Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > અનાજ રાહત સ્કીમ લંબાવી સરકારે આર્થિક રીતે નબળા વર્ગના આશીર્વાદ મેળવ્યા

અનાજ રાહત સ્કીમ લંબાવી સરકારે આર્થિક રીતે નબળા વર્ગના આશીર્વાદ મેળવ્યા

06 July, 2020 02:58 PM IST | Mumbai Desk
Jitendra Sanghvi

અનાજ રાહત સ્કીમ લંબાવી સરકારે આર્થિક રીતે નબળા વર્ગના આશીર્વાદ મેળવ્યા

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


કોરોનાના વધતા જતા વ્યાપ વચ્ચે મફતમાં અપાતાં અનાજ-વિતરણની સ્કીમ નવેમ્બર મહિના સુધી લંબાવવાની વડા પ્રધાનની જાહેરાત ગયા અઠવાડિયાના સૌથી સારા સમાચાર ગણાય. દેશના છેવાડાના ૮૦ કરોડ નાગરિકોને આનો ફાયદો મળશે. આ યોજના અંતર્ગત વ્યક્તિને દર મહિને પાંચ કિલો ચોખા કે ઘઉં અને એક કિલો કઠોળ (દાળ) મળશે.
લૉકડાઉનને કારણે રોજગારી ગુમાવનાર લાખો લોકો અને તેમનાં કુટુંબો માટે આ રાહતના સમાચાર આશીર્વાદરૂપ બનશે. રાહત માટેનો આ સૌથી શ્રેષ્ઠ રસ્તો ગણાય. ગરીબોના હાથમાં રૂપિયા નહીં, સીધેસીધું અનાજ આવશે, જે ભૂખમરો કે પોષણની ખામીથી થતા રોગ અને મૃત્યુને અટકાવશે.
સરકારની સમાજના આર્થિક રીતે નબળા લોકો પ્રત્યેની સહાનુભૂતિ અને સંવેદનશીલતાનું આ શ્રેષ્ઠ ઉદાહરણ ગણાય. ઓછા વ્યાજના દરની લોન હોય, તે લોન માટે સરકારની ગેરન્ટી હોય કે તે માટે રોકડ નાણાં (લિક્વિડિટી)ની ઉપલબ્ધિ હોય, તેનો ફાયદો તો સીમિત વર્ગને અને તે પણ લોન મેળવવા આડેના બધા જ અંતરાયો દૂર કરીને લોન મળે ત્યારે જ મળવાનો.
લૉકડાઉનથી આર્થિક રીતે ફેંકાઈ ગયેલા કે અસ્તવ્યસ્ત બની ગયેલા વર્ગની જીવનજરૂરિયાત માટેની પ્રાથમિક ચીજવસ્તુઓની જરૂર આજની છે, અત્યારની છે. તે માટે રાહ જોવાનો આ સમય નથી.
આ યોજના પાંચ મહિના લંબાવવા માટે સરકાર ૯૦,૦૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ કરશે. આ યોજના હેઠળ એપ્રિલથી જૂન સુધી કરેલ ૬૦,૦૦૦ કરોડ રૂપિયાના ખર્ચ સાથે સરકાર ગરીબો માટે ૧.૫ લાખ કરોડ રૂપિયાનો ખર્ચ કરશે જે ઊગી નીકળશે અને તેનું પૂરેપૂરું વળતર મળશે તેમ કહી શકાય.
જે શ્રમિકો વતનથી દૂર હોય તેમને માટે માર્ચ ૨૦૨૧ સુધીમાં વન નૅશન, વન રૅશનકાર્ડની સ્કીમનો અમલ કરવાની જાહેરાત પણ આવકાર્ય છે. અત્યાર સુધી ૨૦ જેટલા રાજ્યોએ આ સ્કીમનો અમલ કર્યો છે.
વિશ્વના સૌથી સખત અને સૌથી લાંબા લૉકડાઉનમાંના એક લૉકડાઉનના અમલ પછી પણ આજે સંક્રમિત લોકોની સંખ્યામાં ભારત ચોથા નંબરે છે, પણ અર્થતંત્રને બચાવવા માટે હવે આપણે દેશભરનું લૉકડાઉન લંબાવવાની સ્થિતિમાં નથી.
લૉકડાઉનને કારણે સંક્રમિત થનારની સંખ્યા અંકુશમાં રહી એ જેટલું સાચું છે એટલું જ સાચું એ પણ છે કે લૉકડાઉન ખૂલ્યા પછી જૂન મહિને સંક્રમિતોની સંખ્યામાં ભારે વધારો થયો.
એટલે જ વડા પ્રધાને તેમના રાષ્ટ્રજોગ પ્રવચનમાં પ્રજાજનોને આ મહામારીથી બચવા માટે જરૂરી સંયમ અને શિસ્તનું કડક રીતે પાલન કરવાની અરજ કરી છે. લૉકડાઉન લંબાવવાનું ઘાતક બને તેમ હોય અને આર્થિક પ્રવૃત્તિઓ વિસ્તારતા જઈને પણ કોરોનાથી બચવાનો એક માત્ર ઉપાય છે સંપૂર્ણપણે શિસ્તનું પાલન કરવાનો.
તેમ છતાં જ્યાં આ મહામારીએ જોર પકડ્યું છે તેવા મહારાષ્ટ્ર અને તામિલનાડુ સહિતનાં રાજ્યોએ કેન્દ્ર સરકારના અનલૉક 2.0માં પણ ઘણીબધી છૂટછાટ પાછી ખેંચીને લૉકડાઉન લંબાવવાનો નિર્ણય કર્યો છે. પ.બંગાળ અને કર્ણાટકે પણ અંકુશો સખત કર્યા છે. આર્થિક રીતે નબળા, શ્રમિકો અને ખેડૂતો જો આ સંકટના સમયે સચવાઈ જાય તો અર્થતંત્રને સુધરતા થોડો સમય વધારે લાગશે એટલું જ ને? સરકારના અંદાજપત્રનું બેલેન્સિંગ થોડું વહેલુંમોડું થશે એટલું જ ને?
સરકાર આ મંત્ર બરાબર સમજે છે અને એટલે જ લોકોની રોજગારી માટે અને વતન પાછા ફરેલા શ્રમિકોનો રોજગારી સાથે પુનર્વસવાટ થાય એ માટે રોજગારીની મનરેગા જેવી સ્કીમ માટે નાણાંની જોગવાઈ વધારી છે. તો પણ અચાનક જૉબલોસ અને આવક બંધ થતાં શહેરોમાં પોતાના પ્રોવિડન્ટ ફંડ જેવા રિટાયરમેન્ટ ફંડમાંથી નાણાં ઉપાડતા લોકોની સંખ્યા વધતી જાય છે. ચાલુ નાણાકીય વરસે ૫૬ લાખ લોકોએ ૧૫,૦૦૦ કરોડ રૂપિયાનો ઉપાડ કર્યો છે. સમસ્યાનું ડાઇમેન્શન જ એવડું મોટું છે કે ચારે બાજુના સઘન પ્રયત્ન અને રાહત જ અર્થતંત્રને બચાવી શકે.
લૉકડાઉનની ભારે આર્થિક કિંમત ચૂકવવી પડતી હોય છે. બાર્કલેઝના અંદાજ પ્રમાણે જૂનના અંત સુધી ૩૦૦ બિલ્યન ડૉલરનું નુકસાન ભારતના અર્થતંત્રને થયું છે.
એટલે કન્ટેઇનમેન્ટ ઝોનને છોડીને, થોડી છૂટછાટ ઓછી કરીને પણ આર્થિક પ્રવૃત્તિઓ ઓછીવત્તી ચાલતી રહે તે જ હાલના સંજોગોમાં હિતાવહ ગણાય. સર્વવ્યાપી લૉકડાઉનનો સમય પૂરો થઈ ગયો એમ જ માનીને વર્તવું પડે.
અર્થતંત્ર સુધરી રહ્યું હોવાના અને તેને કારણે રોકાણકારોનો વિશ્વાસ વધતો જતો હોવાનાં ચિહ્‌નો વધતાં જાય છે. ઉદાહરણ રૂપે :
૧. એફઆઇઆઇનું શૅરબજારનું જૂન મહિનાનું મૂડીરોકાણ ૨.૮૭ બિલ્યન ડૉલર (માર્ચ અને એપ્રિલમાં ૮.૪૨ બિલ્યન ડૉલરનો આઉટફલો અને મે મહિને ૧.૭૧ બિલ્યન ડૉલરનું રોકાણ).
૨. જૂન મહિનામાં દેશભરના સારા વરસાદ (નોર્મલ કરતાં ૧૮ ટકા વધુ જે છેલ્લા ૧૨ વરસનો જૂન મહિનાનો સૌથી વધુ વરસાદ છે)ને કારણે ૩૨ મિલ્યન હેકટરમાં વાવણી કરાઈ જે છેલ્લાં પાંચ વર્ષની સરેરાશ કરતાં ૬૮ ટકા વધુ છે.
૩. ટ્રેકટરનાં વેચાણનો જૂન મહિનાનો અપેક્ષિત વધારો ગ્રામ્ય વિસ્તારમાં વધી રહેલ માગનો સૂચક છે.
૪. કોર સેક્ટરના ઇન્ડેક્સમાં મે મહિને ૨૩ ટકાનો ઘટાડો જે એપ્રિલના ૩૭ ટકાના ઘટાડા કરતાં ઘણો ઓછો છે.
૫. જાન્યુ.- માર્ચ ૨૦૨૦માં કરન્ટ અકાઉન્ટ સરપ્લસ (૬૦૦ મિલ્યન ડૉલર). ગયા વરસે આ સમયગાળામાં કરન્ટ અકાઉન્ટ ડેફિસિટ (૪૫૦૦ મિલ્યન ડૉલર). કરન્ટ અકાઉન્ટની આ સરપ્લસ ૧૩ વર્ષ પછીનો પહેલો રેકૉર્ડ છે.
૬. જીએસટી કલેક્શન : જૂન (૯૧,૦૦૦ કરોડ રૂપિયા). એપ્રિલ (૩૨,૩૦૦ કરોડ રૂપિયા) અને મે (૬૨,૦૦૦ કરોડ રૂપિયા). જૂન મહિને થોડું કલેક્શન આગળના બે મહિનાનું પણ હોવાનું. જૂન મહિનાનું કલેક્શન આગલા વર્ષના જૂન કરતાં માત્ર ૯ ટકા ઓછું છે.
૭. મૅન્યુફૅક્ચરિંગ પર્ચેઝિંગ મૅનેજર્સ ઇન્ડેક્સ જૂનમાં ૪૭.૨ (મે માં ૩૦.૮) જોકે જૂનના વધારા પછી હજી તે ૫૦ની નીચે છે જે મૅન્યુફૅક્ચરિંગ ક્ષેત્રે કૉન્ટ્રૅકશન દર્શાવે છે.
૮. ડિજિટલ પેમેન્ટ માટેના યુપીઆઇ પ્લૅટફૉર્મ પર જૂન મહિને ૨.૬૧ લાખ કરોડ રૂપિયાની ચુકવણી (એપ્રિલ મહિને ૧.૫૧ લાખ કરોડ રૂપિયા).
૯. જૂન મહિને વધેલો પેટ્રોલિયમ પ્રોડક્ટસનો વપરાશ (૧૧.૮ મિલ્યન ટન જે જૂન ૨૦૧૯ના ૮૮ ટકા જેટલો હતો).
ઉપરના બધા પેરામીટર્સ એમ દર્શાવે છે કે ધીમે ધીમે વધી રહેલ આર્થિક પ્રવૃત્તિઓ અનેક બંધનો અને મુશ્કેલીઓ વચ્ચે પણ નોર્મલ થવા જઈ રહી છે.
સ્વાભાવિક રીતે જ ઉપર દર્શાવ્યા મુજબ કરવેરાની આવક ઘટી હોય, ખાસ કરીને જીએસટી અને રાહત પૅકેજના રૂપમાં કરાયેલ ખર્ચ વધ્યું હોય એટલે કેન્દ્રની ફિસ્કલ ડેફિસિટ વરસના પ્રથમ બે મહિના (એપ્રિલ-મે)માં આખા વરસની ૫૯ ટકા જેટલી થઈ છે. આજના અનિવાર્ય સંજોગોમાં એ સહજ રીતે સ્વીકારી લેવી જોઈએ.
કોરોનાની મહામારી હજી ટોચ પર પહોંચી નથી. ઉપરાંત જૂનના રીકવરીના આંકડા એપ્રિલ અને મેના સાવ નીચા બેઝ પર હોઈ તે હવે પછીના મહિનાઓમાં જળવાઈ રહે છે કે નહીં તેના પર આપણા ચાલુ વર્ષના આર્થિક વિકાસના દરના વધવાનો કે ઘટવાનો આધાર રહેશે. એટલે આશાવાદ સાથે થોડી સાવધાની તો રાખવી જ રહી.
અનાજની રાહતની પાયાની જરૂરિયાત પૂરી કર્યા પછી હવે આપણે અન્ય ચીજવસ્તુઓની માગ અને મૂડીરોકાણ કેમ ઝડપથી વધે તે પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે.
ચીનની આડોડાઇથી સમગ્ર વિશ્વ ત્રસ્ત છે. કોરોના વિશ્વભરમાં ફેલાવવા માટે આરોપીના પિંજરામાંથી બહાર નીકળે તે પહેલાં ચીને હૉન્ગકૉન્ગ, તાઇવાન અને અન્ય દક્ષિણ એશિયાના દેશો સાથે પણ ઝઘડવાની શરૂઆત કરી છે. અમેરિકા સાથે તેની આર્થિક લડાઈ ચાલતી હોવા છતાં તેને આજના સંજોગોમાં રશિયાનો સાથ પણ મળે તેમ નથી.
ભારત સરકારે ચીનની ૫૯ જેટલી મોબાઇલ અૅપ પર પ્રતિબંધ મૂકીને આર્થિક યુદ્ધ લડી લેવા માટેનો પહેલો ઘા કરીને ચીન સાથે લડી લેવાની દૃઢ નિર્ણયશક્તિનો અહેસાસ કરાવ્યો છે. આ સમયે વિશ્વના કેટલાય સક્ષમ દેશો (ઇઝરાયલ અને વિયેતનામ પણ) ભારતની પડખે છે એટલે ચીનનો અભિગમ દબાણ હેઠળ કેવો અને કેટલો બદલાય છે તે જોવું રહ્યું.
(લેખક ઇન્ડિયન મર્ચન્ટ‍્સ ચેમ્બરના ભૂતપૂર્વ ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ છે)


Whatsapp-channel Whatsapp-channel

06 July, 2020 02:58 PM IST | Mumbai Desk | Jitendra Sanghvi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK