Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > શૅરબજારને વધુ કરેક્શનની જરૂર વધશે તો પ્રોફિટ બુકિંગ નક્કી

શૅરબજારને વધુ કરેક્શનની જરૂર વધશે તો પ્રોફિટ બુકિંગ નક્કી

03 August, 2020 01:05 PM IST | Mumbai
Jayesh Chitalia

શૅરબજારને વધુ કરેક્શનની જરૂર વધશે તો પ્રોફિટ બુકિંગ નક્કી

ભારતીય શૅર બજાર

ભારતીય શૅર બજાર


બજાર પાંચ મહિનાની નવી ટોચ બનાવી પાછું ફરી રહ્યું છે. આમ પણ બજાર પાસે વધવાના નક્કર કારણ નથી એ જાહેર છે તેમ છતાં બજાર વધે તો એ ચોક્કસ સ્ટૉક્સના આધારે કે કામચલાઉ કારણથી જ વધેલું ગણાય. માર્કેટને કરેક્શનની જરૂર છે, જે છેલ્લા ત્રણ દિવસમાં જોવાયું. હજી કરેક્શન આવી શકે. જોકે સાધારણ કરેક્શનમાં ખરીદવાની ઉતાવળ કરાય નહીં

ગયા સપ્તાહના પ્રથમ દિવસની શરૂઆત કરેક્શનથી જ થઈ હતી. બૅન્કોની એનપીએ (નોન-પર્ફોમિંગ એસેટસ-બેડ લોન્સ) વધવાની શક્યતાના રિઝર્વ બૅન્કના અહેવાલે ચિંતા વધારી હતી, જેને પગલે બૅન્ક સ્ટૉક્સ તૂટયા હતા. જોકે એક તબકકે સેન્સેક્સ ૩૦૦ પૉઇન્ટથી વધુ ઊંચે જઈ પાછો ફર્યો હતો. અંતમાં સેન્સેક્સ ૧૯૪ પૉઇન્ટ ઘટીને ૩૮૦૦૦ની નીચે ઊતરી ગયો હતો, જ્યારે નિફટી ૬૨ પૉઇન્ટ માઈનસ બંધ રહ્યો હતો. મંગળવારે ફરી તેજીના મૂડ સાથે આરંભથી જ બજારે ઉછાળો દર્શાવ્યો હતો, જેમાં સેન્સેક્સ પુનઃ રિકવરી સાથે ૩૮૦૦૦ને પાર કરી ગયો હતો. આ દિવસે બેન્ચમાર્ક ઇન્ડેકસે પાંચ મહિનાની નવી ઊંચી સપાટી બનાવી હતી. યુએસમાં જંગી સ્ટિમ્યુલસ પૅકેજ જાહેર થવાના અહેવાલે માર્કેટને બુસ્ટર પૂરું પાડ્યું હતું. સેન્સેક્સે ૫૫૮ પૉઇન્ટના ઉછાળા સાથે ૩૮૪૦૦ ઉપરનું અને નિફ્ટીએ ૧૬૮ પૉઇન્ટના જમ્પ સાથે ૧૧૩૦૦નું લેવલ બનાવ્યું હતું. બુધવારે માર્કેટે કરેક્શન સાથે આરંભ કર્યો હતો. જેમાં વધઘટ સાથે અંતમાં સેન્સેક્સ ૪૨૨ પૉઇન્ટ અને નિફ્ટી ૯૭ પૉઇન્ટ માઇનસ બંધ રહ્યા હતા. મુખ્ય કારણ નફો બુક થયાનું હતું. જોકે નોંધનીય વાત એ હતી કે સ્મૉલ અને મિડ કૅપ ઇન્ડેકસ પ્લસ રહ્યા હતા.



કરેક્શનથી કૉન્સોલિડેશન તરફ


ગુરુવારે માર્કેટે પૉઝિટિવ શરૂઆત કરી હતી, જેને પગલે સેન્સેક્સ આરંભમાં ૨૫૦ પૉઇન્ટ રિકવર થઈ આગળ વધતો રહ્યો હતો. યુએસ ફેડરલ રિઝર્વે વ્યાજદરમાં ફેરફાર નહીં કરવાની નીતિ અપનાવતા યુએસ માર્કેટ પણ સુધારાતરફી હતી. જોકે સત્ર દરમ્યાન વોલેટિલિટી રહ્યા બાદ આખરમાં સેન્સેક્સ ૩૩૬ પૉઇન્ટ માઇનસ અને નિફ્ટી ૧૦૦ પૉઇન્ટ માઇનસ બંધ રહ્યો હતો. ફાર્મા અને આઇટી સિવાયના સેક્ટરમાં નેગેટિવ ટ્રૅન્ડ હતો. એફએન્ડઓની એક્સ્પાયરી મુદતની પણ અસર હતી. માર્કેટને કરેક્શનની જરૂર છે ત્યારે ગુરુવારનો ઘટાડો પણ નફો બુક થવાને લીધે આવેલી વેચવાલીને કારણે હતો. માર્કેટ કૉન્સોલિડેશન તરફ જઈ રહ્યું હોવાનું જોવા મળે છે. જોકે કરેક્શન માટે હજી અવકાશ છે. શુક્રવારે બજારે કરેક્શન ચાલુ રાખીને આરંભ કર્યો હતો. પ્રોફિટ બુકિંગ ચાલુ રહ્યું હતું. સતત વધઘટ બાદ અંતમાં સેન્સેક્સ ૧૨૯ પૉઇન્ટ માઇનસ થઈ ૩૭૬૦૬ બંધ રહ્યો અને નિફ્ટી માત્ર ૨૮ પૉઇન્ટ માઇનસ થઈ ૧૧૦૭૩ બંધ રહ્યો હતો. દરમ્યાન રિઝર્વ બૅન્ક ઑગસ્ટની નાણાં નીતિમાં વ્યાજદરમાં કોઈ ફેરફાર કરશે નહીં એવા સંકેત પ્રાપ્ત થયા છે. જ્યારે કે તા. ૧ ઑગસ્ટથી લૉકડાઉનમાં વધુ છૂટછાટ આવી છે. અનલૉક આગળ વધવાને લીધે આર્થિક પ્રવૃત્તિને વેગ મળવાની આશા વધશે. તેમ છતાં માર્કેટ અત્યારના લેવલથી વધુ પ્રમાણમાં ઉપર જાય એવી શક્યતા જૂજ જણાય છે. ઉપર જશે તો પણ પ્રોફિટ બુકિંગ આવતા સમય નહીં લાગે.

વધઘટ કરતાં સ્ટૉક્સને જુઓ


આ દિવસોમાં એ ખાસ નોંધાયું કે જે સ્ટૉક્સ વધ્યા હોય છે એ જ સ્ટૉક્સ થોડા દિવસ બાદ, કયારેક બીજા જ દિવસે ઘટી જાય છે. કારણ સમજાય છે? એ જ કે હાલના દિવસોમાં મોટે ભાગે ફન્ડામેન્ટલ્સ આધારિત સોદા બહુ થતા નથી, બલકે માત્ર લે-વેચ થાય છે. એટલે કે ટ્રેડિંગ પ્રવૃત્તિનું ચલણ વધુ છે, જેની આપણે અગાઉ પણ વાત કરી છે. જે-જે સેક્ટરમાં આગલા દિવસોમાં કડાકા બોલાયા હતા તે-તે સેક્ટરમાં લેવાલી નીકળી હતી. આમ છેલ્લા કેટલાક સમયથી આ જ ટ્રૅન્ડ જોવાય છે, જે સ્ટૉક્સ વધે છે એ નફો બુક થતા ઘટે છે અને ફરી એ સ્ટૉકસ ઘટાડે વધે છે. આ ટ્રૅન્ડ ટૂંકા ગાળાની લે-વેચની પ્રવૃત્તિનો સ્પષ્ટ નિર્દેશ કરે છે. રોકાણકાર વર્ગે આ હકીકત સમજવી જરૂરી છે, જેથી તેઓ વધતી બજારમાં ઊંચા ભાવે ભેરવાઈ જાય નહીં. ઇન શોર્ટ, માર્કેટની ચાલમાં બુલિશ ટ્રૅન્ડ હોવા છતાં તેનો કેટલો ભરોસો કરવો એ મૂંઝવણનો વિષય બન્યો છે. મોટા ભાગના રોકાણકારો બજારની આ ચાલને આશ્ચર્ય સાથે જોઈ રહ્યા છે.

ઇક્વિટી સ્કીમ્સમાં રોકાણ

મ્યુચ્યુઅલ ફન્ડસ પાસે જૂન અંતના ક્વૉર્ટરમાં ૧.૨૪ લાખ કરોડ રૂપિયાનો રોકાણપ્રવાહ આવ્યો છે. જોકે આ પહેલાંના ત્રણ મહિનામાં ૯૪,૨૦૦ કરોડ રૂપિયાનો પ્રવાહ બહાર ગયો હતો. જૂનના ક્વૉર્ટરમાં વધુ રોકાણ આર્બિટ્રેજ ફન્ડ અને લિક્વિડ ફન્ડમાં આવ્યો હતો. અર્થાત ઇક્વિટીમાં રોકાણપ્રવાહનું પ્રમાણ ઘટ્યું હોવાનું કહી શકાય. ઓવરઓલ ઉપાડ મોટો થયો છે. લૉકડાઉનના સંજોગોમાં લોકોએ પોતાની જરૂરિયાત માટે સ્કીમ્સમાંથી નાણાં ઉપાડવાનું રાખ્યું છે. જોકે છેલ્લા ચાર મહિનાની રિકવરીમાં મ્યુચ્યુઅલ ફન્ડસની ઘણીખરી ઇક્વિટી સ્કીમના ધારકો તેમની વેલ્યુની રિકવરીથી ક્યાંક રાજી થઈ રહ્યા છે. સંખ્યાબંધ ઇક્વિટી સ્કીમ્સની એનએવી (નેટ એસેટ વેલ્યુ) નેગેટિવમાંથી ફરી પૉઝિટિવ થવા લાગી છે. અલબત્ત અગાઉની વૃદ્ધિ ધોવાઈ ગઈ છે. જેમણે રોકાણ હોલ્ડ કરી રાખ્યું છે તેમની માટે સુધારાના અવકાશની આશા રાખી શકાય.

અર્થતંત્રના સારા-બુરા સંકેત

આર્થિક રિકવરીના સંકેત આપતી ઘટનામાં જુલાઈ ૨૦૨૦માં ભારતની નિકાસ ગયા વરસના સમાન ગાળાની તુલનાએ ૮૭ ટકા જેટલી વધી છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બૅન્કોને આધારપાત્ર પ્રોજેકટસને તેમ જ લઘુ-મધ્યમ એકમોને, એનબીએફસીને ધિરાણ આપવા બાબતે અનુરોધ કર્યો છે.

માર્ચથી જુલાઈમાં બજાર ક્યાંથી ક્યાં

એક સાવ સાદી વાત પર નજર કરીએ, આમ તો આંખે ઊડીને વળગે તેવી વાત છે અને આંકડા બોલે છે. માર્ચના અંતમાં કોરોનાએ અર્થતંત્ર અને સમાજજગતના કારમા દિવસો શરૂ કર્યા. એ પહેલાં તા. ૨ માર્ચે સેન્સેક્સ ૩૮૧૪૦ હતો, કોરોનાના આક્રમણ સાથે ૨૩ માર્ચે સેન્સેક્સ ૨૫૯૮૧ના નીચા લેવલે પહોંચી ગયો હતો. માત્ર ૨૦ જ દિવસમાં, બજારમાંથી બહાર નીકળવાની તક પણ બહુ ઓછા લોકો લઈ શક્યા. હવે જરા બીજી નજર કરીએ. ૨૩ માર્ચે ૨૫૯૮૧નો સેન્સેક્સ ૨૩ જુલાઈએ ૩૮૧૪૦ પહોંચી ગયો હતો. તેને જૂના ઊંચા લેવલે પાછા ફરતા માત્ર ચાર મહિના લાગ્યા. જ્યારે કે તાજેતરના કરેક્શન બાદ ૩૧ જુલાઈએ સેન્સેક્સ ૩૭૬૦૬ અને નિફ્ટી ૧૧૦૭૩ સુધી પહોંચી બંધ રહ્યા હતા. ચાર મહિના પહેલાંના સમયમાં ઘણા લોકો રોકાણ કરવાની હિંમત ન કરી શક્યા, ઘણા વિચારતા રહી ગયા, જેમણે હિંમત કરી તેઓ કમાયા અને જેમણે રોકાણ ચાલુ રાખ્યું, અર્થાત પેનિકમાં વેચાણ ન કર્યું તેમને બહુ નુકસાન ન થયું. અલબત્ત યાદ રાખવાનું એ છે કે માર્કેટ કડાકા બોલાવે ત્યારે એકદમથી ગભરાઈ જવું નહીં, માર્કેટ ઉછાળા મારે ત્યારે પણ સાવચેત રહેવું.

Whatsapp-channel Whatsapp-channel

03 August, 2020 01:05 PM IST | Mumbai | Jayesh Chitalia

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK