ઇતિહાસ કહે છે કે વાઇરસની અસરથી બજાર તૂટે તે કરતાં અનેકગણું રિકવર થાય!

Published: Mar 09, 2020, 13:36 IST | Jayesh Chitaliya | Mumbai Desk

શૅરબજારની સાદી વાત : બજાર પર છવાયો છે એકમાત્ર કોરોના વાઇરસનો રંગ અને સંગઃ બૉટમ શોધતી માર્કેટમાં વૉલેટિલિટી હજીય ચાલુ રહેશે

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

સેન્સેક્સે ૩૮૦૦૦ની અને નિફ્ટીએ ૧૧૦૦૦ની સપાટી તોડી નવું નીચું લેવલ બનાવ્યું છે. હજી પણ બૉટમની શોધ ચાલુ રહેશે. કોરોના છે ત્યાં સુધી સેન્ટિમેન્ટ સુધરવાની શક્યતા નહીંવત્ ગણાય. જોકે આશાવાદીઓ પૂછે છે કે કોરોના ક્યાં સુધી? આ વર્ગ લૉન્ગ ટર્મ માટે શૅરો જમા કરવામાં માને છે. અલબત્ત અનિશ્ચિતતા હજી ઊભી જ છે

ગયા સોમવારે બજારે શરૂઆત બધાની ધારણા અને માન્યતા તોડીને કરી હતી. કોરોના વાઇરસની અસર વધુ ફેલાવાના ભય સાથે બજાર વધુ તૂટશે યા તૂટી શકે એવી ધારણા કે આગાહી સામે બજારે મોટો ઉછાળો દર્શાવ્યો હતો. આનું નામ શૅરબજાર, જે ભલભલાની ધારણા પર પણ પાણી ફેરવી દે. જોકે આપણે ‘મિડ-ડે’માં એટલું જરૂર કહ્યું હતું કે જેની પાસે આર્થિક ક્ષમતા, ધીરજ અને હિંમત હોય તેઓ ઘટતાં-તૂટતાં બજારે સારા શૅરો જમા કરવાની તક લઈ શકે છે અને પેનિકમાં આવીને વેચવાનું ટાળી શકે છે. કમ સે કમ બજારે સોમવારે લીધેલા પૉઝિટિવ ટર્ને આ વાતને સમર્થન આપ્યું હતું. અલબત્ત આનો અર્થ એ નથી કે બજાર હવે વધ્યા જ કરશે અને ઘટવાનું સાવ બંધ કરી દેશે, કિંતુ બજાર ગમે ત્યારે ઊંચકાઈ શકે અને પટકાઈ પણ શકે. જે પછીના દિવસોમાં સાબિત થયું હતું. બજારનો મુખ્ય આધાર ગ્લોબલ પરિબળો વધુ રહેશે અને ખાસ કરીને અત્યારના સંજોગોમાં કોરોના વાઇરસ. સોમવારે ૬૦૦ પૉઇન્ટ ઉપર વધેલા બજારે એ જ અનુભવ બંધ થતા પહેલાં કરી લીધો. ભારતમાં કોરોના વાઇરસના ત્રણથી પાંચ કેસ નોંધાતા ૬૦૦ પૉઇન્ટ રિકવર થયેલા બજારે ઝડપી વળાંક લઈ ઘટાડો નોંધાવ્યો અને અંતમાં સેન્સેક્સ ૧૫૩ પૉઇન્ટ માઈનસ થઈ ૩૮૧૪૪ અને નિફ્ટી ૬૯ પૉઇન્ટ માઈનસ થઈ ૧૧૧૩૨ બંધ રહ્યા હતા. આમ સૌથી વોલેટાઈલ રહેલા માર્કેટમાં આખા દિવસમાં હજારેક પૉઇન્ટની વધઘટ થઈ ગઈ હતી.

મંગળવાર શા માટે મંગળ બન્યો?
સોમવારે શરૂમાં માર્કેટ ઉપર જવાનું કારણ વિશ્વની સેન્ટ્રલ બૅન્કો પ્રવાહિતા વધારે એવાં પગલાં લેશે એવા સંકેત ફરતા થયા હોવાનું હતું. મંગળવારે આનું વાસ્તવિક પરિણામ જોવાયું. કેટલાક દેશોની સેન્ટ્રલ બૅન્કોએ વ્યાજદરમાં રાહત જાહેર કરી, બીજી બાજુ રિઝર્વ બૅન્ક ઑફ ઈન્ડિયાએ પણ રાહતનાં પગલાંના સંકેત આપ્યા. વિશ્વના સાત નાણાપ્રધાને અર્થતંત્રની સ્થિતિને કથળતી રોકવા અંગે વાતચીત શરૂ કરી. વધુમાં કોરોના વાઇરસની દવા ટૂંક સમયમાં બહાર આવી જવાની આશાએ પણ પૉઝિટિવ ભૂમિકા ભજવી. રિઝર્વ બૅન્કે ફાઇનૅન્શિયલ માર્કેટમાં વિશ્વાસ જળવાઈ રહે એ માટે કદમ ભરવા તે સજજ હોવાની ખાતરી આપી, જે માર્કેટ માટે પૉઝિટિવ પરિબળ બન્યું. વિશ્વની વિવિધ સેન્ટ્રલ બૅન્કોની વર્તમાન સંજોગોને પહોંચી વળવા બતાવાયેલી તૈયારીએ સેન્ટિમેન્ટને બુસ્ટ આપ્યું હતું, પરિણામે મંગળવારે સેન્સેક્સ ૪૮૦ પૉઇન્ટ અને નિફટી ૧૭૦ પૉઇન્ટ ઊંચકાયું હતું. આમ સતત સાત દિવસના ઘટાડા બાદ રિકવરી આવી હતી.

રાહત અને આફતનો સિલસિલો
બુધવારે ભારત સહિત વિવિધ દેશોમાં કોરોનાના કિસ્સા વધતા ફરી બજારે નેગેટિવ ટર્ન લીધો હતો. જોકે આ ઘટનાથી વિશ્વના અર્થતંત્રને જે હાનિ પહોંચી રહી છે તેને હળવી કરવા યા તેનો સામનો કરવા યુએસએ તરફથી અડધા ટકાનો વ્યાજદર કાપ જાહેર કરાયો હતો. યુએસ ફેડરલનો વ્યાજદર કાપ ૨૦૦૮ બાદનો સૌથી મોટો કાપ હતો. જી-સેવન દેશો પણ સક્રિય થયા. યુરોપિયન, જપાન, ઑસ્ટ્રેલિયા પણ આ દિશામાં આગળ વધી રહ્યા હતા. આમ એકંદરે ઇકૉનૉમીને ટેકો આપવા સૌ એક થવા લાગ્યા. જોકે આ પગલાંથી કોરોના અટકી જશે એવું નથી, ઉપરથી હાલ તો કોરોનાનો પડકાર વધી રહ્યો છે. તેમ છતાં આ મોનેટરી પગલાં અર્થતંત્રને કંઈક અંશે રાહત જરૂર આપશે. ભારત સરકાર આ સમયમાં ફાર્મા ઉદ્યોગને ઉત્પાદન માટે પ્રોત્સાહન આપવા સજ્જ થઈ છે. સેન્સેક્સ બુધવારે ૬૦૦ પૉઇન્ટથી વધુ નીચે ઊતરી રિકવરી પામ્યો હતો અને અંતમાં ૨૧૪ પૉઇન્ટ માઈનસ બંધ રહ્યો હતો, જ્યારે નિફ્ટી બાવન પૉઇન્ટ નીચે ઊતરી ગયો હતો. ફોરેન ઇન્વેસ્ટરો સતત વેચવાલ રહ્યા હતા, ફેબ્રુઆરીમાં ૧૨ હજાર કરોડથી વધુ વેચાણ ઉપરાંત માર્ચના પ્રથમ ચાર દિવસમાં તેમણે ૩૭૦૦ કરોડ રૂપિયાથી વધુ નેટ વેચાણ કર્યુ હતું. જોકે તેમની વેચવાલી માત્ર ભારતીય બજારમાં નહોતી, બલકે સમગ્રતયા હતી. યુએસ માર્કેટમાં નબળાઈ હતી, જેને લીધે અહીં કડાકા બાદ રિકવરીનું કારણ ભારતના સર્વિસ સેકટરનો ગ્રોથ ઊંચો રહ્યો હોવાનો અહેવાલ હતું. જોકે બીજી બાજુ સતત તૂટતા બજારમાં પણ એસબીઆઇ કાર્ડના આઇપીઓને અસાધારણ સારો પ્રતિસાદ પ્રાપ્ત થયો હતો.

શુક્રવારે કડાકાને વધુ કારણ મળ્યાં
ગુરુવારે બજારે આઇએમએફની રાહતની જાહેરાતને પગલે સુધારો દર્શાવ્યો હતો, જોકે યુએસ માર્કેટની નબળાઈને કારણે સેન્સેક્સ ૪૦૦ પૉઇન્ટ ઊછળીને પરત ફર્યો હતો, જે અંતમાં માત્ર ૬૧ પૉઇન્ટ અને નિફટી માત્ર ૧૮ પૉઇન્ટ પ્લસ રહ્યા હતા. કોરોના વાઇરસની અસરથી ગ્લોબલ ગ્રોથ મંદ પડવાના ભય સાથે યુએસ માર્કેટે નબળા સંકેત આપ્યા હતા. ભારતમાં કોરોનાના અસરગ્રસ્તની સંખ્યા ૩૦ સુધી પહોંચી હતી. શુક્રવારે તો બજારે તૂટવાની બધી જ હદ પાર કરી નાખી હતી. દુકાળમાં અધિક માસ સમાન યસ બૅન્ક સામે રિઝર્વ બૅન્કની ઍક્શનના સમાચારે બળતામાં ઘી હોમ્યું હતું. જ્યારે કે યુએસ ફેડરલના ભયના અતિરેકથી ગ્લોબલ ઇકૉનૉમી વધુ ભયમાં હોવાની લાગણી ફરતી થઈ હતી. ફેડરલ રિઝર્વે રેટકટમાં કરેલી ઉતાવળથી આ ભય ઊભો થયો હોવાનું કહેવાય છે.

૧૧ અને ૩૮૦૦૦ની સપાટી તૂટી
શુક્રવારે સવારે બજાર ખૂલતાની સાથે જ સેન્સેક્સમાં ૧૪૦૦ પૉઇન્ટનું મોટું ગાબડું પડ્યું હતું. માત્ર ૬૦ સેકન્ડમાં સાડા ચાર લાખ કરોડ રૂપિયાનું મૂડીધોવાણ થઈ ગયું હતું. આના કરતાં પણ વધુ માનસિક ગભરાટ બજારમાં ફેલાઈ ગયો હતો. જોકે બપોરથી રિકવરી શરૂ થતાં ઘટાડાનું પ્રમાણ નીચે ઊતર્યુ હતું. અંતમાં સેન્સેક્સ ૮૯૪ પૉઇન્ટ માઇનસ થઈ ૩૭૫૯૬ અને નિફટી ૨૭૮ પૉઇન્ટ માઈનસ થઈને ૧૦૯૮૯ બંધ રહ્યા હતા. આમ નિફટી ૧૧ હજારની અને સેન્સેક્સ ૩૮ હજારની સપાટીની નીચે ઊતરી ગયા હતા. હવે બૉટમની શોધ અથવા અટકળ શરૂ થાય તો નવાઈ નહીં.

અગાઉ ચાર વાઇરસ વખતે બજાર કેટલું તૂટ્યું
કોરોના વાઇરસની વાતોનું ક્યાંક વતેસર થઈ રહ્યું હોવાની ચર્ચા પણ થઈ રહી છે, જે ખાસ કરીને ટીવી મીડિયા અને સોશ્યલ મીડિયાને આભારી ગણાય છે. ક્યાંક આ વાઇરસના નામે સટોડિયાઓ પોતાની રમત ગોઠવીને નીચા ભાવે શૅરો પડાવી લેવાની ચાલાકી અજમાવતા હોવાની શંકા પણ વ્યક્ત થાય છે. અગાઉનાં વરસોમાં પણ વિવિધ જીવલેણ વાઇરસે બજારને મોટા કડાકાની અસર પહોંચાડી હતી. જાન્યુઆરીથી માર્ચ ૨૦૦૩માં સાર્સ નામના વાઇરસને કારણે બજારમાં સેન્સેક્સ ૧૦ ટકાથી વધુ તૂટ્યો હતો. જેણે એક વરસ બાદ ૮૩ ટકા રિકવરી સાથે વળતર આપ્યું હતું. જાન્યુઆરી-ઑગસ્ટ ૨૦૦૪માં એવિએન ઈન્ફલ્યુએન્ઝા વાઇરસને લીધે ૧૨ ટકાથી વધુ તૂટનાર સેન્સેક્સે એક વરસ બાદ પચાસ ટકાની રિકવરી દર્શાવી હતી. ડિસેમ્બર ૨૦૧૩થી ફેબ્રુઆરી ૨૦૧૪ દરમ્યાન ઈબોલા વાઇરસની અસર હતી, જેમાં સેન્સેક્સ દોઢ ટકા વધ્યો હતો અને એક વરસ બાદની રિકવરીમાં તેણે ૩૯ ટકા વળતર આપ્યું હતું. નવેમ્બર ૨૦૧૫થી ફેબ્રુઆરી ૨૦૧૬માં ઝીકા વાઇરસની અસરથી સેન્સેક્સ ૧૩ ટકા જેવો ભારે તૂટયો હતો, જેણે વરસ બાદની રિકવરી સાથે ૨૪ ટકા રિટર્ન આપ્યું હતું. હાલ કોવિદ-૧૯ના કેસમાં અત્યાર સુધી સેન્સેક્સ ૧૦ ટકા જેટલો નીચે ઊતરી ગયો છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK