શૅરબજારની જેમ સોનામાં પણ દરેક ઉછાળે વેચવાલીનું માનસ

Published: Mar 19, 2020, 10:59 IST | Mumbai Desk

ફેડરલ રિઝર્વ દ્વારા બે વખત વ્યાજનો ઘટાડો અને ૧.૫ લાખ કરોડ ડૉલરનું સ્ટિમ્યુલસ પૅકેજ જાહેર ર્ક્યા બાદ હવે સરકાર ૧.૨ લાખ કરોડ ડૉલરની અમેરિકન પ્રજા, બિઝનેસ અને ઉદ્યોગો માટે આર્થિક સહાય જાહેર કરી રહી છે.

વૈશ્વિક બજારમાં કોરોના વાઇરસ, વધી રહેલા મૃત્યુઆંક અને એક પછી એક દેશ લોકડાઉનની સ્થિતિ આવી રહી છે તેના કારણે અફરાતફરીનો માહોલ જોવા મળી રહ્યો છે. ફેડરલ રિઝર્વ દ્વારા બે વખત વ્યાજનો ઘટાડો અને ૧.૫ લાખ કરોડ ડૉલરનું સ્ટિમ્યુલસ પૅકેજ જાહેર ર્ક્યા બાદ હવે સરકાર ૧.૨ લાખ કરોડ ડૉલરની અમેરિકન પ્રજા, બિઝનેસ અને ઉદ્યોગો માટે આર્થિક સહાય જાહેર કરી રહી છે. આ જાહેરાતના પગલે સતત ઘટી રહેલા બૉન્ડના યિલ્ડ વધ્યા છે અને એવી દહેશત છે કે સતત વધી રહેલા દેવાંના કારણે સ્થિતિ બગડી શકે છે.

બીજી તરફ વશ્વિક શૅરબજારની મંદી અને ભારે અફરાતફરીના કારણે ઇન્વેસ્ટમેન્ટ બૅન્કરથી લઈ સામાન્ય રોકાણકારોએ લાખો કરોડો ડૉલરનું નુકસાન કર્યું છે અને સોનામાં વેચાણ કરી હવે રોકડ ઊભી કરી રહ્યા છે. સોનામાં દરેક ઉછાળે વેચવાલી આવે છે અને બીજી તરફ ઘટાડે ખરીદી આવી રહી છે.

શૅરબજારની સામે સોનાના ભાવ હજુ પણ ગત વર્ષ કરતાં વધેલા છે. આર્થિક મંદી કે મહામંદીમાં સોનાનું આકર્ષણ વધે છે એટલે નીચા મથાળે ખરીદી નીકળે છે અને બીજી તરફ રોકડની તીવ્ર અછત અને બીજી બજારોમાં ભારે નુકસાન રિકવર કરવા માટે ઉછાળે પ્રોફિટ બુકિંગ જોવા મળી રહ્યું છે. એક્સચેન્જ ટ્રેડેડ ફન્ડ્સમાં અમેરિકામાં અંદાજે ૫.૫૦ લાખ ઔંસ જેટલો ઉપાડ જોવા મળ્યો છે. આ બિનસત્તાવાર અહેવાલ છે પણ તેની બજાર ઉપર અસર ચોક્કસ જોવા મળી રહી છે.

અત્યારે વૈશ્વિક બજારમાં સોનું વાયદો ૦.૮૧ ટકા કે ૧૨.૪૦ ડૉલર ઘટી ૧૫૧૩.૪૦ ડૉલર છે. હાજરમાં સોનું ૦.૯૮ ટકા કે ૧૫.૦૩ ડૉલર ઘટી ૧૫૧૩.૨૭ ડૉલર પ્રતિ ઔંસની સપાટી ઉપર છે. ચાંદી વાયદો ૨.૦૪ ટકા કે ૨૫ સેન્ટ ઘટી ૧૨.૨૪ ડૉલર અને હાજરમાં ૨.૬૯ ટકા કે ૩૪ સેન્ટ ઘટી ૧૨.૨૮ ડૉલર પ્રતિ ઔંસની સપાટી ઉપર છે. વૈશ્વિક શૅરબજારની જેમ સોનાના ભાવમાં પણ ભારે ઊથલપાથલ જોવા મળી રહી છે. એક તબક્કે હાજર સોનું આજે ૧૫૪૫ ડૉલરની ઉપરની સપાટીએ હતું જે ઘટી ૧૪૮૯ ડૉલર થઈ ફરી ઉપરની સપાટી તરફ આગળ વધી રહ્યું છે. મંગળવારે સોનું ૧૫૨૦ ડૉલરની સપાટી બંધ આવ્યું હતું.

ભારતમાં હાજરમાં ઉછાળો, વાયદા ઘટ્યા
સોના અને ચાંદીના ભાવમાં આજે ભારતીય બજારોમાં સામસામા રાહ હતા. હાજરમાં સોનું અને ચાંદી બન્ને ઊછળ્યા હતા જ્યારે વાયદામાં ઉપલા મથાળે વેચવાલીથી બન્નેમાં ઘટાડો જોવા મળ્યો હતો. હાજરમાં ભાવ બે દિવસના તીવ્ર કડાકા પછી સામાન્ય ખરીદીના ટેકે વધ્યા હતા.

મુંબઈ ખાતે હાજર બજારમાં સોનું ૯૯૫ વધી ૪૨,૦૯૫ અને અમદાવાદ ખાતે ૯૦૦ વધી ૪૨,૦૮૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ રહ્યું હતું. સોનું એપ્રિલ વાયદો ૧૦ ગ્રામદીઠ ૪૦,૧૨૭ ખૂલી, ઉપરમાં ૪૦,૪૪૭ અને નીચામાં ૩૯,૩૧૮ના મથાળે અથડાઈ પ્રથમ સત્રનાં અંતે ૬૨૫ ઘટીને ૩૯,૬૧૯ રૂપિયા બંધ રહ્યો હતો. ગોલ્ડ-ગિની માર્ચ કૉન્ટ્રૅક્ટ પ્રથમ સત્રના અંતે ૨૦૫ ઘટીને ૮ ગ્રામદીઠ ૩૨,૮૨૧ રૂપિયા અને ગોલ્ડ-પેટલ માર્ચ કૉન્ટ્રૅક્ટ પ્રથમ સત્રના અંતે ૫૨ રૂપિયા ઘટીને ૧ ગ્રામદીઠ ૩૯૧૬ થયા હતા, જ્યારે સોનું-મિની એપ્રિલ વાયદો ૧૦ ગ્રામદીઠ ૬૦૩ ઘટીને બંધમાં ૩૯,૬૭૬ રૂપિયાના ભાવ રહ્યા હતા.

મુંબઈ હાજર ચાંદી ૧૦૩૦ વધી ૩૭,૧૫૦ અને અમદાવાદ ખાતે ૧૦૧૦ વધી ૩૭,૧૫૦ રૂપિયા પ્રતિ એક કિલોનો ભાવ હતો. ચાંદીના વાયદાઓમાં ચાંદી મે કૉન્ટ્રૅક્ટ કિલોદીઠ ૩૫,૭૦૦ ખૂલી, ઉપરમાં ૩૬,૪૮૬ અને નીચામાં ૩૪,૪૨૬ના સ્તરને સ્પર્શી પ્રથમ સત્રના અંતે ૫૨૨ ઘટીને ૩૪,૯૩૧ રૂપિયા બંધ રહ્યો હતો. ચાંદી-મિની એપ્રિલ ૪૫૮ ઘટીને ૩૪,૯૯૧ અને ચાંદી-માઇક્રો એપ્રિલ ૧૭૬૨ ઘટીને ૩૬,૨૯૬ રૂપિયા બંધ રહ્યા હતા.

ડૉલર સામે રૂપિયો નરમ
બુધવારે ડૉલર સામે રૂપિયો એક તબક્કે ઇતિહાસની સૌથી નીચી સપાટીની નજીક હતો અને પછી થોડો સુધર્યો હતો પણ દિવસના અંતે તે બે પૈસા ઘટી ૭૪.૨૬ની સપાટીએ બંધ આવ્યો હતો. વિદેશી ફન્ડ્સ ભારતીય શૅરબજાર અને ડેટ માર્કેટમાં ભારે વેચવાલી કરી રહ્યા હોવાથી ડૉલર પ્રવાહ દેશની બહાર જઈ રહ્યો હોવાના કારણે રૂપિયો સતત દબાણમાં રહે છે. આજે રૂપિયો ડૉલર સામે ૭૩.૯૮ થઈ વધીને ૭૩.૯૨ અને ઘટીને ૭૪.૪૨ થયો હતો. શૅરબજારમાં ભારે વેચવાલીના કારણે ક્રૂડ ઑઇલના ભાવ ઘટી રહ્યા હોવા છતાં ડૉલર સામે રૂપિયો નબળો પડી રહ્યો છે અને આગામી દિવસોમાં વાઇરસના કારણે ભારતીય અર્થતંત્ર સામે પણ જોખમો ઊભા થઈ શકે એવી શક્યતાએ રૂપિયા ઉપર દબાણ હજુ પણ રહેશે એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK