Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > વ્યાજદર ઘટ્યા જ કરે તો એ ભાવવધારામાં પણ પરિણમે

વ્યાજદર ઘટ્યા જ કરે તો એ ભાવવધારામાં પણ પરિણમે

14 October, 2019 09:15 AM IST | મુંબઈ
અર્થતંત્રના આટાપાટા-જિતેન્દ્ર સંઘવી

વ્યાજદર ઘટ્યા જ કરે તો એ ભાવવધારામાં પણ પરિણમે

રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયા

રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયા


વૈશ્વિક સ્લોડાઉનની અસર ફેલાતી જાય છે. આઇએમએફના નવા ચીફના મતે ૨૦૧૯માં વિશ્વના આર્થિક વિકાસનો દર છેલ્લા દસકાનો સૌથી નીચો હશે. વિશ્વના ૯૦ ટકા દેશોમાં વિકાસનો દર ઘટતો જોવા મળશે અને એ દર પણ છેલ્લાં દસ વરસનો નીચામાં નીચો દર હશે. અમેરિકા અને જપાન જેવા વિકસિત દેશોમાં વિકાસનો દર ઘટી રહ્યો છે. યુરોપમાં પણ આર્થિક પ્રવૃત્તિઓ ધીમી પડી ગઈ છે. ચીનની હાલત પણ સારી નથી જ. આ સપ્તાહે મળનાર આઇએમએફ અને વિશ્વ બૅન્કની સંયુક્ત વાર્ષિક સભામાં પ્રકાશિત કરાનાર વર્લ્ડ ઈકૉનૉમિક આઉટલૂકમાં વિશ્વની બગડતી જતી આર્થિક સ્થિતિની છણાવટ જોવા મળશે.
ભારત, બ્રાઝિલ અને ચીન જેવા જે દેશો પહેલેથી જ આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે તેમને વિશ્વના સ્લોડાઉનની અસર વધુ થવાની. આઇએમએફને પગલે ક્રેડિટ રેટિંગ એજન્સી મૂડીઝે ભારતના ૨૦૧૯-૨૦ના આર્થિક વિકાસના દરનો અંદાજ ઘટાડ્યો છે. રિઝર્વ બૅન્કે તો આવનાર પરિસ્થિતિનો તાગ પામી જઈને ૨૦૧૯-’૨૦ માટેના આર્થિક વિકાસના દરનો અગાઉનો અંદાજ ૬.૯ ટકામાંથી ઘટાડીને ૬.૧ ટકા કર્યો જ છે.

મોદી સરકાર પણ આ બાબતે સજાગ છે. કૉર્પોરેટ ટૅક્સ જેવા માળખાકીય સુધારાઓ પણ દેશમાં શરૂ કરાયા છે. સરકાર જાણે છે અને આઇએમએફે પણ એ વાતનું સમર્થન કર્યું છે કે આવા માળખાકીય સુધારાઓ આર્થિક વિકાસને વેગ આપી શકે, પણ આનું પરિણામ ટૂંકા ગાળામાં (છ-બાર મહિના) ન મળે. મધ્યમ કે લાંબે ગાળે તેની અસર થાય.



રિઝર્વ બૅન્ક દ્વારા ઘટાડાતા વ્યાજના દરનું ટ્રાન્સમિશન જલદી થતું નથી એટલે બૅન્કોના ધિરાણ પરના વ્યાજના દરમાં એનું પ્રતિબિંબ પડતું નથી અને તે દ્વારા વપરાશ ખર્ચ વધારવામાં પણ ધારી સફળતા મળતી નથી. વિકસતા દેશો કરતાં ભારત જેવા ઊભરતા અને વિકસી રહેલા દેશોમાં આ અસર ધીમી હોય છે.


વ્યાજના દરના ઘટાડાની અસર મર્યાદિત હોય તેવા સંજોગોમાં સરકારોએ શક્ય હોય તે પ્રમાણે તેમની ફિસ્કલ પૉલિસી (અંદાજપત્ર) દ્વારા લોકોની ખરીદશક્તિ વધારવાનો પ્રયાસ કરવો જોઈએ. વ્યાજના નીચા દરને કારણે લોકોના હાથમાં વધુ નાણાં મૂકીને લોકોની ખરીદશક્તિ વધારવાની સરકારોની ક્ષમતા વધે છે. આમ મૉનેટરી પૉલિસી અને ફિસ્કલ પોલિસીના સંયુક્ત ઉપયોગ દ્વારા હાલના આર્થિક સ્લોડાઉનનો સામનો વધુ અસરકારક રીતે કરી શકાય.

આ બધાનું તારણ એ નીકળે છે કે તાત્કાલિક રીતે આર્થિક સ્લોડાઉન સામે અસરકારક રીતે બાથ ભીડવાનો એક અને એકમાત્ર ઉપાય છે. પ્રજાજનોના હાથમાં વધારાનાં નાણાં કેમ આવે તે જોવાનો અને તે દ્વારા તેમની ખરીદશક્તિ વધારવાનો, જેથી ચીજવસ્તુઓની માગ વધે. એમ થાય તો સ્થાપિત પણ વણવપરાયેલ ઉત્પાદનશક્તિ (કૅપેસિટી)નો વધુમાં વધુ ઉપયોગ થાય એટલે કે કૅપેસિટી યુટિલાઇઝેશન વધે અને ખાનગી ક્ષેત્ર નવી ઉત્પાદનક્ષમતા ઊભી કરવા મૂડીરોકાણ કરવા માટે આગળ આવે. મૂડીરોકાણ વધે એટલે ઑટોમેશનને કારણે કદાચ પહેલાં જેટલી નવી નોકરીઓ ન સર્જાય તો પણ થોડા ઓછાવધતા પ્રમાણમાં પણ નવી નોકરીઓની તકો ઊભી થવાની જ. પોતાની થોડી ખરીદશક્તિ વધે એટલે પ્રજાજનો ધિરાણ (બૅન્ક લોન) દ્વારા વધારાનાં નાણાં ઊભાં કરે જે દ્વારા કૅપિટલ ગુડ્ઝ અને એફએમસીજીની માગ પણ વધવાની જ. આ બધી પ્રક્રિયા મૅન્યુફૅક્ચરિંગ ક્ષેત્ર (જે આજે સાવ નિસ્તેજ છે) ને ફરી એક વાર ધબકતું કરી શકે. એની આડઅસર રૂપે ફાઇનૅન્શિયલ ક્ષેત્ર (બૅન્કો વગેરે) પણ પુનર્જીવિત થાય.


ખાનગી ફાઇનલ વપરાશ ખર્ચ ફિસ્કલ ૨૦૧૯ના પહેલા ક્વૉર્ટર (એપ્રિલ-જૂન ૨૦૧૮) ના ૭.૩ ટકાના વધારા સામે ફિસ્કલ ૨૦૨૦ના પહેલા ક્વૉર્ટર (એપ્રિલ-જૂન ૨૦૧૯)માં માત્ર ૩.૧ ટકા જેટલું જ વધ્યું. વપરાશ ખર્ચ વધવાના દરના ઘટાડાની સીધી અસર ખાનગી મૂડીરોકાણ (ગ્રોસ ફિક્સ્ડ કૅપિટલ ફૉર્મેશન) પર થઈ એટલે આ જ સમયગાળામાં તેનો વધારો ૧૩.૩ ટકામાંથી ઘટીને માત્ર ૪ ટકાનો થઈ ગયો. આમ ૨૦૧૯ની શરૂઆતથી જ ખાનગી મૂડીરોકાણનો વધારો ધીમો પડ્યો છે જેના વધારાનો દર અગાઉની ચાર ક્વૉર્ટરમાં ડબલ ડિજિટનો હતો.

મધ્યમથી લાંબા ગાળે અસર કરે એવા સરકારે લીધેલાં પગલાંઓમાં કૉર્પોરેટ ટૅક્સના દરના ઘટાડાનો, એનબીએફસીને અપાતી ક્રેડિટમાં કરાયેલ વધારાનો, હાઉસિંગ ફાઇનૅન્સ કંપનીઓને અપાતા લિક્વિડિટી સપોર્ટના વધારાનો, બૅન્કોને અપાયેલી વધારાની મૂડી (રીકૅપિટલાઇઝેશન)નો, વાહનો, મકાન અને વપરાશની ચીજવસ્તુઓ માટે અપાતી ક્રેડિટના વધારાનો, એમએસએમઈ માટે જીએસટીના નાના મોટા પ્રશ્નો હલ કરવાનો, બૅન્કોને તેમના ધિરાણ રેપો રેટ સાથે લિન્ક કરવાના અપાયેલ આદેશનો, જીએસટીના રિટર્નના સંખ્યાના ઘટાડાનો અને રિટર્નના ફૉર્મ સરળ બનાવવાનો, દશેરાના દિવસથી ટૅક્સના રિટર્નની તપાસમાં મોઢામોઢ મળીને કરાતી વાતચીતના ઘટાડાનો અને બિઝનેસની કૉર્પોરેટ સોશ્યલ રિસ્પૉન્સિબિલિટીના નિયમના ઉલ્લંઘનને ફોજદારી ગુનો નહીં ગણવાના આદેશનો સમાવેશ કરી શકાય. એટલે તાત્કાલિક ધોરણે ટૂંકા ગાળામાં અર્થતંત્રને ચાલતું કરવા માટે ફિસ્કલ ડેફિસિટ થોડીઘણી વધે તો પણ લોકોના હાથમાં સીધેસીધા વધારાનાં નાણાં મૂકવાનો કીમિયો જ અજમાવવો પડે.

સરકાર માળખાકીય સવલતોમાં મૂડીરોકાણ કરીને નવી નોકરીઓનું સર્જન કરે અને તે દ્વારા લોકોની ખરીદશક્તિ વધે એમાં પણ થોડો સમય નીકળી જવાનો.

આ બધી પરિસ્થિતિ પામીને અને તહેવારોની સીઝન છતાં બજારમાં ચીજવસ્તુઓની વ્યાપક માગ નથી જોવા મળતી એટલે લોકોની આવક વધે, હાથમાં વધારે રૂપિયા આવે અને તાત્કાલિક ધોરણે ખરીદશક્તિ વધે તે માટે સરકારે તેના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં પાંચ ટકાનો વધારો કરીને તે ૧૭ ટકા કર્યો છે. પાંચ ટકાનો આ વધારો છેલ્લાં કેટલાંક વરસોનો ઊંચા વધારાઓમાંનો એક છે, જે જુલાઈ ૨૦૧૯થી અમલી બનશે એટલે ત્રણ મહિના (જુલાઈ, ઑગસ્ટ અને સપ્ટેમ્બર)નું એરિયર્સ પણ મળશે, જેનો લાભ ૫૦ લાખ સરકારી કર્મચારીઓ અને ૬૫ લાખ પેન્શનરોને મળશે. તો પણ આ કારણે ચીજવસ્તુઓની માગમાં રાતોરાત વધારો થઈ શકે અને અર્થતંત્રમાં સુધારો દેખાવા લાગે.

મોંઘવારી ભથ્થાના વધારા ઉપરાંત (કે જેનો ફાયદો પ્રજાના મર્યાદિત વર્ગને જ થવાનો છે) સરકાર વ્યાપક રીતે માગના વધારા માટે નીચેનાં પગલાં લઈ શકે.
૧. વ્યક્તિગત આવકવેરાના દરનો ઘટાડો કરવો, ખાસ કરીને શરૂઆતના નીચેના સ્લેબમાં.
૨. જાહેર ક્ષેત્રની કંપનીઓના બિલ પેટે ખાનગી ક્ષેત્રને ચૂકવવાનાં જે નાણાં બાકી હોય તે તરત જ ચૂકવી દેવાનો આદેશ આપવો.
૩. જીએસટી અને આવકવેરા જેવા બીજા કરવેરાની રિફંડની પ્રક્રિયા ઝડપી બનાવવી.
૪. બૅન્કો ધિરાણ જલદી શરૂ કરે, ખાસ કરીને છૂટક લોનો (મકાન, વાહન અને અન્ય વપરાશની ચીજવસ્તુઓ માટે) આપવાનું શરૂ કરે તેવો આદેશ આપવો. જો કે એની ધારી અસર ન પણ થાય.
૫. એક વિશેષ ફન્ડ ઊભું કરીને બૅન્કોની એનપીએ (પરત ન આવે તેવી લોનો)માંથી તેમને મુક્ત કરવી.
દરમ્યાન ફિસ્કલ ૨૦ના બીજા ક્વૉર્ટર (જુલાઈ-સપ્ટેમ્બર ૨૦૧૯)માં આપણી કંપનીઓની આવક અને નફાનો ઘટાડો સતત બીજા ક્વૉર્ટર માટે નિશ્ચિત મનાય છે. જે પણ પગલાં લેવાયાં (કૉર્પોરેટ ટૅક્સના ઘટાડા સહિતના) તે સપ્ટેમ્બરમાં લેવાયાં એટલે તેની અસર ટૂંકા ગાળામાં પણ જે થોડી ઘણી થાય તે ફિસ્કલ ૨૦ના ઉત્તરાર્ધ (ઑક્ટોબર ૨૦૧૯- માર્ચ ૨૦૨૦)માં દેખાવાની. ડૉમેસ્ટિક અને વૈશ્વિક અનેક કારણોસર સપ્ટેમ્બર ક્વૉર્ટરની નફાકારકતા ઘણાંબધાં વરસોના નીચા સ્તરે રહે તેવો અંદાજ છે. ટીસીએસ જેવી જે થોડી કંપનીઓનાં નબળાં પરિણામો જાહેર થયાં છે તે આ અંદાજને સમર્થન આપે છે. ૉર્ડર બુકની નબળી સ્થિતિ જોતાં એલએન્ડટી જેવી અપવાદ‚પ કંપનીઓ સિવાય, કૅપિટલ ગુડ્ઝનું ઉત્પાદન કરતી કંપનીઓનાં પરિણામો પણ નબળાં જ આવવાનાં.

આર્થિક સ્લોડાઉનના સામના માટે મૉનિટરી પૉલિસી હળવી કરવાનો વિશ્વની મોટા ભાગની કેન્દ્રવર્તી બૅન્કોનો ગુરુમંત્ર રહ્યો છે. એટલે મૂડીરોકાણકારોનું ધ્યાન ચાલુ મહિને જાહેર કરાનાર યુએસ ફેડરલ રિઝર્વ અને બૅન્ક ઑફ જપાનની મૉનિટરી પૉલિસી પર છે. ઊભરતા દેશોની કેન્દ્રવર્તી બૅન્કો વ્યાજના દર ઘટાડે એવી શક્યતા વિકસિત દેશો આવું પગલું લે તે કરતાં વધુ છે, પણ તેના ટ્રાન્સમિશનની શક્યતા ઊભરતા દેશોમાં વિકસિત દેશો કરતાં ઓછી છે એટલે એકસરખી ટ્રાન્સમિશનની અસર મેળવવા ઊભરતા દેશોમાં વ્યાજના દરનો ઘટાડો વિકસિત દેશોના વ્યાજના દરના ઘટાડા કરતાં બમણો હોવો જોઈએ એવું એક સંશોધનનું તારણ છે.
૨૦૦૮-’૦૯ની નાણાકીય કટોકટી પછી સપ્ટેમ્બર ૨૦૧૯ના ક્વૉર્ટરમાં કેન્દ્રવર્તી બૅન્કો દ્વારા વ્યાજના દરના ઘટાડા સૌથી વધુ વખત કરાયા હતા. ઘોડાને પાણીના ટાંકા સુધી લઈ જઈ શકો, પણ પાણી પીવાનું દબાણ ન કરી શકો, એ ન્યાયે કેન્દ્રવર્તી બૅન્કો વ્યાજના દર ઘટાડી શકે, પણ એટલા માત્રથી બૅન્કોને ધિરાણ આપવા માટે કે કંપનીઓને ધિરાણ લેવા માટે દબાણ ન કરી શકે. કદાચ ભૌગોલિક - રાજકીય તણાવ અને વિશ્વ વેપારયુદ્ધના તણાવને કારણે ઊભી થયેલ અનિશ્ચિતતાઓ કંપનીઓને મૂડીરોકાણ કરતી રોકે.

Whatsapp-channel Whatsapp-channel

14 October, 2019 09:15 AM IST | મુંબઈ | અર્થતંત્રના આટાપાટા-જિતેન્દ્ર સંઘવી

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK