Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > વૈશ્વિક શૅરબજારનો સત્તાવાર રીતે મંદીપ્રવેશ

વૈશ્વિક શૅરબજારનો સત્તાવાર રીતે મંદીપ્રવેશ

13 March, 2020 12:21 PM IST | Mumbai Desk

વૈશ્વિક શૅરબજારનો સત્તાવાર રીતે મંદીપ્રવેશ

સ્ટૉક માર્કેટનો મંદીપ્રવેશ

સ્ટૉક માર્કેટનો મંદીપ્રવેશ


વૈશ્વિક નાણાબજાર હવે કોરોના વાઇરસની અવગણના કરવાની આકરી કિંમત ચૂકવી રહ્યું છે. તા. ૨૭ જાન્યુઆરીએ પ્રથમ વખત ચીને આ જીવલેણ રોગની જાણકારી વિશ્વને આપી એ પછી સતત શૅરબજાર તે સ્થાનિક સમસ્યા છે એવું માની વિક્રમી સપાટીએ જ ચાલી રહ્યાં હતાં.
સોનાના ભાવમાં તેજીનો રણકાર અને અમેરિકાના બૉન્ડના યિલ્ડ આ બીમારી વૈશ્વિક અર્થતંત્ર સમક્ષ પડકાર ઊભા કરી શકે છે તેવા સંકેત આપી રહ્યા હતા, પણ જોખમ લઈ શૅર ખરીદનારા તેની ચિંતા કરી રહ્યા નહોતા. માર્ચ મહિનાના પ્રથમ ૧૨ દિવસમાં હવે શૅરબજારમાં કડાકા બોલી રહ્યા છે. વિક્રમી સ્તરેથી બજાર એટલા જ વિક્રમી બળથી નીચે પટકાઈ રહ્યા છે. આ ઘટાડાની સાથે વૈશ્વિક બજારમાંથી પાંચ લાખ કરોડ ડૉલરની સંપત્તિ સાફ થઈ ગઈ છે. અબજોપતિઓની લિસ્ટેડ કંપનીઓના ભાવ ગગડી રહ્યા છે અને તેમની સંપત્તિ પણ ઘટી રહી છે.
શૅરબજારમાં મંદીનો જવર બુધવારે અમેરિકન બજારમાં જોવા મળ્યો હતો અને હવે ભારતીય બજાર સુધી લંબાયો છે. ડરનો સંકેત આપતા વોલેટિલિટી ઇન્ડેક્સ નવી વિક્રમી સપાટીએ જોવા મળી રહ્યા છે અને તેની સાથે ક્રૂડ ઑઈલમાં સઉદી અરબ અને રશિયા વચ્ચેના યુદ્ધે નવી આફત નોતરી છે. અત્યારના જે સંકેતો છે તે જણાવી રહ્યા છે કે શૅરબજારમાં મંદી છે અને ૨૦૦૮ જેવી આર્થિક મંદી તરફ વિશ્વ આગળ વધી રહ્યું છે.
બુધવાર સુધીમાં ડો-જોન્સ ૨૩.૩૫ ટકા, એસઅૅન્ડપી ૫૦૦ ઇન્ડેક્સ ૨૨.૦૨ ટકા, નાસ્ડાક ૨૦ ટકા, નિક્કાઈ ૨૨.૧૧ ટકા, જર્મનીમાં ડાક્સ ૨૪.૧૮ ટકા, ફ્રાન્સમાં કાક ૨૪.૪૧ ટકા અને લંડનમાં એફટીએસઇ ઇન્ડેક્સ ૨૨ ટકા ઘટી ગયા છે અને તે મંદીના પ્રભાવમાં આવી ગયા છે. કોરિયામાં કોસ્પી ૧૮.૨૯ ટકાના ઘટાડા સાથે મંદીના બારણે છે. આજના ઘટાડા સાથે નિફ્ટી તા. ૨૦ જાન્યુઆરીના ૧૨,૪૩૦.૫૦ની ઊંચી સપાટી સામે ૨૨.૮૫ ટકા ઘટી ગયો છે. સેન્સેક્સ પણ ૪૨,૨૭૩ની વિક્રમી સપાટી કરતાં ૨૨.૪ ટકા ઘટી ગયો છે. કોઈ પણ ઇન્ડેક્સ કે શૅર તેની ઊંચી સપાટીથી ૨૦ ટકા કરતાં વધારે ઘટે તો તેને સત્તાવાર રીતે મંદીની નિશાની માનવામાં આવે છે.
જાન્યુઆરી ૨૦૧૦ પછી બે ટકાથી વધારે ઘટાડો થયો હોય એવા ૬૩ ટ્રેડિંગ સત્રમાંથી ૨૭ ઘટાડા મે ૨૦૧૪ પછી જોવા મળ્યા છે. ત્રણ ટકાથી વધારે સેન્સેક્સ ઘટ્યો હોય એવા ૧૦ કિસ્સામાં પાંચ કિસ્સા મોદી સરકારના શાસનમાં જોવા મળ્યા છે. પાંચ ટકાથી વધુના ત્રણ ઘટાડા ઑગસ્ટ ૨૦૧૫ અને માર્ચ ૨૦૨૦માં નરેન્દ્ર મોદી સરકારના શાસનમાં જ જોવા મળ્યા છે. નિફ્ટી ઇન્ડેક્સમાં એક જ દિવસમાં સૌથી વધુ ઘટાડા – પૉઇન્ટની દૃષ્ટિએ તા. ૧૨ માર્ચ ૨૦૨૦ ૮૨૫, તા. ૯ માર્ચ ૨૦૨૦ ૫૩૮ અને ૨૧ જાન્યુઆરી ૨૦૦૮ ૪૯૧ પૉઇન્ટ અને તા. ૨૮ ફેબ્રુઆરી ૨૦૨૦ ૪૩૨ના રોજ જોવા મળ્યા છે.
ભારતીય રોકાણકારોની
કમાણી શૂન્ય થઈ ગઈ
શૅરબજારમાં વર્ષ ૨૦૧૯ની તેજી જાન્યુઆરી ૨૦૨૦ સુધી ચાલુ રહી હતી અને કેટલીક પસંદગીની કંપનીઓના શૅરમાં ખરીદી સાથે સેન્સેક્સ અને નિફ્ટી વિક્રમી સપાટીએ પહોંચ્યા હતા. આ તેજી બજેટ બાદ તા. ૧૨ ફેબ્રુઆરી વૈશ્વિક શૅરબજારનો સત્તાવાર રીતે મંદીપ્રવેશ સુધી ચાલી હતી, પણ હવે વૈશ્વિક બજારોની સાથે ભારતીય બજાર પણ સત્તાવાર રીતે મંદીમાં પ્રવેશી ગયું છે. શૅરબજારમાં આજના ઘટાડાએ એક જ ઝાટકે રોકાણકારોની શૅરની કમાણી સાફ કરી નાખી છે.
તા. ૧૨ ફેબ્રુઆરીએ પણ બજારને કોરોના વાઇરસની જાણ હતી પણ તેની અવગણના કરી બજારો વધ્યે જ રાખતા હતા. આ દિવસે બીએસઈ ઉપર કુલ માર્કેટ કેપિટલાઇઝેશન ૧૫૯,૬૬,૦૧૮ કરોડ રૂપિયા હતું. આજે બજાર બંધ રહી ત્યારે કુલ માર્કેટ કેપિટલાઇઝેશન ૧૨૫,૭૦,૬૫૨ લાખ કરોડ રૂપિયા રહ્યું છે. એક જ મહિનામાં ૩૩,૯૫,૬૬૬ કરોડનું ધોવાણ થઈ ગયું છે. ગુરુવારે એક જ દિવસમાં રોકાણકારોએ ૧૧.૨૭ લાખ કરોડ રૂપિયાની સંપત્તિ ગુમાવી છે.
સંપત્તિનું ધોવાણ એટલું વ્યાપક છે કે તા. ૩૦ જૂન ૨૦૧૭ પછીની આ સૌથી નીચી સપાટી છે. એટલે કે ૩૨ મહિનાની બધી જ કમાણી સાફ થઈ ગઈ છે. માત્ર બ્લુચીપ કે ઇન્ડેક્સ હેવીવેઇટ નહીં પણ દરેક ક્ષેત્રોમાં વેચવાલી આવી છે. એટલે કે જૂન પછી જેટલું રોકાણ શૅરબજારમાં કર્યું તેની સામે હવે રોકાણકારને (સરેરાશ કે એકંદરે) કોઈ વળતર મળી રહ્યું નથી.
નિફ્ટી બૅન્કમાં આજે ઘટાડો ઑક્ટોબર ૨૦૧૨ પછીનો સૌથી મોટો ઘટાડો હતો. નિફ્ટી મિડ કૅપ અને સ્મૉલ કૅપ ઇન્ડેક્સ ત્રણ વર્ષની સૌથી નીચી સપાટીએ હતા. નિફ્ટી ઑટો ઇન્ડેક્સ છ વર્ષની સૌથી નીચી સપાટીએ પહોંચી ગયો છે. નિફ્ટી એફએમસીજી ઇન્ડેક્સ બે વર્ષની નીચી સપાટીએ, નિફ્ટી મેટલ્સ ચાર વર્ષની નીચી સપાટીએ પહોંચી ગયો છે. નિફ્ટી ફાર્મા ઇન્ડેક્સ સાત વર્ષની અને નિફ્ટી રીઅલ એસ્ટેટ ઇન્ડેક્સ એક વર્ષની નીચી સપાટીએ છે. નિફ્ટી પીએસયુ બૅન્ક ઇન્ડેક્સ ઇતિહાસની સૌથી નીચી સપાટી ઉપર છે. એટલે કે મોટાભાગના ક્ષેત્રોમાં રોકાણકારો નુકસાન કરી રહ્યા છે. વર્ષ ૨૦૨૦નું વર્ષ સ્મૉલ કૅપ અને મિડ કૅપનું રહેશે એવી આગાહી પણ અત્યારે ખોટી પડી છે.
સલામતી તરફ પ્રયાણ
વૈશ્વિક મંદીના આ પ્રવાહમાં રોકાણકારો સલામતી તરફ દોટ મૂકે છે. સૌથી મોટી અસર તેની ચલણ બજારમાં જોવા મળી રહી છે. ડૉલર વિવિધ ચલણો સામે મજબૂત થઈ રહ્યો છે. ઉભરતા અર્થતંત્રમાં રશિયાના રુબલ સામે ડૉલર ૧૬.૬૦ ટકા, બ્રાઝિલના રીઆલ સામે ૧૬.૬૦ ટકા, રૂપિયા સામે ૪.૦૩ ટકા, કોરિયાના વોન સામે ૧.૮૮ ટકા વધ્યો છે. આ ઉપરાંત કૅનડાના ડૉલર સમી ૩.૯૩ ટકા યુરો સામે પણ ૪.૧૫ ટકા વધ્યો છે. આવી જ રીતે સલામત ચલણ ગણાતું જાપાનીઝ યેન ડૉલર સામે ૫.૫૧ ટકા વધ્યું છે.
આર્થિક મંદી આવી રહી છે, વ્યાજદર ઘટશે અથવા તો નાણાં પ્રવાહિતા વધશે તેનો વધુ એક સંકેત સરકારી બૉન્ડના યિલ્ડ છે. વિવિધ સરકારના ૧૦ વર્ષના બૉન્ડના યિલ્ડ એક મહિનાથી સતત ઘટી રહ્યા છે. અમેરિકન બૉન્ડ યિલ્ડ મહિનામાં ૦.૮૧ ટકા ઘટી ગયા છે. કૅનડામાં યિલ્ડ ૦.૭૪ ટકા ઘટી ૦.૬૬ ટકા, જર્મનીમાં યિલ્ડ ૦.૩૮ ટકા ઘટી નેગેટિવ ૦.૭૫ ટકા થઈ ગયા છે. બ્રિટનમાં ૦.૩૩ ટકા ઘટી ૦.૨૭ ટકા થઈ ગયા છે, ભારત ૦.૨૨ ટકા ઘટી ૬.૨૦ ટકા, ફ્રાંસ ૦.૧૯ ટકા ઘટી નેગેટિવ ૦.૩૨ ટકા થઈ ગયા છે.


Whatsapp-channel Whatsapp-channel

13 March, 2020 12:21 PM IST | Mumbai Desk

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK