Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > રાહતનાં પૅકેજોનો સિલસિલો : શૉર્ટ ટર્મ ગેઇન પણ લૉન્ગ ટર્મ પેઇન

રાહતનાં પૅકેજોનો સિલસિલો : શૉર્ટ ટર્મ ગેઇન પણ લૉન્ગ ટર્મ પેઇન

11 February, 2019 09:25 AM IST |
જિતેન્દ્ર સંઘવી

રાહતનાં પૅકેજોનો સિલસિલો : શૉર્ટ ટર્મ ગેઇન પણ લૉન્ગ ટર્મ પેઇન

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


અર્થતંત્રના આટાપાટા 

સરકારે નાના કિસાનો માટે વચગાળાના બજેટમાં વાર્ષિક ૬૦૦૦ રૂપિયાની રાહતનું પૅકેજ જાહેર કર્યું છે. આ નાના ખેડૂતોની યાદી તૈયાર કરવા માટે સરકારે રાજ્ય સરકારો પાસેથી માહિતી મગાવી છે જેથી માર્ચની આખર સુધીમાં ૨૦૦૦ રૂપિયાના પહેલા હપ્તાની ચુકવણી થઈ શકે. જમીનવિહોણા ખેતમજૂરોને આવું પૅકેજ કેમ નથી અપાયું એના જવાબમાં એમ કહેવાયું છે કે આવા વર્કરોની પૂરતી પ્રામાણિક યાદી હાલમાં મળી શકે એમ નથી, પણ ચૂંટણીઓ પછી યોગ્ય સમયે તેમનો પણ સમાવેશ કરવાનો વિચાર કરાશે.



૬૦૦૦ રૂપિયાનું પૅકેજ ખૂબ નજીવું કહેવાય એ કમેન્ટના સંદર્ભમાં સરકારનું કહેવું છે કે રાજ્ય સરકારો પણ ખેડૂતો માટે સુપર ટૉપ-અપ પૅકેજ જાહેર કરી શકે છે. નાણાપ્રધાને ભારપૂર્વક એમ પણ કહ્યું છે કે રાહતના આ પૅકેજ પછી ખેડૂતોને અપાતી સબસિડીમાં કોઈ કાપ નહીં આવે.


સબસિડી એટલે રોકડ સહાય. ફૂડ સબસિડી એટલે ફૂડ કૉપોર્રેશન પાસેથી જે ભાવે અનાજ ખરીદ્યું હોય એ અને જે ઓછા ભાવે ટાર્ગેટ ગ્રુપને એ અનાજ પૂરું પડાય એ વચ્ચેનો ગૅપ. સબસિડી ટાર્ગેટ ગ્રુપને લીકેજ સિવાય પહોંચતી નથી એટલે સામાન્ય રીતે એનો વિરોધ કરાતો હોય છે. સબસિડીને બદલે જે-તે ક્ષેત્રમાં મૂડીરોકાણ કરીને ઉત્પાદકતા અને આવક વધારવાનું સ્વીકાર્ય ગણાય છે. સરકારે બજેટ દ્વારા આપેલા રાહત-પૅકેજમાં કોઈ વસ્તુ નહીં, પણ રોકડ રકમ અપાઈ છે એટલે એ એક પ્રકારની સબસિડી જ ગણાય.

નામ ગમે એ અપાય એનાથી અર્થતંત્ર પરની એ પૅકેજની અસર બદલાવાની નથી. આ પૅકેજ દ્વારા ઉત્પાદન વધ્યાં સિવાય બજારમાં ઉપલબ્ધ વસ્તુઓની માગણી વધે (વપરાશ વધે) એ સાચું. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો દ્વારા એક પછી એક આવાં પૅકેજ એક પછી એક વર્ગ માટે જાહેર થતાં રહે તો ચીજવસ્તુઓનું ઉત્પાદન અને પુરવઠો વધ્યાં સિવાય એ માટેની માગણી વધતી રહેવાની. એક બાજુ ઉત્પાદન સ્થગિત થાય અને બીજી તરફ રાહતોનાં પૅકેજો દ્વારા માગણી વધતી રહે તો વિકાસનો દર ઘટે, પણ ભાવવધારાનો દર વધે. લાંબે ગાળે એનાથી સ્ટૅગફ્લ્ોશન જેવી પરિસ્થિતિ પણ સર્જાઈ શકે.


રાજ્ય સરકારો દ્વારા રાહત-પૅકેજોનો આ સિલસિલો ચાલુ જ છે. તેલંગણ સરકારે મે ૨૦૧૮માં જે કિસાનો પાસે જમીન હોય તેમના માટે એકરદીઠ વર્ષે ૧૦,૦૦૦ રૂપિયાની રોકડ ટ્રાન્સફરની સ્કીમ મંજૂર કરી છે. ઓડિશા સરકારે પણ ડિસેમ્બર ૨૦૧૮માં નાના ખેડૂતો માટે વર્ષે ૧૦,૦૦૦ રૂપિયાની રોકડસહાય જાહેર કરી છે. આ સ્કીમ જમીનવિહોણા ખેતમજૂરોને પણ આવરી લે છે.

આ તો ‘જૉબ ગૅરન્ટી નહીં તો ઇન્કમ ગૅરન્ટી’ જેવી વાત થઈ. જે સ્કેલ પર અને જે સ્પિડથી આવાં રાહતનાં પૅકેજો માટે માગણી થાય છે અને એ મંજૂર કરાય છે કે લોનમાફી અપાય છે એ જોતાં આ વાઇરસ ક્યાં જઈને અટકશે એ કહેવાય નહીં. ટૂંકા ગાળામાં કદાચ એની સારી અસર દેખાય તો પણ લાંબા ગાળાના પેઇન કે ડૅમેજ માટેની તૈયારી તો રાખવી જ પડે. યુનિવર્સલ બેઝિક ઇન્કમ (બધા જ બેરોજગારોને અને ગરીબોને રોકડરાહતનું પૅકેજ આપવાની વાત) નાના ખેડૂતોને અપાયેલી રાહતનું વિસ્તારેલું સ્વરૂપ ગણાય. આવાં પૅકેજો કે આવી સ્કીમો કયા રાજકીય પક્ષને કેટલો ફાયદો કરાવશે એ વાત બાજુએ રાખીએ તો પાંચ ટ્રિલ્યન ડૉલર કે ૧૦ ટ્રિલ્યન ડૉલરનું અર્થતંત્ર બનવા થનગનતા ભારત દેશને આવાં પૅકેજો પોસાય નહીં. ચૂંટણીને અનુલક્ષીને કરાયું હોય એ માટે નહીં, પણ સામાન્ય સંજોગો કે સમયમાંય આવાં પૅકેજો લાંબા ગાળાના અને ટકાઉ વિકાસનું રોલ-મૉડલ ન બની શકે.

લોકસભાની ચૂંટણીઓ પછીની કેન્દ્રમાં આવનારી સરકારે કિસાનો માટે રાહતનું પૅકેજ વિસ્તારતાં પહેલાં પ્રવર્તમાન ૧૧૮ જેટલી વેલ્ફેર સ્કીમોનો વિગતે અભ્યાસ કરવો જોઈએ. છેલ્લાં કેટલાંક વષોર્ના આંકડાઓ ઝીણવટથી તપાસીએ તો જાહેર ક્ષેત્રની કંપનીઓના સરકાર દ્વારા તેમને ચૂકવવાની બાકી રકમના આંકડા એમ સૂચવે છે કે સબસિડી (GDPના ટકા તરીકે) બજેટના ચોપડાઓમાં દર્શાવાય છે એ કરતાં ઊંચી હોવાની. ફિસ્કલ ડેફિસિટને બૅલૅન્સ કરવા માટે બિનઉત્પાદક વેલ્ફેર માટેની સબસિડીમાં કાપ મૂકવો જોઈએ.

રૂરલ એમ્પ્લૉયમેન્ટ ગૅરન્ટી સ્કીમના અમલમાં આવેલી મુશ્કેલીઓ પછી એ બહુ સ્પષ્ટ છે કે ઇન્કમ સપોર્ટ સ્કીમ જેવી યોજનાઓનો અસરકારી અમલ બહુ મુશ્કેલ છે. બે મહિના જેવા ટૂંકા ગાળામાં લૅન્ડ રેકૉર્ડ્સ અપડેટ કરવા (ઘણાં રાજ્યોમાં આવા રેકૉર્ડ્સ ૧૯૩૦ પછી અપડેટ કરાયા નથી), સ્કીમના અમલ માટે જેન્યુઇન કિસાનોનો ડેટાબેઝ તૈયાર કરવો અને એનો લાભ મેળવનાર ખેડૂતોનાં બૅન્કખાતાં અને આધારકાર્ડ લિન્ક કરવાનું કામ દુષ્કર છે. ખેતીક્ષેત્ર રાજ્યોને હૅન્ડલ કરવાનો વિષય હોવાથી આવી સ્કીમોના અમલ માટેરાજ્ય સરકારોનો સહકાર, ખાસ કરીને નૉન-ગ્થ્ભ્ રાજ્યોમાં બહુ અગત્યનો સાબિત થશે.

આપણે ત્યાં બેરોજગારીના માઇક્રો લેવલના ડેટાની ચોકસાઈ વિશે પણ વિવાદ સર્જાય છે તો પછી માઇક્રો લેવલના લૅન્ડ રેકૉર્ડના ડેટા કે ફૂડ અને ફ્યુઅલ સબસિડી મેળવવા માટેના જેન્યુઇન અધિકારી વર્ગના ચોકસાઈભર્યા ડેટા એકઠા કરવાનો પડકાર સમજી શકાય એમ છે. એક વર્ગ એટલે એમ પણ માને છે કે બધા ગરીબોને અપ્લાય થતી હોય એવી યુનિવર્સલ બેઝિક ઇન્કમ જેવી સ્કીમનો અમલ કદાચ સરળ સાબિત થઈ શકે, પણ એ તો અનુભવે જ સાબિત થાય. સરકારે જાહેર કરેલી સ્કીમો કે ઇન્કમ ટ્રાન્સફરનો અસરકારક અમલ થાય તો જ BJPને આગામી ઇલેક્શનમાં એનો ફાયદો થઈ શકે.

હકીકતમાં તેલંગણ અને ઓડિશાની સરખામણીમાં આ બજેટની ખેડૂતો માટેની સ્કીમ ઓછી આકર્ષક છે. કૃષિશાસ્ત્રના નિષ્ણાત અર્થશાસ્ત્રી અશોક ગુલાટીની ગણતરી મુજબ તાજેતરનાં વષોર્માં રીસ્ટ્રિક્ટિવ માર્કેટિંગ અને ટ્રેડ-પૉિલસીને કારણે ખેડૂતોને મળતા કૃષિ ઉત્પાદનોના નીચા ભાવોને લીધે તેમને વાર્ષિક ૨.૬૫ લાખ કરોડનું નુકસાન થાય છે. સરકારે ઉત્પાદન-કિંમતના ૧૫૦ ટકા જેટલા ટેકાના ભાવો ખેડૂતોને આપવાની જાહેરાત કરેલી એમાં કિંમતોની ગણતરી બહુ મોટો ભાગ ભજવી શકે. એ દ્વારા ખેડૂતોની આવક કેટલી વધી એની સમજણ પ્રજાને આપવી જરૂરી છે. આમ કૃષિક્ષેત્રને ટેક્નૉલૉજીના ઉપયોગ દ્વારા અદ્યતન બનાવવું હોય, ખેડૂતોની પરિસ્થિતિ કાયમી ધોરણે સુધારવી હોય અને ખેતીક્ષેત્રની ઉત્પાદકતા વધારવી હોય તો આ ક્ષેત્રના આર્થિક સુધારા અને મૂડીરોકાણ આપણો ગુરુમંત્ર બનવો જોઈએ.

બજેટ પ્રેઝન્ટેશનના એક દિવસ પહેલાં સરકારી એજન્સીઓએ ૨૦૧૬-’૧૭ અને ૨૦૧૭-’૧૮ના આર્થિક વિકાસના સુધારેલા આંકડા પ્રગટ કર્યા એ પ્રમાણે NDA સરકારનાં પાંચ વર્ષ (૨૦૧૪-’૧૯)નો આર્થિક વિકાસનો વાર્ષિકદર ૭.૬ ટકા રહ્યો જે UPA સરકારનાં દસ વર્ષ (૨૦૦૪-’૧૪)ના આર્થિક વિકાસના વાર્ષિકદર ૬.૭ ટકા કરતાં ઊંચો છે. આર્થિક વિકાસના દરના સુધારેલા આંકડા પ્રમાણે ડિમૉનેટાઇઝેશન (૨૦૧૬-’૧૭) અને તે પછીના વર્ષે આ દર ૮.૨ ટકાનો હતો જે મોદી સરકારના શાસનનો સૌથી ઊંચો દર છે. એ જ રીતે સરકારે દબાવી દીધેલા પણ લીક થયેલ બીજી સરકારી એજન્સીના રિપોર્ટ પ્રમાણે ૨૦૧૭-’૧૮માં બેરોજગારીનો દર ૬.૧ ટકાએ પહોંચ્યો જે છેલ્લાં ૪૫ વરસનો રેકૉર્ડ છે. UPA-૧ દરમ્યાન (૨૦૦૪-’૦૯) આ દર ૨.૨ ટકાનો અને UPA-૨ (૨૦૦૯-’૧૪) દરમ્યાન ૨ ટકાનો હતો. ૨૦૧૭-’૧૮માં શહેરી વિસ્તારમાં બેરોજગારીનો દર ૭.૮ ટકા જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં આ દર ૫.૩ ટકાનો છે.

આમ એક તરફ છેલ્લાં પાંચ વર્ષમાં આર્થિક વિકાસનો વાર્ષિકદર UPA શાસનનાં દસ વરસના દર કરતા ઊંચો દેખાય છે. તો બીજી તરફ એ જ મોદી સરકારના શાસનનાં ચાર વરસને અંતે બેરોજગારીનો દર ૪૫ વર્ષનો રેકૉર્ડ છે. સરકાર તેની એક એજન્સીના આર્થિક વિકાસના આંકડાઓ માનવા તૈયાર છે અને તેની જ બીજી એટલી જ પ્રમાણભૂત એજન્સીના બેરોજગારીના આંકડા સ્વીકારવા તૈયાર નથી. આમ કેમ? સરકારનો પફોર્ર્મન્સ સારો દેખાડે એ આંકડા સ્વીકારવા અને પ્રજાને આપેલ વચન પળાતું ન હોય અને સરકારના દેખાવનું ખરાબ ચિત્ર રજું કરતા હોય એ આંકડા ન સ્વીકારવા એ ડબલ સ્ટાન્ડર્ડ નહીં તો બીજું શું?

બેરોજગારીના આંકડા ફેસવૅલ્યુએ નહીં, પણ કંઈક ડિસ્કાઉન્ટ સાથે સ્વીકારો તો પણ ક્યાં દસ વર્ષ પહેલાંનો બે ટકાનો દર અને ક્યાં આજનો ૬ ટકાનો દર. એ સ્પષ્ટપણે દર્શાવે છે કે બેરોજગારી ૬ ટકા જેટલી ન હોય તો પણ ૨ ટકાથી તો ઘણી ઊંચી છે. બીજા શબ્દોમાં બેરોજગારી થોડી પણ વધી છે અને જરા પણ ઘટી નથી. જૉબલૅસ ગ્રોથ એ આપણા આર્થિક વિકાસનો ટ્રેડમાર્ક છે.

આર્થિક વિકાસનો દર સતત વધતો રહે અને એને અનુરૂપ રોજગારી ન વધે એવું કેમ બની શકે એ પ્રશ્ન થાય છે, પણ સ્વતંત્ર ભારતના આર્થિક વિકાસના ઇતિહાસમાં આ ઘટના નવી નથી. ૩થી ૩.૫ ટકાનો ગણાતો ‘હિન્દુ રેટ ઑફ ગ્રોથ’ છેલ્લાં ૨૫ વર્ષમાં ઊંચો ગયો, પણ સાથે-સાથે બેરોજગારી, ખાસ કરીને શિક્ષિત બેરોજગારીનું ચિત્ર ખરાબ થતું ગયું. એ માટેનાં કારણોમાંનું એક છે પ્રત્યેક જૉબ માટે કરવા પડતા મૂડીરોકાણનો જબ્બર વધારો. એક કરોડ રૂપિયા (ઇન્ફ્લેશન-ઍડ્જસ્ટેડ)ના મૂડીરોકાણથી ૧૯૮૩માં દેશનાં કારખાનાંઓમાં ૯૦ નવી નોકરીઓ સર્જાતી હતી જે આંક ઘટીને ૨૦૧૬ માં માત્ર આઠ પર ઊતરી ગયો હતો.

એક પછી એક સરકારોએ જેટલી દરકાર ભારતના અર્થતંત્રનો નંબર પહેલાં દસમા, પહેલાં પાંચમા કે પહેલાં ત્રણમાં લાવવા માટે કરી છે તેટલી દરકાર નાગરિકોની માથાદીઠ આવક કે જીવનધોરણ સુધારવાની નથી કરી એમ કહેવામાં અતિશયોક્તિ નહીં થાય. બેરોજગારીના આંકડાનો અસ્વીકાર કરવા માત્રથી, સરકારનો નવો અગ્રક્રમ નવી નોકરીઓ, નવી નોકરીઓ, નવી નોકરીઓ નહીં બને ત્યાં સુધી ઇન્કમ ટ્રાન્સફર સ્કીમો પ્રશ્નનું કાયમી ધોરણે નિરાકરણ નહીં લાવી શકે પણ પ્રશ્નને આવતી કાલ પર મુલત્વી રાખશે અને બીજા બધા ઉપાયો થીંગડાં જેવા કામચલાઉ સાબિત થશે.

(લેખક ઇન્ડિયન મર્ચન્ટ્સ ચેમ્બરના ભૂતપૂર્વ ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ છે)

Whatsapp-channel Whatsapp-channel

11 February, 2019 09:25 AM IST | | જિતેન્દ્ર સંઘવી

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK