બજારમાં કરેક્શન ન આવે તો જોખમ વધી જાયઃ હવે રિઝર્વ બૅન્ક ટ્રિગર બનશે

Published: Dec 02, 2019, 10:56 IST | Jayesh Chitalia | Mumbai

વિતેલા સપ્તાહમાં તેજીનો નવો અને ઊંચો દોર આગળ ચાલ્યો હતો, ફોરેન ઇન્વેસ્ટરોની ખરીદી, ગ્લોબલ પ્રવાહિતા, નાણાપ્રધાનના આશાવાદી નિવેદન, ઇકૉનૉમિક રિવાઈવલની ધારણા, RBI ના રેટ-કટ વગેરે જેવાં પરિબળો સેન્સેક્સ અને નિફ્ટીને નવી ઊંચાઈ આપવામાં કારણ બન્યા હતા.

રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા
રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા

શૅરબજારની સાદી વાત : વિતેલા સપ્તાહમાં  તેજીનો નવો અને ઊંચો દોર આગળ ચાલ્યો હતો, ફોરેન ઇન્વેસ્ટરોની ખરીદી, ગ્લોબલ પ્રવાહિતા, નાણાપ્રધાનના આશાવાદી નિવેદન, ઇકૉનૉમિક રિવાઈવલની ધારણા,  રિઝર્વ બૅન્કના રેટ-કટ વગેરે જેવાં પરિબળો સેન્સેક્સ અને નિફ્ટીને નવી ઊંચાઈ આપવામાં કારણ બન્યા હતા. જો કે અંતિમ દિવસે ગ્લોબલ કારણ સહિત જીડીપી દરના ઘટાડા નિમિત્તે  પ્રોફિટ બુકિંગ આવ્યું. અલબત્ત, કરેક્શનની જરૂર પણ હતી. કેમ કે નક્કર કારણ વિના સતત વધતા બજાર સાથે જોખમ પણ વધી શકે

ગયા સોમવારે શૅરબજારને બહુ જ જબરદસ્ત પૉઝિટિવ ટ્રિગર મળી ગયું અને સેન્સેક્સ તેમ જ નિફ્ટીએ અત્યાર સુધીનું સૌથી ઊંચું લેવલ હાંસલ કર્યું હતું. યુએસ અને ચીન વચ્ચેની વેપાર વાટાઘાટ સારી રીતે પાર પડશે એવા સંકેતને આધારે તેમ જ ગ્લોબલ માર્કેટમાં તેજીના ટકોરે ભારતીય બજારમાં નવી ઊંચાઈએ ઈન્ડેક્સ પહોંચી ગયા હતા. યુએસ-ચીન ડીલ આગામી મહિને થવાની છે. આ ઉપરાંત ડિસેમ્બરમાં રિઝર્વ બૅન્ક તરફથી  રેટ-કટ  તેમ જ અર્થતંત્રમાં ડિમાન્ડ રિવાઇવલની આશા વેગવાન બનતા સેન્સેક્સ ૫૩૦ પૉઇન્ટના ઉછાળા સાથે ૪૦૮૮૯ પૉઇન્ટ અને નિફ્ટી ૧૫૯ પૉઇન્ટના જમ્પ સાથે ૧૨૦૭૩ બંધ રહ્યા હતા. આ વધારામાં સ્થાનિક સ્તરે કોઈ પૉઝિટિવ પરિબળ નહોતું. હા, ડેરિવેટિવ્ઝની મુદત નજીક આવતી હોવાતી શોર્ટ કવરિંગ હતું. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ સહિત ખાનગી બૅન્કોએ ઇન્ડેકસને મોટો ઉછાળો કરાવ્યો હતો, જો કે લાંબા સમય બાદ માર્કેટ વ્યાપક સ્વરૂપે (બ્રોડ બેઝ્ડ) વધ્યું હતું.

ઇન્ડેકસના નવા હાઈ લેવલ
બુધવારે બજારે ફરી નવું જોમ લગાવતા સેન્સેક્સ અને નિફટીએ નવું હાઈ લેવલ બનાવ્યું હતું.  યુએસ-ચીનની  વેપાર વાટાઘાટ સફળતાપૂર્વક પાર પડવાની બળવત્તર બનતી આશાએ આમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. યુરોપિયન બજારો પણ આ અહેવાલે ઊંચા ગયા હતા. અહીં સેન્સેક્સ ૧૯૯ પ્લસ થઈ ૪૧૦૨૦ બંધ રહ્યો અને નિફટી ૬૩ પૉઇન્ટના વધારા સાથે ૧૨૧૦૦ બંધ રહ્યો હતો. લાર્જ કૅપ સ્ટૉકસની બજારમાં વિશેષ લેવાલી અને ભલામણ પણ થતી રહી હતી.  જૂનથી નવેમ્બર સુધીમાં સેન્સેક્સે ૧૦૦૦ પૉઇન્ટની વૃદ્ધિ નોંધાવી છે. સેન્સેક્સ ૨૦૨૦ના અંત સુધીમાં ૪૩૦૦૦ સુધી પહોંચી જવાની ધારણા ચર્ચામાં હતી. ગુરુવારે બજારે નવાઈ સાથે તેજીનો દોર ચાલુ રાખ્યો હતો. સેન્સેક્સે ૧૦૯ પૉઇન્ટના વધારા સાથે અને નિફ્ટીએ ૫૦ પૉઇન્ટના વધારા સાથે નવી ઊંચાઈ નોંધાવી હતી. વિશ્વ બજાર ડાઉન હોવા છતાં અહીં તેજી આગળ વધવાનું કારણ ફોરેન ઈન્વેસ્ટરોની લેવાલી હતી. નાણાપ્રધાને બતાવેલી આશા, ઈકૉનૉમિક રિવાઈવલ, ગ્લોબલ પ્રવાહિતા પણ તેજીનું કારણ બની હતી. ગુરુવારે ભારતીય મૂડીબજાર ક્ષેત્રે સૌથી મોટી નોંધનીય ઘટના રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શૅરનું માર્કેટ કેપ ૧૦ લાખ કરોડ રૂપિયાને પાર કરી ગયું એ હતી. આ માર્કેટ કૅપ હાંસલ કરનાર તે ભારતની પ્રથમ કંપની બની હતી.

કરેક્શન જરૂરી હતું અને આવ્યું
શુક્રવારે બજારે જેની જરૂર હતી એ કામ કર્યું હતું. અલબત્ત, આ માટે તેને કારણ પણ મળી ગયા હતા. એક તો વિશ્વ બજારો નરમ હતાં અને બીજું, ભારતમાં જીડીપી ડેટા જાહેર થવાના હતા, જે  નબળાં જાહેર થવાની શક્યતાને ધ્યાનમાં રાખીને માર્કેટમાં સેન્ટિમેન્ટ બદલાયું હતું. જીડીપી  રેટ અપેક્ષા મુજબ પાંચ ટકાની નીચે ઊતરીને ૪.૫ ટકા રહ્યો હતો. રેટિંગ એજન્સી ફિચે ભારતીય નોન-બૅન્કિંગ ફાઇનેન્સ કંપનીઓ પ્રવાહિતાના દબાણ હેઠળ જ રહેશે એવું નિવેદન કરતાં તેની નેગેટિવ અસર પણ હતી. વધુમાં આગલા અમુક દિવસોમાં માર્કેટે સતત નવું હાઈ લેવલ બનાવ્યું હોવાથી  પ્રોફિટ બુકિંગ પણ  થયું  હતું. ઈન શોર્ટ, એકધારા વધી રહેલા માર્કેટને કરેક્શનની આવશ્યકતા હતી. પરિણામે સપ્તાહના અંતે સેન્સેક્સ ૩૩૬ પૉઇન્ટ ઘટીને ૪૧ હજારની નીચે ઊતરી ૪૦૭૯૪ બંધ રહ્યો હતો, જ્યારે નિફ્ટી ૯૫ પૉઇન્ટ ઘટીને ૧૨૦૫૬ બંધ રહ્યો હતો. આમ જો કે નિફ્ટી ૧૨ હજારની ઉપર ટકી ગયો હતો.

૪૧૦૦૦ને  સ્પર્શ
મંગળવારે બજાર વધીને ઘટ્યું હતું, શરૂમાં સવા બસો પૉઇન્ટ ઉપર જઈને સેન્સેક્સ ૪૧૦૦૦ને પાર કરી ગયો હતો, જે આખરમાં કરેક્શનને પગલે ઘટીને  સેન્સેક્સ ૬૮ પૉઇન્ટ માઇનસ અને નિફ્ટી ૩૬ પૉઇન્ટ માઈનસ બંધ રહ્યા હતા. ઘણેખરે અંશે પ્રોફિટ બુકિંગ થયું હતું. માર્કેટમાં એક તરફ હજી વધવાનો આશાવાદ ફરી રહ્યો છે, જ્યારે  બીજી તરફ  હાઈ વૅલ્યુએશનની ચિંતા અને ચર્ચા પણ હતી. સરકાર લેબર રિફોર્મ્સ કરી રહી હોવાના અને  જાહેર સાહસોના ડિસઇન્વેસ્ટમેન્ટના અહેવાલ પર બુલિશ સેન્ટીમેન્ટ પણ રહ્યું છે. આ બુલિશ ટ્રેન્ડમાં નિફ્ટી ૧૨૩૦૦-૪૦૦ સુધી જવાની શક્યતા પણ વ્યક્ત થઈ રહી છે. ટેક્નિકલ દૃષ્ટિએ નિફટી ૧૨૦૦૦નું ટેકાનું લેવલ ગણાય છે.

આ સપ્તાહમાં શું થઈ શકે ?
આ સપ્તાહમાં પણ સમાન વધઘટનો ટ્રેન્ડ ચાલુ રહે એવી શકયતા છે. માર્કેટ ફરી ઘટે એવી ધારણા વધુ રાખી શકાય. ડિસેમ્બર માટે એક પૉઝિટિવ પરિબળ રિઝર્વ બૅન્ક તરફથી રેટ-કટનું બની શકે છે. ગ્રોથ રેટના નીચા દરને કારણે રિઝર્વ બૅન્કને વ્યાજદરમાં ઘટાડાની અને સરકારને નવાં પગલાં લેવાની ફરજ પડશે. મહારાષ્ટ્ર સરકારના ચોક્કસ નિર્ણયોની પણ બજાર પર અમુક અંશે અસર પડી શકે યા બજારની નજર આ નવી સરકારના અભિગમ પર રહેશે. ઇન્ડેકસ સ્ટૉક્સ સારા એવા વધી ગયા હોવાથી હવે રોકાણકારોની નજર પણ સિલેકટેડ  સ્મોલ અને મિડ કૅપ સ્ટૉકસ પર પડવાની શક્યતા છે.  હૉન્ગકૉન્ગના મામલે યુએસ-ચીન વચ્ચે દરારની  સંભાવનાએ  વિશ્વ બજારમાં  પણ વોલેટિલિટી રહી શકે છે.

આ પણ જુઓ : રાજકોટના ડૉ. હિરેન ઘેલાણીએ મેળવી આ સિદ્ધી, મળવા જઈ રહ્યું છે મોટું સન્માન

ગ્લોબલ ઇન્વેસ્ટર્સની ખરીદીનું માનસ
યુએસ ફેડરલ રિઝર્વ તથા એક્સટર્નલ કમર્શિયલ બોરોઈંગને કારણે  પ્રવાહિતા વધવાને પગલે ગ્લોબલ માર્કેટને વધુ વેગ પ્રાપ્ત થયો હતો. છેલ્લા બે મહિનામાં ફોરેન ઇન્વેસ્ટર્સ  દ્વારા ભારતીય શૅરબજારમાં ૪૪૦૦૦ કરોડ રૂપિયાની ખરીદી થઈ છે, જે મે મહિના બાદની ઊંચી ખરીદી છે. ભારતમાં કરવેરા સુધારા, પૉલિસી સુધારા, વધુ પ્રોત્સાહનની ધારણા તેમ જ ગ્લોબલ લિક્વિડિટીના સુધારાને કારણે આ વૃદ્ધિ નોંધાઈ છે. વૈશ્વિક અર્થશાસ્ત્રીઓ આગામી વરસે પણ ગ્લોબલ સેન્ટ્રલ બૅન્કો હળવી નીતિ ચાલુ રાખશે એવું અનુમાન મૂકી રહ્યા હોવાથી પ્રવાહિતા પુષ્કળ રહેવાની આશા છે, જે નાણાં માર્કેટમાં આવશે. જો કે અહીં એ યાદ રાખવું મહત્ત્વનું છે કે વિદેશી રોકાણકારો ભારતની ચોક્કસ-સિલેકટેડ કંપનીઓના સ્ટૉકસમાં જ રોકાણ કરી રહ્યા છે. ખાસ કરીને ઇન્ડેકસમાં સ્થાન-વેઈટેજ ધરાવતી સ્ક્રિપ્સ પર તેમની વધુ પસંદગી છે એ સમજવું. જેમાં એચડીએફસી બૅન્ક, રિલાયન્સ ઈન્ડ., એચડીએફસી, આઇસીઆઇસીઆઇ બૅન્ક વગેરેનો સમાવેશ થાય છે. અલબત્ત, આ ખરીદીમાં મોટું યોગદાન આગામી સમયમાં સરકાર રિફોર્મ્સના વધુ નક્કર પગલાં ભરશે તેના આશાવાદનું છે. આ પૂર્ણ ન થાય તો વેચવાલી પણ આવી શકે.

નાણાપ્રધાનના સંકેત સમજો
આગામી સમયમાં ખાસ કરીને બજેટમાં ધરખમ આર્થિક સુધારા, પ્રોત્સાહન અને રાહતના પેકેજ આવશે એવા સંકેત સતત આપી રહેલા નાણાપ્રધાને વધુ એક વાર આ નિર્દેશ આપ્યો હતો, તેમણે કહ્યું છે કે ઇકૉનૉમીની ગતિ મંદ થઈ છે એ વાત સાચી, કિંતુ રિસેશન નથી. જ્યારે સતત બે ક્વાર્ટર નેગેટિવ ગ્રોથ નોંધાય ત્યારે રિસેશન કહેવાય.  દેશના હિતમાં દરેક કદમ ભરાઈ રહ્યા છે. નાણાપ્રધાને કબૂલાત સાથે કહ્યું છે કે મંદી માટે મુખ્યત્ત્વે  બૅન્કોની બેડ લોન્સ જવાબદાર છે અને તે વરસોની ભેગી થયેલી વરવી સમસ્યા છે.  અલબત્ત, સરકાર ફિસ્કલ ડેફિસિટ માટે ચિંતિત છે, કિંતુ તેના પણ ઉપાય થઈ રહ્યા છે. ઇન્સોલવન્સી કોડની અસર શરૂ થઈ છે અને તેના પરિણામ  મળવાનો આરંભ થઈ ગયો છે. ફુગાવો પણ કાબૂમાં છે. તેમ છતાં દેશમાં જે આર્થિક સમસ્યા અને મંદ ગતિ છે તેના ઉપાય અર્થે સરકાર ટૂંક સમયમાં પગલાં લેવા બાબતે ગંભીર છે. નાણાપ્રધાન નિર્મલા સીતારમણના આ સ્પષ્ટ સંકેત લાંબા ગાળાનું રોકાણ પ્લાન કરતાં ઈન્વેસ્ટરો માટે ઉપયોગી છે. હાલ દરેક મોટા ઘટાડામાં શૅર જમા કરવાનો સમય છે, કિંતુ સ્ટ્રીક્ટલી સિલેકટિવ, ફન્ડામેન્ટલ્સવાળી અને વિકાસલક્ષી મૅનેજમેન્ટવાળી કંપનીઓના સ્ટૉકસની જ પસંદગી કરવી યોગ્ય રહેશે.

jayesh.chitalia@gmail.com

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK