Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > સેન્સેક્સ તેજી વચ્ચે 258 પૉઇન્ટ વધીને 51000ની સપાટીને પણ વટાવી ગયો

સેન્સેક્સ તેજી વચ્ચે 258 પૉઇન્ટ વધીને 51000ની સપાટીને પણ વટાવી ગયો

26 February, 2021 09:30 AM IST | Mumbai
Stock Talk

સેન્સેક્સ તેજી વચ્ચે 258 પૉઇન્ટ વધીને 51000ની સપાટીને પણ વટાવી ગયો

શૅર માર્કેટ

શૅર માર્કેટ


ભારત વિકાસના માર્ગ પર અગ્રસર છે એવા આશાવાદને લીધે શૅરબજાર ફરી એક વાર વૃદ્ધિના પથ પર આગળ વધી રહ્યું છે. ગુરુવારે સાપ્તાહિક એક્સપાયરીની વૉલેટિલિટી વચ્ચે પણ બજાર વધ્યું હતું. વિદેશી, ખાસ કરીને અમેરિકન બજારની રાહે દલાલ સ્ટ્રીટમાં પણ વૃદ્ધિ થઈ હતી. એને પગલે સેન્સેક્સ ફરી એક વાર ૫૧,૦૦૦ની મહત્ત્વપૂર્ણ સપાટી પાર કરી ગયો હતો અને નિફ્ટી-૫૦ ઇન્ડેક્સ ૧૫,૧૦૦ની નજીક બંધ રહ્યો હતો.

ભારત નાણાકીય વર્ષ ૨૦૨૧-’૨૨માં ૧૩.૫ ટકાના દરે વૃદ્ધિ કરશે એવી મૂડીઝ રેટિંગ્સની જબ્બર આગાહીને કારણે રોકાણકારોનું માનસ સુધર્યું હતું અને એસઍન્ડપી બીએસઈ સેન્સેક્સ દિવસભરની મોટી ચડ-ઊતરના અંતે ૨૫૭.૬૨ પૉઇન્ટ (૦.૫૧ ટકા) વધીને ૫૧,૦૩૯.૩૧ પૉઇન્ટ બંધ રહ્યો હતો. નિફ્ટી-૫૦માં ૧૧૫.૩૫ પૉઇન્ટ (૦.૭૭ ટકા)ની વૃદ્ધિ થઈને બંધ આંક ૧૫,૦૯૭.૩૫ રહ્યો હતો. એનએસઈ પર મિડ કૅપ-૫૦ અને સ્મૉલ કૅપ-૧૦૦ ઇન્ડેક્સ મુખ્ય ઇન્ડેક્સની તુલનાએ વધારે વધ્યા હતા અને અનુક્રમે ૨.૧૨ ટકા તથા ૧.૪૩ ટકા વધ્યા હતા. ડેરિવેટિવ્ઝની એક્સપાયરી થઈ જવાથી વૉલેટિલિટી ઇન્ડેક્સ પણ ઘટ્યો હતો અને ૫.૨૭ ટકા નીચે અર્થાત્‌ ૨૨.૮૯ બંધ રહ્યો હતો.



ઇન્ડેક્સની વૃદ્ધિ રિલાયન્સને આભારી


સેન્સેક્સનો ગુરુવારનો બંધ આંક ખૂલેલા આંક ૫૧,૨૦૭.૬૧ કરતાં નીચે આવ્યો હતો. ઇન્ડેક્સનો વધારો મુખ્યત્વે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના વેઇટેજને આભારી હતો. રિલાયન્સના શૅરમાં ૩.૮૪ ટકાની વૃદ્ધિ થયા બાદ બંધ ભાવ ૨૧૪૪.૮૫ રહ્યો હતો. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે ઑઇલ ટુ કેમિકલ બિઝનેસને સ્વતંત્ર પેટા કંપની બનાવવાનું ૨૩ ફેબ્રુઆરીએ જાહેર કર્યા બાદ સ્ટૉકનો ભાવ લગભગ ૬ ટકા વધી ગયો છે. બીએસઈ પર ૨૧૪૨.૪૦ના ભાવે હાલમાં આ શૅર ગઈ ૨૧ ઑક્ટોબર બાદના સર્વોચ્ચ સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે.

ઓએનજીસી ૪.૬૬ ટકા વધ્યો


સેન્સેક્સના વધેલા ૧૮ સ્ટૉક્સમાંથી ટોચના વધેલા પાંચ સ્ટૉક્સમાં રિલાયન્સ ઉપરાંત ઓએનજીસી (૪.૬૬ ટકા), એનટીપીસી (૪.૫૫ ટકા), ઇન્ડસઇન્ડ બૅન્ક (૩.૭૦ ટકા) અને ઍક્સિસ બૅન્ક (૨.૯૪ ટકા) સામેલ હતા. ઘટેલામાં આઇસીઆઇસીઆઇ બૅન્ક (૨.૧૦ ટકા), નેસલે ઇન્ડિયા (૧.૪૫ ટકા), લાર્સન ઍન્ડ ટુબ્રો (૧.૨૦ ટકા), કોટક બૅન્ક (૦.૯૮ ટકા) અને ટાઇટન (૦.૮૦ ટકા)નો સમાવેશ થતો હતો.

એનર્જી, મેટલ અને ઑઇલ ઍન્ડ ગૅસ ઇન્ડેક્સ વધ્યા

બીએસઈ પરના સેક્ટોરલ ઇન્ડાઇસીસમાં મોટો વધારો એનર્જી ઇન્ડેક્સ (૩.૯૨ ટકા), મેટલ (૩.૩૮ ટકા), ઑઇલ ઍન્ડ ગૅસ (૩.૫૨ ટકા) આવ્યો હતો. ફાઇનૅન્સ ૦.૦૮ ટકા, હેલ્થકૅર ૦.૭૬ ટકા, ઇન્ડસ્ટ્રિયલ્સ ૧.૩૪ ટકા, ટેલિકૉમ ૦.૮૩ ટકા, યુટિલિટીઝ ૨.૫૩ ટકા, ઑટો ૦.૭૨ ટકા, પાવર ૧.૭૯ ટકા, રિયલ્ટી ૧.૬૨ ટકા વધ્યા હતા, જ્યારે એફએમસીજી ૦.૨૪ ટકા અને કૅપિટલ ગુડ્સ ૦.૦૧ ટકા ઘટ્યા હતા.

એનએસઈ પર નિફ્ટી પીએસયુ બૅન્ક ૧.૧૫ ટકા અને નિફ્ટી મીડિયા ૧.૩૪ ટકા વધ્યા હતા, જેમાં મુખ્ય વધેલા સ્ટૉક્સ ઇન્ડિયન ઓવરસીઝ બૅન્ક (૯.૮૬ ટકા), મહારાષ્ટ્ર બૅન્ક (૯.૮૧ ટકા) અને સેન્ટ્રલ બૅન્ક (૪.૮૦ ટકા), સન ટીવી (૨.૯૯ ટકા), ઝીલ (૧.૫૩ ટકા) અને પીવીઆર (૧.૨૨ ટકા) હતા.

રોકાણકારોની સંપત્તિમાં ૨.૨૦ લાખ કરોડ રૂપિયાનો વધારો

બીએસઈનું માર્કેટ કૅપ પાછલા ૨૦૩.૯૮ લાખ કરોડની સામે ૨૦૬.૧૮ લાખ કરોડ બંધ આવ્યું હતું અર્થાત્‌ એમાં ૨.૨૦ લાખ કરોડ રૂપિયાનો વધારો થયો હતો.

ડેરિવેટિવ્ઝ રિપોર્ટ

બીએસઈના ડેરિવેટિવ્ઝ સેગમેન્ટમાં ગુરુવારે કુલ ૩,૩૨,૦૮૭.૩૦ કરોડ રૂપિયાનું ટર્નઓવર થયું હતું. કુલ ૭૬,૯૫૩ સોદાઓમાં ૨૭,૧૧,૯૩૦ કૉન્ટ્રૅક્ટ્સનાં કામકાજ થયાં હતાં. કુલ ૨૯,૮૬,૨૧૫ કૉન્ટ્રૅક્ટ્સના ઓપન ઇન્ટરેસ્ટ રહ્યા હતા. ઇન્ડેક્સ ફ્યુચર્સ કૉન્ટ્રૅક્ટ્સમાં ૧૬.૭૬ કરોડ રૂપિયાના ૭૯ સોદામાં ૧૪૧ કૉન્ટ્રૅક્ટ્સનાં કામકાજ થયાં હતાં. ઇન્ડેક્સ કૉલ ઑપ્શનના ટ્રેડ થયેલા ૬૫,૩૭૪ સોદામાં ૨૩,૮૮,૩૪૭ કૉન્ટ્રૅક્ટ્સ સાથે ૨,૯૯,૪૬૦.૨૧ કરોડ રૂપિયાનું કામકાજ થયું હતું. ઇન્ડેક્સ પુટ ઑપ્શનના ટ્રેડ ૧૧,૫૦૦ સોદામાં ૩,૨૩,૪૪૨ કૉન્ટ્રૅક્ટ્સ સાથે ૩૨,૬૧૦.૩૩ કરોડ રૂપિયાનું કામકાજ થયું હતું.

વૈશ્વિક બજારો

અમેરિકામાં વ્યાજદર લાંબા સમય સુધી નીચા રહેવાની શક્યતા ફેડરલ રિઝર્વના વડા જેરોમ પૉવેલે વ્યક્ત કરી એને પગલે વૈશ્વિક સ્તરે બજાર સુધર્યું હતું. બુધવારે નૅસ્ડૅકમાં ૧ ટકાની વૃદ્ધિ થઈ હતી.

નિક્કી ૨૨૫ ઇન્ડેક્સ ૧.૬૭ ટકા વધ્યો હતો તથા હૅન્ગસેંગમાં ૧.૨૦ ટકા, કોસ્પીમાં ૩.૫૦ ટકા અને શાંઘાઈ કમ્પોઝિટમાં ૦.૫૯ ટકાની વૃદ્ધિ થઈ હતી.

ટેક્નિકલ દૃષ્ટિએ

નિફ્ટી વધીને ખૂલવા છતાં ૧૫,૧૫૦ની સપાટીને ટકાવી શક્યો ન હતો. ગુરુવારના મોટા ભાગના ટ્રેડિંગ સમયગાળામાં ઇન્ડેક્સ મોટી રૅન્જમાં રહ્યો હતો. નિફ્ટીમાં દૈનિક ચાર્ટ પર ગ્રેવસ્ટોન દોજી કૅન્ડલ રચાઈ છે. વિશ્લેષકોના મતે હાલતુરત ઇન્ડેક્સને ૧૫,૦૦૦ની સપાટી નજીક મજબૂત સપોર્ટ છે. જો શુક્રવારે એના કરતાં ઉપર બંધ આવશે તો પછી એ વૃદ્ધિ ૧૫,૨૦૦-૧૫,૨૫૦ના સ્તર સુધી જઈ શકે છે.

બજાર કેવું રહેશે?

બજારમાં તેજીના અન્ડરકરન્ટ સાથે પ્રૉફિટ-બુકિંગ થવાની સંભાવના છે. શુક્રવારે નિફ્ટી ૧૫,૨૫૦નું રેઝિસ્ટન્સ પાર નહીં કરી શકે તો પ્રૉફિટ-બુકિંગ થશે એવું નિષ્ણાતોનું કહેવું છે. ૧૫,૦૦૦ની નીચે બજાર સામસામા રાહે અથડાવાની શક્યતા દેખાય છે.

Whatsapp-channel Whatsapp-channel

26 February, 2021 09:30 AM IST | Mumbai | Stock Talk

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK