Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > સરકારે શરૂ કરેલી આર્થિક સર્જિકલ સ્ટ્રાઇક આપણાં ગામડાંઓની હાલત સુધારશે?

સરકારે શરૂ કરેલી આર્થિક સર્જિકલ સ્ટ્રાઇક આપણાં ગામડાંઓની હાલત સુધારશે?

09 September, 2019 07:53 AM IST | મુંબઈ
અર્થતંત્રના આટાપાટા - જિતેન્દ્ર સંઘવી

સરકારે શરૂ કરેલી આર્થિક સર્જિકલ સ્ટ્રાઇક આપણાં ગામડાંઓની હાલત સુધારશે?

નિર્મલા સીથારમણ

નિર્મલા સીથારમણ


અમેરિકા અને ચીન વચ્ચેના વેપારયુદ્ધની વધતી જતી અનિશ્ચિતતાના છાંટા માત્ર ભારત પર જ નહીં, પણ એશિયાના ઘણા દેશો (વિશ્વનાં મૅન્યુફૅક્ચરિંગ હબ) પર ઊડ્યા છે. આ દેશોમાં દક્ષિણ કોરિયા, સિંગાપોર, હૉન્ગકૉન્ગ, થાઇલૅન્ડ અને ઇન્ડોનેશિયાનો સમાવેશ થાય છે. આ દેશોની સરકારોએ તેમની ઘટેલ નિકાસોને કારણે ઘટેલા આર્થિક વિકાસના દરનું નુકસાન સરભર કરવા માટે અર્થતંત્રમાં વધારાનાં નાણાં ઠાલવીને (ફિસ્કલ સ્ટિમ્યુલસ) આંતરિક માગ વધારવાના પ્રયાસ આદર્યા છે : કાં તો સરકારી ખર્ચ વધારીને કે કરવેરાના દર ઘટાડીને.

દક્ષિણ કોરિયા અને ઇન્ડોનેશિયાનું સરકારી દેવું મર્યાદિત હોવાથી આ દેશોની સરકારોએ સરકારી ખર્ચમાં વધારો જાહેર કર્યો છે. હૉન્ગકૉન્ગે પણ અર્થતંત્રને મંદીમાં સરકતું અટકાવવા અનેક પગલાં લીધાં છે. ચીન અને સિંગાપોરમાં પણ સરકારી ખર્ચ વધારવાનો અવકાશ છે તો બીજી તરફ ભારત માટે એના ટ્વીન ડેફિસિટ (કરન્ટ અકાઉન્ટ અને ફિસ્કલ)ના પ્રશ્નને કારણે સરકારી ખર્ચ વધારવાનો અવકાશ મર્યાદિત હતો.



જોકે ભારતના નાણાં મંત્રાલયે અર્થતંત્રને દોડતું કરવા લીધેલાં પગલાં પછી હવે બિમલ જાલન પૅનલનાં સૂચનોનો સ્વીકાર કરી રિઝર્વ બૅન્કે ૧.૭૬ લાખ કરોડ રૂપિયાની ફાજલ રકમ સરકારને આપવાનું નક્કી કર્યું છે. આ નાણાંનો ઉપયોગ કરી સરકાર ફિસ્કલ ડેફિસિટ વધાર્યા સિવાય એનું ખર્ચ વધારી શકશે.
આ બધી ઘટનાઓ વચ્ચે સરકારી આંકડાઓ પ્રમાણે ફિસ્કલ ૨૦૨૦ના પહેલા ત્રિમાસિક ગાળા (એપ્રિલ-જૂન ૨૦૧૯)નો આર્થિક વિકાસનો દર ૫.૦ ટકાનો રહ્યો છે જે ગયા વરસના આ જ સમયગાળાના ૮.૦ ટકા કરતાં તો ઘણો નીચો છે, પણ અગાઉના ક્વૉર્ટર (જાન્યુઆરી-માર્ચ ૨૦૧૯)ના ૫.૮ ટકા કરતાં પણ નીચો છે. આમ આર્થિક વિકાસનો દર સળંગ છઠ્ઠા ક્વૉર્ટર માટે ઘટ્યો છે. માર્ચ ક્વૉર્ટરમાં જ ભારતે ફાસ્ટેસ્ટ ગ્રોઇંગ ઇકૉનૉમીનું બિરૂદ ચીનની તરફેણમાં ગુમાવ્યું હતું એ ચીને અમેરિકા સાથેના વેપારયુદ્ધની અનેક આડઅસરો વચ્ચે પણ જૂન ક્વૉર્ટરમાં ૬.૨ ટકાનો વિકાસદર નોંધાવ્યો છે. આ દર વિકાસનો છેલ્લાં છ વરસમાં જૂન ક્વૉર્ટરનો સૌથી નીચો દર છે. ચાલુ ભાવે આ દર ૮.૦ ટકાનો રહ્યો છે જે ફિસ્કલ ૨૦૧૨માં શરૂ કરાયેલ અકાઉન્ટ્સની ચાલુ સિરીઝનો સૌથી નીચો દર છે.
૫.૦ ટકાનો આર્થિક વિકાસનો નીચો દર રડ્યાખડ્યા એકાદ-બે ક્ષેત્રના ઘટાડાને કારણે જ નથી. માઇનિંગ, પબ્લિક ઍડ્મિનિસ્ટ્રેશન અને ડિફેન્સ સિવાયનાં લગભગ બધાં ક્ષેત્રોમાં આ દર ઘટ્યો છે એટલે કે આ ઘટાડો વ્યાપક છે. એમાં પણ ખેતી, જંગલ અને મત્સ્ય ઉદ્યોગના દરમાં (૫.૦ ટકામાંથી ૨.૦ ટકા) અને મૅન્યુફૅક્ચરિંગ ક્ષેત્રના દરમાં (૧૨.૧ ટકામાંથી માત્ર ૦.૬ ટકા) થયેલ ઘટાડા પ્રમાણમાં મોટા છે. ખાનગી વપરાશ ખર્ચનો ૩.૧ ટકાનો વધારો છેલ્લાં ૧૮ ક્વૉર્ટરનો સૌથી નીચો વધારો છે.


આ આંકડાઓ ભારત આર્થિક સ્લૉડાઉનમાં સપડાયું હોવાની હકીકતને સમર્થન આપે છે. એનું કારણ વૈશ્વિક સ્લૉડાઉન હોય, આપણી આર્થિક નીતિઓની ત્રૂટી હોય કે આ બન્ને કારણો એ માટે સંયુક્ત રીતે જવાબદાર હોય. એ જે હોય એ, પણ સ્લૉડાઉનની નક્કર હકીકતને હકીકતરૂપે સ્વીકાર્યા વિના ચાલે એમ નથી.
સરકારે જુલાઈ અને ઑગસ્ટમાં આર્થિક વિકાસના દરને અસર કરે (સારી અને ખરાબ) એવાં ઘણાં જે પગલાં લીધાં છે એની સારી કે ખરાબ અસર નવેમ્બરના અંતમાં પ્રસિદ્ધ કરાનાર સપ્ટેમ્બર ક્વૉર્ટરના આર્થિક વિકાસના આંકડામાં દેખાવાની શરૂઆત થશે.

જૂન ક્વૉર્ટરના આ આંકડાઓ એક વાત સ્પષ્ટ કરે છે કે ક્યા ક્ષેત્રમાં આર્થિક સુધારાઓની વધુ જરૂર છે. સરકાર આ આંકડાઓને લક્ષમાં લઈને આગળના સુધારાઓનો અગ્રક્રમ નક્કી કરશે તો પણ સપ્ટેમ્બર ક્વૉર્ટરના આંકડામાં એની પૂરી અસર દેખાશે નહીં, પણ કમસે કમ ડિસેમ્બર ક્વૉર્ટરથી (એટલે કે ફિસ્કલ ૨૦૨૦ના ઉત્તરાર્ધમાં) આર્થિક સ્લૉડાઉન પરની સર્જિકલ સ્ટ્રાઇકની અસર અનુભવી શકાય. જૂન ક્વૉર્ટરના આર્થિક વિકાસના આંકડાઓ ચિંતા ઉપજાવે એવા જ હશે એ પરિસ્થિતિ પામી જઈને અર્થતંત્રને પાટે ચડાવવા માટે માળખાકીય સુધારાઓ દાખલ કરવાની તત્કાલ જરૂર છે એવાં બધાં વર્તુળોમાંથી થતાં રહેતાં સૂચનોને લક્ષમાં લઈને સરકારે આવા સુધારાઓ પણ દાખલ કર્યા છે. આ બધાં પગલાંને પરિણામે આર્થિક વિકાસનો દર ફિસ્કલ ૨૦૨૦ના ઉત્તરાર્ધ (ઑક્ટોબર ૨૦૧૯ - માર્ચ ૨૦૨૦)માં વધવાની શક્યતા નકારી શકાય નહીં. રિઝર્વ બૅન્કની હળવી મૉનિટરી પૉલિસી (છેલ્લી ચાર પૉલિસીમાં વ્યાજના દરમાં કરાયેલો ૧૧૦ પૉઇન્ટનો ઘટાડો) અને બૅન્કોને તેમના ધિરાણ માટેના વ્યાજના દર રેપોરેટ સાથે સાંકળવાની અપાયેલ સૂચનાને કારણે પણ માગમાં વધારાની સંભાવના ઊભી થઈ છે. તો પણ વૈશ્વિક સ્લૉડાઉનના સંદર્ભમાં ઊભાં થયેલાં આપણાં આર્થિક વિકાસ સામેનાં જોખમી પરિબળો કેવો વળાંક લે છે એના પર આપણો આર્થિક વિકાસ વધવા કે ઘટવાનો મોટો આધાર છે.


અનેક ક્ષેત્રોમાં વિદેશી મૂડીરોકાણ માટેની છૂટછાટો આપી છે. વિદેશી સિગલ બ્રૅન્ડ રીટેલ કંપનીઓ ભારતમાં દુકાનો ખોલે એ પહેલાં તેમને ઑનલાઇન ધંધો કરવાની છૂટ અપાઈ છે. પરિણામે લૉજિસ્ટિક્સ ક્ષેત્રે નવી નોકરીઓનું સર્જન થઈ શકે. કૉન્ટ્રૅક્ટ મૅન્યુફૅક્ચરિંગમાં અપાયેલ ૧૦૦ ટકા વિદેશી મૂડીરોકાણની છૂટને પરિણામે વિદેશી ઇલેક્ટ્રૉનિક્સ અને ફાર્મા કંપનીઓ ભારતમાં ઉત્પાદન માટેનાં યુનિટો ઊભાં કરવા પણ પ્રેરાશે.

અત્યાર સુધી કોલસાના પ્રોસેસિંગ પ્લાન્ટ અને કોલસાની ખાણો માટે ૧૦૦ ટકા વિદેશી મૂડીરોકાણની છૂટ હતી, પણ એ માત્ર કૅપ્ટિવ (પોતાના જ પાવર પ્લાન્ટ, સિમેન્ટ પ્લાન્ટ કે સ્ટીલ પ્લાન્ટના) વપરાશ પૂરતી મર્યાદિત હતી. હવે આ છૂટનું ફલક વિસ્તૃત કરાયું છે એટલે કે આવા વિદેશી રોકાણ દ્વારા પ્રોસેસિંગ પ્લાન્ટ કે ખાણમાં જે કોલસાનું ઉત્પાદન થાય એ દેશમાં પણ વેચી શકાશે કે એની નિકાસ પણ કરી શકાશે. પરિણામે કૉલ ઇન્ડિયા (સરકારી કંપની)ની ઇજારાશાહી તૂટશે અને દેશમાં કાર્યક્ષમ ઊર્જા માટેનું માર્કેટ ઊભું થશે. મર્ચન્ટ કૉલ માઇનિંગ માટેની આ પ્રકારની છૂટ વિશ્વની મોટી-મોટી એનર્જી કંપનીઓને ભારતમાં ઉત્પાદન યુનિટો સ્થાપવા માટે આકર્ષશે. પરિણામે કોલસાની આયાતોમાં પણ ઘટાડો થશે. વિદેશી રોકાણકારોને મળેલ આવી છૂટને કારણે દેશમાં નવી અને સસ્ટેઇનેબલ ટેક્નૉલૉજી પણ આવશે જેને કારણે આપણા કૉલ સેક્ટરની હરીફશક્તિ વધશે.

અમેરિકાની જે કંપનીઓએ ચીનમાં સસ્તા ઉત્પાદન માટેનાં યુનિટો ઊભાં કર્યાં છે એ અમેરિકન સરકારના દબાણ હેઠળ બંધ કરવાની નોબત આવી છે. શક્યતા એવી છે કે ટ્રમ્પ અૅડ્‍‍િમનિસ્ટ્રેશન ઑક્ટોબરમાં ચીનથી અમેરિકા ખાતે કરાતી નિકાસો પરની ડ્યુટી વધારીને ૩૦ ટકા કરે તો ચીનમાં ઉત્પાદન કરતી કંપનીઓની કિંમતોની ગણતરી ઊંધી પડે. ભારત માટે આ એક તક ગણાય અને એ ઝડપવા માટે સરકારે અનેક ક્ષેત્રોના વિદેશી મૂડીરોકાણ માટેના નિયમો હળવા કર્યા છે. કૉન્ટ્રૅક્ટ મૅન્યુફૅક્ચરિંગ અને સિંગલ બ્રૅન્ડ રીટેલ ક્ષેત્રના વિદેશી મૂડીરોકાણ માટેની છૂટછાટો અમેરિકન કંપનીઓ અને ઉદ્યોગોને તેમનાં ઉત્પાદન યુનિટો ચીનમાંથી ભારતમાં ખસેડવા માટે પ્રોત્સાહન આપશે.

ભારતમાં બિસ્કિટનું વેચાણ ઘટી રહ્યું છે પણ સ્માર્ટફોનનું વેચાણ વધી રહ્યું છે. એ સંજોગોમાં અમેરિકાની ઍપલ કંપની ચીન છોડીને ભારતમાં આવે તો એને પગલે-પગલે બીજી ઘણીબધી કંપનીઓ પણ ભારતમાં આવવાનું વિચારે તો નવાઈ નહીં.

જોકે આવો ધરખમ ફેરફાર દેખાય એટલો સરળ નથી. ભારતની ઉત્પાદનની કાર્યક્ષમતા બાબતે જોઈએ એવી નામના નથી. એટલે જ કુલ રાષ્ટ્રીય આવકમાં ઔદ્યોગિક ઉત્પાદનનો ફાળો સેવાના ક્ષેત્રના ફાળા જેટલી ઝડપથી વધતો નથી.

સરકારે પૅસેન્જર વેહિકલ્સના સ્લૉડાઉનના ઉપાય તરીકે તેના ઑફિસરો માટે ગાડીઓ ખરીદવા માટે ફન્ડ ફાળવવાની વાત કરી છે, પણ સરકારે લીધેલાં કે જાહેર કરાયેલાં પગલાંઓમાં ક્યાંય ગ્રામ્ય વિસ્તારોમાં વપરાશના ઘટાડાને કે સ્લૉડાઉનને અસર કરે એવાં કોઈ પગલાંઓનો ઉલ્લેખ નથી.

ગ્રામ્ય વિસ્તારોની ગંભીર પરિસ્થિતિનો ખ્યાલ એ પરથી આવે છે કે જૂન ૨૦૧૯માં પૂરાં થતાં બે વરસમાં કૃષિક્ષેત્રના રિયલ વેતનમાં વાર્ષિક ૦.૫ ટકાનો ઘટાડો થયો છે, જ્યારે એ સિવાયનાં ક્ષેત્રોમાં રિયલ વેતનના દર લગભગ સ્થગિત થઈ ગયા છે. આનું પ્રતિબિંબ ૨૦૧૪-’૧૫થી ૨૦૧૭-’૧૮ સુધીના ગ્રામ્ય અને શહેરી વિસ્તારોના વપરાશખર્ચના વાર્ષિક ૪ ટકાના ઘટાડામાં પણ પડે છે. શહેરી વિસ્તારોમાં રીટેલ ફૂડ ઇન્ફલેશન છેલ્લા ચાર મહિનામાં ૪ ટકાની આસપાસ છે, જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં આ દર શૂન્ય આસપાસ. એ પણ ગામડાંઓમાં સતત અને સતત ઘટી રહેલી માગનો ચિતાર આપે છે. છેલ્લાં બે વરસમાં ટર્મ્સ ઑફ ટ્રેડ ફાર્મિંગની તરફેણમાં નહીં, પણ વિરુદ્ધમાં થતી જાય છે.

આ પણ વાંચોઃ ક્રેડિટ કાર્ડની આ સુવિધાનો ઉઠાવો લાભ, મળશે આટલા ફાયદા

દર ત્રણ માણસની વસ્તીએ બે માણસ ગામડામાં વસે છે અને વપરાશખર્ચમાં તેમનો મોટો હિસ્સો છે તો પણ ગામડાંના ગરીબ કારીગરો અને ખેડૂતો અને છૂટક વેતન પર નભતા ખેતમજૂરોના કોઈ પ્રેશર ગ્રુપ કે લૉબીનો અવાજ સરકાર સુધી પહોંચતો નથી. ઉત્પાદન અને સેવાના ક્ષેત્રે શહેરી વિસ્તારમાં થઈ રહેલ કારીગરોની છટણી અને બાંધકામ ક્ષેત્રની મંદીને કારણે નોકરીઓ માટે ગામડાંઓમાંથી શહેરોમાં સ્થળાંતર (માઇગ્રેશન) કરી ગયેલા લોકોનો ગામડાં ભણી ઘસારો (ઘરવાપસી) ગામડાંઓમાં બેકારોની ફોજમાં વધારો કરશે. ગામડાંઓમાં વેતનના દર ઘટવાની સંભાવના છે. માત્ર સુપર-રિચને મદદ થાય એવા કે વિદેશી અને દેશી મૂડીરોકાણકારોની સેન્ટિમેન્ટ સુધરે એવાં પગલાંઓથી અર્થતંત્રની હાલત બહુ સુધરી શકે નહીં. જ્યાં સુધી ગ્રામ્ય વિસ્તારોમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરના પ્રકલ્પો દ્વારા નવી રોજગારી ઊભી કરી વપરાશખર્ચ માટેની માગ ઊભી નહીં કરાય ત્યાં સુધી બૅન્કો પાસે ધિરાણ માટેનાં નાણાંની છૂટ, વ્યાજના નીચા દર કે અર્થતંત્રમાં વધારાનાં નાણાંની ઉપલબ્ધિ માત્રથી અર્થતંત્રમાં પ્રાણ ફૂંકવાનું શક્ય નહીં બને.
(લેખક ઇિન્ડયન મર્ચન્ટ્સ ચેમ્બરના ભૂતપૂર્વ ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ છે)

Whatsapp-channel Whatsapp-channel

09 September, 2019 07:53 AM IST | મુંબઈ | અર્થતંત્રના આટાપાટા - જિતેન્દ્ર સંઘવી

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK