મહારાષ્ટ્રમાં નાણાકીય વર્ષ 2020-21માં જીડીપી ઘટી: SBI

Published: Aug 18, 2020, 07:49 IST | Sushma B Shah | Mumbai

મહારાષ્ટ્રને કોરોનાને લીધે જીડીપીમાં થનારા અને એના દરેક નાગરિકને થનારા નુકસાનનો આ અંદાજ એસબીઆઇનો છે

જીડીપી
જીડીપી

ભારતીય અર્થતંત્ર કોરોનાની મહામારી ત્રાટકી એ પહેલાં જ ધીમું પડી રહ્યું હતું અને જીડીપી વૃદ્ધિ ૬ વર્ષમાં સૌથી નીચે આવી ગઈ હતી. મહામારી, એને રોકવા દેશવ્યાપી લૉકડાઉન અને પછી અનલૉક દરમ્યાન માઇક્રો કન્ટેનમેન્ટ અને માઇક્રો લૉકડાઉનને કારણે હજી આર્થિક પ્રવૃત્તિઓ ધમધમતી નથી થઈ. અનેક બિઝનેસ, વ્યાપાર અને સેવાકીય એકમોમાં કામકાજ ઘટી ગયાં હોવાથી લોકોને છૂટા કરવામાં આવ્યા છે કે તેમનો પગાર ઘટાડી દેવામાં આવ્યો છે. આ સ્થિતિમાં વધુ એક ચોંકાવનારો અહેવાલ આવ્યો છે કે મહારાષ્ટ્રમાં નાણાકીય વર્ષ ૨૦૨૦-’૨૧માં જીડીપી ઘટી જતાં દરેક નાગરિકે માથાદીઠ ૩૮,૮૪૧ રૂપિયાની નુકસાની ભોગવવી પડશે. પાડોશી રાજ્ય ગુજરાતમાં આ નુકસાની ૪૫,૦૧૮ રૂપિયાની આંકવામાં આવી છે.

આ અહેવાલ દેશની સૌથી મોટી, સરકારી માલિકીની બૅન્ક સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયાના ગ્રુપ ચીફ ઇકૉનૉમિક ઍડ્વાઇઝર ડો. સૌમ્ય કાંતિ ઘોષે તૈયાર કર્યો છે. સોમવારે બહાર પાડેલા આ અંદાજમાં દેશનાં રાજ્યોની જીડીપીને પણ મોટો ફટકો પડવાની આગાહી કરવામાં આવી છે. ઘોષ જણાવે છે કે કોરોના વાઇરસના દરદીઓની સંખ્યા હવે માત્ર શહેરી વિસ્તારો પૂરતી સીમિત નથી, હવે ગ્રામ્ય વિસ્તારોનો હિસ્સો અડધા જેટલો થઈ ગયો છે એટલે આર્થિક વૃદ્ધિ વધારે નબળી પડશે. બીજું, મે મહિનામાં અહેવાલ કરતા ઘોષ રાજ્યોને આર્થિક ફટકો મોટો પડશે એવી આગાહી નવા રિપોર્ટમાં કરી રહ્યા છે.

મે મહિનામાં બહાર પડેલા અહેવાલ અનુસાર મહારાષ્ટ્ર રાજ્યની જીડીપીમાં ૪,૭૨,૪૩૩ કરોડ રૂપિયાનો ઘટાડો થવાનો હતો જે આજના અહેવાલ અનુસાર હવે ૫,૩૯,૩૪૪ કરોડ રૂપિયાનો છે. એટલે કે એસબીઆઇ માને છે કે મહારાષ્ટ્રમાં ગયા અહેવાલ કરતાં વધારે ૬૬,૯૧૧ કરોડ રૂપિયાનું નુકસાન થવાનું છે. ગુજરાત રાજ્યમાં અગાઉ ૨,૬૧,૩૮૬ કરોડ રૂપિયાની જીડીપી નુકસાનનો અંદાજ હતો જે હવે ૪૫,૬૫૫ કરોડ વધી ૩,૦૭,૦૪૧ કરોડ રૂપિયાનું કુલ નુકસાન થશે. આ અહેવાલ અનુસાર દેશમાં સરેરાશ માથાદીઠ આવક (પર કૅપિટા ઇન્કમ) ૨૭,૦૦૦ રૂપિયાની છે એની સામે મહારાષ્ટ્રમાં માથાદીઠ ૩૮,૮૪૧ અને ગુજરાતમાં ૪૫,૦૧૮ રૂપિયાની નુકસાની દરેક નાગરિકે વેઠવી પડશે.

સમગ્ર દેશનાં દરેક રાજ્યોની જીડીપી (સ્ટેટ જીડીપી) મે મહિનાના અહેવાલ અનુસાર ૩૦.૩ લાખ કરોડ રૂપિયા અંદાજવામાં આવી છે એની સામે હવે નવા અહેવાલ અને વધી રહેલા મહામારીના વ્યાપને કારણે ૩૮ લાખ કરોડ રૂપિયા અંદાજવામાં આવી છે. ઘોષે મે મહિનામાં દેશનો આર્થિક વિકાસદર ૨૦૨૦-’૨૧માં નેગેટિવ ૬.૮ ટકા રહેવાની ધારણા વ્યક્ત કરી હતી એની સામે હવે તેઓ માને છે કે નેગેટિવ વૃદ્ધિ બે અંકમાં રહેશે. ‘સેન્ટ્રલ સ્ટૅટિસ્ટિકલ ઑફિસ ૩૦ ઑગસ્ટે પ્રથમ ક્વૉર્ટરના જીડીપીના આંકડા જાહેર કર્યા પછી અમે અમારા નવા અંદાજ જાહેર કરીશું, એમ ઘોષે જણાવ્યું હતું.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK