Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > જુલાઈ-સપ્ટેમ્બરમાં દેશનાં ગામડાંઓની ખરીદશક્તિ છેલ્લાં 7 વર્ષમાં નબળી

જુલાઈ-સપ્ટેમ્બરમાં દેશનાં ગામડાંઓની ખરીદશક્તિ છેલ્લાં 7 વર્ષમાં નબળી

18 October, 2019 08:07 AM IST | મુંબઈ

જુલાઈ-સપ્ટેમ્બરમાં દેશનાં ગામડાંઓની ખરીદશક્તિ છેલ્લાં 7 વર્ષમાં નબળી

ભારતનો આર્થિક વિકાસદર

ભારતનો આર્થિક વિકાસદર


ભારતનો આર્થિક વિકાસદર એપ્રિલથી જૂન ક્વૉર્ટરમાં છેલ્લાં છ વર્ષમાં સૌથી નબળો રહ્યો છે. છેલ્લા એક પખવાડિયામાં વધુ ને વધુ એજન્સીઓ નબળો રહેશે એવી આગાહી કરી ચૂકી છે ત્યારે અગ્રણી રિસર્ચ સંસ્થા નિલ્સન અનુસાર જુલાઈથી સપ્ટેમ્બર દરમિયાન દેશના ગ્રામ્ય વિસ્તારોની ખરીદી છેલ્લાં સાત વર્ષમાં સૌથી નબળી રહી છે એવો અહેવાલ રજૂ કરવામાં આવ્યો છે. 

નિલ્સનના ફાસ્ટ મૂવિંગ કન્ઝ્યુમર ગુડ્સના જુલાઈથી સપ્ટેમ્બર ૨૦૧૯ના આંકડા અનુસાર દેશભરમાં ખરીદીની વૃદ્ધિ માત્ર ૭.૩ ટકા જોવા મળી છે જે ગયા વર્ષે ૧૬.૨ ટકા હતી. આ વૃદ્ધિમાં વપરાશ ગયા વર્ષે ૧૩.૨ ટકા વધ્યો હતો જે આ વર્ષે માત્ર ૩.૯ ટકા રહ્યો હોવાનું પણ નિલ્સન જણાવે છે. ફાસ્ટ મૂવિંગ કન્ઝ્યુમર ગુડ્સમાં સાબુ, શેમ્પુ, બિસ્કિટ, ખાદ્યતેલ જેવી ચીજોનો સમાવેશ થાય છે.



નિલ્સન જણાવે છે કે છેલ્લાં સાત વર્ષમાં પ્રથમ વખત ભારતમાં ગ્રામ્ય વિસ્તારોની વૃદ્ધિ શહેરી વિસ્તાર કરતાં નબળી પડી છે. ગ્રામ્ય વિસ્તારમાં જુલાઈથી સપ્ટેમ્બર દરમિયાન વૃદ્ધિ માત્ર પાંચ ટકા રહી છે જે ગયા વર્ષે ૨૦ ટકા જેટલી હતી. બીજી તરફ શહેરી વિસ્તારની વૃદ્ધિ ૨૦૧૮માં ૧૪ ટકા હતી એ આ વર્ષે ઘટી ૮ ટકા રહી છે. ગ્રામ્ય વિસ્તાર કુલ એફએમસીજી બજારમાં ૩૬ ટકા જેટલો હિસ્સો ધરાવે છે અને એનો વિકાસદર શહેરી વિસ્તાર કરતાં ત્રણથી પાંચ ટકા જેટલો વધારે જોવા મળ્યો છે.


અત્રે ઉલ્લેખનીય છે કે દેશની સૌથી મોટી એફએમસીજી કંપની હિન્દુસ્તાન યુનીલીવરે પણ પોતાનાં પરિણામની જાહેરાત સાથે ગ્રામ્ય વિસ્તારમાં ખરીદી ઘટી હોય એવું અવલોકન કર્યું હતું.

વપરાશમાં છેલ્લા ૨૦ મહિનાથી થઈ રહેલો ઘટાડો ચિંતાજનક


ભારતનો આર્થિક વિકાસ ઘટાડી છ ટકા રહેશે એવી આગાહી કરતાં વિશ્વની અગ્રણી બ્રોકરેજ સંસ્થા ગોલ્ડમૅન સાકસે જણાવ્યું હતું કે દેશમાં ગ્રાહકોનો વપરાશ ઘટ્યો છે એ પડકારજનક છે અને એના માટે માત્ર આઇએલઍન્ડએફએસ નિષ્ફળ જતાં નૉન-બૅન્કિંગ કંપનીઓ માટે તીવ્ર નાણાભીડ જવાબદાર નથી.

ગોલ્ડમૅન સાકસનાં ચીફ ઇકૉનૉમિસ્ટ પ્રાચી મિશ્રાના જણાવ્યા અનુસાર તેમના ઍનૅલિસિસ અનુસાર ભારતમાં વપરાશનો ઘટાડો જાન્યુઆરી ૨૦૧૮માં શરૂ થયો હતો જે ઑગસ્ટ ૨૦૧૮માં આઇએલઍન્ડએફએસની કટોકટી કરતાં ઘણો વહેલો હતો. ભારતમાં આર્થિક વિકાસ ઘટવા માટે વપરાશ ઉપરાંત વૈશ્વિક અર્થતંત્રનું ધીમું પડવું અને નૉન-બૅન્કિંગ કંપનીઓની નાણાકટોકટી પણ જવાબદાર છે.

ધ ઇકૉનૉમિસ્ટ દ્વારા આયોજિત એક બેઠકમાં મિશ્રાએ જણાવ્યું હતું કે મૂડીરોકાણ અને નિકાસ પણ ઘટી રહી છે, પણ હકીકતે દેશમાં વપરાશ ઘટ્યો એ વધારે ચિંતાજનક છે. ભારતમાં છેલ્લા ૨૦ મહિનાથી વપરાશ ઘટ્યો છે. આ સમસ્યા નોટબંધી અને ૨૦૦૮ની વૈશ્વિક નાણાકીય કટોકટી કરતાં અલગ છે. એ ઘટનાઓ કામચલાઉ હતી, જ્યારે અત્યારે વપરાશનો ઘટાડો ટકાઉ છે.

ભારતનો આર્થિક વિકાસ રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા, ઇન્ટરનૅશનલ મૉનિટરી ફંડ, વર્લ્ડ બૅન્ક જેવી સંસ્થાઓએ છેલ્લાં બે સપ્તાહમાં ઘટાડ્યો છે ત્યારે સરકાર માટે વધુ પડકારજનક સમય આવી રહ્યો છે.

ગોલ્ડમૅનના મતે ભારતનો આર્થિક વિકાસ ઘટવા માટે ૪૦ ટકા જેટલો હિસ્સો વપરાશ ઘટવાનો છે જ્યારે બાકીનો હિસ્સો વૈશ્વિક વ્યાપાર અને નાણાકીય કટોકટીનો છે.

કરની નબળી આવક અને આર્થિક વિકાસમાં મંદીને કારણે દેશની નાણાખાધ ૦.૩૦થી ૦.૫૦ ટકા વધી શકે છે

ભારતમાં આર્થિક વિકાસદર તીવ્ર રીતે ઘટી રહ્યો છે અને એના કારણે સરકારની કરવસૂલાત પણ નબળી હોવાથી નાણાકીય વર્ષ ૨૦૧૯-’૨૦ના બજેટના ૩.૩ ટકાના અંદાજ કરતાં નાણાખાધ લગભગ ૦.૩૦ ટકા કે ૦.૫૦ ટકા વધી શકે છે.

બજેટની રજૂઆત થઈ ત્યારથી નિષ્ણાતો કેન્દ્ર સરકારની કરની આવકમાં વૃદ્ધિનો અંદાજ વધારે પડતો હોવાનો મત પ્રગટ કરી રહ્યા હતા. એ સમયમાં દેશમાં આર્થિક વિકાસ મજબૂત કરતાં કેન્દ્ર સરકારે કૉર્પોરેટ ટૅક્સમાં રાહત આપી ૧.૫૦ લાખ કરોડ રૂપિયાની કરની આવક જતી કરવાનો દાવો કર્યો છે. આ સ્થિતિમાં કેન્દ્ર સરકારની કરની કુલ આવકમાં બે લાખ કરોડનો ઘટાડો થશે એવી ધારણા મૂકી રહ્યા છે.

કેન્દ્ર સરકાર આ બાબતથી વાકેફ છે ત્યારે હવે નાણાં મંત્રાલય પણ નાણાખાધ ઘટશે એવી ધારણા સાથેની ચર્ચા કરી રહ્યું છે. સરકાર પોતાની કરની આવક નહીં વધે તો સરકારી કંપનીઓમાં હિસ્સો વેચી નાણાં એકત્ર કરી શકે છે, પણ બાકીના સમયમાં આ કીમિયો કેટલો કારગત નીવડે એ જોવાનું રહ્યું. શુકવારે નાણાં મંત્રાલયની દેશી આઠ જેટલી સરકારી કંપનીઓમાં હિસ્સો વેચવા માટે બેઠક છે એના ઉપર સહુની નજર છે.

સરકાર અત્યારે ચાલુ નાણાકીય વર્ષમાં ખાધ ૩.૮ ટકા રહે એ ઉપરાંત આગામી વર્ષે પણ ખાધનો લક્ષ્યાંક પાછો ઠેલે એવી શક્યતા વ્યક્ત કરી રહી છે.

Whatsapp-channel Whatsapp-channel

18 October, 2019 08:07 AM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK