તેજીનું ટ્રિગર હવે નાણાપ્રધાનના હાથમાં

Published: Aug 12, 2019, 12:36 IST | શૅરબજારની સાદી વાત - જયેશ ચિતલિયા | દલાલ સ્ટ્રીટ મુંબઈ

સરચાર્જ ટૅક્સ વધારા વિશે એફપીઆઇ સાથે મીટિંગ, રિવાઇવલ માટે વિવિધ સેક્ટર સાથે બેઠક, કૅપિટલ માર્કેટને બૂસ્ટ આપવા વિચારાઈ રહેલું પૅકેજ વગેરે સહિત આર્થિક વિકાસને વેગ આપવા સક્રિય બનેલી સરકારના વિવિધ સંકેતોએ બજારને રિકવરીની સંભાવનાની ભેટ આપી.

શૅર બજાર
શૅર બજાર

જમ્મુ-કાશ્મીરની ઘટના રાજકીય મોરચે ગરમાગરમ ચર્ચાનો અને અનિશ્ચિત ચિંતાનો વિષય પણ બની છે ત્યારે બીજી બાજુ નાણાપ્રધાન નિર્મલા ‌સીતારમણે વિવિધ ઉદ્યોગોની સમસ્યા ધ્યાન પર લઈ તએના ઉપાય કરવા માટે શરૂ કરેલો બેઠકોનો દોર ખુશી અને આશાનો વિષય બન્યો છે.  નાણાપ્રધાને શુક્રવારે ફૉરેન પોર્ટફોલિયો ધન્વેસ્ટરોને સાંભળવા બેઠક બોલાવી હતી અને મૂડીબજારને વેગ તેમ જ વિશ્વાસ આપવા પૅકેજ જાહેર કરવાની તૈયારી બતાવીને હાલ તો બજારને નવું બૂસ્ટ આપી દીધું છે, જેને પગલે બજારમાં રિકવરીનો દોર શરૂ થયો છે.

ગયા સોમવારે શૅરબજારમાં એક તરફ કડાકા હતા અને બીજી તરફ આખા બજારમાં જ નહીં, બલકે દેશમાં કાશ્મીરની કલમ-૩૭૦ અને ૩૫-એ નાબૂદ થવાની ચર્ચા હતી. દાયકાઓથી ઊભેલા કાશ્મીરના કોકડાને ઉકેલવાની દિશામાં મોદી સરકારે લીધેલા પગલાએ શૅરબજારના કડાકા અને તૂટતા ભાવોને ભુલાવી દીધા હતા. આ દિવસે ચીનની કરન્સી યુઆન ડૉલર સામે સાત ટકા જેટલી નબળી પડી હોવાની પણ નેગેટિવ અસર હતી. સેન્સેક્સ ૫૦૦ પૉઇન્ટથી વધુ તૂટીને બંધ થતી વખતે ૪૧૮ પૉઇન્ટ ડાઉન અને નિફટી ૧૩૫ પૉઇન્ટ માઇનસ થઈ સેન્સેક્સ ૩૬,૦૦૦ તરફ ગતિ કરવા લાગ્યો હતો અને નિફ્ટી ૧૧૮૦૦ નીચે જઈ સહજ પાછો ફર્યો હતો. માર્કેટ બ્રેડ્થ નેગેટિવ રહી હતી. સ્મૉલ અને મિડકૅપ ધન્ડેક્સ પણ એક ટકા જેવા ઘટી ગયા હતા. માર્કેટ કૅપમાં ફરી જબ્બર ધોવાણ થયું હતું. દરમ્યાન ચીન-યુએસ ટ્રેડ-વૉરના અહેવાલે એશિયન માર્કેટ પણ બે મહિનાના નીચા સ્તરે પહોંચી હતી. જ્યારે ભારતમાં સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ વધીને ૩૬,૦૦૦ રૂપિયાની ઉપર પહોંચી ગયા હતા.

રિઝર્વ બૅન્કના સંકેત પણ સમજો

મંગળવારે માર્કેટે પૉઝિટિવ શરૂઆત કરી હતી. સોમવારના ઘટાડાને રિકવર કરી લેવાયો હતો, પણ પછીથી વેચવાલી આવવા છતાં આખરમાં સેન્સેક્સ ૨૭૭ પૉઇન્ટ અને નિફટી ૮૫ પૉઇન્ટ પ્લસ બંધ રહ્યા હતા.  નાણાપ્રધાનનું એફપીઆઈ સાથે ચર્ચાનું આશ્વાસન, ચીન-યુએસ ટ્રેડ વૉર હળવું થવાના હેવાલ, યુઆનનો ઘટાડો અટકાવવા માટે ચીનનાં પગલાં,  રિઝર્વ બૅન્ક રેટ કટ કરે એવા સંકેત  જેવા કારણ રિકવરી માટે નિમિત્ત બન્યા હતા.  ઘણા દિવસો પછી  માર્કેટ બ્રેડ્થ પૉઝિટિવ રહી હતી.  બુધવારે અપેક્ષા મુજબ રિઝર્વ બૅન્કે રેટ કટ કર્યો હતો, જોકે ધારણા ૨૫ થી ૫૦ બેઝિસ પૉઇન્ટની હતી, જેની સામે રિઝર્વ બૅન્કે ૩૫ બેઝિસ પૉઇન્ટ રિપો રેટ ઘટાડ્યો હતો. પરિણામે બજાર પૉઝિટિવ રહ્યું હતું. જોકે આ પરિબળ વહેલું  ડિસ્કાઉન્ટ થઈ ગયું હતું. અલબત્ત, રિઝર્વ બૅન્કે વધુ રેટ કટના સંકેત પણ આપ્યા હતા, જોકે ખરેખર તો બૅન્કો આ રેટ કટ ગ્રાહકોને વહેલી તકે પસાર કરે તે મહત્ત્વનું રહેશે.  રિઝર્વ બૅન્કે એનબીએફસી માટે પ્રવાહિતા વધારવાના  અને લઘુ-મધ્યમ એકમોને સરળતાથી ધિરાણ ઉપલબ્ધ કરાવવાનાં પગલાં ભર્યાં હતાં.  સારા ચોમાસાંની અસર પૉઝિટિવ રહેવાની આશા પણ રિઝર્વ બૅન્કે વ્યક્ત કરી હતી. કિંતુ જીડીપી ગ્રોથ સાત ટકાના સ્થાને ૬.૯ ટકા થવાનો અંદાજ મુકાયો હતો. જોકે બપોર સુધી વધતું રહેલું બજાર પછીથી ઘટવા લાગી અંતમાં સેન્સેક્સ ૨૮૬ પૉઇન્ટ અને નિફટી ૯૨ પૉઇન્ટ માઈનસ બંધ રહ્યા હતા.

ગુરુવારનો ઉછાળો શાને કારણે?

આગલા ગુરુવારે બજારે મોટા કડાકાનો આંચકો આપ્યો હતો, જેની સામે ગયા સપ્તાહના ગુરુવારે બજારે ૬૦૦ પૉઇન્ટથી વધુનો ઉત્સાહજનક ઉછાળાનો આંચકો  આપ્યો હતો. ફોરેન પોર્ટફોલિયો (એફપીઆઇ) પરના સરચાર્જ ટૅક્સના પ્રસ્તાવ બાબત સરકાર પુનઃવિચારણા કરી રહી છે અને આમાં રાહત આપવાના સંકેત છે એવા અહેવાલને પગલે બજારમાં આ ઉછાળો નોંધાયો હતો.  આ ઉપરાંત સરકારે હજી ૨૦૧૮માં જ  પુનઃ લાગુ કરેલા લોંગ ટર્મ કેપિટલ ગેઈનને  ફરી કરમુકત કરવાનો વિચાર થઈ રહ્યો હોવાના અહેવાલ પણ ઉછાળામાં કામ કરી ગયા હતા. ત્રણ વરસ કે તેથી વધુ સમય માટે ઇક્વિટી શૅર હોલ્ડ કરનારને  લોંગ ટર્મ કેપિટલ ગેઈન ગણીને તેને કરમુક્ત કરવાની શકયતા છે. સરકાર મૂડીબજાર માટે નવું પ્રોત્સાહક પૅકેજ વિચારતી હોવાની ચર્ચાનું આ પૉઝિટિવ પરિણામ હતું. જેમાં સેન્સેક્સ ૬૩૬ પૉઇન્ટ ઉછળીને ૩૭૩૦૦ને પાર કરી ગયો હતો, જ્યારે નિફટી ૧૭૭ પૉઇન્ટ વધીને ૧૧ હજારને પાર કરી ગયો હતો. 

સરકાર આર્થિક સમસ્યા ઉકેલવા તરફ

સરકારે આર્થિક મંદ ગતિ પર ગંભીરપણે ધ્યાન આપવાનું શરૂ કરવાના અહેવાલે બજારને શુક્રવારે પણ પૉઝિટિવ બુસ્ટ આપ્યું હતું. બજારની શરૂઆત સકારાત્મક થઈ હતી. શુક્રવારે નાણાપ્રધાન નિર્મલા સીતારમણે ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટર્સ (એફપીઆઇ) વર્ગ સાથે મિટિંગ યોજી હતી, જેને ધ્યાનમાં રાખીને બજારમાં નવી આશા જાગી હતી. પરિણામે સેન્સેક્સ ૪૦૦ પૉઇન્ટ ઉપર વધી ગયો હતો, કિંતુ માર્કેટ બંધ થતાં પહેલાં પ્રોફિટ બુકિંગના કરેકશનને કારણે સેન્સેક્સ ૨૫૫ પૉઇન્ટ પ્લસ અને નિફટી ૭૭ પૉઇન્ટ પ્લસ બંધ રહ્યા હતા. સેન્સેક્સે ૩૭૫૦૦ ઉપરનું લેવલ અને  નિફટીએ ૧૧૧૦૦ ઉપરનું લેવલ હાંસલ કર્યું હતું.

નાણાપ્રધાન તેજીનું ટ્રિગર આપશે?

આગામી સપ્તાહમાં યા ટૂંક સમયમાં નાણાપ્રધાન તરફથી ચોકકસ પૉઝિટિવ  જાહેરાતની આશા વધી છે. રિઅલ એસ્ટેટ, ઑટો સહિત વિવિધ સેકટર સાથેની મિટિંગ બાદ નાણાં ખાતું ટૂંક સમયમાં રિવાઇવલના પગલાં જાહેર કરે એવી અપેક્ષા રાખવી અસ્થાને નથી, કારણ કે હવે પછીનું સરકારનું લક્ષ્ય આર્થિક વિકાસની ગતિને વેગ આપવાનું રહેશે. બજારે ટર્ન તો લઈ લીધો છે, પણ હજી  સુધારાનો દોર આગળ ચાલે તો વિશ્વાસ બેસે. એફપીઆઇની ખરીદી નવેસરથી શરૂ થાય તો તેજીના સંકેત મળે. આમ અમુક દિવસોમાં થવું જોઈએ, એ પછી માર્કેટની ગાડી સ્પીડ પકડે તો નવાઈ નહીં. ખરી તક ઘટાડામાં હતી અને હજી રહેશે. તહેવારોની ડિમાંડ નીકળવા લાગશે તો બજારને નવો કરન્ટ મળશે. બાકી નાણાપ્રધાનની જાહેરાત નવું ટ્રિગર  બનશે. બાય ધ વે, સારા શૅરો પર ફોકસ કરો યા વધારો કે પછી મ્યુચ્યુઅલ ફન્ડની ઇક્વિટી સ્કીમ પર ધ્યાન વધારો.  

અર્થતંત્ર વિશે આશા-નિરાશાના ભિન્ન મત

અર્થતંત્રની ગતિને હવે ટૂંક સમયમાં વેગ મળવાનું શરૂ થશે એવી આશા કેટલાક ઉદ્યોગપતિઓ વ્યક્ત કરી રહ્યા છે, જ્યારે કેટલાક હજી નિરાશા વ્યક્ત કરે છે. ૨૦૧૯નો બીજો છ-માસિક ગાળો આમ તો શરૂ થયો છે, કિંતુ હવે તહેવારોની મોસમ તેમ જ વરસાદની અસર રૂપે માગ તેમ જ વપરાશમાં સુધારાની આશા વધી રહી છે. જ્યારે રાહુલ બજાજ અને એ. એમ. નાયક જેવા અગ્રણીઓએ ગ્રોથ વધશે નહીં એવું નિવેદન કર્યું છે. નાયકે તો ત્યાં સુધી કહ્યું છે કે જીડીપી ૬.૫ ટકા રહે તો પણ ખુશ થવા જેવું હશે. બજાજે કહ્યું છે કે ડિમાંડ વધી રહી નથી, તો ગ્રોથ ક્યાંથી થશે? ઑટો સેકટરમાં મોટેપાયે બેરોજગારી વધી છે. દીપક પારેખે બૅન્કો એનબીએફસીને ધિરાણ આપી રહી નથી એવી ફરિયાદ કરતા કહ્યું હતું કે ધિરાણદારોમાં ધિરાણ પ્રત્યેનો વિશ્વાસ પુનઃ સ્થાપવો જરૂરી છે.     

બજેટ બાદ નાના-મોટા ઇન્વેસ્ટરોને નુકસાન

બજેટ બાદ અત્યાર સુધીમાં બજારના કડાકામાં રીટેલ રોકાણકારોએ આશરે ૧.૩૩ લાખ કરોડ રૂપિયાનું નુકસાન કર્યું છે. આમાં હજી મ્યુચ્યુઅલ ફંડના રોકાણને સામેલ કરાયું નથી, જે ગણવામાં આવે તો નુકસાન હજી ઊંચું જઈ શકે. સ્થાનિક સંસ્થાકીય ઇન્વેસ્ટરોએ ૩.૩૩ લાખ કરોડ રૂપિયાના નુકસાનને સ્વીકારવું પડયું છે. હાઈ નેટવર્થ વ્યક્તિગત ઇન્વેસ્ટરોનું હોલ્ડિંગ  ૪ જુલાઈએ ૧૨.૩૧ લાખ કરોડ રૂપિયા હતું, જે હાલ ઘટીને ૧૦.૯ લાખ કરોડ રૂપિયા થઈ ગયું છે. સંયુક્ત માર્કેટ કેપ આ સમયગાળામાં દસ ટકા ઘટયું છે, જે ૧૪.૮ લાખ કરોડ રૂપિયાના મૂડીધોવાણનો સંકેત આપે છે.

મ્યુચ્યુઅલ ફન્ડના પોર્ટફોલિયોમાં ફેરફાર

બીજી બાજુ મ્યુચ્યુઅલ ફન્ડ્સ માર્કેટના ટ્રેન્ડને ધ્યાનમાં રાખી સતત તેમના પોર્ટફોલિયોમાં ફેરફાર કરતા રહ્યા છે. ૨૦૧૯ના પ્રથમ છ માસમાં મિડ કૅપ અને લાર્જ કફપ સ્ટૉક્સમાં ધરખમ ફેરફાર થયા છે. ઘણા ડિફૉલ્ટ  કિસ્સા, ઑટો સેક્ટરની દશા અને મંદ પડેલી આર્થિક ગતિની અસર રૂપે આમ થયું છે. આદિત્ય બિરલા સન લાઇફ ઍસેટ મૅનેજમેન્ટ કંપનીના ચીફ ઇન્વેસ્ટમેન્ટ ઑફિસર મહેશ પાટીલના મતે આગામી છથી બાર મહિના ઇન્વેસ્ટરો માટે મહત્ત્વના છે, જેમાં તેઓ પોતાનો પોર્ટફોલિયો કૉન્સોલિડેટ કરી શકે છે. મધ્યમથી લાંબા ગાળાના સંજોગો સુધારા સૂચવે છે. રોકાણકારોના એસઆઇપી પ્રવાહને ખાસ અસર થઈ નથી એ સારી નિશાની ગણાય એમ જણાવતા તેમણે કહ્યું છે કે શિસ્તબદ્ધ રોકાણકારોએ એસઆઈપી ચાલુ રાખી હોવાથી પ્રવાહ જળવાઈ રહ્યો છે.

નાની-મોટી જાણવા જેવી વાત

બજેટ બાદ માર્કેટ સૌથી વધુ તૂટયું હોવાની ઘટના છેલ્લા ૧૮ વરસમાં આ પહેલી વાર બની. નિફટી એક જ મહિનામાં સાત ટકાથી વધુ તૂટયો. આ માટે બજેટની ચોક્કસ જોગવાઈઓ મુખ્ય કારણ બની.

કૉર્પોરેટ નાદારી કેસોના ઝડપી ઉકેલ આવે તે માટે સરકારે સુપ્રીમ કોર્ટની સહાય માગી છે. સરકાર ઈચ્છે છે કે સુપ્રીમ કોર્ટ નૅશનલ કંપની લો ટ્રિબ્યુનલના જજ માટે કેસના નિકાલની સમયમર્યાદા  નક્કી કરે.

જમ્મુ-કાશ્મીરની ઘટનાને પગલે જમ્મુ-કાશ્મીર બૅન્કના શૅરના ભાવમાં બુધવારે ઉપલી સર્કિટ લાગી ગઈ હતી અને લોકો આ શૅર લેવાની કતારમાં લાગી ગયા હતા.

યુએસએ અને ચીન વચ્ચેનું સંભવિત વેપારયુદ્ધ વકરવાની શકયતા વિશ્વના મોટાભાગના દેશોના અર્થતંત્રને અધ્ધર રાખે છે.  આની  વોલેટાઈલ અસર ક્રૂડ અને કરન્સી પર થવાની શકયતા રહેશે.

આ પણ વાંચો : રિઝર્વ બૅન્કે સળંગ ચોથી વાર વ્યાજના દર ઘટાડ્યા

-ઈન્ડિયા બુલ્સના વિરાટ નાણાકીય વિવાદને પગલે એક તરફ પ્રાઈવેટ ઇક્વિટી કંપની બ્લેકસ્ટોન  આ કંપની સાથે મોટું ડિલ કરવાની ચર્ચા કરી રહી છે, જ્યારે બીજી તરફ એમ્બેસી પ્રૉપર્ટી ડેવલપમેન્ટ ઈન્ડિયા બુલ્સ સાથેનું ડિલ તોડી નાખવાનું વિચારતી હોવાના અહેવાલ છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK