Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > ડૉલરની મજબૂતીથી સોનામાં છ સપ્તાહની ઊંચાઈએથી પીછેહઠ

ડૉલરની મજબૂતીથી સોનામાં છ સપ્તાહની ઊંચાઈએથી પીછેહઠ

23 October, 2014 05:25 AM IST |

ડૉલરની મજબૂતીથી સોનામાં છ સપ્તાહની ઊંચાઈએથી પીછેહઠ

 ડૉલરની મજબૂતીથી સોનામાં છ સપ્તાહની ઊંચાઈએથી પીછેહઠ


gold-dollar




બુલિયન બુલેટિન-મયૂર મહેતા

અમેરિકાના એક્ઝિસ્ટિંગ હોમસેલ્સના સપ્ટેમ્બર મહિનાના ડેટા એક વર્ષની ઊંચાઈએ આવતાં તેમ જ સપ્ટેમ્બરનો કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ ૦.૧ ટકા વધતાં ડૉલરની મજબૂતીને પગલે સોનામાં પીછેહઠ જોવા મળી હતી. અગાઉ સોનું છ સપ્તાહની ઊંચાઈએ પહોંચ્યું હતું. સોનામાં ઊંચા મથાળે ફિઝિકલ ડિમાન્ડનો સર્પોટ જોઈએ એટલો મળ્યો નહોતો. ચીનની ફિઝિકલ ડિમાન્ડ અને ગોલ્ડ એક્સચેન્જ ટ્રેડેડ ફન્ડના હોલ્ડિંગમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો એને કારણે સોનામાં ઊંચા મથાળે ભાવ ટકી શક્યા નહોતા. હવે યુરોપિયન સેન્ટ્રલ બૅન્કની મીટિંગ અને સ્ટિમ્યુલસ પૅકેજની જાહેરાત થાય છે કે કેમ એના પર સોનાની વધુ તેજીનો આધાર રહેલો છે.

પ્રાઇસ મૂવમેન્ટ

આંતરરાષ્ટ્રીય માર્કેટમાં મંગળવારે ચીનના ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ ડેટા બાદ સોનાના ભાવ ઝડપથી ઊછળીને છ સપ્તાહની ઊંચાઈએ પહોંચ્યા હતા. કોમેક્સ ગોલ્ડ ડિસેમ્બર વાયદો ઓવરનાઇટ સાત ડૉલર વધીને ૧૨૫૧.૭૦ ડૉલર બંધ રહ્યો હતો, જ્યારે સ્પૉટમાં સોનાનો ભાવ વધીને ૧૨૫૫.૨૦ ડૉલર થયો હતો. ઓવરનાઇટ ઉછાળા બાદ પ્રત્યાઘાતી ઘટાડો આવતાં ગઈ કાલે સવારે સોનાનો ભાવ ૧૨૪૯.૮૬ ડૉલર ખૂલ્યો હતો. અન્ય મેટલમાં ચાંદીનો ભાવ ૧૭.૩૬ ડૉલર ખૂલીને છેલ્લે ૧૭.૨૬ ડૉલર, પ્લૅટિનમનો ભાવ ૧૨૭૩ ડૉલર ખૂલીને છેલ્લે ૧૨૫૭ ડૉલર અને પૅલેડિયમનો ભાવ ૭૭૩ ડૉલર ખૂલીને ૭૭૪ ડૉલર રહ્યો હતો.

ફિફ્ટી ડે મૂવિંગ ઍવરેજ

ઑક્ટોબર મહિનામાં અત્યાર સુધીમાં ગોલ્ડના ભાવમાં ૩.૧ ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. ઇન્ટરનૅશનલ મૉનિટરી ફન્ડે ગ્લોબલ ગ્રોથ પ્રોજેક્શન ઘટાડ્યા બાદ ગોલ્ડના ભાવ એકધારા વધી રહ્યા છે. ગોલ્ડના ભાવે ગઈ કાલે ૧૫ ઑગસ્ટ પછી સૌપ્રથમ વખત ફિફ્ટી ડે મૂવિંગ ઍવરેજને બ્રેક કરી હતી. અમેરિકી ગોલ્ડ ફ્યુચરમાં હાલ વૉલ્યુમ છેલ્લા ૧૦૦ દિવસની ઍવરેજ કરતાં ૨૧ ટકા ઓછું છે છતાં ડૉલરની નરમાઈથી ગોલ્ડના ભાવ સતત વધી રહ્યા છે.

ચીનમાં ગોલ્ડ ટ્રેડ

ચીન ગ્લોબલ ગોલ્ડ સ્પૉટ કૉન્ટ્રૅક્ટ ચાલુ કર્યા બાદ હવે ગોલ્ડના ફૉર્વર્ડ અને ઑપ્શન કૉન્ટ્રૅક્ટ ચાલુ કરવા જઈ રહ્યું છે. ચીનને એશિયાનું ગોલ્ડ હબ બનવું હોવાથી ઇન્ટરનૅશનલ ટ્રેડરોને આકર્ષવા એક પછી એક નવી પ્રોડક્ટ્સ શરૂ કરવા જઈ રહ્યું છે. શાંઘાઇ ગોલ્ડ એક્સચેન્જે ગયા મહિને ગ્લોબલ ગોલ્ડ કૉન્ટ્રૅક્ટ ચાલુ કરીને ઇન્ટરનૅશનલ ટ્રેડરોને મેમ્બરશિપ આપી હતી. ચીન આવતા છ મહિનામાં ગોલ્ડમાં ફૉર્વર્ડ કૉન્ટ્રૅક્ટ ચાલુ કરશે જેમાં પ્રારંભિક તબક્કે લોકલ ટ્રેડર્સને ટ્રેડિંગની છૂટ આપ્યા બાદ ઇન્ટરનૅશનલ ટ્રેડરો માટે દ્વાર ખોલશે. ફૉર્વર્ડ કૉન્ટ્રૅક્ટ ચાલુ થયા બાદ ઑપ્શન કૉન્ટ્રૅક્ટ ચાલુ થશે જેમાં પ્રારંભિક તબક્કામાં ટૉપ લેવલના ટ્રેડરોને જ એન્ટ્રી અપાશે. ફૉર્વર્ડ અને ઑપ્શન કૉન્ટ્રૅક્ટ દ્વારા ગોલ્ડ ટ્રેડરોને હેજિંગની ઉત્તમ સવલત પ્રાપ્ત થશે.

ગ્લોબલ હેજબુક

ગોલ્ડ માઇનર્સે ફૉર્વર્ડ ટ્રેડિંગ ૨૦૧૪ના સેકન્ડ ક્વૉર્ટરમાં ૬૧ ટકા વધાર્યું હતું. સોસાયટ જનરલ અને ગોલ્ડ ફીલ્ડ મિનરલ સર્વિસિસના રિપોર્ટ અનુસાર વર્લ્ડના ગોલ્ડ પ્રોડક્શનનું હજી એક ટકા જ હેજિંગ થયું હતું. ૨૦૧૪ના ત્રીજા ક્વૉર્ટરમાં હેજિંગ વધવાની ધારણા છે. ૨૦૧૧ પછી પ્રથમ વખત ગોલ્ડ માઇનર્સે દ્વારા હેજબુક ખુલ્લી મુકાઈ હતી છતાં પણ ૧૯૯૦ના પીક લેવલ ૫૦૬ ટન કરતાં હજી હેજિંગ ઘણું જ ઓછું છે. ચાલુ વર્ષે અત્યાર સુધીમાં ૪૦ ટન હેજિંગ થયાનું મનાય છે. ગોલ્ડ હેજિંગ વધે એનો મતલબ એ છે કે ગોલ્ડ માઇનર્સને ભવિષ્યમાં ગોલ્ડના ભાવ ઘટવાનો ડર હોવાથી તેઓ તેમના પ્રાઇસને લૉક કરી નાખે છે જેથી ભાવઘટાડાના જોખમને નિવારી શકાય.

ધનતેરસે સોનાનું ૨૦થી ૩૦ ટકા વેચાણ વધ્યું

ભારતમાં ધનતેરસે સોનાનું વેચાણ ૨૦થી ૩૦ ટકા વધ્યું હોવાનો રિપોર્ટ દેશનાં વિવિધ ઝવેરીબજારોના અગ્રણીઓ દ્વારા મળ્યો હતો. મુંબઈ ઝવેરીબજારમાં ધનતેરસે અભૂતપૂર્વ રસ હોવાથી ૩૦ ટકા વેચાણ ગયા વર્ષની સરખામણીમાં વધ્યું હતું, જ્યારે ગુજરાતનાં મુખ્ય બજારો અમદાવાદ-રાજકોટમાં ગયા વર્ષ કરતાં ૨૦ ટકા વેચાણ વધ્યું હોવાના રિપોર્ટ મળ્યા હતા. અમદાવાદ જ્વેલરી અસોસિએશન દ્વારા સુવર્ણ ઉત્સવ કાર્યક્રમ લૉન્ચ કરવામાં આવ્યો હતો. અમદાવાદના ઝવેરીઓને આ વર્ષે ૨૫૦થી ૩૦૦ કરોડ રૂપિયાનું સોનું દિવાળીના તહેવારો દરમ્યાન વેચાણ થવાનો અંદાજ છે. છેલ્લા છ મહિના દરમ્યાન વેચાણમાં આવેલી સુસ્તીની કસર દિવાળીના તહેવારોની ખરીદીથી પુરાઈ જવાની ધારણા ઝવેરીબજારને છે. પાટનગર દિલ્હીમાં ધનતેરસે ૩૫ ટકા વેચાણ ગયા વર્ષથી વધુ થયાનો અંદાજ મુકાયો હતો.

ભાવ-તાલ

સોનું (૯૯.૯ ટચ, દસ ગ્રામ) : ૨૭,૪૬૦

સોનું (૯૯.૫ ટચ, દસ ગ્રામ) : ૨૭,૩૧૫

ચાંદી (.૯૯૯ ટચ કિલોદીઠ) : ૩૯,૪૭૫

(સોર્સ : ધ બૉમ્બે બુલિયન અસોસિએશન લિમિટેડ)


Whatsapp-channel Whatsapp-channel

23 October, 2014 05:25 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK