જૉબલેસ ક્લેમ ઘટી જતાં સોનું નરમ, કડાકા પછી બેઠો થવાનો ચાંદીનો પ્રયાસ

Published: Aug 14, 2020, 12:34 IST | Mumbai correspondent | Mumbai Desk

મંગળવારે અને બુધવારે વર્ષના સૌથી મોટા કડાકા બાદ બજારમાં સ્થિરતા લાવવાના પ્રયત્ન જોવા મળા રહ્યો છે.

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

ગુરુવારે અમેરિકન સત્રમાં ટ્રેડિંગ શરૂ થયું ત્યારે પણ સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો હતો, પણ ચાંદીના ભાવમાં આંશિક વધારો જોવા મળી રહ્યો છે. મંગળવારે અને બુધવારે વર્ષના સૌથી મોટા કડાકા બાદ બજારમાં સ્થિરતા લાવવાના પ્રયત્ન જોવા મળા રહ્યો છે.
અમેરિકામાં આર્થિક વૃદ્ધિ જલદીથી સરખી થઈ રહી છે એવા અગાઉના ફુગાવાના આંકડા અને આજે જૉબલેસ ક્લેમના આંકડા આવ્યા છે. બજારની ધારણા કરતાં આ આંક પાંચ મહિનામાં સૌથી નીચે આવ્યો છે એટલે સોનાના ભાવમાં વધવાની જગ્યાએ હાલ પૂરતી બ્રેક લાગેલી રહેશે. અમેરિકાના બૉન્ડના યીલ્ડ ચાર દિવસથી વધી રહ્યા છે એનાથી પણ શૂન્ય વ્યાજદર માટે ટેવાયેલા સોના માટે માઠા સમાચાર છે. આજે જોકે નબળા ડૉલરનો થોડો ટેકો મળી રહ્યો છે.
અમેરિકામાં આજે રોજગારીનું ભથ્થું મેળવતા લોકોનો જૉબલેસ ક્લેમ રિપોર્ટ બહાર પડ્યો હતો. માર્ચ પછી પ્રથમ વખત ક્લેમ ૧૦ લાખ કરતાં ઘટ્યા હતા. ગયા સપ્તાહના અંતે અમેરિકામાં ૯.૬૩ લાખ લોકોએ જૉબલેસ ક્લેમ માટે અરજી કરી હતી. બજારની ધારણા હતી કે આંકડો ૧૧થી ૧૨ લાખ વચ્ચે આવશે. ધારણા કરતાં ઓછા લોકો રોજગારીનો લાભ મેળવી રહ્યા છે એ સંકેત આપે છે કે અમેરિકામાં વ્યાપાર-ઉદ્યોગ ફરી ધમધમતો થઈ ગયો છે.
કૉમેક્સ ઍક્ટોબર વાયદો આજે એક તબક્કે દિવસની ઊંચી સપાટી ૧૯૫૨ ડૉલર પર પહોંચ્યો તો પણ પ્રૉફિટ-બુકિંગથી ફરી એમાં ઘટાડો જોવા મળ્યો છે. અત્યારે વાયદો ૦.૬૬ ટકા કે ૧૨.૯૦ ડૉલર ઘટીને ૧૯૩૬.૧૦ ડૉલર પ્રતિ ઔંસની સપાટી પર છે. ડિસેમ્બર વાયદો ૦.૩૬ ટકા કે ૭ ડૉલર ઘટી ૧૯૪૨ની સપાટી પર છે, જ્યારે હાજરમાં સોનું ૦.૬૪ ટકા કે ૧૨.૨૬ ડૉલર વધી ૧૯૨૮.૦૯ ડૉલર પ્રતિ ઔંસની સપાટી પર છે.
ભારતમાં ત્રીજા દિવસે પણ સોનાના ભાવમાં ઘટાડો
ભારતમાં સોનાના હાજર ભાવમાં આજે પણ ઘટાડો જોવા મળ્યો હતો. મુંબઈમાં હાજરમાં આજે ૫૭૫ ઘટી ૫૪,૩૨૦ રૂપિયા અને અમદાવાદમાં ૫૫૫ ઘટી ૫૪,૪૪૫ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ બંધ આવ્યું હતું. ભારતમાં સોનાના ભાવ વિક્રમી ઊંચી સપાટી કરતાં ૩૮૧૫ રૂપિયા ઘટી ગયા છે.
એમસીએક્સ સોનું ઑક્ટોબર વાયદો ૧૦ ગ્રામદીઠ ૫૨,૩૬૫ ખૂલી, ઉપરમાં ૫૨,૩૬૫ અને નીચામાં ૫૧,૮૦૨ રૂપિયાના મથાળે અથડાઈ પ્રથમ સત્રના અંતે ૧૫ વધીને ૫૨,૨૬૯ રૂપિયા બંધ રહ્યો હતો. ગોલ્ડ-ગિની ઑગસ્ટ કૉન્ટ્રૅક્ટ પ્રથમ સત્રના અંતે ૧૧૦ વધીને ૮ ગ્રામદીઠ ૪૨,૫૨૩ અને ગોલ્ડ-પેટલ ઑગસ્ટ કૉન્ટ્રૅક્ટ પ્રથમ સત્રના અંતે ૧૨ રૂપિયા વધીને ૧ ગ્રામદીઠ ૫૩૧૦ રૂપિયા થયા હતા, જ્યારે સોનું-મિની સપ્ટેમ્બર વાયદો ૧૦ ગ્રામદીઠ ૭ રૂપિયા વધીને બંધમાં ૫૨,૫૧૨ રૂપિયાના ભાવ રહ્યા હતા.
કડાકાના આંચકા પચાવી ચાંદીમાં સ્થિરતાનો પ્રયાસ, ભારતમાં ૧૪૮૫નો ઉછાળો
સોનાની સાથે ચાંદીના ભાવમાં બે દિવસ વિક્રમી કડાકા જોવા મળ્યા હતા, પણ હવે ફરી ઘરેણાં કે ગ્રાહકોની માગ કરતાં ઉદ્યોગોમાં વધારે વપરાતી આ ધાતુમાં સ્થિરતા જોવા મળી રહી છે. બુધવારે આંશિક વૃદ્ધિ બાદ આજે ફરી એમાં ઉછાળો આવ્યો છે. અર્થતંત્રની વૃદ્ધિના સમાચારથી ઉદ્યોગોમાં વપરાશ વધશે અને અત્યારે માગ કરતાં પુરવઠો ઓછો છે એટલે ચાંદીમાં રિકવરી તીવ્ર જોવા મળી રહી છે. અત્યારે કૉમેક્સ ખાતે સપ્ટેમ્બર વાયદો ૨.૦૬ ટકા કે ૫૪ સેન્ટ વધી ૨૬.૫૨ ડૉલર અને હાજરમાં ૩.૦૪ ટકા કે ૭૮ સેન્ટ વધી ૨૬.૨૯ ડૉલર પ્રતિ ઔંસની સપાટી જોવા મળી રહી છે.
ચાંદીના ભાવ ત્રણ દિવસનો ઘટાડો પચાવી આજે ફરી વધ્યા હતા. મુંબઈમાં હાજર ચાંદી ૧૪૬૦ વધી ૬૯,૨૧૦ અને અમાવાદમાં ૧૪૮૫ વધી ૬૯,૨૦૦ રૂપિયા પ્રતિ કિલો હતી. ચાંદીના વાયદાઓમાં ચાંદી સપ્ટેમ્બર કૉન્ટ્રૅક્ટ કિલોદીઠ ૬૭૨૮૦ ખૂલી, ઉપરમાં ૬૯,૨૮૧ અને નીચામાં ૬૬,૨૫૦ રૂપિયાના સ્તરને સ્પર્શી પ્રથમ સત્રના અંતે ૧૮૧૪ વધીને ૬૮,૫૬૭ રૂપિયા બંધ રહ્યો હતો. ચાંદી-મિની ઑગસ્ટ ૧૮૦૭ વધીને ૬૮,૬૦૯ અને ચાંદી-માઇક્રો ઑગસ્ટ ૧૮૧૪ વધીને ૬૮,૬૦૫ રૂપિયા બંધ રહ્યા હતા.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK