જેક માના સૌથી મોટા પબ્લિક ઇશ્યુમાં 3 ટ્રિલ્યન ડૉલરની અરજીઓ આવી

Published: 31st October, 2020 16:46 IST | Mumbai correspondent | Mumbai

જેક માના વિશ્વના સૌથી મોટા પબ્લિક ઇશ્યુમાં ત્રણ ટ્રિલ્યન ડૉલરની વિક્રમી અરજીઓ આવી

જેક મા
જેક મા

ચીનના અબજોપતિ જેક મા અલીબાબા પછી ફરી ન્યુઝ હેડલાઈન્સમાં આવી ગયા છે. તેમની નાણાકીય સેવાઓ આપતી કંપનીના જાહેર ભરણાને જોરદાર પ્રતિસાદ મળી રહ્યો છે. હૉન્ગકૉન્ગ અને શાંઘાઈમાં એકસાથે લિસ્ટ થનારી જેક માની કંપની એન્ટ ગ્રુપ કંપનીના ભરણામાં ત્રણ ટ્રિલ્યન ડૉલરની અરજીઓ આવી છે. સરળ ભાષામાં કહીએ તો વિશ્વની સૌથી મૂલ્યવાન કંપનીઓએ એપલ કે એમેઝોનના કુલ મૂલ્ય કરતાં પણ વધારે અરજીઓ આવી છે. ભારતીય શૅરબજાર અને જીડીપીની કુલ રકમ કરતાં આ અરજી વધારે છે.
એન્ટ ગ્રુપનું આ ભરણું ફરી એક વખત જેક માના નામે વિક્રમ અંકે કરશે. સાઉદી અરમ્કોના ગત ડિસેમ્બરના આઇપીઓ પહેલાં વિશ્વના સૌથી મોટા શૅરબજારના પબ્લિક ઇશ્યુનો રેકૉર્ડ અલીબાબા પાસે હતો. એન્ટ ગ્રુપનો આઇપીઓ ૩૪.૫ અબજ ડૉલર એકત્ર કરવાની નેમ ધરાવે છે અને તે ફરી વિશ્વનો સૌથી મોટો પબ્લિક ઇશ્યુ બની જશે. આ પછી વિશ્વના સૌથી મોટા પબ્લિક ઇશ્યુમાં અરમ્કો ૨૯.૪ અબજ ડૉલર અને અલીબાબા ૨૫ અબજ ડૉલર સાથે અનુક્રમે બીજા અને ત્રીજા સ્થાને આવશે.
એન્ટ ગ્રુપના શૅરોમાં તા. ૫ નવેમ્બરથી ટ્રેડિંગ શરૂ થવાનું છે. આ ઇશ્યુમાં લોકોને વળતર મળે કે નહીં પણ ચીન અને અન્ય રોકાણકાર આ ઇશ્યુની સફળતાને રાજકીય વિજય તરીકે જોઈ રહ્યા છે. અમેરિકા દ્વારા ચીન સાથે ટ્રેડ વૉર બાદ કોરોના વાઇરસ માટે તેને જવાબદાર ઠેરવી ચીનની કંપનીઓના અમેરિકન બજારમાં પ્રવેશ ઉપર નિયંત્રણ લાદ્યા છે. આ નિયંત્રણ સામે જો આટલી મોટી રકમ હૉન્ગકૉન્ગ અને શાંઘાઈની બજારમાંથી એકત્ર થતી હોય તો ચીન માટે એ એક મોટો વિજય હશે. હૉન્ગકૉન્ગની બજારમાં રિટેલ ઇન્વેસ્ટર દ્વારા પણ આ આઇપીઓ માટે લાઇન લગાવવામાં આવી છે. કુલ ઑફર કરેલા શૅર કરતાં ૩૯૪ ગણી માગ જોવા મળી રહી છે. કેટલાક બ્રોકરે પોતાના ટર્મિનલ બહુ માગના કારણે બંધ કરવાની ફરજ પડી હતી. એકલા રિટેલ ઇન્વેસ્ટર દ્વારા આ ઇશ્યુમાં ૧૬ અબજ ડૉલરની અરજી કરવામાં આવી છે.
જેક મા વિશ્વના ૧૧મા સૌથી ધનિક બનશે
મા એન્ટ ગ્રુપમાં ૮.૮ ટકા હિસ્સો ધરાવે છે. આ ઇશ્યુની સફળતા પછી તેમની મિલકતમાં ૨૭.૪ અબજ ડૉલરની વૃદ્ધિ થવાની શક્યતા છે અને તે વિશ્વની સૌથી ધનિક વ્યક્તિઓમાં ૧૧મા ક્રમે આવશે એવી આગાહી થઈ રહી છે. આ ઇશ્યુ પછી જેક માની કુલ સંપત્તિ ૭૧.૧ અબજ ડૉલર જેટલી થશે. અત્યારે મા બ્લુમબર્ગના અબજોપતિઓની યાદીમાં ૧૬મા ક્રમે છે. જોકે આટલી મોટી છલાંગ માર્યા પછી પણ તે ભારતના મુકેશ અંબાણી કરતાં એશિયામાં પાછળ જ રહેશે. અંબાણી પાસે અત્યારે ૭૭.૩ અબજ ડૉલરની સંપત્તિ છે અને તે સૌથી ધનિક એશિયન છે અને વિશ્વમાં છઠ્ઠા ક્રમ ઉપર આવે છે. 

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK