ઇન્ડિયા વર્લ્ડ માર્કેટથી ડિસકનેક્ટ

Published: 18th October, 2011 21:16 IST

વિશ્વબજારોની નોંધપાત્ર મક્કમતા છતાં ઘરઆંગણે શૅરબજાર સાધારણ -૫૭ પૉઇન્ટ જેવું ઘટીને ૧૭,૦૨૫ તથા નિફ્ટી ૧૪ પૉઇન્ટના ઘટાડામાં ૫૧૧૮ બંધ આવ્યા છે. સેન્સેક્સ આગલા બંધથી ૯૦ પૉઇન્ટ પ્લસ ખૂલી ઉપરમાં ૧૭,૧૮૮ થયા બાદ ઘટાડામાં ૧૬,૯૨૮ થયો હતો. દિવસ દરમ્યાન વધઘટની રેન્જ ઘણી સાંકડી હતી. સેન્સેક્સના ૩૦માંથી ૧૭ શૅર વધીને બંધ હતા. બજારના ૨૧માંથી ૭ ઇન્ડેક્સ પ્લસ હતા.

 

(શૅરબજારનું ચલકચલાણું - અનિલ પટેલ)

માર્કેટ કૅપ ૧૭,૦૦૦ કરોડ રૂપિયા ઘટીને ગઈ કાલે ૬૦.૭૨ લાખ કરોડ રૂપિયા રહ્યું છે. રસાકસીવાળી માર્કેટબ્રેડ્થમાં ૧૩૨૦ જાતો વધેલી હતી, તો ૧૪૩૨ શૅર નરમ હતા. ૧૫૩ સ્ક્રિપ્સ ઉપલી સર્કિટે બંધ હતી. સામે ૧૮૩ જાતોમાં નીચલી સર્કિટ લાગેલી હતી. એચડીએફસી, ઝી એન્ટરટેઇનમેન્ટ, મોતીલાલ ઓસવાલ, ઑબેરૉય રિયલ્ટી જેવાં કાઉન્ટર સારા પરિણામ પાછળ આકર્ષણમાં હતાં. ઇન્ફોસિસ નામ કે વાસ્તે અઢી રૂપિયા પ્લસ હતો, તો વિપ્રો પોણાબે ટકા નરમ હતો.

રિલાયન્સનો ભાર

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે બજારની અપેક્ષાની ઉપેક્ષા કરવાનો શિરસ્તો જાળવી રાખતાં બિનપ્રોત્સાહક પરિણામ આપ્યાં એની અસરમાં શૅર ગઈ કાલે ૩.૯ ટકા ઘટીને ૮૩૩ રૂપિયા બંધ રહ્યો છે. રિલાયન્સના આ ઘટાડાથી સેન્સેક્સને ૭૯ પૉઇન્ટનો માર પડ્યો હોવાની ગણતરી છે. મતલબ કે રિલાયન્સ ઢીલો ન પડ્યો હોત તો સેન્સેક્સ ૫૭ પૉઇન્ટ ઘટવાને બદલે પૉઝિટિવ ઝોનમાં બંધ રહ્યો હોત. તાતા મોટર્સ સાડાચાર ટકાની મજબૂતીમાં ૧૮૮ રૂપિયાનો બંધ આપી સેન્સેક્સમાં ટૉપ ગેઇનર્સ રહ્યો હતો. એને લીધે બજારને ૨૨ પૉઇન્ટ મળ્યા હતા. આ ઉપરાંત બજાજ ઑટો, મારુતિ સુઝુકી, મહિન્દ્રા ઍન્ડ મહિન્દ્રા જેવા વજનદાર ઑટો શૅર પ્લસમાં હોવાથી ૧૦૬ ટકાના સુધારામાં ઑટો ઇન્ડેક્સ વધવામાં મોખરે હતો. આઇપીઓ ઇન્ડેક્સ તથા કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ બેન્ચમાર્ક દોઢ-દોઢ ટકા, બૅન્કેક્સ અને રિયલ્ટી અડધો ટકો પ્લસમાં હતા. રિલાયન્સના બોજામાં ઑઇલ-ગૅસ ઇન્ડેક્સ સર્વાધિક સવાબે ટકા ખરડાયો હતો. કૅપિટલ ગુડ્સ ઇન્ડેક્સ દોઢ ટકો નરમ હતો. લાર્સન તથા ભેલની બે ટકાની કમજોરી આ માટે મુખ્ય કારણ કહી શકાય. પાવર ઇન્ડેક્સ સવા ટકો, પીએસયુ બૅન્ચમાર્ક પોણો ટકો, ટેક્નૉલૉજી અને આઇટી ઇન્ડેક્સ અડધા ટકાની પીછેહઠમાં બંધ હતા.

ગૉડફ્રે ફિલિપ્સ નવા શિખરે

ગૉડફ્રે ફિલિપ્સ સોમવારે ૩૫૦ રૂપિયાના ઉછાળા સાથે ઉપરમાં ૩૮૬૦ રૂપિયા નજીકની સર્વોચ્ચ સપાટીએ ગયા બાદ ઝડપથી ઘટી છેલ્લે ૭૦ રૂપિયા જેવા સુધારામાં ૩૫૮૦ રૂપિયા આસપાસ બંધ મુકાતો હતો. ઇન્ડસ્ટ્રીના ૩૧ પ્લસની સામે અત્યારે આ શૅર ૧૮ના પી/ઈમાં મળે છે. કેટલાંક મોટાં માથાંઓની એન્ટ્રીમાં ૪૦૦૦ રૂપિયા પ્લસનો ભાવ નજીકમાં કહેવાય છે. ગઈ કાલે આ ઉપરાંત રવિનય ટ્રેડિંગ, ક્રિશ્ના વેન્ચર્સ, શ્રી ઓમ ટ્રેડર્સ, બ્લુ સર્કલ, બનાસ ફાઇનૅન્સ, હિન્દુસ્તાન મિલ્સ, રામ કશ્યપ ઇન્વેસ્ટમેન્ટ્સ, મૅથ્યુ એસો રિસર્ચ, સેન્ટોવિન કૉર્પોરેશન, પીએમ ટેલિલિન્ક્સ, ડીએફએમ ફૂડ્ઝ, એમ્બિશ્યસ પ્લાસ્ટ, ગોલ્ડન સિક્યૉરિટીઝ, બ્રૅન્ડ રિયલ્ટી, આરસીએલ ફૂડ્ઝ, નિકી ગ્લોબલ, સુવે હોટેલ્સ, અરોમા એન્ટરપ્રાઇઝિસ, શુભમ ગ્રેનાઇટ્સ, આલ્ફા ગ્રાફિક્સ, શૅરોન બાયો, ઇરોઝ મલ્ટિમિડિયા જેવા બે ડઝન શૅર ઑલટાઇમ હાઈ થયા હતા.

વનલાઇફ ગેઇનર

૧૧૦ રૂપિયાની ઇશ્યુ પ્રાઇસવાળો આઇપીઓ ‘વનલાઇફ કૅપિટલ ૧૧૫ રૂપિયા ખૂલી ઉપરમાં ૧૭૩ રૂપિયા તથા નીચામાં ૧૧૪ રૂપિયા બતાવી છેલ્લે ૧૪૮ રૂપિયા આસપાસ બંધ હતો.

જી-૨૦થી  વર્લ્ડ માર્કેટ્સમાં જોશ

જી-૨૦ના નાણાપ્રધાનો તથા મધ્યસ્થ બૅન્કરોની બેઠકમાં યુરો ઝોન ખાતેની ઋણકટોકટીને નાથવા જરૂરી તાકીદનાં પગલાંને બહાલી મળવાના અહેવાલે વૈશ્વિક શૅરબજારોનું જોશ ગઈ કાલે પણ બરકરાર હતું. ચાઇના સિવાયનાં તમામ એશિયન શૅરબજારો ૧.૧ ટકાથી લઈ બે ટકા સુધીની રેન્જમાં પ્લસ હતાં. ચાઇનીઝ માર્કેટ ૦.૪ ટકા અપ હતું. હૉન્ગકૉન્ગ માર્કેટ સર્વાધિક બે ટકા વધીને બંધ હતું. યુરોપ પણ એપ્રિલ પછીના સૌથી મોટા સાપ્તાહિક સુધારાને આગળ વધારતાં સોમવારે મક્કમ ખૂલી પોણોથી દોઢ ટકા ઉપર ચાલતું હતું. આગલા દિવસની દોઢ તથા પોણાબે ટકાની તેજી પછી ડાઉ ફ્યુચર્સ અને નૅસ્ડૅક ફ્યુચર્સ પોણો ટકો આસપાસ ઉપર હતો. ડેટ રેસ્ક્યુ પ્લાનની તજવીજથી ગત સપ્તાહના ૪.૬ ટકાના જમ્પને આગળ ધપાવતાં ક્રૂડ વધુ સવા ટકો સુધરી બેરલદીઠ ૮૮.૨૦ ડૉલરે પહોંચ્યું હતું.

આજનાં કંપની-પરિણામ

આજે જાહેર થનારાં કૉર્પોરેટ પરિણામની યાદીમાં ચંબલ ફર્ટિલાઇઝર્સ, ચેન્નઈ પેટ્રોલિયમ, કોરોમંડલ ઇન્ટરનૅશનલ, ક્રિસિલ, એડલવીસ ફાઇનૅન્શિયલ સર્વિસિસ, એચસીએલ ટેક્નૉલૉજીઝ, હીરો મોટો કૉર્પ, ઇન્ડસઇન્ડ બૅન્ક, જિન્દાલ સ્ટીલ, એનઆઇઆઇટી ટેક્નૉલૉજીઝ, હનીવેલ ઑટોમેશન, પટણી કમ્પ્યુટર્સ, પેટ્રોનેટ એલએનજી, ટોરન્ટ ફાર્મા, અડૂર વેલ્ડિંગ, આદિત્ય બિરલા મની, બ્લુસ્ટાર ઇન્ફો, બીઓસી ઇન્ડિયા, ફેમ ઇન્ડિયા, આઇનોસ એબીએસ, કેએસબી પમ્પ્સ, મહારાષ્ટ્ર સ્કૂટર્સ, માઉન્ડ એવરેસ્ટ મિનરલ્સ, ઔધ સુગર્સ, પ્રિઝમ સિમેન્ટ્સ, શાલિમાર પેઇન્ટ્સ, સિમ્પ્લેક્સ રિયલ્ટી, એસ. જે. કૉર્પ, સતલજ ટેક્સટાઇલ્સ, ટિપ્સ ઇન્ડસ્ટ્રીઝ, સિમ્ફની કમ્ફર્ટ, એરો ગ્રેનાઇટ્સ વગેરે સામેલ છે.

એફઆઇઆઇની ચોખ્ખી ખરીદી

મુંબઈ શૅરબજાર અને નૅશનલ સ્ટૉક એક્સચેન્જમાં ગઈ કાલે એફઆઇઆઇ (ફૉરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટરો)ની કુલ ખરીદી ૧૮૫૭.૫૦ કરોડ રૂપિયા, કુલ વેચવાલી ૧૪૭૮.૭૯ કરોડ રૂપિયા અને ચોખ્ખી લેવાલી ૩૭૮.૭૧  કરોડ રૂપિયા રહી હતી. સ્થાનિક ફન્ડોની કુલ ખરીદી ૬૩૪.૩૯ કરોડ રૂપિયા અને કુલ વેચવાલી ૯૫૫.૮૦ કરોડ રૂપિયા અને ચોખ્ખી વેચવાલી ૩૨૧.૪૧ કરોડ રૂપિયા જોવા મળી હતી.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK