Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > બજારનો અધ્ધર સમય સંપત્તિસર્જન માટે સધ્ધર માર્ગની તક આપે છે

બજારનો અધ્ધર સમય સંપત્તિસર્જન માટે સધ્ધર માર્ગની તક આપે છે

24 December, 2018 06:41 PM IST |
Jayesh Chitalia

બજારનો અધ્ધર સમય સંપત્તિસર્જન માટે સધ્ધર માર્ગની તક આપે છે


પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


શૅરબજારની સાદીવાત 

આગલા સપ્તાહમાં આઘાત અને અનિશ્ચિતતા વચ્ચે પણ બજારે પૉઝિટિવ ટ્રેન્ડ દર્શાવી માર્કેટનો મૂડ સુધારી નાખ્યો હતો. બજાર સતત ચાર દિવસ પ્લસ રહ્યું હતું જેથી નવા સપ્તાહના પ્રથમ દિવસે પ્રૉફિટબુકિંગની ધારણા રખાતી હતી એને બદલે બજારે શરૂઆત જ પૉઝિટિવ કરી અને સેન્સેક્સ ૩૦૭ પૉઇન્ટ તેમ જ નિફ્ટીએ ૮૩ પૉઇન્ટનો વધારો દર્શાવ્યો હતો. બજારની રિકવરીનો આ સળંગ પાંચમો દિવસ હતો. નિફ્ટી ૧૧,૦૦૦ તરફ આગળ વધી રહ્યો છે જે નાતાલની તેજીની રૅલી બતાવશે એવી આશા જાગી છે, જ્યારે સેન્સેક્સ ૩૬ હજાર ઉપરના લેવલે ટકી રહેશે. મંગળવારે બજારે નફાના બુકિંગનો ટ્રેન્ડ દર્શાવ્યો અને અમેરિકન ફેડરલ રિઝવર્‍ની સંભવિત જાહેરાતની પણ અસર હતી છતાં બપોર પછી માર્કેટે ટર્ન લીધો અને અંતમાં સેન્સેક્સ ૭૭ પૉઇન્ટ પ્લસ બંધ રહ્યો હતો. 

મંગળવારે અમેરિકન માર્કેટને પગલે વિશ્વબજારો તૂટયાં હોવા છતાં ભારતીય બજાર રિકવરીના પંથે રહ્યું હતું. બુધવારે આ રિકવરી વધુ આગળ ચાલી હતી જેમાં સેન્સેક્સ ૧૩૭ પૉઇન્ટ અને નિફ્ટી ૫૮ પૉઇન્ટ ઉપર બંધ રહ્યા હતા. આગલા દિવસે રિઝવર્‍ બૅન્કે સિસ્ટમમાં પ્રવાહિતા વધારવા જાહેર કરેલાં પગલાં આ રિકવરીનું મુખ્ય કારણ હતું જેમાં વળી મંગળવારની મોડી સાંજે ગુડ્સ ઍન્ડ સર્વિસિસ ટૅક્સના દરોમાં ફેરફાર-સુધારા વિશે વડા પ્રધાને આપેલા નિર્દેશ પણ મજબૂત કારણ બન્યાં હતાં. અલબત્ત, ક્રૂડના ભાવનો ઘટાડો પણ મહત્વનું પરિબળ બન્યું હતું. હવે ચૂંટણીને ધ્યાનમાં રાખી પ્રોત્સાહક અને લોકપ્રિય પગલાં આવતાં રહેશે એવો આશાવાદ પણ વધતો જાય છે જે આખરે બજારને વધવા માટે કારણ આપશે એમ ચોક્કસ માની શકાય. ગુરુવારે બજાર થોડું નેગેટિવ બન્યું, કારણ સાફ હતું, અમેરિકન ફેડરલ રિઝર્વે વ્યાજદરમાં પા ટકાનો વધારો જાહેર કર્યો હતો, જ્યારે કે સતત વધતા ભારતીય બજારને ક્યાંક નફો અંકે કરવાનું માનસ પણ યોગ્ય લાગ્યું હતું. 

સાત દિવસનો સુધારો એક દિવસમાં સાફ

જોકે શુક્રવારે બજારે વધુ નકારાત્મકતા બતાવી અને માર્કેટ ગૅપથી નેગેટિવ ખૂલી, સતત ઘટતું જઈને આખરમાં ૭૦૦ પૉઇન્ટ જેવા મોટા કડાકા સેન્સેક્સ અને ૨૦૦ પૉઇન્ટના કડાકા સાથે નિફ્ટી સડસડાટ નીચે ઊતરી ગયા હતા. આમાં સાત દિવસનો સુધારો એક જ દિવસમાં ધોવાઈ ગયો હતો. આમાં પ્રૉફિટબુકિંગ પણ થયું હતું. અલબત્ત, આ ધોવાણમાં ભારતીય પરિબળ કરતાં ગ્લોબલ પરિબળ મોટો ભાગ ભજવી ગયું હતું. આમાં પણ સૌથી મોટું પરિબળ અમેરિકન વ્યાજદરનું હતું. અહીં ધિરાણખર્ચ વધતાં નેગેટિવ અસર જોવાઈ હતી. એને પગલે વિશ્વનાં અન્ય બજારો પર થયેલી અસર ભારતીય માર્કેટને નડી ગઈ હતી. અન્યથા ભારતી માર્કેટમાં એકધારા સાત વધારાને ધ્યાનમાં રાખી તેજીની સૅન્ટા રૅલીની વાતો જોરમાં હતી. ૧૧,૦૦૦ નજીક પહોંચી રહેલો નિફ્ટી અને ૩૭,૦૦૦ તરફ આગળ વધી રહેલો સેન્સેક્સ નિરાશાપૂવર્‍ક નોંધપાત્ર પાછા ફરી ગયા હતા. આ એક જ દિવસમાં માર્કેટ કૅપિટલાઇઝેશન બે લાખ કરોડ રૂપિયાથી વધુ ધોવાઈ ગયું હતું અર્થાત્ બે લાખ કરોડથી વધુ રૂપિયા રોકાણકારોએ ખોયા હતા. 

નવા સપ્તાહમાં શું?

આપણી બજારે ક્રૂડનો ભાવઘટાડો, બૅન્કોને સરકાર દ્વારા કરાયેલી મૂડીસહાય સહિતનાં સારાં આર્થિક પરિબળોની ઉપેક્ષા કરી હતી, જ્યારે કે વિદેશી રોકાણકારોની જંગી વેચવાલી બજાર પર છવાઈ ગઈ હતી. અહીં એ નોંધવું મહત્વનું છે કે અગાઉ ગ્લોબલ માર્કેટની નબળી સ્થિતિમાં પણ આપણી માર્કેટ સારી રહી હતી, જેણે શુક્રવારે ચાલ બદલી નાખી હતી. કહેવાય છે કે અનિશ્ચિતતાના માહોલમાં ઑપરેટરોએ નફો બુક કરી લેવાનું વધુ મુનાસિબ માન્યું હશે. 

હવે પછી વિદેશોમાં નાતાલ વેકેશનનો મૂડ હશે. કામકાજમાં ઘટાડો થશે. નવા સપ્તાહમાં કોઈ મોટી વધઘટની આશા રાખી શકાશે નહીં. ગ્લોબલ સ્તરે રજાનો માહોલ હશે, જેની અસર આપણી બજાર પર રહેશે. નવું વર્ષ અનિશ્ચિતતા અને વૉલેટિલિટી સાથે જ આગળ વધશે. આ સંજોગોમાં બજારની વધઘટને જોવા કરતાં સ્પેસિફિક સ્ટૉક્સ પર ધ્યાન આપવું સલાહભર્યું છે. જે લાંબા ગાળાના રોકાણની તક ઑફર કરતા હોય એવા સ્ટૉક્સ જમા કરતા રહેવામાં સાર રહેશે.

હવે નજર નવી જાહેરાતો પર

મજાની વાત એ છે કે બજારે રાજ્યોની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની થયેલી હારને વધાવવાનું ચાલુ રાખ્યું છે જે લોકસભાની ચૂંટણીમાં આ જ સરકાર સત્તા પર આવશે એવી માન્યતાના નિર્દેશ કરે છે. સરકાર પાસે હાલમાં લગભગ ચારેક મહિના રહ્યા છે જેમાં એણે પ્રજાનો વિશ્વાસ અને ઉત્સાહ પુન: મેળવવાના છે. આ માટે સરકારે સજ્જ અને સક્ષમ થયા વિના છૂટકો નથી. આ સમયમાં સરકાર તરફથી મહત્તમ પ્રોત્સાહક પગલાં આવવાની આશા રહે છે. ઇન્ટરિમ બજેટ કે પછી વૉટ્સ ઑન અકાઉન્ટ સંભવત: બજાર માટે મોટું ટ્રિગર બની શકે. 

આગામી ઑફરો

આગામી ક્વૉર્ટર જાન્યુઆરીથી માર્ચમાં સરકાર ડિસસન્વેસ્ટમેન્ટ માર્ગે એનો ટાર્ગેટ ક્રૉસ કરી ભંડોળ ઊભું કરવા માગે છે જેથી જાહેર સાહસોના શૅરોની ઑફર આવશે જે ETF માર્ગે, ફૉલો-ઑન ઑફર અને IPO માર્ગે આવી શકે છે. આમાં સરકારને સારું એવું ફન્ડ મળશે અને રોકાણકારોને તક મળશે. જોકે NBFCના IPOને વૅલ્યુએશનમાં મુશ્કેલી પડી શકે છે જે માટે IL&FSકટોકટી જવાબદાર હશે. સાતથી આઠ NBFC આગામી ટૂંક સમયમાં ૪૨ અબજ રૂપિયા કૅપિટલ માર્કેટમાંથી ઊભા કરવા ધારે છે. 

 



બૅન્કોને સરકારી બૂસ્ટ

સરકારે જાહેર ક્ષેત્રની બૅન્કોમાં આ વર્ષના બાકીના સમયગાળામાં ૮૩૦ અબજ રૂપિયાનું રોકાણ કરવાની જાહેરાત કરી છે જે બૅન્કિંગ સેક્ટર માટે બહુ મોટું બળ ગણાય છે. આ સાથે સરકારનો મૂડીફાળો વર્ષમાં ૧.૦૬ લાખ કરોડ રૂપિયા જેટલો થશે. હાલમાં પ્રૉમ્પ્ટ કરેક્ટિવ ઍક્શન હેઠળ જે બૅન્કો છે એને એમની કામગીરીના આધારે સરકાર સર્પોટ કરશે અર્થાત્ જેની કામગીરી સુધરી છે, જેની બૅડ લોન્સનું પ્રમાણ નીચું ગયું છે એને આ ટેકો મળશે. આ પગલું બજારમાં-સિસ્ટમમાં પ્રવાહિતા વધારશે. આ સાથે રિઝવર્‍ બૅન્ક ટૂંક સમયમાં હજી વ્યવહારું અને પ્રોત્સાહક પગલાં ભરે એવી શક્યતા આકાર લઈ રહી છે જેને લીધે બૅન્ક-શૅરો અને NBFC પર ખાસ ધ્યાન આપવું વાજબી ઠરશે. 


Whatsapp-channel Whatsapp-channel

24 December, 2018 06:41 PM IST | | Jayesh Chitalia

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK