ગુજરાત સરકારનું દેવું, બજેટના કદ કરતા વધારે ઝડપથી વધી રહ્યું છે

Published: Feb 28, 2020, 11:29 IST | Mumbai Desk

અમદાવાદ શહેર અને જિલ્લાના ૨૪૭૪૭ વ્યાપારીઓએ ટેક્સ પેટે રૂ.૧૬,૯૫૫.૪૮ કરોડ ચૂકવ્યા નથી.

ગુજરાત સરકારનું જાહેર દેવું હંમેશા ચર્ચામાં હોય છે. આજે સ્થિતિ એવી આવીને ઉભી છે કે રાજ્યના કુલ બજેટ કરતાં જાહેર દેવાની રકમ વધતી જાય છે. રાજ્યના નાણા વિભાગે વિધાનસભામાં કબુલાત કરી હતી કે માર્ચ ૨૦૧૯ના અંતે ગુજરાત સરકારનું જાહેર દેવું રૂ.૨,૪૦,૬૫૨ કરોડ છે જે માર્ચ ૨૦૨૦ના અંતે વધીને રૂ.૨.૭૦ લાખ કરોડ થાય તેવો અંદાજ છે. બીજી તરફ, ગુજરાત સરકારનું સામાન્ય બજેટ વર્ષ ૨૦૨૦-૨૧માં રૂ.૨.૧૭ લાખ કરોડ છે જ્યારે દેવાનો આંકડો રૂ.૨.૪૦ લાખ કરોડને વટાવી ગયો છે. જો કે જાહેર દેવામાં સરકારને ભરવું પડતું વ્યાજનું ભારણ અસહ્ય બનતું જાય છે, વિવિધ સંસ્થાઓ પાસેથી ઉંચા વ્યાજે રૂપિયા મેળવે છે. સરકાર સૌથી વધુ બજાર લોન પર ધ્યાનકેન્દ્રિત કરે છે, કારણ કે બજાર લોન ૬.૬૮ થી ૯.૭૫ ટકાએ મળે છે. રાજ્ય સરકારે રૂ.૧.૭૯ લાખ કરોડની તો બજાર લોન લીધી છે.

અમદાવાદ અને ગાંધીનગરના વ્યાપારીઓનો ૧૮,૦૦૦ કરોડનો ટેક્સ બાકી

ગુજરાત સરકારમાં પહેલાં સેલ્સટેક્સ, વેલ્યુએડેડ ટેક્સ (વેટ) અને હવે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) એમ કુલ ત્રણ પ્રકારો બદલાયા છતાં રાજ્યમાં એવા એકમો અને ઉદ્યોગો છે કે જેમણે હજી સુધી સેલ્સટેક્સના બાકી નાણાં ચૂકવ્યાં નથી. ગાંધીનગર અને અમદાવાદમાં વ્યાપારીઓ અને ઉદ્યોગજૂથોએ અત્યાર સુધીમાં રૂ.૧૮,૦૦૦ કરોડ ચૂકવ્યા નથી.

વિધાનસભામાં પૂછેલા એક સવાલના લેખિત જવાબમાં નાણામંત્રી નીતિન પટેલે કબૂલાત કરી હતી કે રાજ્યના ગાંધીનગરમાં રૂ.૧૦ લાખ કરતા વધુ બાકી વેરો હોય તેવા વ્યાપારીઓની સંખ્યા ૨૩૬ અને અમદાવાદમાં આ સંખ્યા ૨૯૨૧ થવા જાય છે.
નાણામંત્રીએ વધુમાં જણાવ્યું હતું ગાંધીનગર જિલ્લાના કુલ ૧૭૩૫ એકમોએ સેલ્સટેક્સ, વેટ અને જીએસટી પેટે બાકી નિકળતા રૂ.૧૨૨૧.૧૭ કરોડ ચૂકવ્યા નથી. એવી જ રીતે અમદાવાદ શહેર અને જિલ્લાના ૨૪૭૪૭ વ્યાપારીઓએ ટેક્સ પેટે રૂ.૧૬,૯૫૫.૪૮ કરોડ ચૂકવ્યા નથી.

બાકી વેરા નહીં ભરવા સામે સરકારે શું કાર્યવાહી કરી તેવા સવાલના જવાબમાં નાણામંત્રીએ કહ્યું હતું કે વિવિધ સત્તાધિકારી દ્વારા આપવામાં આવેલા મનાઇહુકમ સિવાયના ગાંધીનગર જિલ્લામાં ૧૫૫૩ એકમોમાં તથા અમદાવાદ જિલ્લાના ૨૨૮૫૦ એકમોમાં ગુજરાત વેચાણવેરા, વેટ અને જીએસટી કાયદા ઉપરાંત જમીન મહેસૂલ કાયદા અન્વયે પગલાં લેવામાં આવ્યા છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK