Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > આઇટી પાવરથી રિલીફ રૅલી જોરમાં

આઇટી પાવરથી રિલીફ રૅલી જોરમાં

13 October, 2011 07:41 PM IST |

આઇટી પાવરથી રિલીફ રૅલી જોરમાં

આઇટી પાવરથી રિલીફ રૅલી જોરમાં


(શૅરબજારનું ચલકચલાણું - અનિલ પટેલ)

ઇન્ટ્રા-ડેમાં સેન્સેક્સ ૧૭,૦૦૦ની નજીક ૧૬,૯૮૭ થયો હતો. નિફ્ટી ૫૧૧૦ થયો હતો. બજારનું માર્કેટ કૅપ ૧.૦૫ લાખ કરોડ રૂપિયાના ઉમેરામાં હવે ૬૦.૭૦ લાખ કરોડ રૂપિયાએ પહોંચ્યું છે. સેન્સેક્સના ૩૦માંથી ૨૭ શૅર વધીને બંધ હતા. બજારના તમામ ૨૧ બેન્ચમાર્ક પૉઝિટિવ ઝોનમાં હતા અને આ વધારાની રેન્જ ૧.૧ ટકાથી ૫.૨ ટકાની રહી હતી. સાનુકૂળ માર્કેટ બ્રેડ્થમાં ૧૮૪૩ શૅર પ્લસમાં હતા તો ૯૭૬ જાતો નરમ હતી. એ ગ્રુપમાં ૮૬ ટકા સ્ક્રિપ્સ વધી હતી. રોકડામાં આ પ્રમાણ ૬૦ ટકા આસપાસ હતું. કોલ ઇન્ડિયા, તાતા પાવર એક ટકાથી વધુ ડાઉન હતા. ભારતી ઍરટેલ મામૂલી ઘટેલો હતો. બાકીના ૨૭ શૅર નોંધપાત્ર રીતે ઊંચકાયા હતા.

આઇટીમાં ધારણાથી મોટો જમ્પ

ઇન્ફોસિસનાં ક્વૉર્ટરલી પરિણામ બેશક સારાં છે, પરંતુ એનાથી શૅરમાં આવેલો સાતેક ટકાનો જમ્પ તથા આઇટી ઇન્ડેક્સમાં સવાપાંચ ટકાનો ઉછાળો ઘણાને વધુ પડતો લાગે છે. એમાંય ઇન્ફોસિસ ઓવરબૉટ પોઝિશનમાં હોઈ એની આટલી જબરી તેજી વિશ્લેષકોને હજમ થતી નથી. ઍની વે, પણ બજારને એનું આગવું ગણિત છે. એ ક્યારેય કોઈ સમજી શકતું નથી, સમજી શકવાનું પણ નથી.

દેશની સેકન્ડ-બેસ્ટ આઇટી જાયન્ટ ઇન્ફોસિસનાં પરિણામો બજારની એકંદર ધારણાને વળોટી જનારાં છે. સપ્ટેમ્બર ક્વૉર્ટરમાં ૮૦૮૦ કરોડ રૂપિયા સુધીની આવક તથા ૧૮૯૧ કરોડ રૂપિયા જેવા નેટ પ્રૉફિટની એકંદર અપેક્ષા હતી. કંપનીએ એની સામે ૮૦૯૯ કરોડ રૂપિયાની રેવેન્યુ તેમ જ ૧૯૦૬ કરોડ રૂપિયાનો ચોખ્ખો નફો કન્સોલિડેટેડ ધોરણે દર્શાવ્યો છે, જે અગાઉના વર્ષના સમાનગાળાની તુલનામાં અનુક્રમે ૮.૨ ટકા તેમ જ ૧૦.૮ ટકાનો વધારો દર્શાવે છે. ઑપરેટિંગ પ્રૉફિટ માર્જિન બે ટકા વધીને ૨૮.૨ ટકા જેવું થયું છે તો નેટ પ્રૉફિટ માર્જિન અડધો ટકો વધીને ૨૩.૫ ટકાનું જોવા મળ્યું છે. કંપનીએ થર્ડ ક્વૉર્ટરમાં ૨૪.૨ ટકાથી ૨૬.૮ ટકાના વૃદ્ધિદર સાથે ૮૮૨૨ કરોડ રૂપિયાથી ૯૦૧૨ કરોડ રૂપિયાની રેવેન્યુનો અંદાજ આપ્યો છે. આટલું જ નહીં, સમગ્ર વર્ષ માટે પણ રૂપિયાની રીતે આવકવૃદ્ધિનો દર ૨૧.૮ ટકાની આસપાસ રહેવાની આશા વ્યક્ત કરી છે. વર્ષ ૨૦૧૧-’૧૨ માટે વાર્ષિક આવકનું ગાઇડન્સ ૭૦૮ કરોડ ડૉલરથી લઈ ૭૨૦ કરોડ ડૉલરનું આપવામાં આવ્યું છે, જે અગાઉ ૭૧૩ કરોડ ડૉલરથી ૭૨૫ કરોડ ડૉલરનું હતું. અર્થાત્ યુરો-ઝોન અને અમેરિકન અર્થકારણની ભારે અનિશ્ચિતતા છતાં કંપની ચાલુ વર્ષે ડૉલરની રીતે ૧૭થી ૧૯ ટકાના દરે વિકાસ હાંસલ કરવા આશાવાદી છે. આ દર બેશક ઓછો નથી. કંપનીએ શૅરદીઠ ૧૫ રૂપિયાનું ઇન્ટરિમ ડિવિડન્ડ જાહેર કર્યું છે. ગત ક્વૉર્ટરલી ગાળામાં ૪૫ નવા ગ્રાહક મેળવનારી ઇન્ફોસિસે ૮૨૬૨ કર્મચારીની નેટ નવી ભરતી કરી હોઈ એના કર્મચારીઓની કુલ સંખ્યા વધીને ૧,૪૧,૮૨૨ થઈ છે.

૩૦૦૦ સુધી જવાનો અંદાજ

બહેતર પરિણામની અસરમાં ગઈ કાલે શૅરમાં ત્વરિત કરન્ટ આવ્યો હતો, પણ હવે શું? જાણીતા બજાર-વિશ્લેષક દીપક શાહના મતે આગામી બેએક મહિનામાં શૅર વધ-ઘટે ઉપરમાં ૩૦૦૦ રૂપિયા સુધી જઈ શકે છે. નીચામાં ૨૪૫૦ રૂપિયાનું લેવલ તૂટવાની શક્યતા નહીંવત્ છે. અન્ય ચાર્ટિસ્ટ અશોક ત્રિવેદીને ઓવરબૉટ પોઝિશન જોતાં અત્યારે ૨૭૩૦ રૂપિયાનું રેઝિસ્ટન્સ પાર થવાની શક્યતા ઓછી જણાય છે તો અભ્યાસુ કનુ દવે ૨૮૦૦ રૂપિયાના સ્તરે શૅર માટે ભારે અવરોધ જોતાં નીચામાં ૨૩૫૦ રૂપિયાને રૉકબૉટમ માને છે અને આ લેવલ જે બાજુ તૂટે એ બાજુ તેજી-મંદીની નવી ચાલ શરૂ થયેલી માનવી એવો મત ધરાવે છે. અમારાં સૂત્રો ડિસેમ્બર સુધીમાં બજારના ટ્રેન્ડને આધીન ૨૩૦૦થી ૩૦૦૦ રૂપિયા સુધીનું લેવલ આ કાઉન્ટરમાં જુએ છે.

એમાંય શૉર્ટ-ટર્મમાં માર્કેટની ચાલ ભાળવી એ તો પૂરેપૂરા જોખમનો ધંધો છે. ઇન્ફોસિસ ૨૫૦૯ રૂપિયાના આગલા બંધ સામે રિઝલ્ટની અસરમાં ૨૬૦૧ ખૂલી એને જ બૉટમ બનાવી ઉપરમાં ૨૬૯૦ રૂપિયા થયા બાદ છેલ્લે ૧૭૧ રૂપિયા કે ૬.૮ ટકા વધીને બંધ આવતાં સેન્સેક્સને સર્વાધિક ૧૦૨ પૉઇન્ટનો લાભ થયો હતો. ટીસીએસ ૩.૭ ટકા (૨૭ પૉઇન્ટ) અને વિપ્રો પોણાબે ટકા (છ પૉઇન્ટ) પ્લસમાં હોઈ આ ત્રણ આઇટી શૅરોનું પ્રદાન ૧૩૫ પૉઇન્ટ હતું. આઇટી ઇન્ડેક્સના ૧૦માંથી નવ શૅર અપ હતા. એકમાત્ર પટણી કમ્પ્યુટર સાધારણ માઇનસમાં હતો.

હવે રિલાયન્સ તાકાત બતાવશે?

ઇન્ફોસિસને આઇટી પાવરે બજારને ૧૭,૦૦૦ની નજીક લાવી દીધું. હવે હેવીવેઇટ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ પર મદાર છે. આ કંપનીનાં ક્વૉર્ટરલી પરિણામો ૧૫ ઑક્ટોબરના રોજ છે. શનિવાર હોઈ એની અસર સોમવારે ખૂલતા બજારમાં જોવા મળશે, પરંતુ મામલો ગંભીર હોઈ આ કાઉન્ટરમાં રમતના જુગારનું જોખમ ભાગ્યે જ કોઈ લશે. ગઈ કાલે આ શૅર ૨.૯ ટકા વધીને ૮૪૯ રૂપિયા પર બંધ આવતાં સેન્સેક્સને બાવન પૉઇન્ટનો ફાયદો થયો હતો. બજાર સપ્તાહમાં સાતેક ટકા વધ્યું છે એની સામે રિલાયન્સ સાડાઅગિયાર ટકા ઊંચકાયો છે. જાણકારો એમાં ૯૦૦ રૂપિયા નજીકમાં હોવાનું માને છે. આઇસીઆઇસીઆઇ બૅન્ક સવાત્રણ ટકા વધતાં સેન્સેક્સને ૩૮ પૉઇન્ટ તથા એસબીઆઇની ૧૦૭ રૂપિયા કે છ ટકાથી વધુની તેજીથી ૩૭ પૉઇન્ટ મળ્યા હતા. માર્કેટની ૪૨૨ પૉઇન્ટની આગેકૂચમાં આ ચાર શૅરોનો ફાળો ૨૦૯ પૉઇન્ટનો હતો. સેન્સેક્સના ૨.૬ ટકાની સામે ટેક્નૉલૉજી ઇન્ડેક્સ ૩.૮ ટકા, બૅન્કેક્સ ૩.૪ ટકા, રિયલ્ટી ત્રણ ટકા, કૅપિટલ ગુડ્ઝ ઇન્ડેક્સ અઢી ટકા, મેટલ ઇન્ડેક્સ ૨.૩ ટકા તથા કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ બેન્ચમાર્ક બે ટકાથી વધુ પ્લસ હતા. ઇન્ફોસિસમાં વૉલ્યુમ પખવાડિયા દરમ્યાનની સરેરાશ કરતાં પાંચ ગણું ઊચું સાડાનવ લાખ શૅરનું નોંધાયું હતું. ગ્રેવિટા ઇન્ડિયા વિદેશ ખાતે વિસ્તરણ યોજનાના અહેવાલમાં ૪૯૫ રૂપિયાની ઑલટાઇમ હાઈ બનાવી છેલ્લે સવાનવ ટકાના ઉછાળામાં ૪૮૨ રૂપિયા બંધ હતો.

એફઆઇઆઇની ખરીદી

ગઈ કાલે એફઆઇઆઇ (ફૉરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટરો)ની ચોખ્ખી લેવાલી ૫૯૫.૦૧ કરોડ રૂપિયા જોવા મળી હતી. સ્થાનિક ફન્ડોની ચોખ્ખી વેચવાલી ૧૦૬.૫૫ કરોડ રૂપિયા રહી હતી.


Whatsapp-channel Whatsapp-channel

13 October, 2011 07:41 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK