Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > આર્થિક વિકાસના દરમાં ૭૦ વર્ષના સૌથી મોટા ઘટાડાનો સરકારી અંદાજ

આર્થિક વિકાસના દરમાં ૭૦ વર્ષના સૌથી મોટા ઘટાડાનો સરકારી અંદાજ

11 January, 2021 11:14 AM IST | Mumbai
Jitendra Sanghvi

આર્થિક વિકાસના દરમાં ૭૦ વર્ષના સૌથી મોટા ઘટાડાનો સરકારી અંદાજ

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


૨૦૨૦ના વર્ષે વિદાય લીધી છે. કોરોના વાઇરસે કે મહામારીએ નહીં. ઝડપથી ફેલાતા નવા વાઇરસને કારણે યુકેમાં નવા કેસ વધતા જાય છે (૫૭૦૦૦થી વધુ જાન્યુઆરી બીજીના).

૨૦૨૧ના નવા વર્ષને પૂરા વિશ્વએ ઉમંગથી વધાવ્યું એ ખરું, પણ નવા વર્ષને પણ તેની પોતાની મુશ્કેલીઓ કે સમસ્યાઓ હોવાની જ. તેનો અનુભવ વર્ષની શરૂઆતથી જ થવા માંડયો છે.



બ્રિટનના વડા પ્રધાન બોરિસ જૉન્સન લૉકડાઉનના રિસ્ટ્રિકશન્સ વધુ સખત કરવાની ફિરાકમાં છે. જપાને ટોક્યો અને તેના પાડોશી ત્રણ રાજયોમાં એક મહિનાની મર્યાદિત કટોકટી જાહેર કરી છે. ભારતનાં છ રાજ્યો (રાજસ્થાન, ગુજરાત, હરિયાણા, મધ્ય પ્રદેશ, હિમાચલ પ્રદેશ અને કેરળ)માં બર્ડ ફ્લૂ (એવીઅન ઇન્ફ્લુએન્ઝા)નું નવું જોખમ ઊભું થયું છે. માણસોને એનો ચેપ હજી લાગ્યો નથી પણ કોરોનાની મહામારીની નાની શરૂઆતે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યા પછી સરકાર નવું જોખમ લેવાનું સાહસ ન કરે તે સ્વાભાવિક છે.


અમેરિકા તો મહામારીનો સૌથી વધુ ભોગ બન્યું છે. (૩ કરોડથી વધુ કેસ અને ૩.૫ લાખથી વધુ જાનહાનિ સાથે).

કોરોનાની મહામારી ૨૦૨૧ની નવી નહીં પણ આગલા વર્ષની કેરી ફૉર્વર્ડ સમસ્યા છે. અમેરિકા પર કુદરતનો એ પ્રકોપ જાણે ઓછો હોય એવી એક ઘટના એટલે અમેરિકામાં પ્રમુખપદની ચૂંટણીની હારનો ખેલદિલીપૂર્વક સ્વીકાર ન કરનાર ટ્રમ્પનું બેહૂદું વર્તન. યેન કેન પ્રકારેણ સત્તા નહીં છોડવાના નશામાં ટ્રમ્પે પોતાના સપોર્ટરો દ્વારા અમેરિકન સંસદ પર હિંસક હુમલો કરાવીને વિશ્વની સૌથી જૂની લોકશાહી પર કલંક લગાડ્યું છે એટલું જ નહીં, લોકશાહીના મંદિર જેવા સંસદની ઐતિહાસિક ઇમારત પરના હિચકારા હુમલાએ વિશ્વની લોકશાહીની પ્રણાલી પર કઠુરાઘાત કર્યો છે. ટ્રમ્પ સામે તાત્કાલિક ધોરણે રાજીનામું ન આપે તો કોર્ટની કાર્યવાહી કરવાની અને પદભ્રષ્ટ  (ઇમ્પીચમેન્ટ) કરવા સુધીની વિચારણાના અણસાર મળે છે. ટ્રમ્પ હવે સત્તાના સરળ બદલાવની વાત કરે છે, પણ તે તો ડરથી જ ને? ખેલદિલીથી તો નહીં જ.


ભારત, યુકે, ઑસ્ટ્રેલિયા, કૅનડા, જર્મની, બ્રાઝિલ અને ઇઝરાયેલ જેવા અનેક દેશોએ અમેરિકન સંસદ પરના હુમલાને વખોડી કાઢ્યો છે.

આમ આર્થિક અને રાજકીય સુપરપાવર અમેરિકાને નવા વર્ષની અને નવા દાયકાની શરૂઆતમાં જ કલ્પનાતીત આઘાત સહન કરવાનો આવ્યો છે.

વિશ્વએ હવે ક્લાઇમેટ ચેન્જને કારણે કોરોના જેવા નવા નવા વાઇરસના સામના માટે તૈયાર રહેવું પડશે એવી નિષ્ણાતોની અને વૈજ્ઞાનિકોની ચેતવણીને પણ ગંભીરતાથી લેવી પડશે. એકમાત્ર આશ્વાસન લેવા જેવા સમાચાર હોય તો તે કોરોનાની વૅક્સિનની રેકૉર્ડ દસ મહિનામાં કરાયેલી શોધ. જે વૅક્સિનની અનેક મર્યાદાઓ વચ્ચે પણ ચાલુ મહામારીને અંકુશમાં રાખવામાં  મદદ કરશે એ નિશ્ચિતરૂપે કહી શકાય. આવી ઝડપી શોધ ભવિષ્યમાં નજરે પડનાર નવા વાઇરસ સામે પણ રક્ષણ આપશે એવો રાજકારણીઓ અને વૈજ્ઞાનિકોનો વિશ્વાસ પણ આધારભૂત માની શકાય.

આ બધા સમાચારો વચ્ચે ભારત સરકારે ૨૦૨૦-૨૧માં આર્થિક વિકાસના દરમાં ૭.૭ ટકાના ઘટાડાની જાહેરાત કરી છે. આ ઘટાડાના કેટલાક સૂચિતાર્થો.  

 ૧. તે આગલા વર્ષ (૨૦૧૯-૨૦)ના ૧૧ વર્ષના નીચા આર્થિક વિકાસના ૪.૨ ટકાના દરના નીચા બેઝ ઉપરનો ઘટાડો છે.

૨. તે  ૧૯૭૯-૮૦ના વર્ષના ૫.૨ ટકાના આર્થિક વિકાસના દરના ઘટાડા પછીનો ચાર દસકાનો પહેલો ઘટાડો છે.

૩. તે ૧૯૫૧-૫૨ (જીડીપીના વાર્ષિક આંકડા પ્રસિદ્ધ કરાયાનું પ્રથમ વર્ષ)ના વર્ષથી એટલે કે છેલ્લા ૭૦ વર્ષનો આર્થિક વિકાસના દરનો સૌથી મોટો ઘટાડો છે.

આ અંદાજ પ્રમાણે ૨૦૨૦-૨૧માં મૅન્યુફૅક્ચરિંગ ક્ષેત્રના વિકાસનો દર ૯.૪ ટકા જેટલો અને સેવાના ક્ષેત્ર (જેનો હિસ્સો જીડીપીમાં લગભગ ૬૦ ટકા જેટલો છે)ના વિકાસનો દર ૮.૮ ટકા જેટલો ઘટશે. થોડી રાહત એ વાતની ગણાય કે કૃષિક્ષેત્રના વિકાસનો દર ૩.૪ ટકા જેટલો પૉઝિટિવ રહેશે.

આર્થિક પેરામિટર્સની વાત કરીએ તો ૨૦૨૦ ડિસેમ્બર ક્વૉર્ટરમાં ફાસ્ટ-મુવિંગ કન્ઝ્યુમર ગુડ્ઝના વેચાણમાં ૧૭ ટકા જેટલો મોટો વધારો (સપ્ટેમ્બર ક્વૉર્ટરમાં ૬ ટકાનો વધારો અને જૂન ક્વૉર્ટરમાં પાંચ ટકાનો ઘટાડો) થયો છે. ડિસેમ્બર ૨૦૧૯ના ક્વૉર્ટરના ૪ ટકાના વધારા અને ડિસેમ્બર ૨૦૧૮ના ક્વૉર્ટરના ૧૩ ટકાના વધારા કરતાં પણ આ વધારો મોટો છે. અર્થશાસ્ત્રીઓનું ડિસેમ્બર ક્વૉર્ટરથી આર્થિક વિકાસ પૉઝિટિવ થવાનું અનુમાન એફએમસીજીના વેચાણના અને એવા બીજા પૉઝિટિવ આંકડા પર આધારિત હોઈ શકે.

આમ થાય તો સળંગ બે ક્વૉર્ટર (જૂન અને સપ્ટેમ્બર)ના આર્થિક વિકાસના દરના ઘટાડાને કારણે ટેક્નિકલ ભાષામાં મંદીમાં પ્રવેશેલું આપણું અર્થતંત્ર મંદીમાંથી બહાર આવ્યું ગણાશે.

૨૦૨૦-૨૧ના પૂર્વાર્ધમાં આર્થિક વિકાસનો દર ૧૫.૭ ટકા જેટલો ઘટ્યો છે. સરકારી અંદાજ પ્રમાણે આ વર્ષના ઉત્તરાર્ધમાં આ દર ૦.૬ ટકા જેટલો વધશે.

એફએમસીજી માટેની ડિસેમ્બર ક્વૉર્ટરની માગના વધારાનું પ્રતિબિંબ ખાનગી બૅન્કો દ્વારા અપાતી રીટેલ અને પર્સનલ લોનના વધારામાં પણ પડ્યું છે. સપ્ટેમ્બર ક્વૉર્ટરમાં બૅન્કોની આવી લોનોમાં ૨૫ ટકાનો અને ડિસેમ્બર ક્વૉર્ટરમાં ૩૦ ટકાનો વધારો થયો છે.

જોકે સેવા ક્ષેત્રના પીએમઆઇ ઇન્ડેકસમાં ડિસેમ્બર મહિને સળંગ બીજે મહિને ઘટાડો નોંધાયો છે. (નવેમ્બરના ૫૩.૭માંથી ૫૨.૩). મૅન્યુફૅક્ચરિંગ માટેનો ડિસેમ્બરનો પીએમઆઇ ઇન્ડેક્સ (૫૬.૪) નવેમ્બરના સ્તરે (૫૬.૩) લગભગ સ્થિર રહ્યો છે. પરિણામે સંયુક્ત (સેવાઓ અને ઉત્પાદન ક્ષેત્ર) પીએમઆઇ ઇન્ડેકસમાં પણ ડિસેમ્બર મહિને ઘટાડો ચાલુ રહ્યો છે. (નવેમ્બરના ૫૬.૩માંથી ૫૪.૯).

નિકાસનો ઘટાડો ડિસેમ્બર મહિને ચાલુ રહ્યો છે પણ તેનો દર ઘટ્યો છે. (નવેમ્બરના ૮.૭ ટકા સામે ૦.૮ ટકાનો). ફાઇનૅન્શિયલ સર્વિસિઝ ક્ષેત્રે અગ્રગણ્ય નોમુરાનો બિઝનેસ કોન્ફિડન્સ ઇન્ડેક્સ જાન્યુઆરી ૩ના અઠવાડિયા માટે ૯૪.૫નો થયો છે. ડિસેમ્બર ૨૦૨૦ની ૯૧.૭ની એવરેજ અને નવેમ્બરની  (૮૬.૩ની એવરેજ).

અર્થતંત્રના બધા ક્ષેત્રો ખૂલી ગયા હોવા છતાં અને આર્થિક રિકવરી નજરે પડતી હોવા છતાં આપણું અર્થતંત્ર બેરોજગારોની મોટી ફોજને કામ પૂરું પાડવા માટે સક્ષમ નથી એવું ઇકૉનૉમિક રીસર્ચ  માટેની  સંસ્થા (સીએમઆઇઇ)ના આંકડા દર્શાવે છે. આ આંકડા પ્રમાણે રાષ્ટ્રીય બેરોજગારીનો દર ડિસેમ્બર મહિને વધીને ૯.૧ ટકાનો (નવેમ્બરમાં ૬.૫ ટકાનો) થયો છે. આ જ સમય દરમ્યાન ગામડાઓની બેરોજગારીનો દર ૬.૩ ટકામાંથી વધીને ૯.૨ ટકાનો થયો. ડિસેમ્બરના આ બન્ને દર છેલ્લા છ મહિનાના સૌથી ઊંચા દર છે. જૂન મહિને જ્યારે મહામારી ટોચ પર હતી અને કેટલાક ક્ષેત્રોનો લૉકડાઉન ચાલુ હતો ત્યારે આ દર અનુક્રમે ૧૦.૨ ટકા અને ૯.૫ ટકા હતો.

શહેરી બેરોજગારીનો દર (જે છેલ્લા ચાર મહિનામાં રાષ્ટ્રીય અને ગામડાઓની બેરોજગારીના દર કરતાં ઊંચો રહેતો હતો)  ડિસેમ્બરમાં (૮.૮ ટકા) બન્ને દર કરતાં નીચો હતો.

ડિસેમ્બરમાં મનરેગા સ્કીમ હેઠળ ૧૮.૮ કરોડ મેન-ડે (માનવ દિવસો) જેટલું કામ પૂરું પડાયું. (નવેમ્બરમાં ૨૩.૬ કરોડ માનવ  દિવસો).

ત્રણ અઠવાડિયાના સમય પછી બહાર પડાનાર ૨૦૨૧-૨૨ના અંદાજપત્રમાં સરકાર ગામડાઓમાં રોજગારીના સર્જન પર અને માળખાકીય સવલતો પર વધુ ધ્યાન કેન્દ્રિત કરે તેવી સંભાવના છે. ત્રણ મહિનાના લાંબા સમય પછી પણ કિસાનો અને સરકાર વચ્ચેની કૃષિ કાયદાઓ અંગેની લાંબી મડાગાંઠનો કોઈ ઉકેલ નજરે પડતો નથી. સરકાર આંદોલનના આગેવાનોને ન્યાય મેળવવા માટે સુપ્રીમ કોર્ટના દરવાજા ખટખટાવવા માટે પ્રેરિત કરે છે, તો આંદોલનના નેતાઓ સરકાર વટહુકમ બહાર પાડી કિસાન વિરોધી કાયદા રદબાતલ કરે તેવી જીદ લઈને બેઠા છે. એટલે આંદોલનના સુખદ અંત વિષે અટકળ કરવી મુશ્કેલ છે. બન્ને પક્ષે સમજૂતી ન થઈ, તર્કસંગત ઉકેલ ન નીકળ્યો અને આંદોલન ઉગ્ર બન્યું તો આર્થિક વિકાસના એડવાન્સ એસ્ટિમેટ સાચા પુરવાર ન પણ થાય.  આપણો દેશ અને વિશ્વ કપરા કાળમાંથી પસાર થઈ રહ્યાં છે. હવે પછીના મહિનાઓમાં કેવી સમસ્યાઓ અને જોખમ ઊભા થશે તેનો અંદાજ લગાવી શકાય તેમ નથી. એ સંજોગોમાં નાનાં કે મોટાં બધાં જોખમો ઉઠાવવાની તૈયારી રાખીને જ આગેકૂચની અપેક્ષા રાખી શકાય.

(લેખક ઇન્ડિયન મર્ચન્ટ‍્સ ચેમ્બરના ભૂતપૂર્વ ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ છે)

(આ લેખમાં રજૂ થયેલા મંતવ્યો લેખકના અંગત છે, ન્યુઝપેપરના નહીં.)

Whatsapp-channel Whatsapp-channel

11 January, 2021 11:14 AM IST | Mumbai | Jitendra Sanghvi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK