Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > વીજળીવેગે ફેલાઈ રહેલ મહામારીને નાથવા સક્રિય બનતું ભારત

વીજળીવેગે ફેલાઈ રહેલ મહામારીને નાથવા સક્રિય બનતું ભારત

23 March, 2020 01:57 PM IST | Mumbai Desk
Jitendra Sanghvi

વીજળીવેગે ફેલાઈ રહેલ મહામારીને નાથવા સક્રિય બનતું ભારત

વીજળીવેગે ફેલાઈ રહેલ મહામારીને નાથવા સક્રિય બનતું ભારત


ચીનમાં શરૂ થયેલ કોરોના વાઇરસે ત્રણ મહિનાથી ઓછા સમયમાં વિશ્વભરમાં હાહાકાર મચાવી દીધો છે. જોતજોતામાં આ વૈશ્વિક મહામારીએ ૨.૪૫ લાખ લોકોને ચેપગ્રસ્ત કર્યા છે અને ૧૦,૦૦૦થી વધુ દરદીઓ મરણને શરણ થયા છે. વિશ્વના લગભગ ૨૦૦ જેટલા દેશમાંથી ૧૪૮ દેશ આ મહામારીનો ભોગ બન્યા છે.

જર્મનીના ચાન્સેલર એન્જેલા મર્કેલે કોરોના વાઇરસની આફતને બીજા વિશ્વયુદ્ધ પછીની સૌથી મોટી આફત તરીકે ઓળખાવી છે. સમયનો તકાદો પારખીને આ વાઇરસ ભારતને ભરડામાં ન લે તે માટે કરેલ રાષ્ટ્રજોગા પ્રવચનમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ પડકારને વિશ્વયુદ્ધ જેટલો ગંભીર ગણાવ્યો છે. દેશવાસીઓના સહકાર માટે તેમણે ભારતના નાગરિકો પાસે સંકલ્પ અને સંયમની માગણી કરી છે.



કદાચ વિશ્વયુદ્ધમાં માર્યા ગયેલ માણસોની સંખ્યા આ મહામારીને કારણે થયેલ મરણની સંખ્યા કરતાં વધુ હોય તો પણ મહામારીનો વ્યાપ વિશ્વયુદ્ધના વ્યાપ કરતાં અનેકગણો વધુ છે. વિશ્વયુદ્ધમાં સીધી રીતે અસર પામેલ દેશોની સંખ્યા પણ ત્રણ આંકડે તો નહીં જ પહોંચી હોય.


ઉપરાંત વિશ્વયુદ્ધ માનવસર્જિત (મેન-મેઇડ) હોનારત હતી જ્યારે હાલની મહામારી કુદરત સર્જિત (નેચરલ). માનવસર્જિત આફત પર ગણતરીના કલાકોમાં પૂર્ણવિરામ મૂકી શકાય, જ્યારે હાલના તબક્કે આ મહામારીની અસરકારક રસી ન હોવાને કારણે સમગ્ર માનવજાત પાસે એની સામે લાચાર બનીને ઊભા રહ્યા સિવાય કોઈ રસ્તો નથી. એને ફેલાતી અટકાવવાના સમયસરના ઉપાયો ન લેવાય તો જે ઘાતકીય પ્રમાણમાં તે ઈટલી, ઈરાન અને દ.કોરિયામાં ફેલાઈ છે તે જોતાં એનો આખરી અંજામ શું આવી શકે એનો અડસટ્ટો આજના દિવસે લગાવવો લગભગ અસંભવ ને ફરી એક વાર આધુનિક તબીબીશાસ્ત્રે ગમે તેટલી ઊંચાઈ સર કરી હોવા છતાં તે વામણું પુરવાર થઈ શકે.

અસર પામેલા દરદીઓના પ્રમાણમાં મૃત્યુને શરણ થતાં દરદીઓની ટકાવારી (૧થી ૩ ટકા) ખૂબ ઓછી હોવા છતાં જે ઝડપે એ પ્રસરે છે તે જોતાં હવે પછીના બે-ચાર અઠવાડિયાંના થનાર મરણના આંકની કલ્પના કરવી પણ મુશ્કેલ ગણાય. એક વાત ચોક્કસ ગણાય કે આ વાઇરસે જે આતંકનું સામ્રાજ્ય ફેલાવ્યું છે તેની તીવ્રતા વિશ્વયુદ્ધ સમયે ફેલાયેલ ભયના સામ્રાજ્ય કરતાં સહેજ પણ ઓછી નથી.
આ સંદર્ભે બનેલ ત્રણ-ચાર ઘટનાઓની નોંધ લેવી રહી.


(૧) પ્રથમ વાર ઈટલીમાં મરણને શરણ થયેલ દરદીઓનો આંકડો ચીનના આવા આંકને ઓળંગી ગયો છે. (૨) પ્રથમ વાર ચીન સિવાયના અન્ય દેશોમાં અસરગ્રસ્ત થયેલ દરદીઓનો આંક પણ ચીનમાં અસરગ્રસ્ત થયેલ દરદીઓના આંકને ઓળંગી ગયો છે. (૩) પ્રથમ વાર ભારતમાં એક જ દિવસમાં (માર્ચ ૧૯) સૌથી વધુ ૩૮ કેસ નોંધાયા. (૪) પ્રથમ વાર ચીનમાં ૨૪ કલાકમાં (માર્ચ ૧૯) એક પણ નવો કેસ નોંધાયો નથી.

કોરોના ટેસ્ટિંગ માટે અપૂરતી લૅબોરેટરીની સગવડ કે ઉપલબ્ધિને કારણે રિપોર્ટ કરાયેલ દરેક એક દરદી દીઠ દરદીઓની સાચી સંખ્યા ૫ થી ૧૦ વચ્ચેની હોઈ શકે, જેની ગણતરી થઈ શકી નથી પણ છૂપી રીતે તેવા કેસ હાજર (રોગ) છે જે ગમે ત્યારે પ્રકાશમાં આવી શકે અને રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય તેવાં (બાળકો, વૃદ્ધો કે થોડીઘણી બીમારીથી પીડાતા યુવાનોને પણ) બીજા અનેક લોકો તેનો ભોગ બની શકે.

વડા પ્રધાન મોદીએ ખૂબ સાચી વાત કરી કે આપણે સ્વસ્થ તો વિશ્વ સ્વસ્થ. પ્રત્યેક નાગરિકનો એ પ્રયત્ન હોવો જોઈએ કે પોતે તેનો ભોગ બન્યા હોય તો બીજાને તેનો ચેપ કેમ ન લાગે અને પોતે સ્વસ્થ હોય તો બીજા અસરગ્રસ્ત નાગરિકનો ચેપ પોતાને કેમ ન લાગે.
ઈટલી, સ્પેન અને ફ્રાન્સના અસરગ્રસ્ત દરદીઓનું અઠવાડિક ધોરણે કરાયેલ પૃથક્કરણ એમ સૂચવે છે કે એક વાર કોઈ પણ દેશમાં આવા ૧૦૦ કેસ નોંધાય પછી જો એને અટકાવવાના સમયસર પગલાં ન લેવાય તો તે અકલ્પનીય ઝડપે વધે છે.

ભારત આ ૧૦૦ના આંકડાના અગત્યના સીમાચિહ્નને ઓળંગી જઈને (લગભગ ૨૦૦ નજીક પહોંચીને) મહત્ત્વના તબક્કામાં પ્રવેશ્યું છે. ફ્રાન્સમાં પહેલો કેસ નોંધાયા પછીના સાતમા અઠવાડિયે ૩૬૦૦ કેસ, ઇટલીમાં આ સમયમાં ૨૧,૦૦૦ કેસ અને સ્પેનમાં ૫૦૦૦ કેસ નોંધાયા છે. ભારતમાં જાન્યુઆરી ૩૦ના પહેલો કેસ નોંધાયા પછી આ સમયમાં આંકડો ૨૫૦ આસપાસનો. સરકારે જ્યાં આવા કેસ વધુ નોંધાયા હોય તેનાથી ભારતને સમયસર અલગ પાડીને અત્યાર સુધી મોટી દુર્ઘટનામાંથી બચાવ્યું છે.

તાત્કાલિક અસરથી હવે લૉકડાઉન કરીને જ આપણે મોટી દુર્ઘટના નિવારી શકીએ. આ નિર્ણય સહેલો નથી. એનાથી સામાન્ય જનજીવન તો ખોરંભાય છે જ પણ તેની અર્થતંત્ર પરની અસર ખૂબ માઠી હોય છે અને એટલે તે સમાચાર હતોત્સાહ પ્રેરે તેવા હોય છે. તો પણ સ્વાસ્થ્ય સુધારણા કે સંભાળની જર્જરિત માળખાકીય સવલતોના સંદર્ભમાં અને શહેરી વસ્તીના મોટા પ્રમાણને ધ્યાનમાં લેતા લૉકડાઉન (ઉદ્યોગ-ધંધા, ઑફિસો બંધ કરી દેવા)નો સૌને અકારો લાગે તેવો નિર્ણય લીધા સિવાય હવે કોઈ છૂટકો નથી. આમે પણ ગ્રામ્ય વિસ્તારની પ્રજા સ્વચ્છતા અને આરોગ્ય રક્ષણની બાબતે ખૂબ ઉદાસ તો છે જ.

જર્મનીના ચાન્સેલરના મતે જર્મનીની ૭૦ ટકા વસ્તીને કોરોના વાઇરસની અસર થઈ શકે. એક બીજા અભ્યાસ પ્રમાણે વિશ્વની એડલ્ટ (પુખ્ત ઉંમર) વસ્તીના ૨૦થી ૬૦ ટકાને અસરગ્રસ્ત થઈ શકે. જર્મની, અમેરિકા જેવા આધુનિક તબીબી સગવડોથી સજ્જ દેશોની આ હાલત હોય તો ભારત સાવધાની ન વર્તે તો આગળ ઉપર શું હાલત થાય?

ફરી એક વાત યાદ અપાવવી પડે કે ૧૦૦૦ની વસ્તીએ ૧.૩ ટકા હૉસ્પિટલોની પથારીની અને ૦.૮ ફિઝિશિયન ડૉકટરની સંખ્યા હોય એ આપણા દેશમાં જો કોરોના વાઇરસ કાબૂ બહાર જાય તો આપણી શું દશા થાય? તેનાથી થતાં આર્થિક નુકસાનની વાત તો બાજુ પર રહી પણ લોકો અસરગ્રસ્ત થાય તેની ટ્રીટમેન્ટનું શું? અને તે વાઇરસ આગળ ફેલાતો અટકાવી કેમ શકાય?

બીજા દેશોના અનુભવ પરથી હાલની આપણી સમસ્યા આ ફેલાવો ત્રીજા સ્ટેજમાં ન પહોંચે (જ્યાં અસરગ્રસ્ત કેસો મલ્ટિપ્લાય થયે જાય) તે માટેના અસરકારક પગલાં લેવાની છે. તે માટે સૉશ્યલ ડિસ્ટન્સિંગ (આઇસોલેશન) અનિવાર્ય ગણાય. અમુક સમય માટે બધી જ ઇન્ટરનૅશનલ ફલાઇટ (ટૅક ઑફ અને લૅન્ડિંગ) રદ કરાઈ છે. એથીય આગળ વધીને પરદેશથી મુસાફરોના આવાગમન દ્વારા આ રોગ અટકાવવાનાં પગલાં પછી અંદરોઅંદર આ રોગનો સ્પ્રેડ અટકાવવા માટે લૉકડાઉનની શરૂઆત પણ કરાઈ છે.

માર્ચ ૨૨ના સ્વૈચ્છિક પબ્લિક કરફ્યુના એલાન દ્વારા વડા પ્રધાને જનતાનો સાથ-સહકાર માગ્યો છે. આ તબક્કે આવો ૧૪ કલાકનો કરફ્યુ પ્રતિકાત્મક હોઈ શકે, પણ આવનારા દિવસોમાં જરૂર ઊભી થાય તો લોકોને સૉશ્યલ આઇસોલેશનની આદત પાડવામાં આ જનતા કરફ્યુ ઉપયોગી થઈ શકે. એક બીજો હેતુ એ પણ સરે કે સામાન્ય રીતે એક સપાટી પર આ વાઇરસ ૧૨ કલાક એક્ટિવ રહેતા હોય છે. એટલે ૧૪ કલાક સુધી કોઈ માણસ તેના સંસર્ગમાં (ઑફિસોમાં, ટ્રેનો, બસો, મૉલ, પાર્ક) ન આવે તો આવા વાઇરસ ઇનએક્ટિવ બની જાય અને તેનો ફેલાવો કરતી ચેઇન તૂટે એટલે ત્રીજા સ્ટેજના ફેલાવાનું સંકટ ટળે. સ્ટરિલાઇઝેશન (ઘણીબધી જગ્યા-સપાટી જંતુરહિત કરવા)નો હેતુ પણ સરે.

રોજનું રળીને રોજ રોટલા ભેગા થતા ગરીબ માણસો કે નીચલા વર્ગના માણસોને લૉકડાઉન અને સૉશ્યલ આઇસોલેશનની સૌથી વધુ ખરાબ અસર થવાની. ઉદ્યોગ-ધંધામાં સંકળાયેલ બ્લૂ કૉલર વર્કર હોય કે અન્ય મજૂર વર્ગ હોય, તેને નોકરીમાંથી છૂટા ન કરવાની કે તેમના પગાર- વેતન ન કાપવાની અપીલ પણ વડા પ્રધાને કરી છે. તેમને માટે વર્ક ફ્રૉમ હોમ શકય નથી. નામ માટે કરોડોનું દાન કરતાં સૌને માટે આ એક સામાજિક જવાબદારી નિભાવવાનો અને તે દ્વારા સમાજના નીચલા સ્તરના લોકોને કામચલાઉ રીતે ટકાવી રાખવાનો શ્રેષ્ઠ મોકો છે.

વિશ્વના એક પછી એક દેશોમાં અને ભારતના એક પછી એક રાજ્યોમાં તથા શહેરોમાં વીજળીવેગે ફેલાઈ રહેલ આ વાઇરસને કાબૂમાં લાવવા માટે સતત જાગૃત રહેવાની અને રાજ્ય સરકારો અને પ્રજાને કેન્દ્ર સરકારના હાથ મજબૂત કરવાની અપીલ વડા પ્રધાને કરી છે. તેમણે નાણાપ્રધાનના અધ્યક્ષપદે એક ઇકૉનૉમિક ટાસ્ક ફોર્સ નિમવાની જાહેરાત કરી છે, જે આ મહામારીની અર્થતંત્ર પર અને પ્રજાના જુદા જુદા વર્ગો પર થનાર અસરનો અભ્યાસ કરીને શક્ય એટલી સીધી અને આડકતરી સહાય પહોંચાડવાનો પ્રયાસ કરશે. રિઝર્વ બૅન્ક અર્થતંત્રમાં અને સિસ્ટમમાં લિક્વિડિટી વધારવાના શક્ય એટલા પ્રયાસ કરી રહી છે.

ભાંગી પડેલા ઉદ્યોગ-ધંધા લાગતી-વળગતી એજન્સીઓના સહિયારા પ્રયત્નોથી ફરી ઊભા કરી શકાશે, પણ અત્યારના ત્રણ-ચાર અઠવાડિયાંનો સમય છે - દેશની પૂરી તાકાતથી આ મહામારીને ફેલાતી અટકાવવાનો, અસરગ્રસ્તોના જીવ બચાવવાનો અને આને કારણે બેકાર બનેલા પ્રજાજનોને રોકડ સહાય પૂરી પાડી તેમના અસ્તિત્વને ટકાવી રાખવાનો. પોતાના જાનની બાજી લગાવીને આવશ્યક સેવાઓ અવિરતપણે ચાલુ રાખવામાં મદદરૂપ થનાર મૂકસેવકોની સેવાઓને બિરદાવીને તેમનો ઉત્સાહ અને શક્તિ ટકાવી રાખવાનો.

વડા પ્રધાને ૫૦ કે ૧૦૦ વરસે એકાદવાર આવતી આ કટોકટીને ટચવૂડ પાર કરવા માટે એક સમર્થ લીડરને છાજે તેવી બધી વાતો દ્વારા પ્રજાને માર્ગદર્શન આપ્યું છે. રાજ્ય સરકારો તેમાં સાથ આપી રહી છે. મહારાષ્ટ્ર સરકારે પણ શટડાઉનનો આદેશ આપ્યો છે. કેરાલા સરકારે તો રાહતનું પૅકેજ પણ શરૂ કર્યું છે.

ફિસ્કલ ડેફિસિટ કે ફિસ્કલ ડિસિપ્લિનની સામાન્ય સંજોગોમાં અવગણી ન શકાય એવી વાતોને કામચલાઉ નજરઅંદાજ કરીને આ કુદરતી આફતમાંથી હેમખેમ (ઓછામાં ઓછા નુકસાન સાથે) બહાર નીકળવા માટે એક દેશ તરીકે, એક પૂજા તરીકે, આપસ-આપસના મતભેદોને બાજુએ રાખીને, આપણી પૂરેપૂરી શક્તિ કામે લગાડવાનો આ સમય છે. નાત-જાતના, ઊંચ-નીચના, પૈસાદાર-ગરીબના, શિક્ષિત કે અશિક્ષિતના ભેદભાવ ભૂલાઈ જાય એ એક રાષ્ટ્ર તરીકે તો આ મહામારીનો દુશ્મન દેશ માટે છૂપા આશીર્વાદ કે વરદાન જેવો સાબિત થઈ શકે.

કેરાલા સરકારે રૂપિયા ૨૦,૦૦૦ કરોડનું રાહત પૅકેજ જાહેર કર્યું છે જેમાં બધા કુટુંબોને (માત્ર ગરીબીમાં જીવતા લોકોને જ નહીં) મફત રેશન, પેન્શનરોને તેમના પેન્શનની આગોતરી ચુકવણી, કોઈ સૉશ્યલ સિલ્ડએરિટી ન મળતી હોય તેવા કુટુંબોને રોકડ સહાય, બધાને માટે વાજબી ભાવે બે ટંક ભોજન પૂરું પાડવાની વ્યવસ્થા, શાળાઓ બંધ હોવા છતાં વિદ્યાર્થીઓને મિડ-ડે મિલ્સ (ભોજન) ઘેર પહોંચાડવાની વ્યવસ્થા, નાના અને મધ્યમ ઉદ્યોગોને તેમનાં લેણાં નાણાંની જલદીમાં જલદી ચુકવણી જેવાં પગલાંનો સમાવેશ થાય છે.
કેન્દ્ર સરકાર અને અન્ય રાજ્ય સરકારો આ મોડેલમાં યોગ્ય ફેરફાર સાથે તાત્કાલિક ધોરણે સહાયના પૅકેજ બહાર પાળી પ્રજાને ટેકો આપી શકે. સરકારોને આ ઉમદા કામમાં બીજી રીતે રૂઠેલ કુદરત પણ જાણે સાથ આપી રહી હોય તેમ ક્રૂડના ભાવમાં અભૂતપૂર્વ ઘટાડો થયો છે. સરકારે એ પેટ્રોલ અને ડીઝલ પરની એકસાઇઝ વધારીને મોટી આવક ઊભી કરી છે. સમય છે પ્રજાના જે તે વર્ગની જરૂરિયાત મુજબ આ આવકમાંથી એક રિલીફ ફંડ ઊભું કરીને પ્રજાની મુશ્કેલીમાં સહભાગી બનવાનો. જાન બચી તો લાખો પાયે - કે સર સલામત તો પઘડી બહોત.

(લેખક ઇિન્ડયન મર્ચન્ટ્સ ચેમ્બરના ભૂતપૂર્વ ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ છે)

Whatsapp-channel Whatsapp-channel

23 March, 2020 01:57 PM IST | Mumbai Desk | Jitendra Sanghvi

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK