શ્રી સિમેન્ટના વેચાણ ને ચોખ્ખા નફાના ગ્રોથરેટમાં ઘટાડો થશે

Published: 2nd September, 2012 05:27 IST

સિમેન્ટ સેક્ટરની અગ્રણી કંપની શ્રી સિમેન્ટે જૂન ૨૦૧૨માં પૂરા થયેલા ક્વૉર્ટરમાં પ્રોત્સાહક કામગીરી રજૂ કરી છે, પરંતુ આગામી સમયમાં ઊંચો વૃદ્ધિદર જળવાઈ રહેવાની અપેક્ષા નથી.

કંપનીના ગ્રોથરેટમાં નોંધપાત્ર ઘટાડો થવાની ગણતરી છે. અગ્રણી બ્રોકરેજ હાઉસ એન્જલ બ્રોકિંગના રિપોર્ટ મુજબ જૂન ૨૦૧૩માં પૂરા થનારા વર્ષમાં કંપનીનું વેચાણ ૨.૨૦ ટકા ઘટીને ૫૭.૬૭ કરોડ રૂપિયા થશે, જ્યારે ચોખ્ખો નફો ૨૨.૩૦ ટકા વધીને ૭૫૬ કરોડ રૂપિયા થશે. જૂન ૨૦૧૨માં પૂરા થયેલા ૧૫ મહિનાના સમયગાળામાં ચોખ્ખો નફો ૧૯૪.૭૦ ટકા વધ્યો છે. જૂન ૨૦૧૪માં પૂરા થનારા વર્ષમાં વેચાણ ૯.૯૦ ટકા વધીને ૬૩૩૭ કરોડ રૂપિયા અને ચોખ્ખો નફો ૧૬.૮૦ ટકા વધીને ૮૮૨ કરોડ રૂપિયા થવાનો અંદાજ છે. ૨૦૧૨-’૧૩માં ઑપરેટિંગ નફાનું માર્જિન ૨૭.૯૦ ટકાથી વધીને ૨૮.૪૦ ટકા અને ૨૦૧૩-’૧૪માં ઘટીને ૨૬.૯૦ ટકા થવાની ગણતરી છે.

પ્રોત્સાહક કામગીરી

જૂન ૨૦૧૨માં પૂરા થયેલા પાંચમા ત્રિમાસિક સમયગાળામાં વેચાણ જૂન ૨૦૧૧માં પૂરા થયેલા પ્રથમ ત્રિમાસિક ગાળાની સરખામણીએ ૧૦૩૪ કરોડ રૂપિયાથી ૪૦.૮૦ ટકા વધીને ૧૪૫૬ કરોડ રૂપિયા થયું છે. ઑપરેટિંગ નફો ૨૫૯ કરોડ રૂપિયાથી ૮૫.૩૦ ટકા વધીને ૪૮૦ કરોડ રૂપિયા અને ચોખ્ખો નફો ૫૫ કરોડ રૂપિયાથી ૫૩૭.૩૦ ટકા વધીને ૩૫૧ કરોડ રૂપિયા થયો છે. કંપનીએ નાણાકીય વર્ષ માર્ચથી લંબાવીને જૂન સુધીનું કર્યું છે એટલે કે જૂન ૨૦૧૨માં પૂરા થયેલા સમયાગાળાની કામગીરી ૧૫ મહિનાની છે.

૨૦૧૦-’૧૧માં વેચાણ ૩૪૫૪ કરોડ રૂપિયા હતું એ ૨૦૧૧-’૧૨માં ૭૦.૮૦ ટકા વધીને ૫૮૯૯ કરોડ રૂપિયા થયું છે. ચોખ્ખો નફો ૨૧૦ કરોડ રૂપિયાથી ૧૯૪.૭૦ ટકા વધીને ૬૧૮ કરોડ રૂપિયા થયો છે. જથ્થાની દૃષ્ટિએ સિમેન્ટનું વેચાણ ૨૫ ટકા વધ્યું છે. પ્રાઇસ રિયલાઇઝેશનમાં ૧૧.૬૦ ટકાની વૃદ્ધિ થઈ છે. ટનદીઠ રૉ-મટીરિયલ કૉસ્ટ ૧૬ ટકા, ટ્રાન્સપોર્ટ કૉસ્ટ ૧૫.૭૦ ટકા અને પાવરકૉસ્ટ ૯.૭૦ ટકા ઘટી છે. ઑપરેટિંગ નફાનું માર્જિન ૩૩ ટકા વધ્યું છે એટલે ટનદીઠ ઑપરેટિંગ નફો ૩૯.૬૦ ટકા વધીને ૧૩૨૦ રૂપિયા થયો છે.

વિસ્તરણ

કંપનીએ એક્સ્પાન્સ પ્રોજેક્ટ હેઠળ ઉત્પાદનક્ષમતામાં ૩૨ લાખ ટનનો ઉમેરો કર્યો  છે. આ ઉપરાંત ૩૦૦ મેગાવૉટની ક્ષમતા ધરાવતો પાવરપ્લાન્ટ કાર્યાન્વિત કર્યો છે. વરપ્લાન્ટની કૅપેસિટી વધારીને ૫૬૦ મેગાવૉટ જેટલી કરવાનો પ્લાન છે. સિમેન્ટની કુલ પ્રોડક્શન કૅપેસિટી ૧૩૫ લાખ ટનની છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK