Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > રોકાણકારોની સંપત્તિમાં ૫.૪૯ લાખ કરોડનું ગાબડું

રોકાણકારોની સંપત્તિમાં ૫.૪૯ લાખ કરોડનું ગાબડું

27 February, 2020 11:32 AM IST | Mumbai Desk

રોકાણકારોની સંપત્તિમાં ૫.૪૯ લાખ કરોડનું ગાબડું

રોકાણકારોની સંપત્તિમાં ૫.૪૯ લાખ કરોડનું ગાબડું


કોરોના વાઇરસ હવે વૈશ્વિક આપત્તિ બની રહ્યો છે અને અમેરિકાએ એનો ઉપદ્રવ નાથવા માટે વહીવટી તંત્રને સૂચના આપવી જોઈએ એવી જાહેરાત કરી હતી. આ તરફ વિશ્વમાં મૃત્યુઆંક અને દરદીઓની સંખ્યા પણ વધી રહી છે એટલે સમગ્ર વિશ્વના બજારમાં ચિંતા જોવા મળી રહી હતી. અમેરિકામાં બજાર છેલ્લાં ચાર વર્ષમાં ક્યારેય ન ઘટ્યું હોય એવી રીતે સતત બે દિવસમાં ઘટી રહી છે. આ તરફ ભારતમાં આર્થિક વિકાસ દર ઑક્ટોબરથી ડિસેમ્બરના ક્વૉર્ટરમાં નબળો રહેશે એવી ચિંતાઓ અને વિદેશી સંસ્થાઓની ભારે વેચવાલી વચ્ચે ચોથા દિવસે પણ ભારતીય શૅરબજાર ઘટાડા સાથે બંધ આવ્યું છે. આ ઘટાડામાં રોકાણકારોની ૫.૪૯ લાખ કરોડની સંપત્તિ સાફ થઈ ગઈ છે.

એક તબક્કે ૫૨૧ પૉઇન્ટ ઘટી બાદ સત્રના અંતે ૩૯૨.૨૪ પૉઇન્ટ કે ૦.૯૭ ટકા ઘટી ૩૯,૮૮૮.૯૬ની સપાટીએ બંધ આવ્યો હતો. નિફ્ટી આજે ૧૧૯.૪૦ પૉઇન્ટ કે ૧.૦૧ ટકા ઘટી ૧૧,૯૭૮.૫૦ની સપાટીએ બંધ આવ્યો હતો. ચાર દિવસમાં સેન્સેક્સ ૩.૭૨ ટકા અને નિફ્ટી ૩.૪૭ ટકા ઘટી ગયા છે. આજના સત્રમાં સન ફાર્મા, મારુતિ સુઝુકી, લાર્સન ઍન્ડ ટુબ્રો, હીરો મોટોકૉર્પ, ઇન્ફોસિસ, ઓનએનજીસી અને રિલાયન્સ સૌથી વધુ ઘટ્યા હતા અને સામે સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયા, હિન્દુસ્તાન યુનિલીવર, એચસીએલ ટેક, એશિયન પેઇન્ટ વધીને બંધ આવ્યા હતા.



આજે વધેલા કરતા ઘટેલા શૅરની સંખ્યા ઘણી વધારે હતી જે દર્શાવે છે કે વેચવાલી વ્યાપક હતી. મિડકૅપ અને સ્મૉલકૅપ શૅરોમાં પણ કચ્ચરઘાણ વળી ગયો હતો. કુલ ૧૬૨૯ શૅરના ભાવ ઘટ્યા હતો તો સામે માત્ર ૮૩૦ના ભાવ જ વધ્યા હતા.


આજે નૅશનલ સ્ટૉક એક્સચેન્જના ૧૧ ક્ષેત્રના ઇન્ડેક્સમાંથી ઑટો, ફાર્મર રિયલ્ટી અને મેટલ્સની આગેવાની હેઠળ બધામાં ઘટાડો જોવા મળ્યો હતો. એક્સચેન્જ પર ૨૫ કંપનીઓના શૅરના ભાવ નવી બાવન સપ્તાહની ઉપરની સપાટીએ બંધ આવ્યા હતા, જ્યારે ૧૮૭ના ભાવ નવી નીચી સપાટીએ બંધ આવ્યા હતા. અહીં ૭૦ કંપનીઓમાં તેજીની સર્કિટ હતી, જ્યારે ૧૩૪ કંપનીઓમાં મંદીની સર્કિટ જોવા મળી હતી.

બીએસઈ ઉપર ૫૮ કંપનીઓના શૅરના ભાવ નવી બાવન સપ્તાહની ઉપરની સપાટીએ બંધ આવ્યા હતા, જ્યારે ૨૫૧ના ભાવ નવી નીચી સપાટીએ બંધ આવ્યા હતા. અહીં ૧૪૮ કંપનીઓમાં તેજીની સર્કિટ હતી જ્યારે ૨૪૪માં મંદીની સર્ક‌િટ જોવા મળી હતી. બીએસઈ સ્મૉલકૅપ ઇન્ડેક્સ ૦.૮૨ ટકા અને મિડકૅપ ઇન્ડેક્સ ૧.૩૪ ટકા ઘટ્યા હતા. બુધવારે બૉમ્બે સ્ટૉક એક્સચેન્જનું માર્કેટ કૅપિટલાઇઝેશન ૧,૬૦,૪૬૦ કરોડ ઘટી ૧૫૩.૨૧ લાખ કરોડ રહ્યું હતું.


ચાર દિવસ ૧૪૩૪ પૉઇન્ટનો કડાકો, રૂ ૫.૪૯ લાખ કરોડનું ધોવાણ
વૈશ્વિક બજારમાં કોરોના વાઇરસના કારણે જે વેચવાલી આવી રહી છે એ સતત ચાર દિવસથી જોવા મળી રહી છે. આ વેચવાલીમાં સેન્સેક્સ ૧૪૩૪.૦૪ પૉઇન્ટ અને નિફ્ટી ૪૩૮.૨૩ પૉઇન્ટ ઘટ્યો છે. આ ઉપરાંત નાની અને મધ્યમ કદની કંપનીઓનું પણ ધોવાણ થયું છે અને એના કારણે રોકાણકારોની કુલ સંપત્તિમાં ૫,૪૯,૬૦૪. કરોડનો ઘટાડો જોવા મળ્યો છે.
આ ચાર દિવસમાં વૈશ્વિક નાણાસંસ્થાઓએ રોકડમાં ભારે વેચવાલી કરી છે. બુધવારે ૩૩૩૬.૬૦ કરોડના શૅર સહિત તેમણે ચાર દિવસમાં ૫૩૧૭.૩૨ કરોડના શૅર વેચ્યા છે. સામે સ્થાનિક સંસ્થાઓ સતત ખરીદી કરી રહી બજારને ટેકો આપવાનો પ્રયત્ન કરી રહી હોવા છતાં બજારમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. સ્થાનિક સંસ્થાઓએ બુધવારે ૨૭૮૪.૬૭ કરોડ સહિત ચાર દિવસમાં ૪૧૬૭.૫૪ કરોડના શૅરની ખરીદી કરી છે.

નિફ્ટીની છ કંપનીઓ એક વર્ષની નીચી સપાટીએ
હેવી વેઇટ શૅરોમાં જે રીતે વેચવાલી આવી છે એમાં નિફ્ટીની છ કંપનીઓના શૅરના ભાવ એક વર્ષની નીચી સપાટીએ જોવા મળી રહ્યા છે. આજે ગેઇલ, હિન્દાલ્કો, આઇટીસી, ઓએનજીસી, લાર્સન ઍન્ડ ટુબ્રો અને મહિન્દ્રા ઍન્ડ મહિન્દ્રાના શૅર એક વર્ષની નવી નીચી સપાટીએ પહોંચ્યા હતા. આવી જ રીતે નિફ્ટી ૫૦૦ ઇન્ડેક્સની ૪૦ કંપનીઓના શૅરના ભાવ એક વર્ષના તળ‌િયે છે. જેમાં શોભા ડેવલપર, પંજાબ નૅશનલ બૅન્ક, એલઆઇસી હાઉસિંગ, તાતા પાવર, બૅન્ક ઑફ ઇન્ડિયા, બજાજ કન્ઝ્યુમર, ડ‌િશ ટીવી જેવી કંપનીઓનો સમાવેશ થાય છે. આ કંપનીઓમાં હિન્દાલ્કોના શૅર એક મહિનામાં ૧૭ ટકા, આઇટીસીના શૅર ૧૬ ટકા, ગેઇલના શૅર ૧૫ ટકા જેટલા ઘટી ગયા છે.

અમેરિકન બજારમાં ૨.૧૪ લાખ કરોડ ડૉલરનું ધોવાણ
છેલ્લા બે દિવસથી અમેરિકન શૅરબજારમાં જોવા મળેલો ઘટાડો ચાર વર્ષમાં સૌથી વધુ તીવ્ર છે. બે દિવસમાં ડો જોન્સ ૬.૫૯ ટકા, એસઍન્ડપી ૫૦૦ ઇન્ડેક્સ ૬.૨૮ ટકા નૅસ્ડૅક ૬.૩૮ ટકા ઘટી ગયા છે. આ બજારમાં સતત બે દિવસમાં જોવા મળેલો ચાર વર્ષનો સૌથી મોટો ઘટાડો છે. આ ઘટાડાના કારણે એસઍન્ડપી ૫૦૦ ઇન્ડેક્સમાં સમાવિષ્ટ કંપનીઓએ ચાર દિવસમાં ૨.૧૪ લાખ કરોડ ડૉલરનો (ભારતીય ચલણમાં ૧૫૧ લાખ કરોડનો) ઘટાડો જોવા મળ્યો છે. આ ઘટાડો વિશ્વમાં પાંચમા ક્રમે આવતાં ભારતીય અર્થતંત્રના કદ જેટલી થવા જાય છે.

એશિયન બજારમાં પણ ઘટાડો
ચાર દિવસમાં અમેરિકન બજારમાં ઘટાડા બાદ એશિયન બજારમાં પણ બુધવારે ઘટાડો જોવા મળ્યો હતો. કોરોના વાઇરસ વધુ ને વધુ દેશોમાં જોવા મળી રહ્યો છે અને અમેરિકામાં પણ હવે એ માથું ઊંચકે, આપત્તિ માટે તૈયાર રહેવું જોઈએ એવી ચેતવણીના કારણે એશિયા બજારમાં ઘટાડો જોવા મળ્યો હતો. જપાન અને ચીનની બજાર ૦.૮ ટકા ઘટી હતી જ્યારે હૉન્ગકૉન્ગ ૦.૭ ટકા ઘટ્યું હતું. આવી જ રીતે ઑસ્ટ્રેલ‌િયામાં બે ટકા જ્યારે કોરિયા, સિંગાપોર અને જકાર્તાની બજારો એક ટકા જેટલી ઘટી હતી.

છેલ્લાં ૧૨૦ વર્ષમાં શૅરબજારનું વળતર સૌથી વધારે
વિશ્વની અગ્રણી ઇન્વેસ્ટમેન્ટ રિસર્ચ સંસ્થા ક્રેડિટ સ્વિસના અહેવાલ અનુસાર છેલ્લાં ૧૨૦ વર્ષમાં શૅરબજારમાં વળતર (ફુગાવા રહિત) ૫.૨ ટકા આપ્યું છે સામે બૉન્ડ માર્કેટમાં બે ટકા અને ટ્રેઝરી બિલ્સમાં માત્ર ૦.૮ ટકા જ વળતર મળ્યું છે. ઇન્વેસ્ટમેન્ટ રિટર્ન યરબુક ૨૦૨૦ના આ અહેવાલમાં વર્ષ ૧૯૦૦માં શૅરબજારમાં ૯૦ ટકા હિસ્સો ધરાવતી હતી જે હવે ૨૦૨૦માં ૯૧ ટકા જેટલો હિસ્સો ધરાવે છે. આમાં કુલ ૨૬ દેશોની બજારનો અભ્યાસ કરવામાં આવ્યો છે.
આ અભ્યાસ અનુસાર વર્ષ ૧૯૦૦થી કુલ ૨૧ દેશોમાં શૅરબજારનું વળતર બૉન્ડ્સ, ફુગાવો અને ટ્રેઝરી બિલ્સના વ્યાજ કરતાં વધારે રહ્યું છે. જોકે છેલ્લાં દસ વર્ષમાં ઇક્વિટી માર્કેટનું વળતર ૭.૬ ટકા રહ્યું છે, બૉન્ડમાં ૩.૬ ટકા વળતર મળ્યું છે. બૉન્ડ બજારમાં સ્વીડનની માર્કેટમાં સૌથી સારું વળતર ૨.૭ ટકા છેલ્લાં ૧૨૦ વર્ષથી મળ્યું છે. આ પછી ન્યુ ઝીલૅન્ડ, કૅનેડા જેવી બજારનો સમાવેશ થાય છે.
વર્ષ ૨૦૧૯ વૈશ્વિક શૅરબજાર માટે બહુ સારું રહ્યું છે જેમાં ૨૮ ટકા વળતર મળ્યું છે. સમગ્ર વિશ્વમાં ૫૬ ટકા વળતર સાથે રશિયા, સ્વિટ્ઝરલૅન્ડ ૩૩ ટકા અને અમેરિકન બજારમાં ૩૦ ટકા વળતર મળ્યું છે. વર્ષ ૨૦૧૯માં અમેરિકન બૉન્ડ માર્કેટમાં ૧૨ ટકા અને યુનાઇટેડ કિંગડમમાં ૯ ટકા વળતર મળ્યું છે.
ઑસ્ટ્રેલિયાની શૅરબજારમાં છેલ્લાં ૧૨૦ વર્ષમાં ૬.૮ ટકા વળતર મળ્યું છે અને એ વિશ્વની શ્રેષ્ઠ બજાર થઈ છે. આ અહેવાલમાં ભારતનો ઉમેરેઓ ૧૯૫૫થી જયારે ચીન અને રશિયા ૨૦૧૩થી ઉમેરવામાં આવ્યા છે. રોકાણકાર ખરીદી શકે એવી સૌથી મોટી બજાર આજે પણ અમેરિકન સ્ટૉક માર્કેટ છે. અહીં ૫૪ ટકા શૅર (પ્રમોટર સિવાયના) ખરીદી કે વેચવા માટે ઉપલબ્ધ છે. જપાનમાં ૭.૭ ટકા, યુનાઇટેડ કિંગડમમાં ૫.૧ ટકા ચીનમાં આવા ૪ ટકા રોકાણ થઈ શકે છે.

Whatsapp-channel Whatsapp-channel

27 February, 2020 11:32 AM IST | Mumbai Desk

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK