વિશ્વના અર્થતંત્રને કપરા સમયમાંથી બહાર નીકળતા લાંબો સમય લાગશે

Published: 21st September, 2020 10:37 IST | Jitendra Sanghavi | Mumbai

ભારતમાં મંદીના માહોલમાં થઈ રહેલ ભાવવધારાને કારણે વ્યાજના દર જળવાઈ રહેવાની સંભાવના વધી છે

ઈન્ડિયન ઈકૉનોમી
ઈન્ડિયન ઈકૉનોમી

વિશ્વ પર આર્થિક મંદીનાં વાદળો ઘેરાં બનતાં જાય છે. વિશ્વ બૅન્કના અર્થશાસ્ત્રીના મતે જુદા જુદા દેશો દ્વારા લદાયેલાં નિયંત્રણો અને લૉકડાઉન હળવા કરવામાં આવે તેમ તેમ વિશ્વનું અર્થતંત્ર સુધરવાની શરૂઆત થશે, પણ વર્તમાન મહામારીને કારણે વિશ્વના અર્થતંત્રને થયેલ નુકસાનમાંથી પૂરેપૂરું બહાર આવતા તો પાંચ વર્ષ જેટલો સમય લાગશે જ.

એશિયન ડેવલપમેન્ટ બૅન્ક (એડીબી)ના એક અહેવાલ પ્રમાણે એશિયાના વિકાસશીલ દેશોમાં છેલ્લાં ૬૦ વર્ષની સૌથી વધારે મંદી જોવા મળશે. એશિયા પેસિફિકના ૪૫ દેશોના આર્થિક વિકાસમાં ચાલુ વરસે ૦.૭ ટકાનો ઘટાડો થશે. ચાલુ વરસે માત્ર ચીનનો આર્થિક વિકાસ પૉઝિટિવ (૧.૮ ટકા) હશે જે ૨૦૨૧માં વધીને ૭.૭ ટકાનો થઈ શકે.

ઓઇસીડીના વચગાળાના આર્થિક અહેવાલ પ્રમાણે ૨૦૨૦માં વિશ્વના આર્થિક વિકાસના ઘટાડાનો દર ૪.૫ ટકા જેટલો હશે. જૂન ૨૦૨૦માં આ ઘટાડાનો દર છ ટકાનો અંદાજાયો હતો. વિશ્વના અર્થતંત્રનો આ સંભવિત સુધારો ચીનના આર્થિક વિકાસના પૉઝિટિવ દરને કારણે છે.

ઓઇસીડીએ ભારત માટેના ચાલુ વરસના આર્થિક વિકાસના ઘટાડાનો દર વધારીને ૧૦ ટકા જેટલો કર્યો છે. જેનો અગાઉ બીજી આંતરરાષ્ટ્રીય એજન્સીઓ દ્વારા કરાયેલ અંદાજ સાથે મેળ બેસે છે.

આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ કે ક્રેડિટ રેટિંગ એજન્સીઓ અને કન્સલ્ટન્સીના ભારત માટેના આંકડા પક્ષપાતભર્યા વલણને કારણે આપણે સંપૂર્ણપણે સ્વીકારવા તૈયાર ન પણ થઈએ એમ બને. ગયે અઠવાડિયે રિઝર્વ બૅન્કના ગવર્નર ડૉ. દાસે પણ એવો મત વ્યકત કર્યો છે કે મહામારીના વધવાને કારણે ભારતના અર્થતંત્રની રિકવરી ધારણા કરતાં ધીમી રહી શકે. અર્થતંત્રની ઝડપી રિકવરી માટે જે પણ પગલાં લેવાની જરૂર ઊભી થશે તે માટે રિઝર્વ બૅન્ક સંપૂર્ણપણે સજજ છે, એવું વિધાન પણ ડૉ. દાસે કર્યું છે.

રિકવરી ધીમી રહે (એક રીતે નિરાશા ઉપજાવે) તેવા ગવર્નરના મતના બૉન્ડ માર્કેટ પર સારા પ્રત્યાઘાત પડ્યા છે. ઑગસ્ટ મહિનાનો બોર્ડ માર્કેટના યીલ્ડનો વધારો રિઝર્વ બૅન્કના આ અભિગમથી અટકી શકે, કારણ કે ભાવવધારો વધી રહ્યો હોવા છતાં રિઝર્વ બૅન્ક વ્યાજના દર કામચલાઉ ધોરણે નહીં વધારે એવો વિશ્વાસ ઊભો થયો છે.

ઑગસ્ટ મહિને કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્ષ દ્વારા મપાતો રિટેલ ભાવવધારો જુલાઈ મહિના કરતાં નજીવો ઘટ્યો હોવા છતાં તે સતત પાંચમા મહિને રિઝર્વ બૅન્કની ભાવવધારા માટેની છ ટકાની ઉપરની લિમિટ કરતાં પણ નીચો હતો (૬.૬૯). એપ્રિલ અને મે મહિનાના આંકડા ઉપલબ્ધ નથી. ખાદ્યપદાર્થો માટેનો ૯.૦૫ ટકાનો ભાવવધારો તે માટે જવાબદાર ગણાય.

બીજી તરફ હોલસેલ પ્રાઇસ ઇન્ડેકસ (ડબ્લ્યુપીઆઇ) દ્વારા મપાતા ભાવવધારાનો દર જે એપ્રિલ મહિનાથી નેગેટિવ હતો તે ઑગસ્ટ મહિને નજીવો (૦.૧૬ ટકા) પણ પૉઝિટિવ થયો જે મૅન્યુફૅક્ચરિંગ ક્ષેત્રના ભાવવધારા (૧.૨૭ ટકા)ને આભારી ગણાય. છૂટક અને જથ્થાબંધ ભાવાંક વચ્ચેનો મોટો તફાવત પુરવઠા બાજુના અવરોધોને કારણે હોઈ શકે. અનાજનો અને ખાદ્ય પદાર્થોનો દેશમાં પૂરતો જથ્થો હોય તોપણ લૉકડાઉનને કારણે અતિ આવશ્યક ન ગણાતી હોય એવી સેવાઓ પરના નિયંત્રણ અને ટ્રાન્સપોર્ટ ક્ષેત્રની ખામીઓને કારણે દેશના કેટલાય ભાગોમાં આવી ચીજવસ્તુઓની કામચલાઉ અછત ઊભી થાય તો તે પણ છૂટક ભાવવધારામાં પરિણમી શકે.

છૂટક ભાવવધારો મોનેટરી પૉલિસીના ભાવવધારાના લક્ષ્યાંકથી વધુ હોવા છતાં રિઝર્વ બૅન્ક આવતે મહિને જાહેર કરાનાર પૉલિસીમાં વ્યાજના દર વધારવાનું ઉચિત નહીં ગણે એમ અનુમાન કરી શકાય. આર્થિક વિકાસના માઇનસ દર પર વ્યાજના દરવધારાની અવળી અસર થાય છે. તો સાથે એ પણ ખરું કે આર્થિક વિકાસના માઇનસ દર છતાં રિઝર્વ બૅન્ક વ્યાજના દર ઘટાડવાનું પણ પસંદ ન કરે. તેમ કરવા જતાં ભાવવધારા પર તેની અવળી અસર થાય જ. એટલે તારણ એમ નીકળી શકે કે આર્થિક વિકાસના દર અને ભાવવધારાના દર વચ્ચે સમતુલન જાળવવાના પ્રયાસરૂપે ફરી એકવાર વ્યાજના દરમાં ઑકટોબર મહિનાની પૉલિસીમાં કોઈ ફેરફાર ન થાય તો નવાઈ નહીં.

ખરીફ ધાન્યના ભાવ હવે પછીના મહિનાઓમાં નવો પાક બજારમાં આવતા ઘટે તો પણ ખાદ્યપદાર્થો (શાકભાજી, કઠોળ, ખાદ્યતેલો તથા નોન વેજ આઇટમો)ના ભાવમાં ઘટાડાની સંભાવના ઓછી છે. નાણાંની ઉપલબ્ધિ (પ્રવાહિતા) સારી છે અને બૅન્ક ધિરાણનો દર નેગેટિવ છે એટલે પણ ઑકટોબર મહિને વ્યાજના દર જળવાઈ રહી શકે.

અનાજ સિવાયના બીજા ખાદ્યપદાર્થો લાંબો સમય ટકી ન શકે તેમ હોઈ દેશવ્યાપી લૉકડાઉનના સમય (એપ્રિલ અને મે) માં તેના હોલસેલ ભાવ ખેડૂતોને નછૂટકે ઘટાડવા પડ્યા (ડિસ્ટ્રેસ સેલ)હોય. દેશના અનેક ભાગોમાં આ પદાર્થો ન પહોંચતા એપ્રિલ અને મેમાં તેના છૂટક ભાવ વધ્યા. આમ આ મહિનાઓમાં ખાદ્યપદાર્થોના જથ્થાબંધ અને છૂટક ભાવ વચ્ચેનો ગાળો વધતો ગયો જે ધીમી ગતિએ પણ હવે ઓછો થતો જવાની ધારણા છે.

રિઝર્વ બૅન્કનું ભાવવધારાનું છ ટકાનું લક્ષ્યાંક છૂટક ભાવ આધારિત હોઈ જથ્થાબંધ ભાવોના ઘટાડાની પૉલિસીની જાહેરાત પર ખાસ અસર જોવા મળતી નથી. સપ્લાય સાઇડના અંતરાયો દૂર થાય અને તે દ્વારા છૂટક ભાવવધારો અંકુશમાં આવે તે પછી જ રિઝર્વ બૅન્ક વ્યાજના દર ઘટાડવાનું વિચારી શકે.

મહામારીનો ફેલાવો વધવા માંડ્યો ત્યારથી સરકારે પ્રજાના અનેક વર્ગોને આપેલા સહાયના પૅકેજને કારણે પણ સિસ્ટમમાં નાણાંનો પુરવઠો વધતો રહ્યો છે, પણ આપણું ઉત્પાદન એટલું વધ્યું નથી. હવે તે વધવા સાથે ઉત્પાદકોની ભાવ વધારવાની તાકાત વધી શકે. આ તાકાતના અભાવમાં પણ ક્રૂડ ઑઇલના ભાવ ઘટવા છતાં અને આયાતોના ઘટાડા છતાં (વિદેશથી આવતા ઇન્ફલોને કારણે વધતા ડૉલર ખરીદી લઈને રિઝર્વ બૅન્ક રૂપિયાને વધતો અટકાવે છે) ચાલુ રહેલી મોંઘી આયાતોએ પણ ચીજવસ્તુઓના ભાવ વધવામાં મદદ કરી છે.

રિઝર્વ બૅન્ક આવતા થોડા મહિનાઓમાં વિદેશી હૂંડિયામણના બજારમાં દખલગીરી કરવાનું છોડીને આંતરિક ભાવવધારાને કાબૂમાં રાખવાના મોનેટરી પૉલિસીના આદેશ પર ધ્યાન કેન્દ્રિત કરે તેવી શક્યતા છે. તેમ થાય તો રૂપિયાની બાહ્ય કિંમત વધતા આયાત સસ્તી પણ થાય.

રિઝર્વ બૅન્ક વ્યાજના દર ઘટાડે (હળવી મોનેટરી પૉલિસી અપનાવે) તો ભાવ વધવાની સંભાવના છે તેવી જ રીતે કેન્દ્ર સરકારના રાહત પૅકેજની પણ આવી જ અસર થઈ શકે તો પણ કેન્દ્ર સરકાર આવા પૅકેજ દ્વારા તેનો ખર્ચ વધારી અર્થતંત્રમાં માગ વધારે એ આજના સંજોગોમાં અર્થતંત્રને બેઠું કરવા માટે અનિવાર્ય છે. રિઝર્વ બૅન્ક માત્ર રૂપિયાની આંતરિક કિંમત જાળવીને કડક મોનેટરી પૉલિસી દ્વારા ભાવવધારાને અંકુશમાં લાવી શકે તેવી સંભાવના જણાતી નથી.

ઑગસ્ટ મહિને કોર ઇન્ફલેશન (ખાદ્યપદાર્થો અને ફ્યુઅલ સિવાયના ઘટકો) ૫.૮ ટકાનો રહ્યો છે. જે સતત પાંચમે મહિને રિઝર્વ બૅન્કના બેઇઝ ઇન્ફલેશનના ૪ ટકાથી ઉપર છે. કોર ઇન્ફલેશન આવતા થોડા મહિનાઓમાં ૪.૫થી ૫ ટકાની વચ્ચે રહી શકે. જ્યાં સુધી કોર ઇન્ફલેશન ૪ ટકાની ઉપર રહે ત્યાં સુધી ખાદ્યપદાર્થોના ભાવના દરના ઘટાડા સિવાય ઓવરઓલ ભાવવધારો કાબૂમાં આવી શકે નહીં. આગળ જણાવ્યા મુજબ ખાદ્યપદાર્થોના ભાવના વધારાનો દર ઘટવાની સંભાવના ઓછી છે એટલે રિઝર્વ બૅન્ક વ્યાજના દર વધારશે નહીં તો ઘટાડશે પણ નહીં.

આપણે સ્ટેગફલેશનના વમળમાં ફસાયા છીએ. મહારાષ્ટ્ર, તામિલનાડુ, કર્ણાટક અને આંધ્ર પ્રદેશમાં કોવિડ-19ની મહામારી સૌથી વધુ છે. આ ચાર રાજ્યોમાં કોવિડ-19ના ૫૪ ટકા કેસ છે અને રાષ્ટ્રના જીડીપીમાં તેમનો ફાળો ૩૬ ટકા જેટલો છે. એટલે આ રાજ્યોમાં મહામારી કાબૂમાં આવે તો જ દેશના જીડીપીમાં અસરકારક વધારો થઈ શકે.

મહામારી હવે ગ્રામ્ય વિસ્તારોમાં અને સેમી અર્બન વિસ્તારોમાં (જ્યાં સામાજિક અને આર્થિક માળખાકીય સવલતો ઓછી છે) ફેલાતી જાય છે એટલે પણ સપ્લાય ચેઇનનું ભંગાણ ચાલુ રહેવાની અને ભાવવધારાનો દર ન ઘટવાની સંભાવના વધી છે.

ભાવવધારો ચાલુ હોય અને આર્થિક ચિત્ર ધૂંધળું હોય એટલે હાલનો ખર્ચ ઓછો કરીને વિપરીત સંજોગો ઊભા થાય તો એ માટે હાથ પર બચત રાખવાની માનસિકતા પણ વધી છે.

(લેખક ઇન્ડિયન મર્ચન્ટ‍્સ ચેમ્બરના ભૂતપૂર્વ ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ છે)

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK