નવી માર્જિન સિસ્ટમ પણ મોકાણ બની છે, યે તો હોના હી થા! કરેક્ટ સમયે કરેક્શન

Published: Sep 07, 2020, 09:32 IST | Jayesh Chitalia | Mumbai

જેની રાહ જોવાતી હતી એ કરેક્શન શૅરબજારમાં ગયા સપ્તાહમાં આવ્યું. આ કરેક્શન ખરા સમયે આવ્યું, કારણ કે માર્કેટ આમ પણ સતત અને વધુપડતું વધી ગયું હતું. હવે જેમને ખરીદી કરવી છે તેમને તક મળશે

બીએસઈ
બીએસઈ

યે તો હોના હી થા ! ગયા સોમવારે માર્કેટે પૉઝિટિવ શરૂઆત કરીને તરત જ કરેક્શન બતાવી દીધું હતું. મહદ્અંશે ફૉરેન ઇન્વેસ્ટરોના દમ પર અને આશાવાદ પર ચાલતું ભારતીય શૅરબજાર આમ તો ઑલરેડી વધુપડતું વધી ગયું હોવાનું જાહેર હતું, એને કરેક્શનની તાતી જરૂર હોવાનું પણ દઢપણે માનવામાં આવતું હતું, જેને આ વખતે વળી એકસાથે ત્રણ-ચાર નેગેટિવ કારણ મળી જતાં સોમવારે બજારે નકારાત્મક વલણ અપનાવ્યું હતું. સૌથી મોટું કારણ સેબીએ લાગુ કરેલી નવી માર્જિન સિસ્ટમનું હતું. આ ઉપરાંત ભારત અને ચીન વચ્ચેના સીમાવિવાદનાં છમકલાં, જીડીપીના ભયંકર નબળા આંકડા, ડેફિસિટની વૃદ્ધિ, બૅન્કોના લોન મોરેટોરિયમની પૂરી થવા આવેલી મુદત પણ ઘટાડાનાં કારણ બન્યાં હતાં. આ સાથે પ્રૉફિટ બુકિંગ પણ એક કારણ હતું. પરિણામે સોમવારે બજારમાં લાંબા સમય બાદ હેવી કરેક્શન રૂપે સેન્સેકસ ૮૩૯ પૉઇન્ટ અને નિફ્ટી ૨૬૦ પૉઇન્ટ માઇનસ બંધ રહ્યા હતા. વાસ્તવમાં બજાર અગાઉ ૫૦૦ પૉઇન્ટ જેટલું ઊંચું ગયું હતું એ પછી ઝડપી ધોરણે કડાકો આવ્યો હતો. વિદેશી રોકાણકારોની મોટેપાયે વેચવાલી પણ હતી. આમ માર્કેટ ઊંચા લેવલથી ૧૩૦૦ કરતાં વધુ પૉઇન્ટ તૂટ્યું ગણી શકાય. એક જ દિવસમાં માર્કેટ કૅપમાં સાડાપાંચ લાખ કરોડ રૂપિયાનું ગાબડું પડી ગયું હતું. જે રિયલ્ટી સ્ટૉક્સમાં આગલા સપ્તાહમાં મોટો ઉછાળો આવ્યો હતો, એમાં પણ સોમવારે કરેક્શનનો ફટકો પડ્યો હતો.

વૉલેટિલિટી સાથે રિકવરી

મંગળવારે બજારની ચાલમાં કંઈક વિચિત્ર ઢંગ હતો, ટેલિકૉમ કંપનીઓના કેસમાં સુપ્રીમ કોર્ટે સમય આપતાં અને ઑટો સેલ્સના આંકડા સારા આવતાં ટ્રેન્ડ વધુ નેગેટિવ બનતા અટક્યો હતો. જૂન ક્વૉર્ટરના જીડીપીના આંકડા વિક્રમજનક નીચે આવ્યા, જ્યારે કે જુલાઈ-ઑગસ્ટમાં આર્થિક ડેટા સુધારાજનક રહ્યા હતા. માર્જિનની મૂંઝવણ કે મોકાણને કારણે માર્કેટ માઇનસ-પ્લસ થયા કરતું હતું. શરૂમાં વધ્યા બાદ બપોર સુધીમાં તો સેન્સેક્સ ૪૦૦ પૉઇન્ટ પ્લસ થયા બાદ ફરી માઇનસ થયું હતું. વૉલેટિલિટી પણ વિચિત્ર બની હતી. તેમ છતાં, સત્રના અંતમાં સેન્સેક્સ ૨૭૨ પૉઇન્ટ અને નિફ્ટી ૮૨ પૉઇન્ટ વધીને બંધ રહ્યા હતા. નોંધનીય વાત એ ગણાય કે માર્કેટમાં કરેક્શન આગળ વધી શક્યું નહોતું.

સ્ટૉક સિલેક્શન મહત્વનું

બુધવારે પણ માર્કેટ વૉલેટાઇલ રહ્યું હતું. યુરોપ, યુએસ અને એશિયન માર્કેટ્સના સારા સંકેત અને આર્થિક રિકવરીના પૉઝિટિવ નિર્દેશોને કારણે ભારતીય બજારમાં રિકવરી ચાલુ રહી હતી. સેન્સેક્સ ૧૮૫ પૉઇન્ટ વધીને પુનઃ ૩૯,૦૦૦ને પાર કરી ગયો હતો, જ્યારે નિફ્ટી ૬૪ પૉઇન્ટ વધીને ૧૧,૫૦૦ને પાર કરી ગયો હતો. ચીન, યુએસ અને યુરોપના મૅન્યુફૅક્ચરિંગ ડેટા પણ સારા જાહેર થવા ઉપરાંત યુએસ વધુ પૅકેજ જાહેર કરશે એવી આશાએ ટ્રેન્ડમાં તેજીનો તાલ હતો. બજારે ચીન-ભારતના સીમાવિવાદની બાબતની ઉપેક્ષા કરી આગળ વધવાનું વલણ અપનાવ્યું હતું. જોકે હાલના સમયમાં બજાર કરતાં સ્ટૉક્સના સિલેક્શનમાં સાવધ રહેવાનું મહત્ત્વનું છે તેમ જ મોકો જોઈ પ્રૉફિટ બુક કરવાની ચપળતા પણ રાખવી પડશે.

ગુરુવારે પણ બજારે પૉઝિટિવ આરંભ કરીને વધઘટ સાથે કરેક્શન બતાવ્યું હતું. જોકે સામાન્ય કરેક્શનમાં સેન્સેક્સ ૯૫ પૉઇન્ટ માઇનસ થઈ ૩૯,૦૦૦ની સહજ નીચે ઊતરી ગયો હતો અને નિફ્ટી માત્ર સાત પૉઇન્ટ માઇનસ સાથે ૧૧,૫૦૦ ઉપર જળવાઈ રહ્યો હતો. માર્કેટ દિશાહીન અવસ્થામાં જણાતું હતું. આર્થિક ક્ષેત્રે કોઈ ટ્રીગરના અભાવે માર્કેટ પાસે કોઈ પણ કરન્ટ નહોતો. આ સંજોગોમાં રોકાણકારોએ ખરીદીની ઉતાવળ કરવી જોઈએ નહીં અને સાવચેતી સાથે સિલેક્ટિવ બનીને આગળ વધવું જોઈએ, એવો મત સર્વત્ર વ્યક્ત થતો હતો.

સપ્તાહના અંતમાં ફરી કડાકો

સપ્તાહના છેલ્લા દિવસે શુક્રવારે બજારે સોમવાર જેવી જ દશા અને દિશા બતાવી હતી. યુએસમાં આગામી ચૂંટણીમાં ટ્રમ્પ કરતાં હરીફ ઉમેદવાર આગળ હોવાના સંકેતને લીધે તેમ જ ટેક શૅરો તૂટવાને કારણે યુએસ માર્કેટ ડાઉન ગયું હતું, જેની અસર ભારતીય માર્કેટ પર પણ હતી. ભારત-ચીન બૉર્ડર મુદ્દો પણ નિરાશાનું કારણ બન્યો હતો. બૅન્કોની લોન અને વ્યાજના મુદ્દે સુપ્રીમ કોર્ટના ચુકાદાએ અનિશ્ચિતતા ઊભી કરી હતી, જેને કારણે બૅન્ક અને ફાઇનૅન્સ કંપનીઓના સ્ટૉક્સ તૂટ્યા હતા. અગ્રણી સ્ટૉક્સમાં આવેલા કડાકાને કારણે સેન્સેક્સ ૬૩૪ પૉઇન્ટના કડાકા સાથે નીચે ઊતરી ૩૮,૩૫૭ બંધ રહ્યો હતો, જ્યારે નિફ્ટી ૧૯૩ પૉઇન્ટ માઇનસ થઈ ૧૧,૩૩૩ બંધ રહ્યો હતો. સ્મૉલ અને મિડ કૅપમાં પણ કરેક્શન આવ્યું હતું. આમ આ સપ્તાહ એવું હતું, જેને કરેક્શનનું સપ્તાહ કહી શકાય.

ખરીદીની તક ઊભી થશે

અલબત્ત, કરેક્શનનો દોર હજી પૂરો થયાનું માની શકાય નહીં. સેબીની માર્જિન સિસ્ટમ પણ માર્કેટને મોંઘી પડી રહી છે. વૉલ્યુમ ડાઉન જઈ રહ્યા છે. કન્ફયુઝનને કારણે રોકાણકારો હાલ સોદા કરવાનું ટાળી રહ્યા છે. સેબીએ સાવ જ અવ્યવહારું સિસ્ટમ લાગુ કરી હોવાનું બજારના અનુભવીઓ-રોકાણકારો-બ્રોકરો માને છે. આ સિસ્ટમે સેન્ટિમેન્ટને બગાડી નાખ્યું છે. પરિણામે ૪૦,૦૦૦ તરફ ગતિ કરી રહેલો સેન્સેક્સ અને ૧૨,૦૦૦ તરફ ગતિ કરી રહેલો નિફ્ટી રિવર્સ દિશામાં નીચે તરફ જવા લાગ્યા છે. જોકે કરેક્શનની રાહ જોઈ રહેલા વર્ગ માટે આ ઘટાડો એક તક બનશે. અનેક લોકો બજાર ઘટવાની રાહ જોઈ રહ્યા હતા, કારણ કે વર્તમાન ઊંચા ભાવે ખરીદી તેમને જોખમી લાગતી હતી, પરંતુ આ તક એકસાથે ઉપાડવી નહીં, બલકે દરેક કડાકામાં થોડી-થોડી ખરીદી કરવી. આ સપ્તાહમાં પણ માર્કેટ વૉલેટાઇલ રહેશે અને ટ્રેન્ડમાં ઘટાડાની શક્યતા વધુ છે. નવી માર્જિન સિસ્ટમ જ્યાં સુધી સમસ્યા બનીને ઊભી છે ત્યાં સુધી સેન્ટિમેન્ટ પણ નબળું રહેશે એવું લાગે છે.

ત્રણ વર્ષનું ફોકસ શું કરાય?

આમ પણ હવેના સમયમાં લોકો લાંબા ગાળા માટે રોકાણ કરવાની વાત તો બાજુએ રહી, લાંબું વિચારતા પણ નથી. હાલ નજર સામે કે કાનને જે સારું કે બૂરું દેખાય-સંભળાય એના આધારે ખરીદી અને વેચાણ થતાં રહે છે. જોકે હાલ તો આવી લે-વેચને પણ નવી માર્જિન સિસ્ટમનું ગ્રહણ લાગ્યું છે. બજારની ચાલ સામાન્ય ઇન્વેસ્ટરોની સમજની બહાર જઈ રહી છે. આવા સમયમાં જેમને લાંબા ગાળાનું રોકાણ કરવું છે તેઓ આગામી ત્રણ વર્ષને ફોકસ કરી સ્ટૉક્સ સિલેક્શન કરી શકે, જેમાં ૫૦ ટકા રોકાણ લાર્જ કૅપ સ્ટૉક્સમાં, ૩૦ ટકા મિડ કૅપમાં અને ૨૦ ટકા સ્મૉલ કૅપમાં કરાય. આ જ બાબત મ્યુચ્યુઅલ ફન્ડ્સની યોજનાઓને પણ લાગુ પાડી શકાય. અલબત્ત, આમાંથી સ્મૉલ સ્ટૉક્સમાં બહુ જ સિલેક્ટિવ રહેવું પડે. જો આ સિલેક્શન સમજાતું ન હોય તો લાર્જ કૅપ વધુ બહેતર રહેશે. આ સમયમાં ફરી એક વાર આઇપીઓ (ઇનિશ્યલ પબ્લિક ઑફરિંગ) કતારમાં છે, જેમાં પણ તક અજમાવી શકાય.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK