Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > ભારતીય શૅર બજાર: દલાલ સ્ટ્રીટમાં 6 દિવસમાં 11.63 લાખ કરોડ ડૂબ્યા

ભારતીય શૅર બજાર: દલાલ સ્ટ્રીટમાં 6 દિવસમાં 11.63 લાખ કરોડ ડૂબ્યા

29 February, 2020 07:45 AM IST | Dalal Street Mumbai

ભારતીય શૅર બજાર: દલાલ સ્ટ્રીટમાં 6 દિવસમાં 11.63 લાખ કરોડ ડૂબ્યા

કોરોના વાઇરસથી શૅરબજારો બીમાર

કોરોના વાઇરસથી શૅરબજારો બીમાર


વૈશ્વિક નાણાબજાર અને ઔદ્યોગિક કૉમોડિટી માટે વાસ્તવિકતાનું ભાન થાય એવો સમય આવી ગયો છે. વૈશ્વિક આર્થિક વિકાસ લથડી રહ્યો છે ત્યારે અમેરિકાની આગેવાની હેઠળ વૈશ્વિક શૅરબજાર વિક્રમી સપાટી હાંસલ કરી રહ્યાં હતાં. કોરોના વાઇરસની અસરથી વૈશ્વિક અર્થતંત્ર સામે એક મોટો પડકાર ઊભો થયો હોવાનું ભાન થતાં અમેરિકા, એશિયા, યુરોપ અને ભારતમાં શૅરબજાર, ક્રૂડ ઑઇલ, ઔદ્યોગિક ધાતુ સહિત કડાકો બોલી ગયો હતો.

ગુરુવારે અમેરિકન શૅરબજારમાં ડો જૉન્સ ઇન્ડેક્સ ૧૨૦૦ પૉઇન્ટ જેટલો ઘટીને બંધ આવ્યો હતો જે એના ઇતિહાસમાં એક જ દિવસનો સૌથી મોટો કડાકો છે. શુક્રવારે ડો જૉન્સ ફ્યુચર્સ ૧૧૦૦ પૉઇન્ટ કે ૪.૪ ટકાનો ઘટાડો દર્શાવી રહ્યો છે એટલે લાગી રહ્યું છે કે આજે પણ બજાર નબળાં ખૂલશે.

સોમવારથી એમએસસીઆઇ વર્લ્ડ ઇન્ડેક્સ ૯ ટકા ઘટી ગયો છે જે ૧૧ વર્ષમાં સૌથી મોટો કડાકો છે. ગુરુવારે યુરોપ સ્ટૉક્સ ૬૦૦ ઇન્ડેક્સ ૩.૬ ટકા ઘટ્યો હતો અને આજે ૪.૪ ટકા ઘટીને ટ્રેડિંગ થઈ રહ્યું છે. એશિયાનાં અન્ય બજારોમાં જપાનમાં નિક્કી, ચીનમાં શાંઘાઈ કૉમ્પોઝિટ, હૉન્ગકૉન્ગમાં હૅન્ગસેંગ, સિંગાપોરમાં અને થાઇલૅન્ડનાં બજારો ૧૦ ટકા જેટલાં ઘટીને ટેક્નિકલ રીતે કરેક્શનમાં જોવા મળી રહ્યાં છે.

૬ દિવસમાં ઘટાડો એટલો તીવ્ર છે કે એ સીધો ૨૦૦૮-’૦૯ની અમેરિકાથી શરૂ થયેલી ગ્લોબલ ફાઇનૅન્શિયલ ક્રાઇસિસ જેટલો તીવ્ર બની ગયો છે. છેલ્લાં ૧૧ વર્ષમાં ક્યારેય ન જોયું હોય એવું ધોવાણ આ સપ્તાહે શૅરબજારમાં જોવા મળ્યું છે. ૬ દિવસમાં વૈશ્વિક શૅરબજારમાંથી પાંચ ટ્રિલ્યન ડૉલર (પાંચ લાખ કરોડ ડૉલર, ભારતીય અર્થતંત્રના કદ કરતાં બમણું) ધોવાઈ ગયા છે.



ભારતીય બજાર બાકાત નથી


આ એક સપ્તાહમાં નિફ્ટી ૭.૩ ટકા અને સેન્સેક્સ ૭.૩૨ ટકા ઘટીને બંધ આવ્યા છે જે વૈશ્વિક નાણાકીય કટોકટી પછીનો સૌથી મોટો ઘટાડો છે. છેલ્લા ૬ દિવસથી ઘટી રહેલા બજારમાં રોકાણકારોની સંપત્તિમાં ૧૧,૬૩,૭૦૯ કરોડ રૂપિયાનું ધોવાણ થઈ ગયું છે.

આ ઉપરાંત ૨૦ જાન્યુઆરીએ ઐતિહાસિક ઊંચી સપાટીએથી નિફ્ટી ૯.૯ ટકા અને સેન્સેક્સ ૯.૨ ટકા ઘટી ગયા છે. ૨૭ જાન્યુઆરીથી ચીનમાં કોરોના વાઇરસની અસર વ્યાપક બનવાની શરૂઆત થઈ હતી, પણ ભારતમાં બજેટ અને એ પછી વાઇરસની અસરો ટૂંકા ગાળાની રહેશે એવી ધારણાએ બજારમાં મક્કમ વાતાવરણ જોવા મળી રહ્યું હતું, પણ છેલ્લા એક સપ્તાહમાં માત્ર ચીન જ નહીં, વિશ્વના દરેક ખંડમાં કોરોના વાઇરસના દરદીઓ મળી આવ્યા છે. સાઉથ કોરિયા, જપાન, સિંગાપોર, ઈરાન, ઇટલીમાં વધુ ને વધુ દરદીઓ મળી રહ્યા હોવાથી આ સપ્તાહે વેચવાલી વ્યાપક બની છે.


ગયા ગુરુવારે ભારતીય બજાર બંધ રહ્યું એ પછીના એક સપ્તાહમાં જે રીતે ઘટાડો જોવા મળ્યો છે એ સબ પ્રાઇમ કટોકટી પછીનો એટલે કે ૧૧ વર્ષનો સૌથી મોટો ઘટાડો છે. છેલ્લા ૬ દિવસથી ઘટી રહેલા બજારમાં રોકાણકારોની સંપત્તિમાં ૧૧,૬૩,૭૦૯ કરોડ રૂપિયાનું ધોવાણ થઈ ગયું છે. આટલી ઝડપથી વિનાશ વેરાયો હોવાથી એની અસર લાંબા સમય સુધી જોવા મળી શકે છે. ગયા વર્ષે સાડાત્રણ મહિનામાં બજારમાં આવું ધોવાણ જોવા મળ્યું હતું. જૂન ૨૦૧૯માં નરેન્દ્ર મોદી સરકાર બીજી વખત સત્તા પર આવી ત્યારથી ૨૦ સપ્ટેમ્બર સુધીમાં શૅરબજારમાં ૧૫.૮૩ લાખ કરોડ રૂપિયાનું ધોવાણ થયું હતું.

ક્રૂડ ઑઇલ ૧૪.૫ ટકા ઘટ્યું

વૈશ્વિક બજારમાં નાયમેક્સ ક્રૂડ ઑઇલ વાયદો ગઈ ૬ઠ્ઠી જાન્યુઆરીએ ૬૩.૨૭ ડૉલર પ્રતિ બૅરલ અને ગયા શુક્રવારે ૫૩.૩૮ ડૉલર પ્રતિ બૅરલના ભાવે બંધ આવ્યો હતો. આજે બ્રેન્ટ ક્રૂડ ૨.૭૬ ટકા ઘટી ૪૫.૭૯ ડૉલરની સપાટીએ છે. એક સપ્તામાં એમાં ૧૪ ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. બ્રેન્ટ ક્રૂડ વાયદો ૬ જાન્યુઆરીએ ૬૮.૯૧ ડૉલર પ્રતિ બૅરલની ટોચ પર હતો અને ગયા શુક્રવારે ૫૮.૫૦ ડૉલર પ્રતિ બૅરલની સપાટીએ બંધ આવ્યો હતો. આજે બ્રેન્ટ ૧.૧૪ ટકા ઘટી ૫૧.૧૭ ડૉલરની સપાટીએ છે એટલે સપ્તાહમાં ૧૨.૫ ટકાનો ઘટાડો છે.

ઔદ્યોગિક ધાતુઓના ભાવમાં કડાકો

લંડનમાં કૉપરનો ભાવ ગઈ ૧૪ જાન્યુઆરીએ ૬૩૦૨ ડૉલર પ્રતિ ટન હતો અને ગયા સપ્તાહે એ ૫૭૬૫ ડૉલર બંધ રહ્યો હતો. આજે એનો ભાવ ૫૬૧૬ ડૉલર છે એટલે સપ્તાહમાં એમાં ૨.૫૮ ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. ઝિન્કના ભાવ ૨૧ જાન્યુઆરીએ ૨૪૫૪ ડૉલર પ્રતિ ટન હતા જે ગયા સપ્તાહે ૨૧૧૫ ડૉલર પ્રતિ ટન બંધ રહ્યા હતા. સાપ્તાહિક ધોરણે ઝિન્ક ૪.૯ ટકા ઘટી અત્યારે ૨૦૧૨ ડૉલર પ્રતિ ટન છે. ઍલ્યુમિનિયમના ભાવ ગઈ ૬ઠ્ઠી જાન્યુઆરીએ ૧૮૮૩ ડૉલર પ્રતિ ટન હતા જે ગયા સપ્તાહે ૧૭૧૩.૫૦ ડૉલર બંધ રહ્યા હતા. આજે એ સાપ્તાહિક ધોરણે ૧.૪ ટકા ઘટીને ૧૭૦૧ ડૉલર પ્રતિ ટન છે.

પામ ઑઇલમાં ૧૧ વર્ષનું સૌથી ખરાબ સપ્તાહ

ક્રૂડ ઑઇલના ભાવમાં જોવા મળેલા ઘટાડા, ભારતે બંધ કરેલી ખરીદી અને ચીનમાં કોરોના વાઇરસને કારણે નિકાસ ઘટશે એવી દહેશતથી મલેશિયામાં પામ ઑઇલના ભાવ છેલ્લાં ૧૧ વર્ષમાં સૌથી મોટા કડાકા સાથે બંધ આવે એવી શક્યતા છે. આજે બજાર ચાલુ છે ત્યાં સુધીમાં પામ ઑઇલના ભાવ મલેશિયામાં ૧૨ ટકા ઘટી ગયા છે જે ૨૦૦૮ના ગ્લોબલ ફાઇનૅન્શિયલ ક્રાઇસિસ પછીનો સૌથી મોટો ઘટાડો છે. ક્રૂડ ઑઇલના ભાવ ઘટી જતાં બાયો-ફ્યુઅલ તરીકે પામ ઑઇલનું આકર્ષણ ઘટે છે. બીજી તરફ વિશ્વના સૌથી મોટા બે આયાતકાર દેશો ભારત અને ચીનમાં નિકાસ ઘટે એવી શક્યતા છે. ભારતે રાજદ્વારી રીતે મલેશિયન ઑઇલની આયાત બંધ કરી છે, જ્યારે ચીનમાં વાઇરસને કારણે માગ ઘટે એવી દહેશત છે. વિશ્વમાં સૌથી વધુ વપરાશમાં લેવાતા પામ ઑઇલના ભાવ જાન્યુઆરીની હાઈ પરથી ૨૭ ટકા ઘટી ગયા છે.

Whatsapp-channel Whatsapp-channel

29 February, 2020 07:45 AM IST | Dalal Street Mumbai

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK