Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > શૅરબજારમાં કરેક્શન અને રિકવરી તો એકબીજાની આગળ-પાછળ દોડે છે

શૅરબજારમાં કરેક્શન અને રિકવરી તો એકબીજાની આગળ-પાછળ દોડે છે

10 August, 2020 09:57 AM IST | Mumbai
Jayesh Chitalia

શૅરબજારમાં કરેક્શન અને રિકવરી તો એકબીજાની આગળ-પાછળ દોડે છે

બીએસઈ

બીએસઈ


ગયા સપ્તાહમાં પ્રથમ દિવસથી કરેક્શનનો દોર આગળ વધ્યો હતો જે નોંધપાત્ર પ્રમાણમાં રહ્યો હતો. સેન્સેક્સ અને નિફ્ટી તેની ઊંચી સપાટી તોડીને નીચે આવી ગયા હતા. અલબત્ત કરેક્શન ક્યારનું પાકી ગયું હતું. આપણે અહીં આ વિષયમાં સતત વાત કરી છે. માર્કેટ વધુ મોંઘું થઈ ગયું હોવાની લાગણીએ સોમવારે નકારાત્મક ભૂમિકા ભજવી હતી, અર્થાત નક્કર ફન્ડામેન્ટલ્સ વિના વધતું ગયેલું માર્કેટ હવે ખેલાડીઓને વધુ માફક આવે એમ નથી. કોરોનાના વધતા કેસ પણ કરેક્શનનું કારણ બન્યા હતા. ઉત્પાદનના નબળા ડેટાએ બજારને નિરાશ કર્યું હતું. જ્યારે કે બૅન્કોની લોન્સના મોરેટોરિયમને વિસ્તારવાની વિચારણાની નેગેટિવ અસર થઈ હતી. રિલાયન્સ ઇન્ડ.ના શૅરમાં આવેલો કડાકો પણ ઇન્ડેકસના ઘટાડામાં નિમિત્ત બન્યો હતો. કેમ કે ઇન્ડેકસમાં રિલાયન્સનું વેઇટેજ ઊંચું છે. માર્કેટ બંધ થતી વખતે સેન્સેક્સ ૬૬૭ પૉઇન્ટના કડાકા સાથે ૩૭૦૦૦ની નીચે ઊતરી ૩૬૦૩૯ બંધ રહ્યો હતો, જ્યારે નિફ્ટી ૧૮૧ પૉઇન્ટ તૂટીને ૧૧૦૦૦ની નીચે ઊતરી જઈ ૧૦૮૯૧ બંધ રહ્યો હતો.

મંગળવાર શુભ રહ્યો

આગલા ચાર દિવસના સતત ઘટાડા બાદ મંગળવારે બજારે શરૂઆત પૉઝિટિવ કરતાં સેન્સેક્સની ૨૫૦ પૉઇન્ટની વૃદ્ધિ સાથે ટ્રેડિંગ સત્રનો આરંભ થયો હતો. રિઝર્વ બૅન્ક રિપો રેટમાં ગુરુવારે જાહેર થનારી પૉલિસીમાં ૨૫ બેસિસ પૉઇન્ટનો ઘટાડો કરશે એવા સંકેત બહાર આવ્યા હતા, જે અગાઉ એવો મત થયો હતો કે રિઝર્વ બૅન્ક રેટમાં કોઈ ફેરફાર નહીં કરે. બીજી મહત્ત્વની વાત એ હતી કે રિઝર્વ બૅન્ક કોવિડ-19ના અસરગ્રસ્ત વર્ગને વ્યાજ અને લોનની પુનઃ ચુકવણીમાં અપાયેલી રાહતનો સમયગાળો (મોરેટોરિયમ) લંબાવે એવી આશા જાગી હતી. આ આશાને આધારે અને ગ્લોબલ સંકેતને પરિણામે માર્કેટના અંતે સોમવારનું ધોવાણ મંગળવારે વધુ પ્રમાણમાં રિકવર થઈ ગયું હતું. સેન્સેક્સ ૭૪૮ પૉઇન્ટની રિકવરી સાથે ૩૭૬૦૦ને પાર કરી ગયો હતો, જ્યારે નિફ્ટી ૨૦૩ પૉઇન્ટના સુધારા સાથે પુનઃ ૧૧૦૦૦ને પાર થઈ બંધ રહ્યો હતો. એક જ દિવસમાં માર્કેટ કૅપમાં બે લાખ કરોડની વૃદ્ધિ થઈ હતી. મજબૂત ગ્લોબલ સંકેત અને યુએસના મૅન્યુફૅક્ચરિંગ ડેટા સારા જાહેર થવાની પૉઝિટિવ અસર પણ કામ કરી ગઈ હતી. ફોરેન ઇન્વેસ્ટર્સની ખરીદી ચાલુ રહી હતી. ઑટો સેક્ટરમાં પણ કરન્ટ જોવાયો હતો. જ્યારે કે આગલા ચાર દિવસ સતત ઘટેલા બજારમાં નીચા ભાવે લેવાલી પણ નીકળી હતી. એક મુખ્ય કારણ ઇન્ડેકસ વેઇટેજ સ્ટૉકસના વધેલા ભાવ પણ હતા. જેમાં રિલાયન્સ, એચડીએફસી, એચડીએફસી બૅન્ક વગેરેનો સમાવેશ હતો.



રિઝર્વ બૅન્કની નીતિની પૉઝિટિવ અસર


બુધવારનો આરંભ માર્કેટે વધુ સુધારા સાથે કર્યો હતો, સેન્સેક્સ ૩૮૦૦૦ને અને નિફ્ટી ૧૧૨૦૦ને પાર કરી ગયો હતો. યુએસ સરકાર નવા સ્ટીમ્યુલસ પૅકેજને આખરી સ્વરૂપ આપી રહી હોવાના અહેવાલે સોનું અને શૅર્સ બન્નેમાં સુધારો થયો હતો. જોકે સત્ર દરમ્યાન માર્કેટ વધુ ઊંચે ગયા બાદ બંધ થતાં પહેલાં પ્રોફિટ બુકિંગને કારણે બધી રિકવરી ધોવાઈ ગઈ હતી અને અંતમાં સેન્સેક્સ ૨૪ પૉઇન્ટ માઇનસ થઈ ૩૭૬૬૩ અને નિફ્ટી માત્ર ૬ પૉઇન્ટ પ્લસ થઈ ૧૧૧૦૧ બંધ રહ્યો હતો. સ્મૉલ કૅપ અને મિડ કૅપ ઇન્ડેકસ બન્ને વધ્યા હતા. ગુરુવારે રિઝર્વ બૅન્કની નાણાં નીતિની આશાએ બજારે પૉઝિટિવ આરંભ કર્યો હતો. સેન્સેક્સે શરૂમાં ૨૫૦ પૉઇન્ટની રિકવરી બતાવી હતી. જોકે પૉલિસીની પ્રોત્સાહક જાહેરાત બાદ માર્કેટ વધુ પૉઝિટિવ બન્યું હતું અને કંપનીઓ, નાના-મધ્યમ એકમો, એનબીએફસી વગેરેને રાહત અપાતાં માર્કેટને બુસ્ટ પ્રાપ્ત થયું હતું. જેને પગલે સેન્સેક્સ અંતમાં ૩૬૨ પૉઇન્ટ વધીને ૩૮૦૦૦ ઉપર બંધ રહ્યો હતો અને નિફટી વધીને ૧૧૨૦૦ બંધ રહ્યો હતો.

કરેક્શનનો અવકાશ ઊભો છે

શુક્રવારનો આરંભ સાધારણ નેગેટિવ થયો હતો. રિઝર્વ બૅન્કની નાણાં નીતિનાં પરિબળની અસર પૂરી થતાં હવે નવા પરિબળ માટે રાહ જોવાની રહેશે. જોકે કોવિડનું નેગેટિવ પરિબળ ફરી માથે મંડરાઈ રહ્યું છે. જેના પુનઃ આક્રમણના ભયમાં સોનું નવી ઊંચી સપાટીએ પહોંચી ગયું હતું, સોનાનો ભાવ દસ ગ્રામદીઠ ૫૬,૦૦૦ રૂપિયા પહોંચી ગયો હતો. શુક્રવારે માર્કેટ વધઘટ બાદ અંતમાં સાધારણ પૉઝિટિવ જ બંધ રહ્યું હતું. સેન્સેક્સ ૧૫ પૉઇન્ટ પ્લસ સાથે ૩૮૦૪૦ અને નિફ્ટી ૧૩ પૉઇન્ટ પ્લસ સાથે ૧૧૨૧૪ બંધ રહ્યો હતો. જોકે સ્મૉલ અને મિડ કૅપ સ્ટૉકસમાં નોંધપાત્ર સુધારો થયો હતો. રોકાણકારો સિલેક્ટિવ ધોરણે સ્મૉલ અને મિડ કૅપ સ્ટૉકસ જમા કરતા થયા છે. આગામી વરસ ૨૦૨૧-૨૨થી આર્થિક ક્ષેત્રે સુધારો ઝડપ પકડશે એવી આશા વધતી જતા માર્કેટ સતત વધી રહ્યું છે. જોકે કરેક્શન માટે હજી ભરપૂર અવકાશ છે. મોટા કરેક્શનને રોકાણકારો ખરીદીની તક બનાવી શકે છે. જેમાં સ્ટૉક સ્પેસિફિક જ રહેવું પડશે. અત્યારે તો કરેક્શન પછી રિકવરી અને રિકવરી બાદ કરેક્શન આગળ-પાછળ થયા કરે છે. મોટા ભાગના રોકાણકારો કયા કરેકશન વખતે ખરીદી કરું અને કઈ રિકવરીમાં વેચીને નફો બુક કરું એ વિચારમાં અટવાઈ જાય છે. સ્માર્ટ ઇન્વેસ્ટરો આ કામ કરી જાય છે.

બજાર માટે સારા-બુરા સમાચાર સંકેત


દેશના વિભિન્ન ભાગોમાં અનલૉક કાર્યરત થતું જતા આર્થિક પ્રવૃત્તિ સક્રિય થવાની આશા પ્રબળ બનતી જાય છે. કેન્દ્ર સરકાર વધુ એક સ્ટીમ્યુલસ પૅકેજ લાવવાનો વિચાર ધરાવતી હોવાના સંકેત મળી રહ્યા છે, પરંતુ આ પૅકેજ ક્યારે આવે તે કહેવું કઠિન છે. ઉચ્ચ સ્તરેથી જે અંદાજ વ્યક્ત થાય છે તેમાં હવે પછીનું પૅકેજ વેક્સિન શોધાયા બાદ આવવાની શક્યતા વધુ છે. ગ્લોબલ પ્રવાહિતાને કારણે પણ ભારતીય માર્કેટ બુલિશ રહેવાના અહેવાલ છે. યુએસનું સ્ટીમ્યુલસ પૅકેજ ટૂંક સમયમાં આવી શકે છે. લોકો લાંબા ગાળાની આશાએ ફન્ડામેન્ટલ્સ આધારિત શૅરો જમા કરતા થયા છે. વિદેશી ઇન્વેસ્ટરોનો રસ પણ વધી રહ્યો છે.

સ્ટૉક્સ વધે છે અને સોનું પણ વધે છે, આવું બહુ ઓછું બને છે

એક તરફ શૅરબજાર ઘટ્યા બાદ તરત જ વધવા લાગે છે અને બીજી બાજુ સોનું સતત નવું ઊંચું લેવલ બનાવતું રહ્યું છે. આ બન્ને એસેટ એકસાથે વધે એવું ભાગ્યે જ બનતું હોય છે. સોનું વધતું હોય ત્યારે સ્ટૉક્સ ઘટતાં હોય અને સ્ટૉકસ વધે ત્યારે સોનું ઘટતું હોય છે, પરંતુ આ વખતે માહોલ કંઈક અજીબ છે. વિશ્વબજારનો અને ડૉલરનો આમાં મુખ્ય ફાળો ગણાય છે. વાસ્તવમાં યુએસ-ચીન વિવાદને લીધે તેમ જ વૈશ્વિક અર્થતંત્રની અનિશ્ચિતતામાં સોનું વધતું હોવાનું માનવામાં આવે છે, બાકી સોનાના ભાવનું આટલું ઊંચું લેવલ વાજબી નથી. આ ભાવે કોઈ ખરીદનાર મળવા મુશ્કેલ છે. ઝવેરીઓ પણ આ ભાવે સોનું ખરીદે નહીં. સરકાર સોના માટે એવી કોઈ સ્કીમ લાવવા માગતી હોવાના અહેવાલ છે, જેનાથી લોકોનું વધારાનું સોનું સરકાર પાસે જમા થાય અને તેની મારફત સરકાર આર્થિક ટેકો ઊભો કરી શકે. જ્યારે કે સોનું જમા કરાવનારને સોના પર વળતર મળતું રહે અને તેમનું સોનું સરકાર પાસે સલામત રહે. જોકે અત્યારે તો આ માત્ર વાતો જ છે.

Whatsapp-channel Whatsapp-channel

10 August, 2020 09:57 AM IST | Mumbai | Jayesh Chitalia

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK