અમેરિકન ફાઇનૅન્શિયલ શટડાઉનને પગલે સોનામાં તેજીની આગેકૂચ

Published: 28th December, 2018 07:42 IST | મયૂર મહેતા

ટ્રમ્પ-ફેડ ચૅરમૅન જેરોમ પોવેલ વચ્ચેના ઝઘડાને શાંત પાડવા શરૂ થયેલા પ્રયાસ : ચીન, જપાન અને અમેરિકાના ફાઇનૅન્શિયલ ડેટા નબળા આવતાં ગ્લોબલ સ્લોડાઉનનો ભય વધ્યો

ગોલ્ડની ડિમાન્ડ વધી
ગોલ્ડની ડિમાન્ડ વધી

બુલિયન બુલેટિન 

ટ્રમ્પની બૉર્ડર-વૉલ બાંધવા માટે બજેટની ડિમાન્ડની જીદને કારણે અમેરિકાનું ફાઇનૅન્શિયલ શટડાઉન છઠ્ઠા દિવસમાં પ્રવેશતાં સોનામાં સેઇફ હેવન ડિમાન્ડ વધી હતી. ડોનલ્ડ ટ્રમ્પ અને ફેડ ચૅરમૅન જેરોમ પોવેલ વચ્ચેના ઝઘડાને શાંત પાડવા નવેસરથી પ્રયત્નો થયા છે, પણ ટ્રેડ-વૉર, ફાઇનૅન્શિયલ શટડાઉનની ક્રાઇસિસ યથાવત રહી હોવાથી સોનામાં ડિમાન્ડ વધી હતી અને સોનાની તેજી આગળ વધી હતી.

ઇકૉનૉમિક ઇન્ડિકેટરનો સંકેત

ચીનનો ઇન્ડસ્ટ્રિયલ પ્રૉફિટ નવેમ્બરમાં ૧.૮ ટકા ઘટ્યો હતો જે ઑક્ટોબરમાં ૩.૬ ટકા વધ્યો હતો. ઇન્ડસ્ટ્રિયલ પ્રૉફિટમાં ડિસેમ્બર ૨૦૧૫ પછીનો પ્રથમ ઘટાડો જોવા મળ્યો હતો. અમેરિકા સાથેની ટ્રેડ-વૉરને કારણે ચીનના નૉન-ફેરસ મેટલ ઇન્ડસ્ટ્રીઝ, પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીઝ અને ઑટોમોટિવ મૅન્યુફૅક્ચરિંગ ઇન્ડસ્ટ્રીઝના પ્રૉફિટને બહુ મોટો ધક્કો પહોંચ્યો છે. જપાનનો હાઉસિંગ સ્ટાર્ટ ઇન્ડેક્સ નવેમ્બરમાં ૦.૬ ટકા ઘટ્યો હતો જે ઑક્ટોબરમાં ૦.૩ ટકા વધ્યો હતો અને માર્કેટની ધારણા ૦.૩ ટકા ઘટાડાની હતી. અમેરિકાના પાંચમા ડિસ્ટ્રિકટની મૅન્યુફૅક્ચરિંગ ઍક્ટિવિટીમાં ઘટાડો જોવા મળ્યો હતો. કોલંબિયા, મેરિલૅન્ડ, નૉર્થ કોરલોના, સાઉથ કોરલોના અને વર્જિનિયા દરેક સ્ટેટની મૅન્યુફૅક્ચરિંગ ઍક્ટિવિટી ડિસેમ્બરમાં ઘટી હતી. અમેરિકાનું ક્રિસમસ હોલિડે સેલ્સ અગાઉનાં વર્ષોની સરખામણીમાં ૫.૧ ટકા વધતાં સ્ટૉકમાર્કેટ અને ડૉલર રિબાઉન્ડ થઈને સુધર્યો હતો, પણ ફાઇનૅન્શિયલ શટડાઉન છઠ્ઠા દિવસમાં પ્રવેશતાં સોનું વધુ સુધર્યું હતું. વર્લ્ડ માર્કેટમાં સોનું બુધવારે સુધરીને ૧૨૭૯.૦૬ ડૉલર થયું હતું.

શૉર્ટ ટર્મ - લૉન્ગ ટર્મ ભાવિ

ડોનલ્ડ ટ્રમ્પ અને ફેડ ચૅરમૅન જેરોમ પોવેલના ઝઘડાની પરાકાષ્ઠાને ઠંડી પાડવા હવે પ્રયાસો શરૂ થયા છે. વાઇટ હાઉસની ઇકૉનૉમિક ઍડ્વાઇઝરી કાઉન્સિલના ચૅરમૅન કેવીન હાસેટે મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે ફેડ ચૅરમૅન જેરોમ પોવેલ પર હકાલપટ્ટીનું કોઈ જોખમ નથી. ટ્રમ્પે છેલ્લા એક સપ્તાહમાં ફેડની ઇન્ટરેસ્ટ-રેટ વધારવાની પૉલિસી પર અનેક આક્રમણ કરીને હાલની ઇકૉનૉમિક ક્રાઇસિસ માટે ફેડને જવાબદાર ઠેરવ્યું છે. અમેરિકી ફાઇનૅન્શિયલ શટડાઉન અમલી બન્યાના પાંચમા દિવસે ટ્રમ્પે જણાવ્યું હતું કે હજી એ લાંબા સમય સુધી બૉર્ડર-વૉલ માટેની બજેટ ડિમાન્ડની મંજૂરી માટે રાહ જોશે. એનો સીધો મતલબ છે કે ટ્રમ્પ તેની ડિમાન્ડ માટે ઝૂકવા તૈયાર નથી અને સેનેટે અગાઉથી જ બજેટને નામંજૂર કર્યું છે. અમેરિકી ટ્રેડ ટીમ ૭ જાન્યુઆરીએ બિજિંગમાં ચાઇનીઝ ઑફિશ્યલ સાથે ટ્રેડ-વૉરને ખતમ કરવાની મંત્રણા યોજશે. આમ, ફેડ-ટ્રમ્પ વિવાદ, ટ્રેડ-વૉર અને ફાઇનૅન્શિયલ શટડાઉનની સ્થિતિ જોતાં સોનામાં ૨૦૧૮ના અંત સુધી મજબૂતી જળવાઈ રહેશે.

લોકલ માર્કેટમાં સોના-ચાંદી સતત ચોથા દિવસે સુધર્યાં

વર્લ્ડ માર્કેટમાં અનેક પ્રકારનાં ફાઇનૅન્શિયલ ક્રાઇસિસને પગલે સોનું ઝડપથી ૧૩૦૦ ડૉલર તરફ જઈ રહ્યું છે ત્યારે લોકલ માર્કેટમાં પણ સોના-ચાંદીના ભાવ સતત સુધરી રહ્યા છે. મુંબઈમાં સોના-ચાંદીના ભાવ સતત ચોથા દિવસે સુધર્યા હતા. મુંબઈમાં સોનાનો ભાવ ગઈ કાલે ૮૦ રૂપિયા સુધરીને પ્રતિ ૧૦ ગ્રામના ૩૧,૬૫૦ રૂપિયા થયા હતા. જોકે દિલ્હીમાં સોનું ૫૦ રૂપિયા ઘટીને પ્રતિ ૧૦ ગ્રામના ૩૨,૪૫૦ રૂપિયા થયા હતા. ચાંદીનો ભાવ મુંબઈ અને દિલ્હીમાં ગઈ કાલે ખાસ્સો વધ્યો હતો. મુંબઈમાં ચાંદીનો ભાવ ૬૦૫ રૂપિયા સુધરીને પ્રતિ કિલોના ૩૭,૭૬૫ રૂપિયા થયા હતા, જ્યારે દિલ્હીમાં ચાંદી ૫૨૫ રૂપિયા સુધરીને પ્રતિ કિલોના ૩૮,૬૫૦ રૂપિયા થયા હતા.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK