Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > નાણાંની કોથળી ખુલ્લી મૂક્યા સિવાય સરકાર પાસે બીજો વિકલ્પ છે ખરો?

નાણાંની કોથળી ખુલ્લી મૂક્યા સિવાય સરકાર પાસે બીજો વિકલ્પ છે ખરો?

25 May, 2020 09:47 AM IST | Mumbai
Jitendra Sanghvi

નાણાંની કોથળી ખુલ્લી મૂક્યા સિવાય સરકાર પાસે બીજો વિકલ્પ છે ખરો?

ભારતીય ઈકૉનોમી

ભારતીય ઈકૉનોમી


સમગ્ર વિશ્વની પરિસ્થિતિ ગંભીર છે અને દિવસે દિવસે તે વણસતી જાય છે. ભારત પણ તેમાં અપવાદ નથી. જાણે કે માનવ કોઈ સામૂહિક પાપની સામૂહિક સજા ભોગવી રહ્યો હોય. એ પાપ એટલે માનવજાતે પર્યાવરણ અને પશુ-પંખી ઉપર બેરહમી અને લાપરવાહીથી આજપર્યંત ગુજારેલા અસીમ સીતમ. પ્રકૃતિના આ પ્રકોપ સામે બધા દેશોની સરકારો અને પ્રજાજનોનું સામૂહિક બળ કે સામૂહિક પ્રયત્નો અને પ્રાર્થના પણ વામણા પુરવાર થાય છે. ચારે બાજુ છવાયેલા અંધકાર વચ્ચે એક માત્ર આશાનું રૂપેરી કિરણ હોય તો તે કોવિડ-19 માટે રસીની શોધ માટેના પ્રયત્નો.

એ પ્રયત્નોમાં સફળતા ૧૨ મહિને કે ૧૮ મહિને મળે ત્યાં સુધી એને કાબૂમાં રાખવાના પ્રયત્નો જારી રાખવા સિવાય બીજો કોઈ ઉપાય હાથવગો દેખાતો નથી.



લૉકડાઉન ૪.૦ના સાત દિવસ સાથે દેશવ્યાપી લૉકડાઉનના ૬૧ દિવસ (માર્ચ ૨૫-મે ૨૪) એટલે કે બે મહિના ગઈ કાલે પૂરા થયા. પરિસ્થિતિની ગંભીરતા સમજાતા જ સરકારે વિશ્વના કદાચ સૌથી સખત લૉકડાઉનનો આદેશ આપ્યો. લૉકડાઉન ૩.૦ સુધીના ૫૪ દિવસ તો અર્થતંત્ર, તદ્દન પાયાની જરૂરિયાતોને બાદ કરતા ઠપ થઈ ગયું અને આટલી ભારે કિંમત ચૂકવીને પણ કદાચ આ મહામારીને કાબૂમાં રાખવામાં ધારી સફળતા તો ન જ મળી. એટલે સુધી કે હવે એવો મત રજૂ થવા માંડયો છે કે ક્યૉર વૉઝ વર્સ ધેન ધ ડીસીઝ. માત્ર સ્પ્રેડ વધ્યો હોય એટલે આવા છેવાડાના અનુમાન પર આવવું વાજબી ન ગણાય. લૉકડાઉનના અમલ સિવાય આ મહામારીએ કેવું રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હોત તેની કલ્પના થઈ શકે તેમ નથી. સમસ્યા એટલી વિકરાળ છે કે ધારી સફળતા ન મળી હોય એટલે એ લૉકડાઉનને સરકારની નિષ્ફળતામાં ખપાવવાની ભૂલ ન કરવી જોઈએ.


આજથી બે મહિના અગાઉ જો લૉકડાઉનનો અમલ ન કરાયો હોત તો આપણા ગ્રામીણ વિસ્તારોમાં એના ફેલાવાની ઝડપ ખૂબ તીવ્ર હોત. એ ઝડપ કેટલી તીવ્ર હોત તેનો જવાબ આવનાર દિવસો પાસેથી આડકતરી રીતે કદાચ મળશે.

કોરોનાથી સંક્રમિત થયેલ કેસની સંખ્યા એક લાખને વટાવી ગઈ (૧.૨૫ લાખ) એટલે લૉકડાઉન નિષ્ફળ? દેશના વિસ્તાર અને વસ્તીને ધ્યાનમાં લઈને જ કોઈ પણ સરખામણી કરાવી જોઈએ. મહામારીને કારણે થયેલ મરણનો આંક વિશ્વમાં એક કરોડની વસ્તીએ ૪૩૬નો છે જ્યારે ભારત માટે આ આંક માત્ર ૩૦નો છે. અમેરિકા માટે આ આંકડો ૨૯૫૦નો અને ચીન માટે એ આંકડો ૩૦નો છે. યુરોપના દેશો (જ્યાં વસ્તી ઓછી છે) સ્પેન, યુકે, ઇટલી કે ફ્રાંસ માટેનો આ આંક ધ્રુજાવી દે તેવો છે. ટેસ્ટિંગ માટેના આંકડા ધ્યાનમાં લીધા પછીનો સ્પ્રેડ અને મૃત્યુનો દર (વધારે ટેસ્ટિંગ થાય તો સંક્રમિત થયેલ કેસ વધે) પણ અન્ય દેશો કરતાં ઓછો છે.


એક કરોડની વસ્તીએ સંક્રમિત થયેલ દરદીનો ભારત માટેનો ૯૧૦નો આંક વિશ્વ માટેના ૬૮૦૦ના આંક કરતાં ઘણો નીચો છે. અમેરિકા અને ચીન માટે અનુક્રમે આ આંક ૪૯,૭૩૦ અને ૫૮૦ છે.

સરકાર માટે લૉકડાઉન પણ એક પડકાર હતો. મહામારીમાં થોડો વધારો થાય તો પણ કાયમ માટે લૉકડાઉન ચાલુ રાખી ન જ શકાય એ એક સાદી સમજની વાત છે. એટલે કેન્દ્ર સરકારે હવે સામાન્ય ગાઇડલાઇન્સ આપીને આર્થિક પ્રવૃત્તિઓ માટે કેટલી છૂટછાટ આપવી તે રાજ્ય સરકારો પર છોડ્યું છે.

કેન્દ્ર સરકારે મર્યાદિત રીતે રેલસેવા ચાલુ કરી છે. આંતરદેશીય વિમાન સેવા આજથી ચાલુ થઈ રહી છે. હકીકતમાં આર્થિક પ્રવૃત્તિઓ બે મહિના જેટલા સમય માટે સ્થગિત કર્યા પછી ફરી ચાલુ કરવાનો પડકાર લૉકડાઉનના પડકારથી અનેકગણો મોટો અને જટિલ છે એ બેધારી તલવાર પર ચાલવા જેવું છે. જરા સાવધાની ચૂકયા તો આ મહામારી ફેલાવામાં વાર નહીં લાગે. પરિણામરૂપે આવું બને ત્યાં ફરી આર્થિક પ્રવૃત્તિઓ સ્થગિત કરવી પડે. નોઇડામાં સ્માર્ટ ફોનની ફૅકટરી ચાલુ કર્યા પછી કેટલાક કારીગરો સંક્રમિત થતાં ફૅકટરી બંધ કરી દેવી પડી હોય તેવા દાખલા પણ નોંધાયા છે. જેમ આર્થિક પ્રવૃત્તિઓ જોર પકડતી જાય તેમ આવા કેસ વધી પણ શકે. એ કારણે પણ આપણી આર્થિક પ્રવૃત્તિઓ આવતા છ-આઠ મહિના માટે પુરજોશમાં નહીં ચાલે અને એને કારણે આપણી સ્થાપિત ઉત્પાદનક્ષમતા વણવપરાયેલી પડી રહેવાની.

તાજેતરના રિપોર્ટ પ્રમાણે વિશેષ ટ્રેનો દ્વારા લાખો પ્રવાસી-શ્રમિકો વતન પાછા ફરી રહ્યા છે. જે-તે રાજ્ય સરકારો તેમને માટેની વ્યવસ્થા કરી રહી છે. કેન્દ્ર સરકારે આ રીવર્સ માઇગ્રેશનને ધ્યાનમાં લઈને તેની નૅશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરંટી સ્કીમ માટેની ૬૧,૫૦૦ કરોડ રૂપિયાની જોગવાઈમાં ચાલુ નાણાકીય વરસ માટે વધારાના ૪૦,૦૦૦ કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે એટલે અનેક યાતનાઓ વેઠીને વતન પાછા ફરતા લોકોને નાનું મોટું કામ મેળવીને રોજી-રોટી મળી રહેવાની સંભાવના વધી છે. સરકારના આ ખર્ચથી નીચલા સ્તરના લોકોની આવક વધશે જે સાચી રાહત ગણી શકાય.

પ્રવાસી-શ્રમિકોના મોટા ભાગનાએ તેમની શહેરોની નોકરીઓ, નાના-મોટા ધંધા રોજગાર ગુમાવી દીધાં છે એ જ કારણે વતન પાછા ફરનારની સંખ્યા ઉત્તરોત્તર વધતી જાય છે. બીજું કોઈ કામ ન મળે ત્યારે ગામડામાં લોકો કામ અને આવક માટે આ સ્કીમનો આધાર લે છે. સરકાર આ સ્કીમ હેઠળ જરૂરિયાતવાળાને વરસમાં ૫૦ દિવસનું કામ આપે છે. બિહાર અને ઉ. પ્રદેશમાં શ્રમિકોને મળતા કામના દિવસો તો ૫૦થી પણ ઓછા છે. આ બે રાજ્યો પ્રવાસી-શ્રમિકોના મુખ્ય ઉદ્દભવસ્થાન હોઈ આ રાજ્યોમાં મજૂરવર્ગને મળતી મજૂરીના દિવસો વધે તે માટે હજી જરૂર પ્રમાણે વધુ નાણાંની જોગવાઈ કેન્દ્ર સરકારે કરવી જોઈએ.

આ પાછા ફરતા શ્રમિકોને કારણે અને આર્થિક પ્રવૃત્તિઓ શરૂ થવાને કારણે મહામારીનો સ્પ્રેડ ન વધે તે માટે સરકારે ટેસ્ટિંગ ફેસિલિટી વધારવી પડશે. લગભગ બે અઠવાડિયાંની ચકાસણી પછી આ સ્પ્રેડ વધે છે કે નહીં તેનો ખ્યાલ આવી શકે.

કર્ણાટક અને તેલંગાણા વતન પાછા ફરી રહેલ લોકોને પ્રવેશ આપવામાં વિલંબ કરે છે એથી તો આ શ્રમિકોની યાતના વધવાની. આર્થિક પ્રવૃત્તિઓ ચાલુ થવામાં પણ વિલંબ થવાનો. ટેસ્ટિંગ કરીએ અને સંક્રમિતની સંખ્યા વધે એ દૃષ્ટિએ ટેસ્ટિંગમાં વિલંબ કરવો એ પ્રશ્નનું સૉલ્યુશન નથી. પ્રશ્નને વધુ જટિલ બનાવવાની વાત છે. તેથી તો ભવિષ્યમાં મરણનું પ્રમાણ વધી જાય.

લૉકડાઉન માટેનો વિકલ્પ હવે જ્યારે છે જ નહીં ત્યારે મહામારીના ફેલાવાના કન્ટ્રોલ માટે માસ્કનો સતત ઉપયોગ, વ્યક્તિઓ વચ્ચેના યોગ્ય અંતરની જાળવણી, સંક્રમિત દરદીના કૉન્ટૅકટ ટ્રેસ કરવાની આક્રમકતા અને ટેસ્ટિંગ માટેની વિકેન્દ્રીય વ્યવસ્થા જ અનિવાર્ય બની રહે છે. ભારતમાં બે મહિના પહેલાંની કુલ ૧૫,૦૦૦ ટેસ્ટમાંથી વધીને ટેસ્ટની સંખ્યા ૨૮ લાખની થઈ છે. રોજના દરદીની ટેસ્ટનો આંકડો એક લાખને વટાવી ગયો છે તો પણ વસ્તીના પ્રમાણમાં એક કરોડે ૨૦,૫૦૦નો આંક બ્રાઝિલના ૩૪,૦૦૦નો કે અમેરિકાના ૪,૨૦,૦૦૦ કે રશિયાના ૫,૫૭,૦૦૦ની સરખામણીએ ખૂબ નીચો છે.

વતન પાછા ફરતા શ્રમિકોમાં સંક્રમિતોની સંખ્યા ઊંચી જોવા મળે છે. બિહારમાં આ દર ૮ ટકા જેટલો ઊંચો છે એટલે ટેસ્ટિંગ ફેસિલિટીના વિકેન્દ્રીકરણ દ્વારા અને તાલુકા તથા ગ્રામપંચાયતના સ્તરે તેની ઉપલબ્ધિ જ મહામારીને ફેલાતી અટકાવી શકે.

મે મહિનાના અંત સુધીમાં કોવિડ-19નો ફેલાવો ધીમો નહીં પડે અને ફરી લૉકડાઉન સખત કરવાના દિવસો આવ્યા તો ઘણાબધા ઉદ્યોગોને પીછેહઠ કરવાનો વારો આવશે અને તેમાંના કેટલાક પડી ભાંગશે. એ યાદ રહે કે શહેરી વિસ્તારોમાં લે-ઑફ અને પે-કટનો સામનો કરી રહેલ નોકરિયાતો માટે આપણે ત્યાં અમેરિકા અને યુરોપના દેશોની જેમ સોશ્યલ સિક્યૉરિટીની કોઈ યોજના નથી.

સામાન્ય સંજોગોમાં બૅન્કના કે સરકારના (પબ્લિકના) પૈસે ઉદ્યોગોને બંધ પડતા અટકાવવા માટે કરાતી સહાય આવકાર્ય નથી. અત્યારની ઉદ્યોગધંધાની ખરાબ હાલત લૉકડાઉનને આભારી છે, જે ઉદ્યોગધંધાના વશની વાત નથી એટલે સરકારે તે માટેનું વળતર આપી ઉદ્યોગોની મદદ કરવી જ જોઇએ. યેન કેન પ્રકારેણ સરકારે કરવેરાના (જીએસટી સહિતના) દર ઘટાડી લોકોના હાથમાં સીધા રૂપિયા મૂકી ડિમાન્ડ વધારવાની આવશ્યકતા છે. ફિસ્કલ ડેફિસિટ વધારો કે ડેફિસિટ ફાઇનૅન્સકારો નોટો છાપીને. સરકારને આમ કરતા કોણ રોકી શકે છે? જાહેર થયેલ રાહતના પૅકેજની ત્રુટિઓ દૂર કરવાનો આ સમય છે.  મોંઘી જિંદગીઓ બચાવવાનો અને અર્થતંત્રને બચાવવાનો આ સમય છે. હિસાબના લેખાં-જોખાંનો નહીં.

(લેખક ઇન્ડિયન મર્ચન્ટ‍્સ ચેમ્બરના ભૂતપૂર્વ ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ છે)

Whatsapp-channel Whatsapp-channel

25 May, 2020 09:47 AM IST | Mumbai | Jitendra Sanghvi

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK