Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > કરેક્શનની તલવાર માથે લટકતી રહેવાની છે!

કરેક્શનની તલવાર માથે લટકતી રહેવાની છે!

17 August, 2020 08:12 AM IST | Mumbai
Jayesh Chitalia

કરેક્શનની તલવાર માથે લટકતી રહેવાની છે!

શૅર માર્કેટ

શૅર માર્કેટ


કારણ કંઈ પણ હોય, શૅરબજારે લાંબા સમય સુધી વધવાનો ટ્રૅન્ડ ચાલુ રાખ્યો છે. માત્ર પાંચ મહિનાના ટૂંકા ગાળામાં માર્કેટનું ૪૦ ટકા વધવું એ અસાધારણ બાબત કહેવાય, તે પણ કોરોનાની અને આર્થિક મંદગતિની અસાધારણ ઘટનાના સંજોગોમાં આવો સુધારો સવાલ જગાવે છે. તેમ છતાં વાસ્તવિકતા એ છે કે બજાર વધ્યું છે, પરંતુ કયાં સુધી અને કેટલું? કોઈને નથી ખબર. તો કરવું શું? ચાલો સમજવાનો પ્રયાસ કરીએ.

શું તમને બજારની બૉટમ ખબર છે? નહીં ને! શું તમને બજારની ટૉપ ખબર છે? નહીં ને! અર્થાત બજાર કયા લેવલ સુધી નીચે જશે અને કયા લેવલ સુધી ઉપર જશે? એની પાક્કી ખાતરી કોઈને જ હોતી નથી. અલબત્ત, અંદાજ મૂકી શકાય છે. અત્યારે દેશના અને વિશ્વના આર્થિક સંજોગોને ધ્યાનમાં રાખતા બજારની ચાલ વિચિત્ર લાગવી સહજ છે. આપણે ગયા વખતે વાત કરી હતી કે કરેક્શન અને રિકવરી એકબીજાની આગળ-પાછળ ચાલી રહ્યા છે જેને કારણે રોકાણકારો મુકાઈને શું પકડું એવું વિચારી રહ્યા છે. તેથી જ અહીં કહેવાનું એ છે કે બૉટમ અને ટૉપ કયારેય નહીં સમજાય કે પકડાય. તેથી બજાર પ્રવેશ માટે હાલ કયો સમય યોગ્ય છે એ કળવું કઠિન છે. જો તમે લાંબા ગાળાના રોકાણકાર છો તો સિલેકટેડ શૅર જમા કરતા જાવ, પરંતુ દરેક મોટા કડાકામાં જ આમ કરજો. જ્યારે કે મોટા ઉછાળામાં નફો બુક કરતા રહો. તમને થશે કે અમે એક તરફ લાંબા ગાળાના રોકાણની વાત કરીએ છીએ અને પાછાં નફો બુક કરવાની પણ વાત કરીએ છીએ, જેનું કારણ એ છે કે હાલ બજાર પાસે કોઈ ચોક્કસ દિશા નથી. જ્યારે કે અનિશ્ચિતતા ઊભી છે અને વધતી રહેવાની છે. માર્કેટની ચાલ અર્થતંત્રની ગતિ સાથે ક્યાંય મેળ ખાતી નથી. આવામાં લાંબા ગાળાની ખરીદી સલામતી માટે આવશ્યક છે, પણ વચ્ચે-વચ્ચે આંશિક નફો બુક કરવામાં પણ શાણપણ છે. અન્યથા નફાની તક ગુમાવ્યાનો અફસોસ થયા કરશે. ૨૦થી ૨૫ ટકાનું વળતર ટૂંક સમયમાં મળતું હોય તો લઈ લેવામાં સાર અને મોટા ઘટાડામાં ખરીદી કરવાના અભિગમમાં ડહાપણ છે. આટલી વ્યવહારું વાત સાથે બજાર પર ધ્યાન રાખવું જોઈશે. આને ટ્રેડિંગ પ્રવૃત્તિ સાથે સરખાવશો નહીં.



સપ્તાહની શરૂઆત પૉઝિટિવ


ગયા સપ્તાહની શરૂઆત પૉઝિટિવ થઈ હતી. સેન્સેક્સ ૩૦૦ પૉઇન્ટથી વધુ ઊછળી પડ્યો હતો અને નિફ્ટી ૧૧૩૦૦ આસપાસ પહોંચી ગયો હતો. જોકે પ્રોફિટ બુકિંગને લીધે કરેક્શન આવ્યું હતું, પરંતુ અંતમાં સેન્સેક્સ ૧૪૨ પૉઇન્ટ વધીને ૩૮૧૮૨ જ્યારે નિફ્ટી ૫૬ પૉઇન્ટ પ્લસ થઈને ૧૧૨૭૦ બંધ રહ્યો હતો. સ્મૉલ અને મિડ કૅપમાં નોંધનીય સુધારો થયો હતો. મંગળવારે પણ આરંભ સકારાત્મક થયો હતો. તાજેતરમાં વિદેશી રોકાણકારોની ખરીદી મુખ્ય ભૂમિકા ભજવી રહી હોવાનું જાણવા મળે છે. સેન્સેક્સ ૨૨૪ પૉઇન્ટની વૃદ્ધિ સાથે ૩૮૪૦૦ ઉપર બંધ રહ્યો હતો, જ્યારે નિફટી બાવન પૉઇન્ટની વૃદ્ધિ સાથે ૧૧૩૦૦ ઉપર બંધ રહ્યો હતો.

નવા પૅકેજની આશાએ રિકવરી


બુધવારે બજારે શરૂઆત નેગેટિવ કરી હતી, જેનું મુખ્ય કારણ નફાનું બુકિંગ હતું, રશિયાએ વેક્સિનનો દાવો કરતા સોનું પણ તૂટયું હતું. ભારતીય માર્કેટમાં અત્યાર સુધી ઇક્વિટી વધવાના કારણમાં ધારણા કરતાં સારા ક્વૉર્ટરલી રિઝલ્ટ, ફોરેન ફન્ડસની ખરીદી અને ડૉલર સામે રૂપિયામાં થઈ રહેલો સુધારો તેમ જ ટ્રેડિંગ પ્રવૃત્તિનું વધતું પ્રમાણ, સેન્ટિમેન્ટ, પ્રવાહિતા તેમ જ વધુ સ્ટિમ્યુલસ પૅકેજની જાહેરાતની આશા કામ કરતી રહી છે. યુએસ સરકાર પણ ટૂંકમાં વધુ સ્ટિમ્યુલસ પૅકેજ લાવવાની વાત જોરશોરથી ચાલી રહી છે. બુધવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ અર્થતંત્રને વેગ આપવા ટૂંક સમયમાં જંગી રાહત પૅકેજ જાહેર કરે એવી વાતો વહેતી થઈ હતી. જોકે કોવિડ કેસ વધતા રહ્યા હોવાથી ઇકૉનૉમિનું રિવાઇવલ વધુ મુશ્કેલ બનવાના એંધાણ વર્તાય છે. તેમ છતાં બપોર સુધીમાં તો ઘટેલું બજાર રિકવર થવા લાગ્યું હતું. જેની માટે અર્થતંત્રના કેટલાક સારા સંકેત કારણ બન્યા હતા. જોકે અંતમાં સેન્સેક્સ રિકવરી સાથે માત્ર ૩૭ પૉઇન્ટ અને નિફ્ટી માત્ર ૧૪ પૉઇન્ટ માઇનસ રહ્યા હતા. ગુરુવારે મોદી સરકાર નવું રાહત પૅકેજ અથવા આર્થિક સુધારાના પગલાં જાહેર કરશે એવા અહેવાલ બુધવારે પ્રસરતા બજારે કરેકશન અટકાવીને રિકવરી નોંધાવી હતી. જોકે આ સમયગાળામાં સ્થાનિક સંસ્થાઓ સતત વેચવાલ રહી હોવાનું નોંધાયું છે. જે માટે મ્યુચ્યુઅલ ફન્ડસ પર રિડમ્પશનનું દબાણ હોવાનું મનાય છે. મ્યુચ્યુઅલ ફન્ડ ઉદ્યોગમાં રોકાણપ્રવાહ આવવાનો ઘટ્યો છે અને જવાનો વધ્યો છે.

ટૅક્સ રિફોર્મ્સ સર્વાંગી હિતમાં

ગુરુવારે બજારે વડા પ્રધાનની ટૅકસ રિફોર્મ્સની જાહેરાતને ધ્યાનમાં રાખી પૉઝિટિવ આરંભ કર્યો હતો. મોદી સરકારે સિમાચિહ્નરૂપ કરવેરા સુધારા જાહેર કર્યા હતા, જેમાં પ્રામાણિક કરદાતાઓને માન આપવાની વાત થઈ. સમગ્ર કરમાળખું સરળ, પારદર્શક અને કરદાતાઓ માટે મૈત્રીપૂર્ણ બનાવવાની વિધિ જાહેર કરી. ઇઝ ઑફ પેઈંગ ટૅકસ સાથે કર ભરવાની વિધિ પણ સરળ કરાઈ છે. આની પૉઝિટિવ અસર વ્યક્તિગતથી લઈ કૉર્પોરેટ કરદાતા વર્ગ, અર્થતંત્ર અને માર્કેટ પર પડશે. જોકે રાહત પૅકેજની કોઈ વાત નહીં થતા થોડી નિરાશા પણ હતી. આમ પણ બજારમાં આજકાલ પ્રોફિટ બુકિંગ તરત આવી જતું હોવાનું જણાય છે. જેથી ગુરુવારે વધઘટ સાથે બજારમાં સેન્સેક્સ અંતમાં ૫૯ પૉઇન્ટ માઇનસ થઈ ૩૮૩૧૦ બંધ અને નિફ્ટી માત્ર ૮ પૉઇન્ટ માઈનસ થઈ ૧૧૩૦૦ બંધ રહ્યા હતા. જોકે સ્મૉલ અને મિડ કૅપમાં સુધારો જોવાયો હતો. આમ રોકાણકારો લાર્જ કૅપ કરતાં સ્મૉલ અને મિડ કૅપ તરફ વધુ ખેંચાઈ રહ્યા હોવાનું પ્રતિત થાય છે.

શુક્રવારે કરેક્શનનો કડાકો

શુક્રવારે બજારે સકારાત્મક શરૂઆત કરતાં સેન્સેક્સ ૨૦૦ પૉઇન્ટ ઊંચો ખૂલ્યો હતો. જોકે ગ્લોબલ માર્કેટની નબળી કામગીરીને કારણે તેમ જ યુએસ સ્ટિમ્યુલસ પૅકેજની જાહેરાત લંબાતા ભારતીય માર્કેટમાં પણ તેની અવળી અસર જોવાઈ હતી. આ ઉપરાંત લૉકડાઉનમાંથી પ્રથમ બહાર આવનાર દેશ તરીકે ચીનમાં રિટેલ વેચાણના અને ઉત્પાદનના ડેટા નબળાં જાહેર થવાની પણ નેગેટિવ અસર થઈ હતી. આમ પણ કેટલાક સમયથી ભારતીય ઇક્વિટી મોંઘી થઈ ગઈ હોવાનું ચર્ચાતું રહ્યું છે, જેથી કરેક્શન તો ક્યારનું પાકેલું જ હતું. શુક્રવારે આમ તો માર્કેટ ઊંચે જઈ નીચે પછડાયું હોવાથી કુલ ઘટાડો ૯૦૦ પૉઇન્ટ જેવો કહી શકાય. જોકે અંતમાં સેન્સેકસ ૪૩૩ પૉઇન્ટના કડાકા સાથે ૩૭૮૭૭ પૉઇન્ટ બંધ આવ્યો હતો, જ્યારે નિફ્ટી ૧૨૨ પૉઇન્ટના ઘટાડા સાથે ૧૧૧૭૮ બંધ રહ્યો હતો. આમ સેન્સેક્સે ૩૮૦૦૦ની અને નિફ્ટીએ ૧૧૩૦૦ની સપાટી તોડી નાખી હતી. અહીં બે વાત નોંધવી મહત્ત્વની છે. એક, છેલ્લા અમુક દિવસથી સ્મૉલ અને મિડ કૅપ પર બજારનું ધ્યાન વધ્યું છે અને બીજી, સ્થાનિક ફન્ડસ-સંસ્થા નેટ વેચવાલ બની છે.

બજારના સારા-બુરા સમાચાર સંકેત
સાઉદીની જાયન્ટ કંપની અરેમ્કો ભારતમાં રિલાયન્સમાં ૧૫ અબજ ડૉલરનું રોકાણ કરે એવી શક્યતા હજી ઊભી છે.
ભારતે ૧૦૧ ડિફેન્સ સાધનોની આયાત પર પ્રતિબંધ મૂકતા આ સેક્ટરની ભારતીય કંપનીઓને તક મળશે.
કોવિડ-19ના વાતાવરણમાં ભારતમાં ૨૨ અબજ ડૉલરનું સીધું વિદેશી રોકાણ આવ્યું છે.
વિપ્રોએ ઇન્ટેલ સાથે સહયોગ કર્યો છે.
ભારતની પ્રથમ કોવિડ વેક્સિન ૨૦૨૧ સુધીમાં આવશે એવી ધારણા છે.
અૅર ઈન્ડિયાને હસ્તગત કરવા તાતા ગ્રુપ ટૂંક સમયમાં બિડ મૂકે એવી શક્યતા છે.

Whatsapp-channel Whatsapp-channel

17 August, 2020 08:12 AM IST | Mumbai | Jayesh Chitalia

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK