Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > કૉર્પોરેટ ટૅક્સના ઘટાડા સાથે દેશમાં માળખાકીય સુધારાઓની શરૂઆત થઈ છે

કૉર્પોરેટ ટૅક્સના ઘટાડા સાથે દેશમાં માળખાકીય સુધારાઓની શરૂઆત થઈ છે

30 September, 2019 12:16 PM IST | મુંબઈ
અર્થતંત્રના આટાપાટા - જિતેન્દ્ર સંઘવી

કૉર્પોરેટ ટૅક્સના ઘટાડા સાથે દેશમાં માળખાકીય સુધારાઓની શરૂઆત થઈ છે

ટેક્સ

ટેક્સ


નાણાપ્રધાને ચોથા રાઉન્ડમાં જાહેર કરેલા કૉર્પોરેટ ટૅક્સ-દરના ઘટાડાને માળખાકીય સુધારાઓની શરૂઆત ગણી શકાય. ફિસ્કલ ૨૦૨૦ના અંદાજપત્ર અને ચોથા રાઉન્ડના પગલાઓની જાહેરાત વચ્ચે લેવાયેલ અનેક પગલાઓ ચક્રિય (સમયાંતરે અર્થતંત્રમાં આવતા અપ્સ અને ડાઉન્સ) આર્થિક સ્લો-ડાઉનનો સામનો કરી શકે તેવાં હતાં. માળખાકીય સુધારાઓની શરૂઆત એટલે મોદી સરકારની અર્થતંત્ર પરની સર્જિકલ સ્ટ્રાઈક કે જેની અર્થતંત્ર પર દૂરગામી અને લાંબા ગાળાની અસર થઈ શકે. અર્થતંત્ર પર આવાં પગલાઓની અસર થતાં થોડો સમય લાગે પણ સ્ટૉક માર્કેટે તો સરકારનાં આ પગલાઓનાં કંકુ-ચોખાથી વધામણાં કર્યાં છે.
નાણાપ્રધાન આ જ માળખાકીય સુધારાઓની જાહેરાત જુલાઈ મહિનામાં પૅશ કરાયેલ અંદાજપત્ર સમયે કરી શક્યા હોત. ફિસ્કલ ડેફિસિટના ૩.૩ ટકાના લક્ષ્યાંકને વળગી રહેવાની ચિંતામાં નાણાપ્રધાને આવાં હિંમતભર્યાં પગલાં લેવાનું તે સમયે ટાળ્યું હોય એમ માની શકાય.

કૉર્પોરેટ ટૅક્સના દરના જાહેર કરાયેલ ફેરફારને કારણે સરકારની કરવેરાની આવકમાં ૧.૪૫ લાખ કરોડનો ઘટાડો અંદાજાયો છે જેને કારણે કેન્દ્ર સરકારની ફિસ્કલ ડેફિસિટ ચાલુ નાણાકીય વરસે ૩.૩ ટકાને બદલે ચાર ટકા જેટલી થવાનો અંદાજ છે. રિઝર્વ બૅન્ક દ્વારા સરકારને ટ્રાન્સફર કરાયેલ મોટી રકમ કેન્દ્રીય તિજોરી માટે લૉટરી સમાન છે તો કેન્દ્ર સરકાર દ્વારા જાહેર ક્ષેત્રની બૅન્કોના રી-કેપિટલાઈઝેશન માટે ૭૦,૦૦૦ કરોડ રૂપિયા તાત્કાલિક ધોરણે પૂરા પાડવાની જાહેરાતથી ફિસ્કલ ડેફિસિટ થોડી વધે પણ ખરી. સરકારની જીએસટીની આવક પણ અંદાજ કરતાં ૪૦,૦૦૦ કરોડ રૂપિયા ઓછી થવાની શક્યતા છે. આ જાહેરાતોના નેટ રિઝલ્ટને ધ્યાનમાં લેવાય તો પણ ફિસ્કલ ડેફિસિટ ૩.૮થી ૪ ટકાની રેન્જમાં રહેવાની શક્યતા છે.



ફિસ્કલ ડેફિસિટના આ સંભવિત વધારાને નાબૂદ કરવા સરકાર તેના ખર્ચમાં કાપ મૂકશે એવી ભીતિ જાહેરમાં પ્રગટ થતી રહી છે. એના જવાબમાં નાણાપ્રધાને સ્પષ્ટતા કરી છે કે કૉર્પોરેટ ટૅક્સના દરના ઘટાડાને કારણે અને જીએસટીની આવકના ઘટાડાને કારણે ફિસ્કલ ડેફિસિટ વધશે એનાથી સરકાર સભાન છે. તો પણ માત્ર આ કારણે સરકારી ખર્ચમા કાપ મુકાશે નહીં. હકીકતમાં ખર્ચ માટેના સચિવ જુદા જુદા ખાતાઓના સચિવોને મળીને તેમના ખાતાના અને જાહેર ક્ષેત્રના એકમોના ખર્ચ તાત્કાલિક ધોરણે શરૂ કરવા પર ભાર મૂકે છે. કૉર્પોરેટ ટૅક્સ ઘટાડીને તબક્કાવાર ૨૫ ટકા કરવાની સરકારની કમિટમેન્ટ હતી. તેમ છતાં આ દર ઘટાડીને ૨૨ ટકાનો અને અમુક ખાસ સંજોગોમાં ૧૫ ટકાનો કરાયો છે એ સાથે પ્રત્યક્ષ વેરાની દિશા નક્કી કરાઈ છે, એટલે તેમાં હવે પારોઠનાં પગલાં ભરવાનો અવકાશ જરા પણ નથી. સરકાર જાહેર ક્ષેત્રના એકમોના ડીસ-ઈન્વેસ્ટમેન્ટને પણ ગંભીરતાથી લે છે અને તે માટેના લક્ષ્યાંકને પણ તે વળગી રહેશે.


જો અંદાજપત્રની ધારણા પ્રમાણે ફિસ્કલ ૨૦૨૦માં જીડીપી ચાલુ ભાવે ૧૨ ટકા કરતાં ઓછા દરે વધે તો ફિસ્કલ ડેફિસિટ જીડીપીના ૪ ટકાથી પણ વધુ થઈ શકે. એપ્રિલ-જૂન ૨૦૧૯માં સરકારી ખર્ચમાં લગભગ ૯ ટકા જેટલો વધારો થયો તો પણ આર્થિક વિકાસનો દર માત્ર પાંચ ટકાનો જ રહ્યો જે છેલ્લા છ ક્વૉર્ટરનો સૌથી નીચો દર હતો. એટલે આર્થિક વિકાસનો દર વધારવા માટે સરકારી ખર્ચ વધારવાનું આ તબક્કે લગભગ અનિવાર્ય જણાય છે.

સરકારે અસલમાં ડીસ-ઈન્વેસ્ટમેન્ટ વધારવું જોઈએ એટલે કે એક જાહેર ક્ષેત્રનું એકમ બીજા જાહેર ક્ષેત્રના એકમને ખરીદે તેમ નહીં. એ માત્ર ડીસ-ઈન્વેસ્ટમેન્ટના દેખાવ કે ડોળ માત્રથી વિશેષ કાંઈ નથી. આ પ્રક્રિયામાં જે જાહેર ક્ષેત્રનું એકમ બીજા જાહેર ક્ષેત્રના એકમને ખરીદે તેનું બોરોઈંગ પણ સામાન્ય રીતે વધે છે. આ દેવું સરકારને ચોપડે ચડે એટલે ફિસ્કલ ડેફિસિટ ઘટવાનો આભાસ માત્ર ઊભો થાય. હકીકતમાં તેમાં વધારો થાય.


૧૯૯૧માં મોટા પાયાના આર્થિક માળખાકીય સુધારાઓ અને લાઇસન્સ-પરમિટરાજને તિલાંજલિ આપી કૉન્ગ્રેસની નરસિંહરાવ સરકારે ઉદારીકરણ અને વૈશ્વિકીકરણનાં પગલાં ભર્યાં. અર્થતંત્ર ભયંકર દબાણ હેઠળ ન આવ્યું હોત તો કદાચ આમ ન પણ થયું હોત. ભારતનું વિદેશી હૂંડિયામણ એક બિલ્યન ડૉલરની નીચી સપાટીએ સાવ જ તળિયે પહોંચ્યું હતું અને આપણે એ દ્વારા એક મહિનાની આયાતોનું બિલ ચૂકવવા માટે પણ સક્ષમ ન હતા. આમ ૧૯૯૧ની ક્રાઈસીસ ભારતના અર્થતંત્ર માટે ટર્નિગ પૉઇન્ટ સાબિત થઈ અને એ રીતે છૂપા આશીર્વાદ પણ - બ્લેસિંગ્ઝ ઈન ડીસગાઈઝ.

સરકાર ટ્રેડ યુનિયન સામે ન ઝૂકે તો પણ કૉર્પોરેટ ટૅક્સના ઘટાડાથી સરકારી રેવન્યુમાં થનાર ઘટાડો જેન્યુઈન ડીસ-ઈન્વેસ્ટમેન્ટ દ્વારા સરભર નહીં કરી શકાય. એટલે સરકારની ફિસ્કલ ડેફિસિટ તો વધવાની જ. બીજા શબ્દોમાં સરકારી ખર્ચ વધારવા માટે સરકારે તેના દેવાંમાં વધારો કરવો પડશે.

સરકારનું દેવું વધે એટલે બીજા રોકાણકારો માટે થનાર નાણાંની ઉપલબ્ધિમાં કાપ આવે. જેને આપણે ક્રાઉડિંગ આઉટ ઑફ ઈન્વેસ્ટમેન્ટ બાય પબ્લિક સેક્ટર પણ કહીએ છીએ. આમ થાય એટલે વ્યાજના દર વધે. હકીકતમાં આર્થિક વિકાસનો દર વધે એ માટે મૂડીરોકાણને પ્રોત્સાહન આપવા સરકાર નીચા વ્યાજના દરની વાતો કરે છે.

પાંચ મોટા કરવેરા દ્વારા ફિસ્કલ ૨૦માં ૨૩.૨ લાખ કરોડની આવકનું સરકારનું લક્ષ્યાંક છે જે ફિસ્કલ ૧૯ કરતાં લગભગ ૨૦ ટકા જેટલી વધુ છે એ પણ એટલું આસાન તો નથી જ. આમ ગમે તે રીતે વિચારીએ, ફિસ્કલ ડેફિસિટનો થોડો પણ વધારો આ તબક્કે અનિવાર્ય લાગે છે.

કૉર્પોરેટ ટૅક્સના ઘટાડાને લીધે કૉર્પોરેટ સેવિંગ્ઝમાં વધારો થવાનો અને એ રીતે કૉર્પોરેટ સેક્ટરના અર્નિંગમાં પણ. એક અંદાજ પ્રમાણે ફિસ્કલ ૨૦ના કૉર્પોરેટ સેક્ટરના અર્નિંગનો વધારો ૧૩ ટકાને બદલે ૨૫ ટકા જેટલો હોઈ શકે.

વૈશ્વિક અનિશ્ચિતતાઓ અને આપણા ચલણ રૂપિયાની વોલેટિલીટીને કારણે કૉર્પોરેટ ક્ષેત્રનો પ્રોફિટ વધે તો પણ પૂરતા પ્રમાણમાં મૂડીરોકાણ વધવા સામે એક મોટો પ્રશ્ન ઊભો થાય છે. તો પણ વિકસિત દેશોમાં વ્યાજના દર નીચા અને ઘણા દેશોમાં તો નેગેટિવ હોવાને કારણે આપણા કૉર્પોરેટ ટૅક્સના ઘટાડાના પ્રતિસાદરૂપે વિદેશી મૂડીનો પ્રવાહ ભારત ભણી વળવાનો તો ખરો જ. યુરો દેશો, સ્વીટ્ઝરલૅન્ડ, સ્વીડન, ડેનમાર્ક અને જપાનના વ્યાજના નેગેટિવ દરોને કારણે ભારતનું મૂડીરોકાણ વધે તો ડૉલરના ભારે પ્રવાહને કારણે રૂપિયો મજબૂત બને અને આપણી નિકાસો પર તેની અવળી અસર થાય.

સીપીઆઇ દ્વારા જજ કરાતો ભાવવધારો ૪ ટકાની નીચે હોય એટલે રિઝર્વ બૅન્ક મોનિટરી પૉલિસી દ્વારા વ્યાજના દર ઘટાડીને ડૉલર-મૉપ-અપ દ્વારા થનારા વ્યાજના દરના વધારાને બેલેન્સ કરવાનો પ્રયત્ન કરે.

વ્યાજના દર ન વધે એ માટે સરકારી ખર્ચ વધાર્યા પછી પણ સરકારે તેનું દેવું વધારવું ન હોય તો એક જ અસરકારક રસ્તો છે અને તે જાહેર ક્ષેત્રના એકમોના ડીસ-ઈન્વેસ્ટમેન્ટનો નહીં, પણ ખાનગીકરણ (પ્રાઈવેટાઈઝેશન)નો. તે માટે સરકારે જાહેર ક્ષેત્રનો લઘુમતી હિસ્સો જ નહીં પણ જે હિસ્સો ટ્રાન્સફર કરવાથી ખાનગી ક્ષેત્રના એકમને કન્ટ્રોલિંગ રાઈટ્સ મળે એટલો હિસ્સો ટ્રાન્સફર કરવો જોઈએ. એ શક્ય બને એ માટે એકમોની વિદેશી માલિકી પરના પ્રતિબંધ હળવા કરવા જોઈએ કે ઉઠાવી લેવા જોઈએ. આ બધાં પગલાં એક સાથે લેવાય તો જ મૂડીરોકાણ વધારવામાં સરકારને સફળતા મળે.

નેવુંના દાયકાના મધ્ય ભાગથી ૨૦૦૮ સુધી રિઝર્વ બૅન્કની મધ્યસ્થીને કારણે રૂપિયાની બાહ્ય કિંમત ઘટી અને ભારતની નિકાસો વધી એવું પણ નિષ્ણાતોનો એક વર્ગ માને છે, પણ રિઝર્વ બૅન્કના ભૂતપૂર્વ ગવર્નર ડૉ. રંગરાજન અને મિશ્રાના એક સંશોધનાત્મક અભ્યાસ પ્રમાણે નિકાસો વિનિમયના દર પ્રત્યે સંવેદનશીલ છે તેના કરતાં વિશ્વની આર્થિક પરિસ્થિતિ પ્રત્યે વધુ સંવેદનશીલ છે. (તેનાથી વધુ પ્રભાવિત થાય છે.) વિશ્વની બદલાતી પરિસ્થિતિમાં રિઝર્વ બૅન્કનો હસ્તક્ષેપ (રૂપિયાની બાહ્ય કિંમત ઘટાડવામાં અને તે દ્વારા દેશની નિકાસો વધારવામાં) એટલે અસરકારક ન પણ થાય. ચલણના વિનિમય દરનું મૅનેજમેન્ટ આજે એટલું સરળ નથી રહ્યું, કારણ કે ભારતના હૂંડિયામણ બજાર કરતાં ઘણા દેશોના વિદેશી હૂંડિયામણની બજારોમાં રૂપિયાનું ટ્રેડિગ વધુ પ્રમાણમાં થાય છે. ફાઇનાશ્યલ ટાઈમ્સના અહેવાલ પ્રમાણે રૂપિયાના ટ્રેડિગ બાબતે લંડન ૫૦ બિલ્યન ડૉલરના રોજના ટર્નઓવર સાથે વિશ્વનું સૌથી મોટું બજાર બની ગયું છે. ૨૦૧૬માં આ ટર્નઓવર ૧૦ બિલ્યન ડૉલરથી પણ ઓછું હતું. આ જ સમય દરમ્યાન ભારતના વિદેશી હૂંડિયામણની બજારમાં રૂપિયાના ટ્રેડિગનું ટર્નઓવર ૩૦ બિલ્યન ડૉલરમાંથી વધીને ૩૫ બિલ્યન ડૉલરનું થયું છે. બીજા શબ્દોમાં રૂપિયાના ટ્રેડિંગ બાબતે લંડનનું વિદેશી હૂંડિયામણનું બજાર ભારતનાં બજાર કરતાં મોટું છે. હોંગકોંગ અને અમેરિકામાં આ ટ્રેડિગ રોજનું ૧૦ બિલ્યન ડૉલરનું અને સિંગાપોરમાં ૨૦ બિલ્યન ડૉલરનું છે.

નજીકના ભૂતકાળમાં જ વિદેશોની હૂંડિયામણ બજારમાં રૂપિયાના ટ્રેડિંગના નહિવત્ વોલ્યુમને કારણે રિઝર્વ બૅન્કના ભારતની બજારના હસ્તક્ષેપથી, ઘણીવાર તો માત્ર હસ્તક્ષેપની ધમકી માત્રથી અસરકારક ધાર્યાં પરિણામ લાવી શકાતાં હતાં જે આજે શક્ય નથી. વધુમાં વધુ રિઝર્વ બૅન્ક આજે રૂપિયાની છેવાડાની કિંમતની વધુ પડતી વધઘટનું નિયમન જ કરી શકે.

આ પણ વાંચો : રૂપિયામાં શાનદાર ઉછાળો-ડૉલેક્સમાં તેજી

વડા પ્રધાન મોદીની અમેરિકામાં હ્યુસ્ટન ખાતે યોજાયેલ એનઆરઆઇ સાથેની ઐતિહાસિક મીટિંગની પૂર્વસંધ્યાએ કરાયેલ કૉર્પોરેટ ટૅક્સના ઘટાડાની જાહેરાતે વિદેશી રોકાણકારો પર જાદુઈ અસર કરી છે. ટ્રમ્પની હાજરીમાં ૫૦,૦૦૦ એનઆરઆઇ ઈન્વેસ્ટરોની જંગી મેદનીને સંબોધીને મોદીએ ટ્રમ્પની બીજી ટર્મની ચૂંટણી માટે પ્રચાર કર્યો હોય કે ન કર્યો હોય એ વિવાદાસ્પદ છે, પણ વિશ્વના મૂડીરોકાણકારોને ભારત હવે આકર્ષક ઈન્વેસ્ટમેન્ટ ડેસ્ટીનેશન છે એવો સ્પષ્ટ સંદેશ આપ્યો છે એની કોણ ના કહી શકે?

Whatsapp-channel Whatsapp-channel

30 September, 2019 12:16 PM IST | મુંબઈ | અર્થતંત્રના આટાપાટા - જિતેન્દ્ર સંઘવી

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK