Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > માર્કેટ કરેક્શનના સમયમાં ખરીદીનો કરેક્ટ નિર્ણય લેવો જોઈએ

માર્કેટ કરેક્શનના સમયમાં ખરીદીનો કરેક્ટ નિર્ણય લેવો જોઈએ

16 September, 2019 11:13 AM IST |

માર્કેટ કરેક્શનના સમયમાં ખરીદીનો કરેક્ટ નિર્ણય લેવો જોઈએ

માર્કેટ કરેક્શનના સમયમાં ખરીદીનો કરેક્ટ નિર્ણય લેવો જોઈએ


સ્ટૉક માર્કેટ વર્તમાન સમયમાં આર્થિક મંદી, ગ્લોબલ અનિશ્ચિતતા, નબળાં ફન્ડામેન્ટલ્સ અને કૉર્પોરેટ અર્નિંગ્સના કારણસર વધ-ઘટ કર્યા કરે છે. એમાં તેજીના નક્કર અણસાર ભલે દેખાતા ન હોય, પરંતુ લાંબી મંદી પણ દેખાતી નથી. મોદી સરકારના આક્રમક આર્થિક સુધારાનાં પગલાંનો અભાવ નવા વિશ્વાસના સર્જનમાં બાધા બની બેઠો છે. આ પગલાં વહેલાં-મોડાં આવ્યા વિના રહેશે નહીં, વાસ્તે હાલમાં જ્યારે પણ કરેક્શન આવે ત્યારે કરેક્ટ નિર્ણય લેવાનો સમય ગણાય. માત્ર લાંબા ગાળાના અભિગમ સાથે સિલેક્ટિવ ખરીદી કરાય .

ગયા સોમવારે બજારની શરૂઆત પૉઝિટિવ થઈ હતી. જોકે હજી ઇકૉનૉમીનાં ફન્ડામેન્ટલ્સ સામે માર્કેટ ઊંચું હોવાનો મત વ્યક્ત થાય છે, જેને લીધે બજારમાં હજી પણ ખરીદી કરતાં વેચાણનું દબાણ વધુ રહે છે. એમ છતાં સોમવારે નિફટી ૫૭ પૉઇન્ટ વધીને ૧૧૦૦૦ ઉપર પહોંચી ગયો હતો, જ્યારે સેન્સેક્સ ૧૬૩ પૉઇન્ટ પ્લસ થઈ ૩૭૦૦૦ ઉપર બંધ આવ્યો હતો. મંગળવારે બજાર મોહરમની રજા નિમિત્તે બંધ રહ્યું હતું. બુધવારે સુધારાનો દોર ચાલુ રહ્યો હતો. જોકે સેન્ટિમેન્ટમાં નરમાઈ જ નજરે પડતી હતી. સેન્સેક્સ ૧૨૫ પૉઇન્ટ અને નિફ્ટી ૩૨ પૉઇન્ટ પ્લસ બંધ રહ્યા હતા. સરકાર અર્થતંત્રના રિવાઇવલ માટે ટૂંક સમયમાં વધુ પગલાં જાહેર કરશે એ જ આશા માર્કેટમાં કામ કરી રહી છે. એમ છતાં, હજી નક્કર અણસાર કોઈ નથી. સરકાર ઑટો, રિયલ્ટી વગેરે સેક્ટરની રજૂઆતને ધ્યાનમાં લઈ પગલાં ભરવાની વાતો કરે છે, પણ આ વાતો અને એના અમલ વચ્ચે સમય લાગી જતાં બજારને વિશ્વાસ બેસતો ન હોય એવો માહોલ રહ્યો હતો. જોકે બુધવારે જીએસટીમાં કાપ આવવાની આશાએ ઑટો અને સિમેન્ટ સ્ટૉક્સને કરન્ટ પ્રાપ્ત થયો હતો. બીજી બાજુ તહેવારોની મોસમને પરિણામે માગ નીકળવાની ધારણા મુકાતી હતી. બુધવારે આ જ કારણસર માર્કેટ બ્રેડ્થ પોઝિટિવ રહી હતી.



શુક્રવારનો સુધારો : આગામી દિવસોની આશા


ગુરુવારે બજારે કરેક્શન દર્શાવ્યું હતું. ઇન્ડેક્સ વેઇટેજવાળા સ્ટૉક્સ મુખ્યત્વે ઘટતા નિફ્ટી ફરી ૧૧૦૦૦ નીચે ઊતરી ગયો હતો. સેન્સેક્સ ૧૬૬ પૉઇન્ટ અને નિફટી ૫૩ પૉઇન્ટ માઇનસ થયો હતો. આર્થિક ડેટા નબળાં જાહેર થવાની શક્યતાએ બજાર ડાઉન ગયું હતું. સ્થાનિક નબળાં પરિબળો અને ગ્લોબલ સંકેતને કારણે બજારમાં પણ નબળાઈ હતી. જોકે ગુરુવારે સપ્ટેમ્બરમાં પહેલી વાર ફૉરેન ઇન્વેસ્ટર્સ નેટ બાયર્સ રહ્યા હતા. શુક્રવારે બજારે પુનઃ સુધારો નોંધાવ્યો હતો. ખાનગી બૅન્કો અને ઑઇલ સ્ટૉક્સના વધારા સાથે સેન્સેક્સ ૨૮૧ પૉઇન્ટ અને નિફ્ટી ૯૩ પૉઇન્ટ વધી ગયા હતા. નિફ્ટી પરત ૧૧૦૦૦ ઉપર બંધ રહ્યો હતો. હવે પછી માર્કેટની નજર આ મહિનામાં યુએસ ફેડરલ રિઝર્વના નિર્ણય અને ત્યાર બાદ ૪ ઑક્ટોબરની રિઝર્વ બૅન્કની નીતિવિષયક જાહેરાત પર રહેશે, જેમાં હવે ૪૦ બેસિસ પૉઇન્ટ રેટકટ આવવાની શક્યતા છે. સંભવતઃ બજારના સુધારામાં આ એક કારણ પણ કામ કરી રહ્યું છે. અલબત્ત, એ પહેલાં ૨૦ સપ્ટેમ્બરે જીએસટી માટેની બેઠક છે, જેમાં પણ રાહત આવવાની આશા ઊંચી છે.

ડૉ. મનમોહન સિંહનાં મોદી સરકારને સૂચનો


ભૂતપૂર્વ નાણાપ્રધાન અને વડા પ્રધાન તેમ જ આર્થિક બાબતોમાં ઊજળું નામ ધરાવતા ડૉ. મનમોહન સિંહે મોદી સરકારને કરેલાં મહત્ત્વનાં સૂચનો વિચારપ્રેરક છે. ડૉ. સિંહના મતે નોટબંધી અને જીએસટી જેવાં પગલાં ઉતાવળે ભરાયાં એ પછી સમસ્યા વધી હતી. તેમણે મોદી સરકારને છ સૂચનો કર્યાં. તેમના મતે જીએસટીને સરળ બનાવવાની ભલામણ ઉપરાંત ગ્રામ્ય વપરાશને વધારવાના નવા પગલાં ભરવા અને કૃષિ ક્ષેત્રે ઈનોવેટિવ કદમ ભરવા જોઈએ. સરકારે મૂડીસર્જન પર ધ્યાન આપવું જોઈએ તેમ જ બૅન્કો ઉપરાંત નોન-બૅન્કિંગ ફાઈનાન્સ કંપનીઝ મારફત ધિરાણ ઉપલબ્ધિ વધારવી જોઈએ. સરકારે ટેકસ્ટાઈલ્સ, ઑટો, ઈલેક્ટ્રોનિકસ અને હાઉસિંગ જેવા સેકટર મારફત રોજગાર ઊભા કરવા પર જોર આપવું જોઈએ. માઈક્રો, સ્મોલ, મીડિયમ સેકટરના એકમોને પ્રાયોરિટી ધોરણે લોન સુવિધા ઉપલબ્ધ કરવી જોઈએ. નિકાસને વેગ આપવો જોઈએ, ખાસ કરીને યુએસ-ચીન ટ્રેડ વૉરને ધ્યાનમાં રાખીને નિકાસ માટે નવી વ્યૂહરચના ઘડવી જોઈએ. તેમ જ ખાનગી રોકાણ મારફત પબ્લિક ઈન્ફ્રાસ્ટ્રકચરને વિકસાવવું જોઈએ.

કૉન્ફિડન્સ લાવવાનાં પગલાં

ગયા સપ્તાહમાં જ મોદી સરકારની બીજી ટર્મના ૧૦૦ દિવસ પૂરા થયા હતા, અે દરમ્યાન સ્ટૉક માર્કેટમાં ૧૪ લાખ કરોડ રૂપિયાનું મૂડીધોવાણ થયું હતું. નવી સરકાર બન્યા બાદ જે શરૂઆતમાં આશા હતી તેના પર સતત પાણી ફરતું રહ્યું હતું, તેમાં પણ ખાસ કરીને બજેટ બાદ તો બજારે સૌથી વધુ નિરાશા બતાવી છે. મંગળવારે નાણાપ્રધાન નિર્મલા સીતારમણે મોદી સરકારની ૧૦૦ દિવસની પૂર્ણાહુતિ નિમિત્તે કહ્યું હતું કે સરકાર ફાઇનૅન્શિલ માર્કેટમાં કૉન્ફિડન્સ સ્થાપવા પગલાં લઈ રહી છે. સરકાર રિયલ્ટી સેકટર માટે રિવાઇવલના કદમ અંગે વિવિધ વર્ગ અને મંત્રાલય સાથે ચર્ચામાં છે. ઑટો સેક્ટર વિશે પણ સરકાર ચિંતિત છે, જેથી આ માટેના પગલાં પણ ટૂંક સમયમાં આવશે એવું તેમણે ઉમેર્યું હતું. ઑટો સેક્ટરની મંદી માટે ક્યાંક જાહેર ટ્રાન્સપોર્ટ સર્વિસીસ તેમ જ ઓલા અને ઉબર જેવી ટૅક્સી સર્વિસ પણ કારણભૂત ગણાય એમ કહેતાં તેમણે વધુમાં જણાવ્યું હતું કે સરકાર આ વિષયમાં જીએસટી રાહત સહિતનાં કદમ વિચારી રહી છે.

ફૉરેન ઇન્વેસ્ટરોનો અભિગમ

ફૉરેન ઇન્વેસ્ટરો ભારતને જોખમી ઇન્વેસ્ટમેન્ટ ડેસ્ટિનેશન નથી માનતા, બલકે તેઓ ભારત કરતાં વધુ જોખમી ઇકૉનૉમીવાળા દેશામાં રોકાણ કરતા હોય છે. અહીં તેમના પર ટૅક્સ આવ્યો અને તેને દૂર પણ કરાયો છતાં તેમની વેચવાલી ચાલુ રહી તેનું કારણ ગ્લોબલ સંજોગો છે તેમ જ ક્યાંક પૉલિસીની અનિશ્ચિતતા પણ ગણાય. ભારતમાં સાઇક્લિકલ મંદી ચાલી રહી છે કે સ્ટ્રકચરલ સુધારાના અભાવે વર્તમાન સ્થિતિ ઊભી થઈ છે તેનો પણ વિદેશી રોકાણકારો તાગ કાઢી રહ્યા છે. ભારતે હાલમાં પાંચ ટકાનો જીડીપી દર દર્શાવ્યો, જે છેલ્લાં સાત વરસમાં નીચો રહ્યો છે. આ જ દર થોડા કવાર્ટર પહેલાં ૮ ટકા જેટલો હતો. આ બાબત ચિંતાજનક છે, કારણ કે કૉર્પોરેટ અર્નિગ્સ પણ ઘટાડાતરફી રહેવાનું સ્વાભાવિક છે. આ સંજોગોમાં ભારતે આ વિકાસદરને ઊંચે લઈ જવા ઘણા મજબૂત પ્રયાસ કરવાના છે.

આ પણ વાંચો: icici બેંકમાં પૈસા જમા કરાવવા કે ઉપાડવા ચાર્જ ચૂકવવો પડશે

ખરીદીનો ખચકાટ

બજારની કરુણતા એ છે કે હાલ એ વધે છે ત્યારે પણ સિલેક્ટિવ ધોરણે વધે છે, બ્રોડ બેઝડ માર્કેટ વધતું નથી. પરિણામે રોકાણકારો નવી ખરીદી માટે વધુ સાવચેત-સતર્ક બની જાય છે. બજારની ચાલ કોઈ જ નિર્દેશ આપતી નથી, તે વધુ સમય ડાઉનવર્ડ ટ્રેન્ડ બતાવે છે, જેને લીધે પણ નવી ખરીદી આવતા ખચકાય છે.

મ્યુચ્યુઅલ ફન્ડ્સનો ઇક્વિટી સ્કીમ્સમાં રોકાણપ્રવાહ

મજાની અને નોંધનીય વાત એ છે કે શૅરબજારમાં મંદ માહોલ હોવા છતાં અને ભાવો મોટે ભાગે ઘટાડાતરફી રહેવા છતાં મ્યુચ્યુઅલ ફન્ડ્સની ઈક્વિટી સ્કીમ્સમાં નાણાપ્રવાહ આવતો રહે છે. જુલાઈમાં જે રકમ મ્યુચ્યુઅલ ફન્ડ્સની ઈક્વિટી યોજનામાં આવી હતી તેની સામે ઑગસ્ટમાં ૧૩ ટકા વધુ એવી ૯૧૫૨ કરોડ રૂપિયા આવી હતી. કહેવાય છે કે રોકાણકારો માર્કેટ કરેક્શનનો લાભ લેવા મ્યુચ્યુઅલ ફન્ડની ઇક્વિટી યોજનામાં લમસમ રોકાણ કરવાનું પસંદ કરે છે. બીજા ઉપાય સ્વરૂપે રોકાણકારો એસઆઇપી (સિસ્ટમૅટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન) પણ કરતા હોય છે. જેમાં પણ ભાવ ઘટાડાનો લાભ મળી શકે છે. ઑગસ્ટમાં એસઆઇપી સ્વરૂપે મ્યુચ્યુઅલ ફન્ડ પાસે ૮૨૩૦ કરોડ રૂપિયા જમા થયા હતા. આ ટ્રેન્ડને આધારે એમ પણ કહી શકાય કે રોકાણકારો વધુ પરિપકવ થઈ રહ્યા છે, જેઓ માર્કેટ કરેકશનમાં પણ રોકાણ ચાલુ રાખે છે, ખાસ કરીને મ્યુચ્યુઅલ ફન્ડના માર્ગે, જેથી તેમનું જોખમ મર્યાદિત રહે. વધુ એક નોંધનીય બાબત એ પણ છે કે ઑગસ્ટમાં સ્મૉલ અને મિડ કૅપ ફંડસમાં પણ કલેકશન વધ્યુ હતું જે ૨૩૭૪ કરોડ રૂપિયા થયું હતું. ઇક્વિટી સ્કીમ્સમાં રિડમ્પશનનું પ્રમાણ પણ ઘટ્યું છે.

Whatsapp-channel Whatsapp-channel

16 September, 2019 11:13 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK