Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > બજેટ-પૉલિસીની અસર પૂરી થઈ: ઇલેક્શનની અસર છવાતી જાય છે

બજેટ-પૉલિસીની અસર પૂરી થઈ: ઇલેક્શનની અસર છવાતી જાય છે

11 February, 2019 09:37 AM IST |
જયેશ ચિતલિયા

બજેટ-પૉલિસીની અસર પૂરી થઈ: ઇલેક્શનની અસર છવાતી જાય છે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


શૅરબજારની સાદીવાત 

બજેટ બાદના બજારના પહેલા દિવસે ગયા સોમવારે માર્કેટ રોલરકોસ્ટર બન્યું હતું. બજેટની અસરે તેજી થશે કે સરકારની ફિસ્કલ ડેફિસિટ વધવાના ભયથી બજાર મંદ રહેશે એવી શંકા વચ્ચે બજાર સતત વધઘટ કરતું રહ્યું હતું અને દિવસના અંતે સેન્સેક્સ ૧૧૩ પૉઇન્ટ પ્લસ બંધ રહ્યો હતો. જોકે સ્મૉલ અને મિડ કૅપ શૅરો ઘટ્યા હતા. રિઝર્વ બૅન્ક ગુરુવારની એની પૉલિસીમાં વ્યાજદરમાં ઘટાડો કરશે નહીં એવી ચિંતા પણ બજારમાં થઈ હતી. બીજી બાજુ દેશમાં પશ્ચિમ બંગાળમાં રાજકીય તમાશાને કારણે સંસદમાં અસર જોવા મળી હતી. મંગળવારે પણ રોલરકોસ્ટર જેવી વધઘટ ચાલુ રહી હતી. માત્ર એના પ્રમાણમાં અને ઝડપમાં થોડો ફરક હતો. જોકે આખરમાં સેન્સેક્સ ૩૪ પૉઇન્ટ અને નિફ્ટી બાવીસ પૉઇન્ટ પ્લસ બંધ રહ્યા હતા. ઑટો સ્ટૉક્સ સિવાય બાકીનાં તમામ સેક્ટરમાં નબળાઈ રહી હતી. સ્મૉલ-મિડ કૅપ શૅર મંગળવારે પણ ડાઉન રહ્યા હતા. બુધવારે બજારમાં સુધારાનો પાંચમો દિવસ હતો. સેન્સેક્સમાં ૩૫૮ પૉઇન્ટનો અને નિફ્ટીમાં ૧૨૮ પૉઇન્ટનો વધારો થયો હતો, જેને પગલે સેન્સેક્સ ૩૭,૦૦૦ની સાવ જ નજીક પહોંચ્યો હતો અને નિફ્ટી લાંબા સમય બાદ ૧૧,૦૦૦ને પાર કરી ગયો હતો. જોકે સ્મૉલ-મિડ કૅપ હજી મંદ રહ્યા હતા.



પૉલિસીમાં રેટકટ પણ...


ગુરુવારે રિઝર્વ બૅન્કની નાણાનીતિની જાહેરાત થઈ હતી. એમાં રેપો રેટમાં ૨૫ બેસિસ પૉઇન્ટ (પા ટકા)નો ઘટાડો જાહેર કરવામાં આવતાં બૅન્કોનો ધિરાણખર્ચ નીચો આવશે અને પ્રવાહિતા વધશે એવી ધારણા મૂકી શકાય. બજેટે પણ પ્રવાહિતા વધે અને વપરાશ પણ વધે એવો આશય રાખ્યો છે. આમ સરકાર અને રિઝર્વ બૅન્ક બન્ને સમાન દિશામાં એકસાથે આગળ વધી રહ્યાં છે ત્યારે આગામી સમયમાં કૉર્પોરેટ અર્નિંગ્સ પણ વધવાની આશા રહે એ સહજ છે. જોકે ગુરુવારે બજાર શરૂમાં વધ્યા બાદ વધઘટ થતું રહીને આખરમાં ફ્લૅટ બંધ રહ્યું હતું. નિફ્ટી ૧૧,૦૦૦ ઉપર ટકી રહ્યો, પણ સેન્સેક્સ ૩૭,૦૦૦ સુધી પહોંચી શક્યો નહીં. શુક્રવારે બજાર સાધારણ વધઘટ કરતું રહ્યું હતું, પરંતુ બપોર પછી અને ખાસ કરીને છેલ્લા એક કલાકમાં એ સડસડાટ નીચે ઊતરવા લાગ્યું હતું. ટ્રેડિંગના અંતે સેન્સેક્સ ૪૨૪ પૉઇન્ટ અને નિફ્ટી ૧૨૫ પૉઇન્ટ માઇનસ બંધ થતાં નિફ્ટી ૧૧,૦૦૦ની નીચે અને સેન્સેક્સ ૩૭,૦૦૦ની નીચે બંધ રહ્યા હતા. નવાઈની વાત એ હતી કે આગલા દિવસે રિઝર્વ બૅન્કની પૉલિસી અને એના સંકેતો તેજીલક્ષી હોવા છતાં આમ બન્યું હતું. આમ અત્યારે તો ઇલેક્શન ફિવરમાં માર્કેટની ચાલ આવી અણધારી, તોફાની અને ચંચળ જ રહેવાની શક્યતા સાથે રોકાણ કરવાની તૈયારી જોઈશે. જોકે લાંબા ગાળાના રોકાણકારોએ આવી ચિંતા કરવાની જરૂર રહેશે નહીં. એમ છતાં ઇલેક્શન પરિણામનું રિસ્ક તો ધ્યાનમાં રાખવું જ પડશે. અત્યારે તો કુછ ભી હો સકતા હૈનો માહોલ છે. માર્કેટ-બ્રેડ્થ નેગેટિવ રહી છે અને સંખ્યાબંધ શૅરો બાવન સપ્તાહની નીચલી સપાટીએ પહોંચ્યા છે.

ટૂંકા ગાળાની અસર નહીં


બજેટની સંભવિત અસરોની બજાર માટે વધુ આશા રાખવી નકામી છે. ઇકૉનૉમીને ટૂંકા ગાળામાં વેગ આપે એવું આ બજેટમાં કંઈ નથી. બજેટ લાંબા ગાળાનાં પગલાંરૂપે બહેતર છે, પરંતુ હાલ સૌથી વધુ અસરકર્તા પરિબળ ચૂંટણી અને ગ્લોબલ સંજોગો રહેશે. પાંચ લાખ રૂપિયા સુધીની આવકને કરમુક્ત કરવાથી કે હાઉસિંગ સેક્ટરને થોડી રાહત-થોડું પ્રોત્સાહન આપવાથી કોઈ મોટા ફેરફાર થવાની શક્યતા જણાતી નથી. ઊલટાનું સરકારના બૉરોઇંગ કાર્યક્રમથી નૉન-બૅન્કિંગ ફાઇનૅન્સ કંપનીઓ તેમ જ રિયલ્ટી કંપનીઓ પર દબાણ વધી શકે છે.

રિઝર્વ બૅન્કની નાણાનીતિ

સરકારને રિઝર્વ બૅન્ક પાસેથી નાણાભંડોળની આશા છે. જે મુદ્દો અગાઉ વિવાદનો બન્યો હતો એ હવે શાંતિથી પતી જાય એવી આશા છે. રિઝર્વ બૅન્કની ૧૮ ફેબ્રુઆરીએ મળનારી બેઠકમાં સરકારને ઇન્ટરિમ ડિવિડન્ડ આપવાની જાહેરાત થશે. જોકે ગુરુવારે પૉલિસીની જાહેરાતના દિવસે રેપો રેટમાં પા ટકાના ઘટાડા છતાં બજાર પર એની ઠંડી અસર રહી હતી. જોકે આગામી ક્વૉર્ટરમાં આની વધુ અસર જોવાશે એમ કહેવાય છે. બૅન્કો પણ રેટકટ લઈને આગળ આવે તો નવાઈ નહીં. અત્યારે તો પ્રવાહિતા વધી રહી છે એ નોંધવું રહ્યું. આનો લાભ ફ્ગ્જ્ઘ્ને પણ મળી શકે છે. નાણાપ્રધાને અને આર્થિક બાબતોના સચિવે પૉલિસીનાં પગલાંને આવકાર્યાં છે તેમ જ આને કારણે ઇકૉનૉમીને વેગ મળશે એવું પણ કહ્યું છે.

વિદેશી રોકાણકારોનો અભિગમ

ફોરેન ઇન્વેસ્ટરોને લાગેવળગે છે ત્યાં સુધી તેઓ માટે ભારતીય બજાર આકર્ષક ખરું, પરંતુ તેઓ હાલ કોઈ ઉતાવળ નહીં કરે, તેમણે ઘણું વેચાણ ગયા વરસે કર્યું છે. હવે તેઓ વધુ ખરીદી માટે ચૂંટણીના સંકેતોનો અભ્યાસ કરતા રહેશે. વધુમાં તેઓ અમેરિકા-ચીનના વેપાર વિશે પણ અભ્યાસ કરતા રહેશે. અન્ય ઊભરતા અથતંત્ર પર પણ તેમનું ધ્યાન હોવું સ્વાભાવિક છે. ભારતમાં વિદેશી રોકાણપ્રવાહ આવશે જરૂર, પણ બહુ મોટા પાયે આવશે એમ માની લેવાની ઉતાવળ કરવા જેવી નથી.

ભારત માટે ઊંચો આશાવાદ

તાજેતરના એક ગ્લોબલ રિસર્ચ રિપોર્ટ મુજબ આગામી વરસ ૨૦૩૦ સુધીમાં ભારતીય ઇકૉનૉમી વધુ મોટી થઈ જવાની આશા વ્યક્ત થઈ છે. એટલું જ નહીં, ભારત ઇમર્જિંગ દેશોમાં ટોચના સ્થાને હશે અને ચીનનો વિકાસ ધીમો પડવાથી ભારતને ઝડપી વિકાસ માટે સ્કોપ વધશે એવું અનુમાન પણ પ્રોત્સાહક છે. અહીં એ નોંધવું ખાસ જરૂરી છે કે રિપોર્ટે ભારતના GSTના અને ઇન્સૉલ્વન્સી કોડના આર્થિક સુધારાને આવકાર્યા છે જેની સારી અસર હવે પછીનાં વરસોમાં વધુ જોવા મળશે.

અનિલ અંબાણી ગ્રુપના શૅરોમાં ભયની લાગણી

ગયા સોમવારે રિલાયન્સ કમ્યુનિકેશનના શૅરે ભાવના કડાકામાં રેકૉર્ડ બ્રેક કર્યો હતો. ૨૦૦૮માં ૮૫૦ રૂપિયાનો ઊંચો ભાવ બતાવનાર આ શૅરે સોમવારે સાડાસાત રૂપિયાનો ભાવ દર્શાવ્યો હતો. દસ વરસમાં એક શૅર ક્યાંથી ક્યાં પહોંચી શકે છે એ પણ સમજવા અને યાદ રાખવા જેવી વાત છે. આમ તો ઓવરઑલ અનિલ અંબાણી ગ્રુપમાં ગંભીર અને ચિંતાજનક માહોલ બન્યો છે. રોકાણકારો આ વિષયમાં એના ભાવોને જોઈ આર્ય અને આઘાતની લાગણી પણ અનુભવી રહ્યા છે, જ્યારે ઘણા આ સાવ નીચા ગયેલા ભાવોને રોકાણની તક બનાવવાનું વિચારી રહ્યા છે જેમાં ડાઉન સાઇડ જોખમ નીચું દેખાય છે.

નાની ખાસ વાત - FIIનો હિસ્સો

FII (ફૉરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટરો)નો ઇãકવટી હિસ્સો ગયા ડિસેમ્બરના અંતે ૩૮૭ જેટલી કંપનીઓમાં વધ્યો હતો. એમાં HDFC, ભારત ફાઇનૅન્શિયલ, ઇન્ડિયાબુલ્સ હાઉસિંગ, ઇન્ડસઇન્ડ બૅન્ક, શ્રીરામ ટ્રાન્સપોર્ટ, ભારતી ઇન્ફ્રાટેલ, ઝી એન્ટરટેઇનમેન્ટ, હીરો મોટર વગેરેનો સમાવેશ થાય છે.

નાની સાદી વાત - યાદ રાખો

લાંબા ગાળાની સાઇકલને ટૂંકા ગાળાના સમાચાર ક્યારેય નડતા નથી; જ્યારે ટૂંકા ગાળાની સાઇકલને ટૂંકા ગાળાના રાજકીય, આર્થિક યા અન્ય સમાચાર ચોક્કસ અસર કરે છે.

Whatsapp-channel Whatsapp-channel

11 February, 2019 09:37 AM IST | | જયેશ ચિતલિયા

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK