Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > સરકારે રાજકીય એજન્ડાને બદલે આર્થિક એજન્ડા પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે

સરકારે રાજકીય એજન્ડાને બદલે આર્થિક એજન્ડા પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે

23 December, 2019 01:46 PM IST | Mumbai
Jitendra Sanghavi

સરકારે રાજકીય એજન્ડાને બદલે આર્થિક એજન્ડા પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે

સરકારે રાજકીય એજન્ડાને બદલે આર્થિક એજન્ડા પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે


આપણે આર્થિક સ્લોડાઉનનો સામનો કરી રહ્યા છીએ એ એક સર્વમાન્ય અને બધા જ હિસ્સેદારો (પ્રજા, વિરોધ પક્ષો, રિઝર્વ બૅન્ક અને સરકાર) દ્વારા સ્વીકારાયેલી હકીકત છે પછી એ કેન્દ્ર સરકારના નાણાપ્રધાન હોય, વેપાર અને ઉદ્યોગપ્રધાન હોય કે રિઝર્વ બૅન્કના ગવર્નર હોય. જોકે આ વાત સ્વીકારતી વખતે સૌનો અભિગમ જુદો હોય છે.

રિઝર્વ બૅન્કના ગવર્નર ડૉ. શક્તિકાંત દાસના એક નિષ્પક્ષ કથન પ્રમાણે ભારતનું આર્થિક સ્લોડાઉન માત્ર વૈશ્વિક પરિબળોને કારણે નથી એટલે આ સ્લોડાઉનનો અસરકારક સામનો કરવા માટે સંકલિત નીતિવિષયક પગલાંઓ અને સુધારાઓની જરૂર છે. એ પણ એટલું જ સત્ય છે કે કેટલાય વિકસિત અને ઊભરતા દેશો પણ આવા જ સ્લોડાઉનમાં ફસાયેલા છે.

રિઝર્વ બૅન્કના ગવર્નરે એમ પણ કહ્યું કે ફેબ્રુઆરી ૨૦૧૯માં તેમણે પૉલિસી-રેટના ઘટાડાની શરૂઆત કરી ત્યારે કેટલાંક વર્તુળોમાં એ વિશે આશ્ચર્ય થયું હતું, પણ રિઝર્વ બૅન્કના નિર્ણય પાછળ બૅન્કનું એવું ચોક્કસ અનુમાન હતું કે સ્લોડાઉનની પ્રક્રિયા નજીકના ભવિષ્યમાં વધુ વેગ પકડશે એટલે એને અટકાવવાનાં પગલાં રૂપે પૉલિસી-રેટ ઘટાડાયા હતા. એ વખતે ભાવવધારાની પરિસ્થિતિ અંકુશમાં હોવાથી બૅન્ક પૉલિસી-રેટ સરળતાથી ઘટાડી શકી. આજે પાછળ દૃષ્ટિપાત કરતાં તેમનું રેટ ઘટાડવાનું પગલું અગમચેતી જેવું પુરવાર થયું છે.

ડિસેમ્બર ૨૦૧૯ની શરૂઆતમાં બૅન્કે પૉલિસી-રેટના સળંગ પાંચ વારના ઘટાડા પછી એના પર બ્રેક લગાવી એણે પણ કેટલાંક વર્તુળોમાં આશ્ચર્ય સર્જ્યું હતું, પણ એ પછી જાહેર કરાયેલ નવેમ્બરના સીપીઆઇના ભાવવધારાના આંકડાઓએ ફરી એક વાર બૅન્કના પૉલિસી-રેટના ઘટાડા પર બ્રેક મારવાના નિર્ણયને અગમચેતીનાં પગલાં જેવો સાબિત કર્યો છે.

ભવિષ્યમાં આર્થિક સ્લોડાઉન જે ટર્ન લેશે એને કારણે પણ રિઝર્વ બૅન્કનો આ નિર્ણય સાચો અને યોગ્ય સાબિત થશે. છેલ્લા ૧૦ મહિનામાં પૉલિસી-રેટમાં કરાયેલ ૧૩૫ બેઝિસ પૉઇન્ટના ઘટાડાને કારણે હવે બૅન્ક ધિરાણ પરના વ્યાજના દર ઘટવાની શરૂઆત થશે. ડિસેમ્બરની પૉલિસીની જાહેરાત પછી સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયા, બૅન્ક ઑફ બરોડા અને બૅન્ક ઑફ ઇન્ડિયા દ્વારા ધિરાણ પરના વ્યાજના દરમાં ૧૦ બેઝિસ પૉઇન્ટનો ઘટાડો જાહેર કરાયો છે અને એને પરિણામે બૅન્ક ધિરાણ અને એ દ્વારા કરાતું મૂડીરોકાણ અને વપરાશખર્ચ વધશે એટલે આર્થિક વિકાસનો દર વધવા માંડશે.

વિશ્વના અર્થતંત્રમાં પ્રવર્તતી અસાધારણ અનિશ્ચિતતાઓને કારણે ચીન અને અમેરિકાના ચાલી રહેલા વેપારયુદ્ધ પરની સમજૂતી પાછી ખેંચવાની શક્યતા ઘટી છે. આ સમજૂતીની હકારાત્મક અસર આપણા વિદેશવેપાર પર પણ પડી શકે જેને કારણે પણ આપણો આર્થિક વિકાસ વધવાની શરૂઆત ફિસ્કલ ૨૦૨૦ના છેલ્લા ક્વૉર્ટર (જાન્યુઆરી-માર્ચ ૨૦૨૦)માં થઈ શકે.

રિઝર્વ બૅન્ક દ્વારા કરાયેલ ૧૫૩૯ લિસ્ટેડ મૅન્યુફૅક્ચરિંગ કંપનીઓનો એક સર્વે પણ આર્થિક રિવાઇવલ થઈ રહ્યું હોવા ભણી ઇશારો કરે છે. આ સર્વે પ્રમાણે ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ છ મહિના દરમ્યાન આ કંપનીઓએ તેમની સ્થાવર મિલકતો (ફિક્સ્ડ ઍસેટ) અને ચાલુ કામોમાં તેમની પાસે ઉપલબ્ધ ફન્ડના ૪૬ ટકા જેટલું મૂડીરોકાણ કર્યું હતું. આ આંકડા મૂડીરોકાણની બંધ પડેલી સાઇકલ શરૂ થઈ હોવાનું સૂચન કરે છે. જે આર્થિક રિવાઇવલ શરૂ થઈ રહ્યાનો અહેસાસ કરાવે છે. જોકે ચાલુ ફિસ્કલના પ્રથમ છ મહિના (એપ્રિલ-સપ્ટેમ્બર)માં આર્થિક વિકાસનો દર ઘટીને ૪.૭ ટકા જેટલો જ રહ્યો હતો એટલે આર્થિક રિવાઇવલના કોઈ ચોક્કસ નિર્ણય પર આવવું મુશ્કેલ છે.

પૉલિસી-રેટ યોગ્ય સમયે ઘટાડાશે અને હવે એ માટેનો અવકાશ છે એવું તેમનું વિધાન ફેબ્રુઆરી ૨૦૨૦માં (૨૦૨૦-’૨૧ના કેન્દ્ર સરકારના અંદાજપત્રની જાહેરાત પછી) પેશ કરાનાર મૉનિટરી પૉલિસીમાં વ્યાજના દરનો ઘટાડો આવી શકે એવો સંકેત તેમણે કર્યો છે.

આર્થિક સ્લોડાઉનને કારણે કરવેરાની આવકના ૨૦૧૯-’૨૦ના લક્ષ્યાંક સિદ્ધ થઈ શકે એમ નથી એટલે નાણાં મંત્રાલયે કરવેરા વિભાગના વરિષ્ઠ અધિકારીઓને આ લક્ષ્યાંક પૂરા કરવા માટે ચાલુ વર્ષના બાકીના મહિનાઓમાં પૂરા જોશથી કામ કરવાની સૂચના આપી છે. નાણાં મંત્રાલયે આ માટે કરદાતાઓની હેરાનગતિ ન થાય એની કાળજી રાખવા કહ્યુ છે. એ ખરું, પણ ભૂતકાળમાં જ્યારે પણ કરવેરા વિભાગના ઑફિસરોને આવા લક્ષ્યાંકની પૂર્તિ માટે સૂચના અપાઈ હોય ત્યારે આ પ્રક્રિયા ઑફિસરોના ટૅક્સ-પેયર ફ્રેન્ડ્લી વલણને બદલે કરદાતાઓની પારાવાર પરેશાનીમાં જ પરિણમે છે.

વેપાર-ઉદ્યોગ જગત આમ પણ અનેક વિપરિત સંજોગોનો સામનો કરી રહ્યું છે ત્યારે આવા લક્ષ્યાંક સિદ્ધ કરવા જતાં એ ખાસ કરીને નાના અને મધ્યમ ઉદ્યોગોની મુશ્કેલીમાં ઓર વધારો ન કરે એની ખાસ કાળજી રેવન્યુ સેક્રેટરી અને નાણાપ્રધાને જાતે રાખવી પડશે.

છેલ્લા ત્રણ મહિનામાં આગલા વર્ષની સરખામણીએ જીએસટીની આવકમાં ઘટાડો થયા પછી નવેમ્બર મહિને આ આવક થોડી વધી છે. સરકારે ચાલુ વર્ષના બાકીના ચાર મહિના માટે જીએસટીની આવકનું લક્ષ્યાંક વધારીને ૪.૫૫ લાખ કરોડ રૂપિયાનું કર્યું છે. લગભગ ૧.૧૫ લાખ કરોડની આ માસિક આવકનું લક્ષ્યાંક અગાઉના મહિનાઓની આવકની સરખામણીએ મહત્ત્વાકાંક્ષી છે.

આ લક્ષ્યાંક પૂરા કરવા માટે સરકાર જીએસટી કાઉન્સિલની બેઠકમાં અમુક ચીજવસ્તુઓ પરના જીએસટીના દર કે સેસ (ઉપકર) વધારશે (જેને કારણે વપરાશખર્ચમાં ઘટાડો થઈ શકે) એવી દહેશત હતી. સારા નસીબે જીએસટી કાઉન્સિલની બેઠકમાં આવો કોઈ નિર્ણય લેવાયો નથી. ઔદ્યોગિક ઉત્પાદનના ઑક્ટોબર મહિનાના સતત ત્રીજા મહિનાના ઘટાડાએ સરકારને આમ કરતા અટકાવી હોય એમ માની શકાય.

તો પણ સરકારની આવક વધારવા માટે જીએસટી કાઉન્સિલે લૉટરી પરનો જીએસટી દર ૧૨ ટકામાંથી વધારીને ૨૮ ટકા કર્યો છે. આ નિર્ણય સર્વાનુમતીએ ન લઈ શકતાં (જે આજ સુધીનો કાઉન્સિલનો રેકૉર્ડ અને ટ્રેડિશન છે) પ્રથમ વાર વોટિંગ દ્વારા બહુમતીએ લેવાયો છે.

સરકારે રાજ્ય સરકારોની જીએસટીની આવકના ઘટાડાને સરભર કરવા માટે એના વચન પ્રમાણે મોડે-મોડે પણ રાજ્ય સરકારોને ૩૫,૦૦૦ કરોડ જેટલી રકમ ગયા અઠવાડિયે ચૂકવી છે જેને કારણે રાજ્ય સરકારોનો કેન્દ્ર સરકાર પ્રત્યેનો રોષ દૂર થયો છે અને વિશ્વસનીયતા વધી છે. કેન્દ્ર સરકારે ચાલુ વર્ષે રાજ્યોની જીએસટીની આવકની ઘટ પેટે અંદાજપત્રમાં કરેલ એક લાખ કરોડ રૂપિયાની જોગવાઈ સામે આજાદિન સુધીમાં રાજ્યોને ૮૧,૦૦૦ કરોડ રૂપિયાની ચુકવણી કરી છે.

આ મીટિંગમાં તાર્કિક રીતે જીએસટીના સ્લૅબ ઘટાડવા જેવી કે એમાં અપાતી છૂટછાટો દૂર કરીને એના વહીવટની પ્રક્રિયા સરળ બનાવવા જેવી પાયાની બાબતોની ચર્ચા કરાઈ નથી. બહુ ઉતાવળે ૨૦૧૭ની ૧ જુલાઈથી અમલમાં મુકાયેલ જીએસટીની ઘણી બધી ઊણપો વહીવટી સુધારાઓ દ્વારા દૂર કર્યા સિવાય અને એ દ્વારા એના માળખાને મૂળભૂત કલ્પના પ્રમાણેનું આદર્શ સ્વરૂપ આપ્યા સિવાય જીએસટીની આવક વધારવાનો અન્ય વિકલ્પ હાલપૂરતો તો દેખાતો નથી.

સરકાર દ્વારા જીએસટીની આવકના ઘટાડાને સરભર કરવા રાજ્યોને અપાતા વળતરની ઢીલ દૂર થાય, ઉદ્યોગોને જીએસટીના રિફંડ આપવામાં થતો વિલંબ દૂર થાય અને નાના ઉદ્યોગોને જીએસટીના નિયમોના પાલન કરવામાં પડતી મુશ્કેલીઓ દૂર થાય તો જ જીએસટી એક આદર્શ કરવેરા તરીકે સ્થાપિત થશે અને એના દ્વારા થતી આવક એની પૂરતી ક્ષમતા પ્રમાણેની થશે.

છેલ્લાં કેટલાંક વર્ષોથી પરિવારોની આવક, ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં, ઘટતી જતી હોવા છતાં પરિવારો એનબીએફઆઇ (નૉન-બૅન્કિંગ ફાઇનૅન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સ) પાસેથી લોન લઈને ચીજવસ્તુઓના વપરાશ માટે ખર્ચ કરતા હોવાથી આર્થિક વિકાસના ઓવરઑલ દર પર એની અસર દેખાતી ન હતી, પણ છેલ્લા એક-દોઢ વર્ષથી (સપ્ટેમ્બર ૨૦૧૮માં આઇએલએફએસની ક્રાઇસિસ પ્રકાશમાં આવી ત્યારથી) આ વિન્ડો લગભગ બંધ થતાં આર્થિક વિકાસનો દર સતત ધીમો પડતો રહ્યો છે જેને કારણે દેશ આર્થિક સ્લોડાઉનમાં સપડાયો છે.

સરકારે છેલ્લા થોડા મહિનાઓમાં એનબીએફસી અને હાઉસિંગ ફાઇનૅન્સ કંપનીઓને ટેકો આપતાં કેટલાંક પગલાં જાહેર કર્યાં પછી પણ એનબીએફસીની લિક્વિડિટીની સ્થિતિ કે બૅન્કો દ્વારા અપાતા ધિરાણની હાલતમાં જોઈએ એવો સુધારો થયો નથી.

સપ્ટેમ્બર પછીના મહિનાઓના ઉપલબ્ધ થયેલા બીજા કેટલાક આંકડાઓ ચીજવસ્તુઓની માગ હજી પણ નબળી હોવાનું સૂચવે છે. દાખલા તરીકે ચીજવસ્તુઓ અને સેવાઓ (ફ્રૂડ અને ફ્યુઅલ સિવાયનો) માટેના છૂટક ભાવવધારાના આંકનું ઘટાડાતરફી વલણ ઉત્પાદકો ભાવ વધારવાની સ્થિતિમાં ન હોવાનું સ્પષ્ટ સૂચન કરે છે.

સરકારના સિટિઝન્સ અમેન્ડમેન્ટ ઍક્ટે દેશનાં અનેક રાજ્યોમાં, વિરોધ પક્ષોના અને યુનિવર્સિટીઓના વિદ્યાર્થીઓના દેખાવોને કારણે અશાંતિનું વાતાવરણ ઊભું કર્યું છે. આ અશાંતિ દેશનાં અન્ય રાજ્યોમાં ફેલાય તો સ્વાભાવિક રીતે જ સરકારનું ધ્યાન આર્થિક બાબતો પર પૂરતું ન રહે. આ વિવાદાસ્પદ ઍક્ટે છેલ્લાં પાંચ વર્ષમાં સરકાર સામે સૌથી વધુ વિરોધનું વાતાવરણ ઊભું કર્યું છે. આર્થિક સ્લોડાઉને જ્યારે માર્કેટમાં તણાવ ઊભો કર્યો હોય ત્યારે આંતરિક કોમી તણાવો દેશની શાંતિને ડહોળી શકે. આર્થિક પ્રશ્નોના અસરકારક ઉકેલ માટે સરકારને પૂરતો સમય અને એકાગ્રતાની અનિવાર્ય જરૂર છે. આવા તણાવો તો દેશની આર્થિક સમસ્યાઓમાં વધારો જ કરી શકે. એના ઉકેલની વાત તો બાજુ પર રહી.

આર્થિક સ્લોડાઉનના ઉકેલ માટે સરકારે એની બધી જ શક્તિ અને સમય કામે લગાડવા પડશે. સરકાર આ પ્રશ્નના હલ માટે ગંભીર છે એવી છાપ ઊભી થશે તો જ આ કામમાં તેને પ્રજાનો અને અમલદારશાહીનો સાથ મળશે. આપણું અર્થતંત્ર ૨૦૨૪માં પાંચ ટ્રિલ્યન ડૉલરનું બને એ એક માત્ર લક્ષ્યાંક એને માટે જરૂરી અન્ય લક્ષ્યાંકોની પૂર્તિમાં સહાયક બનશે.

jsanghvi2908@gmail.com


Whatsapp-channel Whatsapp-channel

23 December, 2019 01:46 PM IST | Mumbai | Jitendra Sanghavi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK