ્યાન કેãન્દ્રત રાખવું જોઈએ. તમારી પતંગની ફીરકી સારા-સમજુ મધ્યસ્થી (એજન્ટ કે બ્રોકર)ના હાથમાં હોવી સલાહભર્યું છે. કાપ્યો છે-કાપ્યો છેના ઉત્સાહનો અતિરેક ન હોવો જોઈએ અર્થાત્નફો કે લૉસ બુક કરવાની ઉતાવળ ટાળવી જોઈએ. સફળતાપૂર્વક પતંગ ચગાવવા માટે જેમ પવનની દિશાને સમજવી પડે એમ રોકાણને સફળ બનાવવા માટે માર્કેટની દિશા અને ટ્રેન્ડને પણ સમજવા જોઈએ.

Whatsapp-channel Whatsapp-channel

14 January, 2019 10:01 AM IST | | Jayesh Chitaliya

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK