Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > અર્થતંત્ર સ્ટૅગફ્લેશનમાં સરકી ન જાય એ જોવાની જવાબદારી સરકારની જ છે

અર્થતંત્ર સ્ટૅગફ્લેશનમાં સરકી ન જાય એ જોવાની જવાબદારી સરકારની જ છે

16 December, 2019 03:39 PM IST | Mumbai
Jitendra Sanghavi

અર્થતંત્ર સ્ટૅગફ્લેશનમાં સરકી ન જાય એ જોવાની જવાબદારી સરકારની જ છે

અર્થતંત્ર સ્ટૅગફ્લેશનમાં સરકી ન જાય એ જોવાની જવાબદારી સરકારની જ છે


ગયા અઠવાડિયે પ્રસિદ્ધ થયેલા ભાવવધારાના અને ઔદ્યોગિક ઉત્પાદનના આંકડા નિરાશાજનક છે. સીપીઆઇના ભાવવધારાનો દર ઑક્ટોબરના 4.6 ટકાથી વધીને નવેમ્બર મહિને 5.5 ટકાનો થયો છે. આમ સળંગ ત્રીજે મહિને ભાવવધારાનો દર વધ્યો છે. એટલું જ નહીં, એ વધેલો દર હવે રિઝર્વ બૅન્કની ઉપરની છ ટકાની મર્યાદાની લગોલગ છે. ભાવવધારો આ ઝડપે વધતો રહે તો (કૉર ઇન્ફ્લેશન કાંઈક અંશે કાબૂમાં હોય તો પણ) રિઝર્વ બૅન્કે આકરાં પગલાં લેવાં પડે. સરકારની દરમ્યાનગીરી (અત્યાર સુધી લીધેલાં પગલાં) કમોસમી વરસાદને કારણે શાકભાજીના અનહદ વધી રહેલા ભાવોને કાબૂમાં લાવી શકે તો જ નજીકના ભવિષ્યમાં વ્યાજના દર ઘટાડવાનું રિઝર્વ બૅન્ક વિચારી શકે.

બીજી તરફ ઑક્ટોબર મહિને ઔદ્યોગિક ઉત્પાદનમાં 3.8 ટકાનો ઘટાડો (4.3 ટકાનો ઘટાડો સપ્ટેમ્બરમાં અને 8.4 ટકાનો વધારો ઑક્ટોબર 2018માં) થયો છે. આમ સળંગ ત્રીજે મહિને ઔદ્યોગિક ઉત્પાદન ઘટતું રહ્યું છે. વીજઉત્પાદન અને કૅપિટલ ગુડ્ઝના ઉત્પાદનના મોટા ઘટાડા વપરાશખર્ચ અને મૂડીરોકાણ ખર્ચનો ઘટાડો દર્શાવે છે. કૅપિટલ ગુડ્ઝના ઉત્પાદનમાં 22 ટકાનો અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સના ઉત્પાદનમાં 18 ટકાનો ઘટાડો થયો છે. ભાવવધારાના દરનો સતત વધારો અને ઔદ્યોગિક ઉત્પાદનના દરનો સતત ઘટાડો દેશમાં સ્ટૅગફ્લેશન (સ્નેગ્નેશન એ ઇન્ફ્લેશન)ની પરિસ્થિતિ સર્જાય એવાં એંધાણ આપે છે.

અર્થતંત્ર પરની ભીંસ વધતી જાય છે. એમાંથી છૂટવાના કોઈ ઉપાયો ધાર્યું પરિણામ લાવવામાં કારગત નિવડતાં નથી. પછી એ રિઝર્વ બૅન્ક દ્વારા પૉલિસી રેટનો ઘટાડો હોય, લિક્વિડિટી (નાણાંની ઉપલબ્ધિ)નો વધારો હોય, સરકાર દ્વારા ફિસ્કલ ડેફિસિટ વધારીને અપાતું ફિસ્કલ સ્ટીમ્યુલસ હોય કે કૉર્પોરેટ ટૅક્સનો ઘટાડો હોય. અર્થતંત્ર મચક આપતું નથી. એનું કારણ એ હોઈ શકે કે જે પણ પગલાં લેવાય એના પરિણામે પ્રજાની આવક (ડિસ્પોઝેબલ ઇન્કમ) વધે નહીં ત્યાં સુધી ઉપભોક્તાનો વપરાશખર્ચ વધી ન શકે એટલે આર્થિક વિકાસનો દર નબળો રહેવાનો. નિકાસો ઘટતી જતી હોય, ચીજવસ્તુઓની માગનો અભાવ હોય એટલે ઔદ્યોગિક ઉત્પાદન ઘટતું જાય, ચાલુ રોજગારી પણ ઘટતી જાય. એ સંજોગોમાં મૂડીરોકાણ તો વધે જ કેમ?

બૅન્કોની લોન પરના વ્યાજના દર ઘટતા નથી એટલે મૂડીરોકાણકારો લોન દ્વારા મૂડીરોકાણ કરવા રાજી નથી કે એનપીએથી ખરડાયેલી બૅલૅન્સશીટને કારણે બૅન્કો ધિરાણ આપવા રાજી નથી? કે પછી કોઈ પણ પ્રકારની કટકી વગર સારા અને વાસ્તવિક પ્રોજેક્ટ માટે કરાયેલું ધિરાણ કોઈક કારણસર આવો પ્રોજેક્ટ ફેલ જાય તો વરસોનાં વરસો પછી પોસ્ટ રિટાયરમેન્ટ પણ ધિરાણ મંજૂર કરનાર વરિષ્ઠ બૅન્કરની હેરાનગતિ કરવામાં કાંઈ બાકી રખાતી નથી એટલે? કે પછી જે પણ પ્રોજેક્ટો માટે મૂડીરોકાણકારોને ધિરાણ જોઈએ છે એ પ્રોજેક્ટો આર્થિક રીતે કાર્યક્ષમ નથી?

આ પ્રોજેક્ટો સક્ષમ ન હોવાનું કારણ સરકારની નીતિઓની કે કરવેરાના દરની અનિશ્ચિતતા પણ હોઈ શકે અને એટલે જ ગયે અઠવાડિયે વડા પ્રધાને જેન્યુઇન પ્રોજેક્ટો પરના ધિરાણ માટે વરિષ્ઠ બૅન્કરોની સરકાર દ્વારા કોઈ હેરાનગતિ નહીં કરાય એવી ખાતરી આપી છે તો નાણાપ્રધાને સ્લોડાઉનની અસર નાબૂદ કરવા માટે ઘણા વિકલ્પોવાળા અભિગમની ખાતરી આપી છે જેમાં સરકારી ખર્ચનો વધારો, વપરાશકારના ખાતામાં સીધી રોકડ રકમ જમા કરવાના અને કોઈ પણ જાતના અવરોધ વિના સહેલાઈથી ધિરાણની મંજૂર કરાયેલ રકમ મૂડીરોકાણકાર કે વપરાશકારને મળી શકે એ વાતનો સમાવેશ થાય છે.

ઑક્ટોબર અને નવેમ્બરમાં બૅન્કો દ્વારા જુદી-જુદી સ્કીમોમાં પાંચ લાખ કરોડ રૂપિયા (જીડીપીના લગભગ ૨.૫ ટકા) ગ્રામ્યવિસ્તારમાં નાગરિકોને વપરાશખર્ચ માટે ધિરાણ કરવામાં આવ્યા છે. નાણાપ્રધાને ચાલુ ક્વૉર્ટરમાં જ આ ધિરાણનું કાંઈક પરિણામ આવવાની આશા વ્યક્ત કરી છે. જોકે ઑક્ટોબર-નવેમ્બરના મેક્રોઇકૉનૉમિક પેરામીટર્સના અન્ય આંકડાઓ આવી સંભાવના દર્શાવતા નથી.

આ પગલાંઓની તાત્કાલિક અસર ન થાય તો સાવધાની રૂપે નાણાપ્રધાને વ્યક્તિગત આવકવેરાના દર ઘટાડવાની સંભાવના પણ વ્યક્ત કરી છે જેને કારણે સીધેસીધા વપરાશકારના હાથમાં વધારે રૂપિયા ઉપલબ્ધ થતાં વપરાશખર્ચ વધી શકે.

વ્યક્તિગત કરવેરાના દર ઘટાડવાની વાત નાણાપ્રધાને એવા સમયે કરી છે જ્યારે કરવેરાની આવક ઘટી રહી છે. ચાલુ નાણાકીય વરસના પ્રથમ સાત મહિના (એપ્રિલ-ઑક્ટોબર)માં થયેલ ગ્રોસ કરવેરાની ૧૦.૫ લાખ કરોડ રૂપિયાની આવક ગયા વરસની આવકમાં માત્ર ૧.૨ ટકાનો વધારો દર્શાવે છે. એ જોતાં કરવેરાની આવકના ૧૮.૩ ટકાના વધારા સાથે ૨૦૧૯-’૨૦ના વરસે ૨૪.૬ લાખ કરોડ રૂપિયાની કરવેરાની આવકનું લક્ષ્યાંક સિદ્ધ થવાની સંભાવના ઓછી છે.

કરવેરાની આવક ઘટી રહી હોય એટલે ફિસ્કલ ડેફિસિટનું પ્રમાણ વધે. એમાં પણ વ્યક્તિગત કરવેરાના દર ઘટાડાય એટલે સરકારની ફિસ્કલ ડેફિસિટ ઓર વધી શકે. કરવેરાની આવકની ઘટ પૂરી કરવી હોય તો સરકારે એની ડાઇવેસ્ટમેન્ટ (સરકારી કંપનીઓના ખાનગી ક્ષેત્રને વેચાતા થોડા હિસ્સા)ની આવક ૧.૦૫ લાખ કરોડના લક્ષ્યાંક કરતાં વધારવી પડશે. ઉપરાંત નુકસાન કરતી સરકારી કંપનીઓ (જેને ખરીદવા માટે કોઈ રાજી નથી) બંધ કરવાની હિંમત કરવી પડશે. એમ કરવાથી છૂટી થતી જમીન અને મૂડીનો આવનારાં વરસોમાં ઉત્પાદક રીતે ઉપયોગ થઈ શકશે.

કરવેરાની આવકના ઘટાડાનું મુખ્ય કારણ જીએસટીની અને આવકવેરાની આવકમાં થયેલ ઘટાડો છે. ૨૦૧૯-’૨૦માં જીએસટીની આવકના ૧૫ ટકાના અપેક્ષિત વધારા સામે એપ્રિલ-ઑક્ટોબરમાં આ આવક માત્ર ૮.૩ ટકાના દરે જ વધી છે. આવકવેરાની આવકના અપેક્ષિત ૨૩ ટકાના વધારા સામે આ આવક માત્ર સાત ટકાના દરે વધી છે. કૉર્પોરેટ ટૅક્સની ૨.૭ લાખ કરોડની આ ગાળાની આવક આખા વરસની અપેક્ષિત આવકના માત્ર ૩૫ ટકા જેટલી છે.

આમ કરવેરાની આવકની કરોડરજ્જુના ત્રણ મુખ્ય મણકા - આવકવેરો, જીએસટી અને કૉર્પોરેટ ટૅક્સ - નબળા પડતાં દેશની ફિસ્કલ હેલ્થ બગડી છે. સરકાર એક બાજુ લોકોના હાથમાં સીધાં નાણાં ટ્રાન્સફર કરીને તેમની ડિસ્પોઝેબલ આવક વધારીને ખાનગી વપરાશખર્ચ વધારવાની દરખાસ્ત પર ગંભીર વિચારણા કરે છે તો બીજી તરફ જીએસટીની ઘટેલી આવક વધારવા માટે અમુક ચીજવસ્તુઓ પરના જીએસટીના દર વધારવાની વાત કરે છે. આ દર વધે તો ખાનગી વપરાશખર્ચ પર એની અવળી અસર પડે.

વ્યક્તિગત કરવેરાના દર ઘટાડવા અને ચીજવસ્તુઓ કે સેવાઓ પરના જીએસટીના દર વધારવા જેવી પહેલી નજરે વિરોધાભાસી દેખાતાં પગલાંઓની ફિસ્કલ ડેફિસિટ પર નેટ કેવી અસર પડે એનો અંદાજ મેળવવો મુશ્કેલ છે. એમ પણ સરકાર ફિસ્કલ ડિસિપ્લીનના માર્ગેથી થોડું ફંટાઈને (ફિસ્કલ રિસ્પોન્સિબિલિટી ઍન્ડ બજેટ મૅનેજમેન્ટ ઍક્ટની જોગવાઈઓને હળવી કરીને) ફિસ્કલ ડેફિસિટ વધારવા તૈયાર છે.

ફિસ્કલ ડેફિસિટ માત્ર ખરાબ એમ તો નથી જ એટલે ખર્ચની ગુણવત્તા સારી હોય અને એનાથી સીધેસીધો વપરાશખર્ચ વધી શકે એમ હોય તો એવી ફિસ્કલ ડેફિસિટ વિનાવિલંબે વધારવી જોઈએ. બિનઉત્પાદક ખર્ચ ઘટાડીને ફિસ્કલ ડેફિસિટ પર ચાંપતી નજર રાખી શકાય.

આ ફિસ્કલ ડેફિસિટ વધારાય તો પણ જેવો આર્થિક વિકાસનો દર વધવા માંડે કે તરત કરવેરાના ઉચિત ફેરફાર દ્વારા એ કંટ્રોલમાં લાવવી જોઈએ. એમ ન થાય તો એ ભાવવધારામાં પરિણમી શકે અને આપણા દસકા પહેલાંના અનુભવનું પુનરાવર્તન થઈ શકે. વ્યવસ્થિત રીતે ન કરાયેલ આડેધડના જીએસટીના દરના ઘટાડાએ એના માળખાને વિકૃત બનાવ્યું છે. ડિપાર્ટમેન્ટ દ્વારા થતી વેપાર-ઉદ્યોગની કનડગત ઓછી થાય એ માટે કરવેરાના દર તાર્કિક રીતે નક્કી કરવા પર અને એ સાથે કાયદાઓના સરળીકરણ પર નાણાપ્રધાને ભાર મૂક્યો છે.

ડિપાર્ટમેન્ટ ટૅક્સપેયર - ફ્રેન્ડ્લી છે અને કરદાતાની પરેશાની ઓછી કરવાના પ્રયાસ કરે છે અને વેપાર-ઉદ્યોગ જગત સાથે કોઈ પણ જાતનો કડકાઈભર્યો વર્તાવ નહીં કરે એવી છાપ ઊભી થાય તો પણ ઇઝ ઑફ ડુઈંગ બિઝનેસ વધે અને મૂડીરોકાણને ઉત્તેજન મળે. મલ્ટિપલ રેટ સાથેના જીએસટીનું માળખું ગૂંચવાડાભર્યું છે. આપણને ઓછા સ્લૅબવાળા અને દરોની સ્પષ્ટતાવાળા જીએસટીના સરળ માળખાની જરૂર છે. ટૅક્સ ભરવાની સરળ પ્રક્રિયા અને ઝડપી રિફંડની ખાતરી પણ વેપાર-ઉદ્યોગનો વિશ્વાસ વધારી શકે. ટ્રસ્ટ ડેફિસિટ આજના આર્થિક સ્લોડાઉનના પાયામાં છે.

અત્યાર સુધી લેવાયેલાં પગલાં આવતાં એક-બે ક્વૉર્ટરમાં આર્થિક પ્રવૃત્તિઓના ઘટાડાને કદાચ અટકાવે તો પણ આર્થિક વિકાસના દરને વેગ આપવાની ભગીરથ જવાબદારી તો સરકારના ૨૦૨૦-’૨૧ના અંદાજપત્રની જ રહેશે.

આગળ ઉલ્લેખ કર્યા મુજબ આર્થિક સ્લોડાઉનને કારણે કરવેરાની આવક ચાલુ નાણાકીય વરસે ઘટી છે કે પછી ડિમૉનેટાઇઝેશન અને જીએસટીના ઉતાવળા અમલ અને એમાં રહેલ અનેક ગૂંચવાડાઓને કારણે મૅન્યુફૅક્ચરિંગ ઍક્ટિવિટી પર થયેલ પ્રતિકૂળ અસરને કારણે આર્થિક સ્લોડાઉનની નોબત આવી છે એ સવાલ હવે પૂછાઈ રહ્યો છે. વિરોધ પક્ષો અને વેપાર-ઉદ્યોગની આ માન્યતામાં હવે નિષ્ણાતો પણ કાંઈક વજૂદ હોવાનું માનતા થયા છે.

આ પણ જુઓ : જ્યારે એકસાથે જોવા મળ્યો આખો અંબાણી પરિવાર, જુઓ તસવીરો

આ દેશમાં રાજકારણ હંમેશાં અર્થકારણથી ઉપર રહ્યું છે. બે વચ્ચેની રિલેશનશિપ પણ મજબૂત છે. તો પણ એટલું ખરું કે રાજકારણનો પ્રભાવ અર્થકારણ પર જેટલો પડે છે એટલી અર્થકારણની અસર રાજકારણ પર થતી નથી. કેન્દ્રમાં સત્તા મેળવનાર રાજકીય પક્ષ એની વિચારસરણી પ્રમાણે અર્થકારણને વળાંક આપે છે (એ દેશના હિતમાં હોય કે ન હોય). જ્યારે અર્થતંત્ર ખરાબ હોય તો પણ બીજાં અનેક મજબૂત પરિબળોને લીધે લોકસભાની કે રાજ્યોની વિધાનસભાઓની ચૂંટણીઓ પર એની બહુ ભારે અસર પડતી નથી.

વર્તમાન સરકારના ઇરાદા સારા જ હતા, આજે પણ સારા જ છે. હવે પછીના છ મહિના વડા પ્રધાન તેમના બીજા બધા એજન્ડાને બાજુ પર રાખી અર્થતંત્રના રિવાઇવલને અગ્રક્રમ આપશે તો દેશ ભારે આર્થિક કટોકટીમાં જતો બચી જશે અને અર્થતંત્ર ૨૦૨૪માં પાંચ ટ્રિલ્યન ડૉલર બનવાના રાજમાર્ગ પર દોડતું થઈ જશે.

જ્યારે એકસાથે જોવા મળ્યો આખો અંબાણી પરિવાર, જુઓ તસવીરો



 

Whatsapp-channel Whatsapp-channel

16 December, 2019 03:39 PM IST | Mumbai | Jitendra Sanghavi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK