Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > ભારતનું અર્થતંત્ર 2020માં અપેક્ષા કરતાં ધીમું પડવાનો મૂડીઝનો અંદાજ

ભારતનું અર્થતંત્ર 2020માં અપેક્ષા કરતાં ધીમું પડવાનો મૂડીઝનો અંદાજ

24 February, 2020 07:44 AM IST | Mumbai
Jitendra Sanghvi

ભારતનું અર્થતંત્ર 2020માં અપેક્ષા કરતાં ધીમું પડવાનો મૂડીઝનો અંદાજ

મૂડીઝ

મૂડીઝ


રેટિંગ એજન્સી મૂડીઝે ભારતના ૨૦૨૦ અને ૨૦૨૧ના આર્થિક વિકાસના અંદાજના દર ઘટાડ્યા છે. ભારત માટે આ દર ૨૦૧૯ કરતાં થોડો વધારે હશે તો પણ એજન્સીના અગાઉના અંદાજ કરતાં ઓછો હશે. એનો અર્થ એ કે કાંઈક અંશે આર્થિક રિકવરી ચીનના કોરોના વાઇરસને કારણે ધીમી પડશે. ચીન પર આ વાઇરસના મોટા પ્રભાવને કારણે તેના આર્થિક વિકાસનો દર તો ૨૦૧૯ કરતાં પણ નીચો રહેવાનો મૂડીઝનો અંદાજ છે. ચીન વિશ્વનું બીજા નંબરનું અર્થતંત્ર છે એટલે તેને કારણે વિશ્વના આર્થિક વિકાસનો દર પણ ૨૦૨૦માં આગલા વરસ કરતાં ઘટવાનો.

ભારતના આર્થિક વિકાસના દરનો ૨૦૨૦નો અંદાજ ૬.૬ ટકામાંથી ઘટાડીને ૫.૪ ટકા કરવા માટે મહદંશે તેના ઘરઆંગણાના આંતરિક પડકારો જવાબદાર છે.



ચીનમાં કોરોના વાઇરસને કારણે રોજ થતાં મોતની સંખ્યા ૧૦૦ની અંદર જતા અને નવા નોંધાતા કેસની સંખ્યામાં ઘટાડાની શરૂઆત થતાં ભારતના સ્ટૉક માર્કેટ પર તેની સારી અસર પડી છે. ભારતના નાણાપ્રધાનની કૉર્પોરેટ ક્ષેત્રના વડાઓ સાથે કોરોના વાઇરસને કારણે થયેલ ડેમેજનો અંદાજ લગાવવા માટેની મીટિંગ અને ડેમેજ કન્ટ્રોલ માટે જરૂરી પગલાં લેવાની ખાતરીએ પણ બજારોનું સેન્ટિમેન્ટ સુધારવામાં ભાગ ભજવ્યો છે.


આર્થિક સ્લોડાઉનને કારણે ચાલુ ક્વૉર્ટર (જાન્યુ.-માર્ચ ૨૦૨૦) ના કંપનીઓનાં પરિણામો નબળા આવવાની અપેક્ષા તો હતી જ. તેમાં પણ થોડી વધુ નબળાઈ આવવાનું નિષ્ણાતોના મતે નકારી શકાય તેમ નથી. કંપનીઓના ઉચ્ચ અધિકારીઓના મતે કોરોના વાઇરસને લીધે સપ્લાય ચેઈન પરની નાની-મોટી અસર એપ્રિલ મહિનાથી જોવા મળશે. શિપિંગ લાઇન્સ આયાત કરાયેલ માલસામાન લઈને હજી આવી રહી છે એટલે તાત્કાલિક રીતે અચાનક સપ્લાય ચેઇન ખોરવાય તેવી સંભાવના ઓછી છે.

સ્માર્ટ ફોન માટેના ૮૫ ટકા પાર્ટસ અને ટીવી માટેના ૭૫ ટકા કમ્પોનન્ટ (ખાસ કરીને ટેલિવિઝન પેનલ) ફ્રીઝ અને અૅરકન્ડિશનના ચાવીરૂપ કમ્પોનન્ટ તેમ જ કેટલાક તૈયાર બનેલા આઇ-ફોન, લાર્જ સ્ક્રીન ટેલિવિઝન સેટ, માઈક્રોવેવ ઓવન જેવા કીચન અપ્લાયન્સીસ ચીનથી આયાત કરાતાં હોઈ તેના ભાવમાં ગમે ત્યારે વધારો થઈ શકે. ભારતમાં ઉત્પાદન કરાતાં ઍપલના આઇફોનના કેટલાક મૉડેલ ભારતની માગને પહોંચી શકે તેમ નથી એટલે તેવી ચીજવસ્તુઓની ભારતની બજારમાં અછત પણ વર્તાવા માંડી છે.


ઇલેક્ટ્રિકલ મશીનરી, મિકેનિકલ અપ્લાયન્સીસ, ઑર્ગેનિક કેમિકલ્સ, પ્લાસ્ટિક અને સર્જિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સનો હિસ્સો ચીનમાંથી થતી આયાતોના ૨૮ ટકા જેટલો મોટો હોઈ આ પાંચ પ્રોડક્ટના પુરવઠા પર પણ મોટી અસર પડવાની.

ડિસેમ્બર ૨૦૧૯ના ક્વૉર્ટરના ૧૭૬૫ કંપનીઓનાં પરિણામ તો નબળાં આવ્યાં જ છે. જે કોરોના વાઇરસની અસર અને ફેલાવા પહેલાંના છે. જેનું મુખ્ય કારણ માગ અને વપરાશખર્ચનો ઘટાડો તથા સિટિઝનશિપ અમેન્ડમેન્ટ અૅક્ટ (સીએએ) અને નૅશનલ રજિસ્ટર ઑફ સિટિઝન્સ (એનઆરસી)ને કારણે દેશમાં થયેલા જનઆંદોલનને કારણે છે. આ કંપનીઓના વેચાણનો ૧.૬ ટકાનો ઘટાડો છેલ્લા ૨૧ ક્વૉર્ટરનો સૌથી ઊંચો છે (ડિસેમ્બર ૨૦૧૮ના ક્વૉર્ટરમાં ૧૯ ટકાનો વધારો). તો પણ આ ક્વૉર્ટરમાં આ કંપનીઓના કરવેરા પહેલાંના નફામાં ૧૯ ટકાનો વધારો (અગાઉના ક્વૉર્ટરમાં ૧૪ ટકાનો ઘટાડો અને ડિસેમ્બર ૨૦૧૮ના ક્વૉર્ટરમાં ૨૧ ટકાનો ઘટાડો) થયો હતો. વેચાણમાં ઘટાડો થવા છતાં કરવેરા પહેલાંના નફાનો વધારો કૉમોડિટીના નીચા ભાવોને અને કોસ્ટ કન્ટ્રોલનાં પગલાંઓને આભારી છે. વેચાણ સિવાયની બીજી ઊંચી આવકો (વ્યાજ, ભાડાં અને અસ્કયામતોના વેચાણ) એ પણ કરવેરા પહેલાંનો નફો (ઑપરેટિંગ પ્રોફિટ) વધારવામાં મદદ કરી છે.

કૉર્પોરેટ ટૅક્સના ઘટાડાને કારણે નિફ્ટી-૫૦ કંપનીઓનો નેટ પ્રોફિટ ૨૦૧૯-૨૦માં વધ્યા પછી પણ ૧૦ ટકા જેટલો જ રહેશે. તેનું મુખ્ય કારણ એ છે કે બૅન્કના પ્રોફિટનો મજબૂત વધારો ફિસ્કલ ૨૦૨૦ના ચોથા ક્વૉર્ટર (જાન્યુ.- માર્ચ ૨૦૨૦)ના ગ્લોબલ કૉમોડિટી સેક્ટરના પ્રોફિટના ભારે ઘટાડાને કારણે ધોવાઈ જશે. આ કોરોના વાઇરસની અસર લંબાય તો ફિસ્કલ ૨૦૨૧નો નેટ પ્રોફિટ ૨૬ ટકાને બદલી ઘટીને ૧૮ ટકા પણ થઈ શકે.

આપણી નિકાસો છેલ્લા છ મહિનાથી સળંગ ઘટતી જાય છે. જાન્યુઆરી ૨૦૨૦માં તેમાં ૧.૭ ટકાનો ઘટાડો થયો છે. આયાતો જાન્યુઆરી મહિને સળંગ આઠમા મહિના માટે ઘટી છે (૦.૮ ટકા). પરિણામે વેપારખાધ છેલ્લા સાત મહિનાની સૌથી ઊંચી (૧૫.૨ બિલ્યન ડૉલર) રહી છે. 

કોરોના વાઇરસની સપ્લાય ચેઇન પરની અસરને કારણે નિકાસો અને ટૂરિઝમની આવક ચાલુ ક્વૉર્ટરમાં ઘટવાની. કૉમોડિટીના, ખાસ કરીને ક્રૂડના ઘટતા ભાવની સારી અસર ફેબ્રુઆરી મહિનાના આંકડાઓમાં જોવા મળશે જેને પરિણામે કરન્ટ અકાઉન્ટ ડૅફિસિટ (કેડ) ચાલુ નાણાકીય વરસે ઘટીને જીડીપીના એક ટકા જેટલી થઈ શકે.

અર્થતંત્રનું એવું જ એક બીજું જમા પાસું એટલે ચાલુ વરસે (જુલાઈ ૨૦૧૯-જૂન ૨૦૨૦) થનારું ઓલ-ટાઇમ હાઇ ૨૯૨ મિલ્યન ટન અનાજનું ઉત્પાદન (આગલા વરસે ૨૮૫ મિલ્યન ટન). જે આગલા વરસ કરતાં બે ટકા વધારે હશે. તેમાં ઘઉંનું ૧૦૬ મિલ્યન ટનનું ઉત્પાદન પણ ઑલટાઇમ હાઇ હશે. તેલીબિયાં, શેરડી અને કપાસનું ઉત્પાદન પણ આગલા વરસ કરતાં વધુ રહેશે. આપણી રાષ્ટ્રીય આવકમાં કૃષિક્ષેત્રનો ૧૫થી ૧૬ ટકા જેટલો મોટો હિસ્સો હોઈ અનાજનું રેકૉર્ડ ઉત્પાદન અનાજના ભાવને અને તે દ્વારા જનરલ ભાવવધારાને કાબૂમાં રાખી શકે.

દરમ્યાન સરકાર દ્વારા ચાલતી રોજગાર યોજનાઓમાં પણ ચાલુ વરસે ઓછા રોજગાર પૂરા પડાયા હોવાના આંકડા જાહેર કરાયા છે. વડા પ્રધાનના એમ્પ્લોયમેન્ટ જનરેશન પ્રોગ્રામ હેઠળ ૨૦૧૮-૧૯ના ૫.૯ લાખ રોજગાર સામે ૨૦૧૯-૨૦ (ડિસેમ્બર ૩૧, ૨૦૧૯ સુધી)માં માત્ર ૨.૬ લાખ રોજગાર પૂરા પડાયા છે. ૨૦૧૪માં એનડીએ સરકાર સત્તા પર આવી ત્યારથી અત્યાર સુધીમાં આ પ્રોગ્રામ હેઠળ ઊભી કરાયેલ રોજગારીમાં આ વરસની રોજગારી સૌથી ઓછી છે. આ પ્રોગ્રામ ખાદી અને વિલેજ ઇન્ડસ્ટ્રીઝ કમિશન દ્વારા ચલાવાય છે.

સરકારી સ્કીમો દ્વારા પૂરી પડાતી રોજગારીના આંકડા હોય, આવી યોજનાઓ માટે સરકાર દ્વારા કરાયેલ ખર્ચની રકમ હોય કે કૉર્પોરેટ ક્ષેત્ર દ્વારા અપાતો વેતનવધારો હોય. આ અને આવા અન્ય આંકડાઓ એક વિશાળ અર્થતંત્રનો બહુ નાનો ભાગ છે એ સાચું. જ્યારે કરોડોની સંખ્યામાં બેરોજગારી હોય ત્યારે ઉપર દર્શાવેલ સ્કીમો દ્વારા પૂરી પડાતી રોજગારીમાં બે પાંચ લાખનો વધારો કે ઘટાડો પણ દેશમાં પ્રવર્તતી બેરોજગારીની પરિસ્થિતિમાં લાંબો કે મહત્ત્વનો ફેર પાડી શકે નહીં. તો પણ આવા આંકડાઓ અર્થતંત્રના મોટા ચિત્રની એક ઝાંખી આપે છે એટલે તેના પ્રતિક જેવા આ આંકડાઓને ગંભીરતાથી લેવા જોઈએ.

‘મેક-ઇન-ઇન્ડિયા’ને પ્રોત્સાહન આપવા માટે એક તબક્કે સરકાર આયાતડ્યુટી વધારવાની અને તે દ્વારા કુલ આયાતો ઘટાડવાની વાત કરતી હતી જેની અવળી અસર આપણી નિકાસો પર પણ પડવાની જ, પણ કોરોના વાઇરસના ફેલાવાની આપણા અર્થતંત્ર પરની સંભવિત અસરોને ધ્યાનમાં રાખીને અને સપ્લાય ચેઇનમાં ભંગાણ ન પડે અને ચીનમાંથી થતી આયાતોનો વિકલ્પ મળી રહે એ માટે સરકાર કેટલાંક નવાં પગલાં વિચારી રહી છે. જેમાં અતિઆવશ્યક ઇન્પુટ પરની આયાતડ્યુટીનો ઘટાડો અને ઝડપી પોર્ટ ક્લિયરન્સ દ્વારા લૉજિસ્ટિક કૉસ્ટ ઘટાડવાનો અને સપ્લાય ચેઇનના ભંગાણ (ડીસલોકેશન)ને અટકાવવાનો પ્રયાસ થાય એવી સંભાવના છે. આયાતો સસ્તી

થાય અને સપ્લાય ચેઇનના કોઈ પણ જાતના બ્રેક સિવાય ઇન્પુટનો પુરવઠો મળતો રહે તો જ આપણી નિકાસો ટકી રહે કે વધી શકે.

અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પ આજે ભારતની મુલાકાતે આવી રહ્યા છે.

ભારત અને અમેરિકા વચ્ચે વેપારકરાર કરવા માટે ભારત સરકાર મહત્વાકાંક્ષી છે પણ ભારતની મુલાકાતની પૂર્વસંધ્યાએ ટ્રમ્પે આવા કોઈ કરાર પર અમેરિકા હાલમાં હસ્તાક્ષર કરવા ઇચ્છતું નથી એવી અસંદિગ્ધ જાહેરાત કરી છે. ભારત સાથે મોટા વેપાર કરાર ભવિષ્યમાં (નવેમ્બરમાં અમેરિકાના પ્રમુખની ચૂંટણી થાય તે પહેલાં કે પછી) કરીશું એવી ટ્રમ્પની વાત કોણીએ ગોળ લગાડવા જેવી છે. ડિપ્લોમસીના માહિર વડા પ્રધાન મોદી આની પાછળના સૂચિતાર્થો બરાબર સમજી શકે તેમ છે. રાજકારણમાં નથી કોઈ કાયમી મિત્ર કે નથી કોઈ કાયમી દુશ્મન.

Whatsapp-channel Whatsapp-channel

24 February, 2020 07:44 AM IST | Mumbai | Jitendra Sanghvi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK