Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > ટ્યુબલાઇટ સાબિત ન થવું હોય તો લૉન્ગ ટર્મ માટે લગડી સ્ટૉક્સ જમા કરાય

ટ્યુબલાઇટ સાબિત ન થવું હોય તો લૉન્ગ ટર્મ માટે લગડી સ્ટૉક્સ જમા કરાય

10 February, 2020 05:21 PM IST | Mumbai Desk
Jayesh Chitalia

ટ્યુબલાઇટ સાબિત ન થવું હોય તો લૉન્ગ ટર્મ માટે લગડી સ્ટૉક્સ જમા કરાય

ટ્યુબલાઇટ સાબિત ન થવું હોય તો લૉન્ગ ટર્મ માટે લગડી સ્ટૉક્સ જમા કરાય


આગલા સપ્તાહના શનિવારે બજેટના દિવસે ૯૮૮ પૉઇન્ટના કડાકા બાદ ગયા સોમવારે બજારે ઘટાડાને જબરદસ્ત બ્રેક મારીને પૉઝિટિવ પ્રતિભાવ આપ્યો હતો. વધઘટના તાલ સાથે બજાર ૨૦૦ પૉઇન્ટ ઉપર વધીને કરેક્શનને પગલે નીચે આવી અંતમાં સેન્સેક્સ ૧૩૭ પૉઇન્ટ અને નિફ્ટી ૪૬ પૉઇન્ટ વધીને અનુક્રમે ૩૯૮૭૨ અને ૧૧૭૦૭ બંધ રહ્યા હતા. સોમવારના સુધારા માટે ક્રૂડના ઘટેલા ભાવ અને ઉત્પાદન પ્રવૃત્તિના સારા આંકડા જવાબદાર રહ્યા હતા. બજેટ બાદ માર્કેટે પૉઝિટિવ ટર્ન લેવાનું એક મુખ્ય કારણ મૅન્યુફૅકચરિંગ પરચેઝિંગ મૅનેજર્સ ઇન્ડેકસ (પીએમઆઇ)માં આઠ વરસનો સૌથી મોટો વધારો નોંધાયો હતો. આ બાબત રોજગાર સર્જનને વેગ આપવાનું નિમિત્ત બનશે એવી આશા વધી, એટલું જ નહીં સ્થાનિક સંસ્થાઓએ પણ સોમવારે ૧૨૦૦ કરોડ રૂપિયાથી વધુ ખરીદી કરી હતી.
મંગળવારનો મંગલ ઉછાળો
મંગળવારે બજારે જબ્બર ઉછાળો નોંધાવ્યો હતો, કારણકે ગ્લોબલ લેવલે રિકવરી થઈ હતી, કોરોના વાઇરસ બાદ શાંઘાઇ ઇન્ડેકસ પણ સુધર્યો હતો. ક્રૂડના ભાવનો ઘટાડો પણ તેજીનું કારણ બન્યો હતો. ખાસ તો બજારને એ સત્યનો અહેસાસ થયો હતો કે બજેટ ભલે બહુ જોરદાર-સારું નથી, તો સામે પક્ષે તે બહુ બૂરું પણ નથી. એકંદરે બજાર વિકાસને આગળ વધારનારું છે. પરિણામે શોર્ટ સેલ્સની રિકવરી થઈ હતી, હવે બજાર વધુ તૂટશે નહીં એવા એંધાણ જોતા મંદીવાળા પાછા વળી ગયા હતા. સેન્સેક્સે ૯૧૭ પૉઇન્ટના અને નિફ્ટીએ ૨૭૧ પૉઇન્ટના ઉછાળા સાથે બજેટના દિવસના ધોવાણને વસૂલ કરી લીધું હતું. બજારના વધારાનું એક કારણ ડિવિડન્ડ ડ્રિસ્ટ્રિબ્યુશન ટૅકસ કંપનીઓ માટે નાબૂદ કરાતાં કંપનીઓ આ માર્ચ પહેલાં જ મહત્તમ ડિવિડન્ડ આપવાનો વિચાર ધરાવે છે, કારણકે એ પછી કંપનીના પ્રમોટર્સના હાથમાં આવનારું ડિવિડન્ડ ઊંચા કરને પાત્ર બની જશે. જેને લીધે હાઈ ડિવિડન્ડ પેઈંગ કંપનીઓના ડિવિડન્ડ જાહેર થવાની આશાએ સંબંધિત શૅરોમાં લેવાલી નીકળી હતી.
માર્કેટના માનસમાં પૉઝિટિવ બદલાવ
બુધવારે બજારે સુધારાનો દોર ચાલુ રાખીને સેન્સેક્સ અને નિફ્ટીને ફરી ઊંચે લઈ જવાની કવાયત કરી હતી. ગ્લોબલ સંકેતો જ મુખ્યત્ત્વે કારણભૂત બન્યા હતા તેમ જ બજેટના ભાવિ સારા પરિણામની આશાનું ભાન થતું ગયું હતું. બજેટ બાદ આર્થિક નિર્ણયો બાબત સક્રિય બનેલી સરકારની એક પછી એક જાહેરાત અને બજેટ અંગે બદલાતા જતા માનસ સાથે તેજીવાળાઓએ માર્કેટનો દોર પોતાના હાથમાં લીધો હતો. સેન્સેક્સ ૩૫૩ પૉઇન્ટ વધીને ૪૧ હજારની ઉપર પહોંચીને ૪૧૧૪૨ બંધ રહ્યો હતો અને નિફ્ટી ૧૦૯ પૉઇન્ટ પ્લસ સાથે ૧૨ હજારની સપાટી વટાવી ૧૨૦૮૯ બંધ રહ્યો હતો.
બજેટે જે છોડ્યું એ રિઝર્વ બૅન્કે કર્યું
ગુરુવારે બજારે પૉઝિટિવ શરૂઆત કરી મધ્યમાં કરેક્શન બતાવી ફરી રિકવરી હાંસલ કરી લીધી હતી. રિઝર્વ બૅન્કની ગુરુવારે જાહેર થયેલી પૉલિસી બજેટ પાર્ટ-ટુ જેવી હતી, રિઅલ એસ્ટેટ અને નાના-મધ્યમ એકમોને રાહત મળે એવાં પગલાં રિઝર્વ બૅન્કે જાહેર કરીને આ સેક્ટર ઉપરાંત માર્કેટને બુસ્ટ આપ્યું હતું. પૉલિસીમાં ભલે કોઈ રેટકટ નહોતો, કિંતુ ઑટો અને રિઅલ એસ્ટેટ સેક્ટર તેમ જ નાના-મધ્યમ એકમો માટે ધિરાણસંબંધી પ્રોત્સાહક પગલાં જાહેર થતાં તેની સકારાત્મક અસર જોવાઈ હતી. હાઉસિંગ ફાઇનૅન્સ કંપનીઓ માટે ફેબ્રુઆરીના અંત સુધીમાં નવા નિયમન બહાર પડાશે એવું જાહેર કરાયું હતું. અર્થાત આ સેક્ટરના સારા સ્ટૉકસને ખરીદવાની તક ગણી શકાય. રિઝર્વ બૅન્કે જે કાર્ય નાણાપ્રધાને બજેટમાં ન કર્યું તે કરી દીધું. બજેટે આ માટે જ તે નહીં કર્યું હોય, કારણકે આ સેક્ટરની સમસ્યાનો ઉપાય રિઝર્વ બૅન્ક બહેતર કરી શકે છે. હવે ધિરાણનો પ્રવાહ વધી શકશે. આમ કરવા બદલ રિઝર્વ બૅન્કને યોગ્ય ક્રેડિટ (યશ) પણ મળ્યા છે. દરમ્યાન આગામી સમયમાં રેટકટની શક્યતા ઊભી છે એવો સંકેત પણ અપાયો હતો. નવા નાણાકીય વરસના પ્રથમ ક્વૉર્ટરમાં ફુગાવો નીચે આવવાની આશા વ્યક્ત થઈ હતી. પરિણામે સાનુકૂળ માહોલમાં સેન્સેક્સ ૧૬૩ પૉઇન્ટ અને નિફ્ટી ૪૮ પૉઇન્ટ પ્લસ બંધ રહ્યા હતા.
બજેટ બાદ સળંગ ચાર દિવસની જબ્બર રિકવરી બાદ બજારે શુક્રવારે કરેક્શન નોંધાવ્યું હતું. જોકે દિવસ દરમ્યાન બજાર વોલેટાઇલ રહ્યું હતું. અંતમાં સેન્સેક્સ ૧૬૪ પૉઇન્ટ માઇનસ થઈ ૪૧૧૪૧ બંધ રહ્યો અને નિફ્ટી ૩૯ પૉઇન્ટ માઇનસ થઈ ૧૨૦૯૮ બંધ રહ્યો હતો. જોકે શુક્રવારે સ્મૉલ અને મિડ કૅપ પ્લસ બંધ રહ્યા હતા. શુક્રવારનો ઘટાડો કંઈક અંશે પ્રોફિટ બુકિંગને લીધે તેમ જ કંઈક અંશે ગ્લોબલ અને કોરોના વાઇરસના કારણસર રહ્યો હતો.
ટ્યુબલાઇટ ન બનવું હોય તો...
નવા સપ્તાહમાં બજાર વધઘટ સાથે ઊંચાઈ તરફ આગેકૂચ કરે એવું અનુમાન મૂકી શકાય. કારણકે બજેટની નેગેટિવ અસર ડિસ્કાઉન્ટ થઈ ચૂકી છે. રિઝર્વ બૅન્કની પૉલિસીની પૉઝિટિવ અસર હવે પછી દેખાવાની શરૂ થશે. સરકાર તરફથી સમયાંતરે બજેટસંબંધી અથવા અન્ય આર્થિક જાહેરાતો આવતી રહેશે તેમ જ ગ્લોબલ સિનેરિયોના આધારે માર્કેટ તેની ચાલ ચાલશે, પણ હા ટૂંકા ગાળાની ચાલ જે પણ કંઈ રહે, જે રોકાણકારોએ ટ્યુબલાઈટ બનીને ન રહી જવું હોય તેમણે દરેક કડાકામાં ખરીદી કરી સારા સ્ટૉકસ જમા કરતા જવું જોઈએ. ખાસ કરીને ઇન્ફ્રાસ્ટ્રકચર, એફએમસીજી, હાઉસિંગ ફાઇનૅન્સ, ઑટો, પાવર વગેરે સેક્ટરના સ્ટૉકસમાંથી પસંદગી કરાય. જ્યારે કે મ્યુચ્યુઅલ ફન્ડની ડિવિડન્ડ સ્કીમ્સમાંથી હવે ગ્રોથ સ્કીમ્સમાં ટ્રાન્સફર થઈ જવાનો સમય પણ આવી ગયો છે, કારણકે ડિવિડન્ડધારકના હાથમાં કરપાત્ર બનવાનું છે. બજારની એકંદર નજર માર્ચના પરિણામ પર પણ રહેશે. એપ્રિલમાં ફરી રિઝર્વ બૅન્કની મોનેટરી પૉલિસી આવશે. એક વાત યાદ રાખવી રહી કે બજાર હવે એકધારું વધશે નહીં. સસલાની દોડને બદલે કાચબાની જેમ ચાલવાની ધીરજ હોય તો ફંડામેન્ટલ્સવાળા સ્ટૉકસ જમા કરવામાં સાર રહેશે. પછીથી લોકો લઈ ગયા અને અમે રહી ગયા જેવો રંજ ન રાખવો હોય તો ધીરજ અને વિવેક સિલેક્ટિવ બની ખરીદી ચાલુ રાખવી જોઈશે.
બજેટ ડેની લૉસ વસૂલ, નવી તક શરૂ
બજેટના સપ્તાહમાં રોકાણકારોએ બજારના ઘટાડાને લીધે આશરે સાત લાખ કરોડ રૂપિયા જેટલી મૂડી ગુમાવી હોવાનું નોંધાયું હતું. બજેટની નિરાશા ઉપરાંત ગ્લોબલ સંજોગોની નર્વસનેસમાં પણ બજાર નીચે ઊતરતું રહ્યું હતું. જેની મોટાભાગની વસૂલી બજેટ બાદના ગયા સપ્તાહમાં થઈ ગઈ હતી. આ બજેટની લાંબા ગાળાની સારી અસર સમજાય ત્યાં સુધી બજાર આમ જ વધઘટ કર્યા કરશે, તેની પાસે કોઈ નવું પૉઝિટિવ ટ્રિગર નહીં હોવાથી કરેક્શન અને રિકવરી બન્ને ચાલુ રહેશે અને વધારામાં પ્રોફિટ બુકિંગ આવી જશે. બજારને શોર્ટ ટર્મ કીક મળે એવું નક્કર હાલ કંઈ નથી, જેથી રિકવરીની મોટી આશા રાખવાનો અર્થ નથી. લાંબા ગાળા માટે જેને શૅર જમા કરવા છે તેમની માટે ઘટાડો એ નવી તક બનતો રહેશે. ઇન્ડેકસ સ્ટૉક્સ તેમ જ એ ગ્રુપના સ્ટૉકસમાંથી પસંદગી કરાય.


Whatsapp-channel Whatsapp-channel

10 February, 2020 05:21 PM IST | Mumbai Desk | Jayesh Chitalia

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK