Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > ચાલુ નાણાકીય વર્ષમાં જ્વેલરીનો વ્યાપાર નબળો રહેવાની આશંકા

ચાલુ નાણાકીય વર્ષમાં જ્વેલરીનો વ્યાપાર નબળો રહેવાની આશંકા

24 June, 2020 02:31 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ચાલુ નાણાકીય વર્ષમાં જ્વેલરીનો વ્યાપાર નબળો રહેવાની આશંકા

ફાઈલ તસવીર

ફાઈલ તસવીર


કોરોનાની મહામારી અને વિવિધ દેશો વચ્ચે તંગ રાજદ્વારી સંબંધોના કારણે નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧માં ઘરેણાનો વ્યાપાર લૉકડાઉન પછી પણ બહુ તીવ્ર રીતે વધે એવી આશા નથી. ઊલટું એવું માનવામાં આવી રહ્યું છે કે આ વર્ષે વ્યાપાર મંદ રહેશે. ભારત અને ચીન વચ્ચે સરહદે થયેલા ઘર્ષણથી વાતાવરણ બધારે બગડ્યું છે.

વર્તમાન પરિસ્થિતિમાંથી બહાર નીકળતા એક વર્ષ જેટલો સમય લાગી શકે એમ જેમ્સ અૅન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રોમોશન કાઉન્સિલના ચૅરમૅન કોલિન શાહે જણાવ્યું હતું.



આગામી દિવસોમાં તહેવારોની સીઝન આવી રહી છે અને સામે કોરોના મહામારીનો ડર પણ છે એટલે ખરીદીની મોસમમાં કેવો બિઝનેસ થાય છે એ જોવાનું રહ્યું.


ચાલુ નાણાકીય વર્ષમાં મોટી ખરીદી નીકળે એવી અમારી ધારણા નથી. કોરોના મહામારીના કારણે લોકોની આવક ઘટી છે અને તેમણે બિનજરૂરી ખર્ચ ઉપર કાપ મૂક્યો છે. છતાં તહેવારોમાં થોડી ખરીદી નીકળે તેવી શક્યતા નકારી શકાય નહી, એમ સ્વર્ણ શિલ્પ બચાવો કમિટીના બબલુ ડેએ જણાવ્યું હતું.  તેમણે જણાવ્યું હતું કે અત્યારે રિટેલમાં ખરીદી અટકી પડી છે અને જો વર્તમાન સ્થિતિ આગામી થોડા મહિના પણ ચાલુ રહે તો સંખ્યાબંધ રિટેલર પાસે દુકાન બંધ કરવા સિવાય કોઈ વિકલ્પ બચશે નહીં.

બંગલા દેશથી આયાત થતી ૯૭ ટકા ચીજો ઉપર ટૅક્સમાં રાહત આપવાની ચીને જાહેરાત કરી છે. આ રાહત તા. ૧ જુલાઈથી અમલમાં આવશે એની પણ જ્વેલરી માગ અને નિકાસ ઉપર અસર પડી શકે એવી શક્યતા છે.

અત્રે નોંધવું જોઈએ કે મહામારી પહેલાં જ ભારતમાં સોનાના ઊંચા ભાવના કારણે ઘરેણાની ઘરેલું માગ પણ ઘટી રહી હતી. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના અહેવાલ અનુસાર માગ ૪૧ ટકા ઘટી ૧૧ વર્ષમાં સૌથી નીચે માત્ર ૭૩.૯ ટન નોંધાઈ છે. ભારતમાં સોનાના વિક્રમી ભાવ અને કોરોના વાઇરસના કારણે બંધ બજારોના કારણે ઘટી રહી છે. ભારતનું ચલણ ડૉલર સામે નબળું પડી રહ્યું છે તેમ જ આર્થિક વિકાસ પણ મંદ પડી રહ્યો હોવાથી માગ ઘટી છે.


કોલિન શાહ જણાવે છે કે ભારતમાંથી થતી જેમ્સ એન્ડ જ્વેલરી નિકાસમાં હૉન્ગકૉન્ગ અને ચીનનો હિસ્સો ત્રીજા ભાગનો છે. ગત નાણાકીય વર્ષમાં હૉન્ગકૉન્ગમાં રાજકીય અનિશ્ચિતતા અને અમેરિકા અને ચીન વચ્ચેના ટ્રેડ-વૉરના કારણે ભારતની નિકાસ ૮.૯૧ ટકા ઘટી ૨,૫૧,૦૯૬ કરોડ રૂપિયા રહી હતી.

ચાલુ વર્ષે દેશની જેમ્સ અૅન્ડ જ્વેલરી નિકાસ એપ્રિલ અને મે મહિનામાં ૮૨.૩૧ ટકા ઘટી ગઈ હતી. પૉલિશ્ડ ડાયમંડની નિકાસ આ બે મહિનામાં ૭૭.૪૨ ટકા ઘટી ગઈ હતી. ચીન એકલું દેશના હીરાની નિકાસનું ૧૫ ટકા ખરીદદાર છે એટલે બન્ને દેશ વચ્ચે સંબંધોમાં ઓટ આવે તો ઉદ્યોગ ઉપર ચોક્કસ અસર પડશે.

Whatsapp-channel Whatsapp-channel

24 June, 2020 02:31 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK