Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > બજારની નજર હવે માત્ર ગુડ ન્યુઝ પર

બજારની નજર હવે માત્ર ગુડ ન્યુઝ પર

30 December, 2019 04:50 PM IST | Mumbai
Jayesh Chitalia

બજારની નજર હવે માત્ર ગુડ ન્યુઝ પર

બજારની નજર હવે માત્ર ગુડ ન્યુઝ પર


ગયા સોમવારે બજારની શરૂઆત ઠંડી થઈ હતી. આગલા સપ્તાહમાં સતત નવી ઊંચાઈ હાંસલ કરનાર માર્કેટને પ્રોફિટ બુકિંગ મારફત કરેકશનની તાતી જરૂર જણાતી હતી. જોકે સોમવારે નજીવું કરેકશન જ થયું હતું. સેન્સેક્સ ૩૯ પૉઇન્ટ અને નિફટી ૯ પૉઇન્ટ માઈનસ બંધ રહ્યો હતો. સોમવારે યસ બૅન્કને સેન્સેક્સની યાદીમાંથી દૂર કરાતાં તેનો ભાવ તૂટી ગયો હતો. વિદેશોમાં હોલીડે મૂડને કારણે અહીં બજારના ટર્નઓવરમાં સુસ્ત માહોલ હતો. જોકે મોદી સરકાર આગામી દિવસોમાં ઇન્વેસ્ટમેન્ટ તેમ જ ખર્ચ વધે એ માટેના પગલાં ભરશે એવી વધતી જતી આશા સાથે વિશ્વાસ પણ વધી રહ્યો હોવાનું નોંધાયું હતું જેને લીધે વલણ તેજીનું હતું. મંગળવારે કરેકશન આગળ વધ્યું હતું, જેમાં પ્રોફિટ બુકિંગનો હાથ તો હતો જ, કિંતુ આ સાથે ઇન્ટરનૅશનલ મોનેટરી ફન્ડે ભારતીય ઈકૉનૉમી માટે કરેલા નિરાશાજનક નિવેદનની પણ અસર થઈ હતી. જોકે આઇએમએફ દ્વારા ભારત આગામી વરસે ૬ ટકા ઉપર જીડીપી હાંસલ કરશે એવું પણ વ્યકત થયું હતું. મંગળવારે રૂપિયામાં નબળાઈ દેખાઈ હતી અને ક્રૂડના ભાવમાં ધીમે-ધીમે થઈ રહેલા વધારાને કારણે પણ બજાર નેગેટિવ રહ્યું હતું. સેન્સેક્સ ૧૮૧ પૉઇન્ટ અને નિફટી ૪૮ પૉઇન્ટ ડાઉન ગયા હતા.

સંકેત પૉઝિટિવ, માર્કેટ નેગેટિવ
બુધવારે ક્રિસમિસ નિમિત્તે માર્કેટ બંધ રહ્યું હતું. ગુરુવારે બજારનો આરંભ ઠંડો થયો હતો. જોકે ઇકૉનૉમી અને બજારને બુસ્ટ મળે એવા ઢગલાબંધ સંકેત બજેટ માટે ફરતા થયા હતા. આવકવેરામાં કાપ, ફલેટ રેટ દાખલ કરવો, લોકોના હાથમાં નાણાં વધે એવી સરકારી યોજના મારફત વ્યવસ્થા કરવી જેથી ખર્ચ વધે, વપરાશ અને માગ વધે, પરિણામે ઈકૉનૉમીને વેગ મળે જેવા સંકેત અપાયા હતા. બજેટનું એકમાત્ર લક્ષ્ય ઇકૉનૉમી રિવાઇવલનું રહેશે એવું સ્પષ્ટ કરાયું હતું. તેમ છતાં માર્કેટે નેગેટિવ શરૂઆત કરી હતી, એટલું જ નહીં ચીન સાથે વેપાર કરાર કરવા અંગેના યુએસ પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પના નિવેદનની પણ બજાર પર પૉઝિટિવ અસર થઈ નહોતી. માર્કેટ સતત નેગેટિવ રહીને અંતમાં સેન્સેક્સ ૨૯૭ પૉઇન્ટ અને નિફટી ૮૮ પૉઇન્ટ માઈનસ બંધ રહ્યા હતા. ગુરુવારે ડેરિવેટિવ્ઝ કૉન્ટ્રૅકટનો અંતિમ દિવસ હોવાને કારણે અમુક અંશે પ્રોફિટ બુકિંગનું પરિબળ પણ અસર કરી ગયું હતું. કરેકશનનો આ સળંગ ત્રીજો દિવસ હતો.

ત્રણ દિવસના કરેકશનની રિકવરી
જોકે શુક્રવારે બજારે પૉઝિટિવ ટર્ન લઈ લીધો હતો, જેનું મુખ્ય કારણ બજેટની આશા હતું. બજેટમાં સરકાર અર્થતંત્ર માટે ઢગલાબંધ વેગવાન પગલાં લઈને આવશે એ નિશ્ચિત બનતું જાય છે. જેના સંકેત પણ વધતા જાય છે. પરિણામે શુક્રવારે સેન્સેક્સે ૪૧૧ પૉઇન્ટનો કૂદકો મારીને આગલા ત્રણ દિવસના ઘટાડાને ધોઈ નાખીને ૪૧૫૭૫ બંધ રહ્યો હતો. નિફટી ૧૧૯ પૉઇન્ટ વધીને ૧૨૨૪૫ બંધ રહ્યો હતો. સરકાર તરફથી મૂડી સહાયના નામે જાહેર ક્ષેત્રના બૅન્ક સ્ટૉકસ નોંધપાત્ર વધ્યા હતા. નાણાપ્રધાને બૅન્કર્સ સાથે મિટિંગ કરવાની જાહેરાત કરી હોવાથી તેની પૉઝિટિવ અસર થઈ હતી. આ ઉપરાંત ગ્લોબલ સ્તરે યુએસ-ચીન વચ્ચેના કરાર પણ આકાર પામી રહ્યા હોવાની સકારાત્મક અસર હતી, જેનો દિવસ સાવ નજીક આવી ગયો છે. વિદેશી બજારો પણ શુક્રવારે તેજીના તાલે રહ્યા હતા અને વિદેશી રોકાણકારોનો ભારતીય માર્કેટ પ્રત્યે બુલિશ ટ્રેન્ડ ચાલુ રહ્યો હતો. ડિસેમ્બરમાં ગ્લોબલ ઇન્વેસ્ટરોનો રોકાણ પ્રવાહ પૉઝિટિવ રહેવાની પણ અસર બજાર પર હતી. આ સપ્તાહમાં પણ બજાર બજેટના તેમ જ ગ્લોબલ સંકેતોને આધારે વધઘટ કરશે એવી ધારણા રાખી શકાય.

મ્યુચ્યુઅલ ફન્ડ માર્ગે ઇક્વિટી રોકાણ
૨૦૧૯માં મ્યુચ્યુઅલ ફન્ડ ઉદ્યોગે તેના વહીવટ હેઠળની એસેટસમાં ચાર લાખ કરોડ રૂપિયાનો ઉમેરો કર્યો હતો. અર્થાત મ્યુચ્યુઅલ ફન્ડમાં આટલી રકમનું ઇન્વેસ્ટમેન્ટ વરસ દરમ્યાન આવ્યું હતું. જેમાં ખાસ કરીને એસઆઇપી માર્ગે નવેમ્બર સુધીમાં જ ૯૦ હજાર કરોડ રૂપિયાથી વધુ રકમ રોકાણ સ્વરૂપે આવી હતી. આ રકમ તેના અગાઉના વરસ કરતાં ૧૨ ટકા વધુ હતી. આમ મ્યુચ્યુઅલ ફંડ પાસે જમા થયેલી રકમનો પ્રવાહ મોટેભાગે ઇક્વિટીમાં વળશે એવું નિશ્ચિત ગણાય, જે માર્કેટને બુસ્ટ આપશે. મ્યુચ્યુઅલ ફન્ડસ આગામી બજેટને ધ્યાનમાં રાખી પોતાના નવા રોકાણ પ્લાન બનાવશે અને તેમાં ફેરફાર પણ કરશે. શૅરબજારમાં ભલે વોલેટિલિટી ચાલુ રહી, કિંતુ મ્યુચ્યુઅલ ફન્ડસના એસઆઇપીમાં (સિસ્ટેમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન)માં તેજી જ રહી છે. આ માર્ગે ઇક્વિટીમાં ભરપૂર નાણાપ્રવાહ આવતો રહ્યો છે. આ બાબત રોકાણકારોની શિસ્ત અને પરિપકવતાનો નિર્દેશ કરે છે. તેમ જ લાંબા ગાળા માટે રિટેલ રોકાણકાર વર્ગ બજાર પ્રત્યે આશાવાદી હોવાનું પણ પ્રતિત થાય છે.

મૂડીધોવાણના શૅરોની યાદી લાંબી
૨૦૧૯માં સ્ટૉકસની વધઘટનો અભ્યાસ કરતા અમુક આંચકાજનક બાબત પણ જોવા મળી છે. આ વરસમાં બેન્ચમાર્ક ઇન્ડેકસ ભલે વધ્યા હોય, કિંતુ મોટાભાગના સ્ટૉકસમાં મૂડીધોવાણ થયું છે. અર્થાત મૂડીસર્જન કરતાં મૂડી ધોવાણવાળા શૅરોની સંખ્યા મોટી રહી છે. બીએસઈ-૫૦૦ સ્ટૉકસમાંથી ૩૦૦થી વધુ સ્ટૉકસમાં નેગેટિવ રિટર્ન જોવાયું છે, જ્યારે કે તેમાંથી પણ ૨૩૭ શૅરોમાં ડબલ ડિઝિટ ધોવાણ થયું છે. વધુ એક આઘાતજનક બાબતમાં ૪૫ સ્ટૉક્સ એવા નોંધાયા છે જેમાં ૫૦થી ૯૫ ટકા જેવું જંગી ધોવાણ થયું છે. આવા સ્ટૉક્સમાં રિલાયન્સ કેપિટલ, રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રકચર, રિલાયન્સ પાવર, રિલાયન્સ કમ્યુનિકેશન, જૈન ઇરિગેશન, કૉફી ડે એન્ટરપ્રાઇસ, જેટ અૅરવેઝ, ડીએચએફએલ વગેરેનો સમાવેશ થાય છે. આ બધી કંપનીઓ મોટેભાગે દેવાંમાં ડૂબેલી છે અથવા તેમાં કૉર્પોરેટ ગવર્નન્સની સમસ્યા બહાર આવતી રહી છે. રોકાણકારોએ આવા સ્ટૉક્સથી નવા વરસમાં પણ સાવચેત રહેવું પડશે. જોકે આગામી વરસમાં મિડ કૅપ અને સ્મોલ કૅપ સ્ટૉક્સમાં સુધારાની આશા વધી છે.

ફૉરેન ઇન્વેસ્ટરોનો પ્રવાહ ચાલુ રહેશે?
૨૦૧૯માં બજારના વળતરની બાબતમાં સંભવત કોઈ મતભેદ યા ફરક હોઈ શકે, કિંતુ ફોરેન ઇન્વેસ્ટરોએ ભારતીય બજારમાં વરસ ૨૦૧૯માં ૨૦૧૩ પછીનું સૌથી વધુ એવું આશરે એક લાખ કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું. આ રોકાણ ચીન બાદ બીજા ક્રમે ગણાય. ૨૦૨૦માં આ રોકાણપ્રવાહ ચાલુ રહેવાની આશા છે. ભારત રોકાણ માટે ઇમરજિંગ ઇક્વિટી માર્કેટસમાં વિશ્વમાં ઇન્ડોનેશિયા અને ચીન બાદ સૌથી પસંદગીપાત્ર ત્રીજું સ્થળ છે. ૨૦૧૯માં સેન્સેક્સે ૧૫ ટકા જેવું વળતર આપ્યું હોવાનું નોંધાયું છે. બૉન્ડસ અને કરન્સી માર્કેટમાં પણ ભારતનું સ્થાન અનુક્રમે પાંચમું અને ચોથું રહ્યું હતું. આમ ભારત ઇન્વેસ્ટમેન્ટ માટે આકર્ષણ જાળવી શક્યું છે, જે આ વખતના બજેટ બાદ વધુ આકર્ષક બને એવી ધારણા મુકાય છે.

નાની-મોટી જાણવા જેવી વાત
જીએસટી અંગેની ફરિયાદ હાથ ધરવા કાઉન્સીલે ઝોનલ અને સ્ટેટ લેવલે જીએસટી ગ્રીવન્સીસ રિડ્રેસલ કમિટી સ્થાપવાનો નિર્ણય લીધો હતો. ભારત બૉન્ડ ઇટીએફમાં સરકારને પ્રાપ્ત થયેલું વધારાનું ભંડોળ રાખી મૂકશે. જેથી તમામ રોકાણકારોને આ રોકાણની તકનો લાભ મળશે. બૅન્ક ધિરાણનો વૃદ્ધિદર છેલ્લા ૫૮ વરસની સૌથી નીચી સપાટીએ પહોંચ્યો છે.

આઇએલ અૅન્ડ એફએસના ધબડકાના કિસ્સામાં યોગ્ય ડયુ ડિલિજન્સ ન કરવા બાદ સેબીએ કેર રેટિંગ, ઈકરા અને ઇન્ડિયા રેટિંગ્સ, દરેકને ૨૫ લાખ રૂપિયાનો દંડ કર્યો છે. સેન્સેક્સમાંથી યસ બૅન્કનો શૅર બહાર નીકળી ગયો છે અને નેસલેનો પ્રવેશ થયો છે. કૅબિનેટે ઇન્સોલવન્સી કોડમાં સુધારાને મંજૂર કર્યા હોવાથી આ કોડ હવે વધુ અસરકારક કામગીરી બજાવીને બૅન્ક લોન રિકવરીમાં વધુ સહાયરૂપ બનશે.


Whatsapp-channel Whatsapp-channel

30 December, 2019 04:50 PM IST | Mumbai | Jayesh Chitalia

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK