રાજકીય અનિશ્ચિતતા વચ્ચે સોનું ફરી નરમ

Published: 3rd October, 2020 11:55 IST | Mumbai correspondent | Mumbai

૧૯૦૦ ડૉલરની સપાટી પર ટકી રહેવાના પ્રયત્ન

સોનાના ભાવમાં ઘટાડો
સોનાના ભાવમાં ઘટાડો

વૈશ્વિક બજારો માટે અને ખાસ કરીને જોખમ લઈને લેણ થતું હોય એવાં બજારો માટે અણધારી આફત આવી છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પ, તેમનાં પત્ની અને ખાસ સાથીદારને કોરોનાની અસર હોવાનું કોરોના-ટેસ્ટમાં બહાર આવ્યું છે. ચૂંટણી અગાઉ માત્ર ૩૩ દિવસ પહેલાં જ આ અનિશ્ચિતતા આવી પડતાં જોખમ છોડીને સલામતી તરફની દોટ જોવા મળી છે. આ અહેવાલની સાથે અમેરિકામાં બીજા તબક્કાના સ્ટિમ્યુલસ વિશે કોઈ ઉકેલ આવી રહ્યો નથી અને સપ્ટેમ્બરમાં નવી રોજગારીનો દર અડધો થઈ ગયો છે એટલે એના જોખમથી ડૉલરમાં વૃદ્ધિ જોવા મળી છે અને સોનાના ભાવ એ દિવસમાં ફરી આગળ વધી રહ્યા હતા એ ૧૯૦૦ ડૉલર આસપાસની સપાટીમાં રમતા થઈ ગયા છે.
જોખમ છોડવાની વાત આવતાં ડૉલરમાં ફરી વૃદ્ધિ જોવા મળી રહી છે. અમેરિકન ડૉલરનું વિશ્વનાં ૬ અગ્રણી ચલણો સામે મૂલ્ય નક્કી કરતો ડૉલર ઇન્ડેક્સ દિવસની ૯૩.૭૪ની નીચી સપાટીથી વધીને અત્યારે ૯૩.૯૬૮ની સપાટી પર છે જે આગલા બંધ કરતાં ૦.૨૨ ટકા ઉપર છે. અમેરિકન્સ શૅરબજારમાં પણ અનિશ્ચિતતાને કારણે વેચવાલી જોવા મળી રહી છે.
ડૉલર વધતાની સાથે જ સોનું વાયદો દિવસની ૧૯૨૩ ડૉલરની સપાટીથી એક તબક્કે ૧૯૦૦ ડૉલરની નીચે જતો રહ્યો હતો. અત્યારે ન્યુ યૉર્કમાં સોનું ડિસેમ્બર વાયદો ૦.૧૬ ટકા કે ૩ ડૉલર ઘટી ૧૯૧૩.૩૦ ડૉલર અને હાજરમાં ૦.૦૭ ટકા કે ૧.૪૨ ડૉલર ઘટી ૧૯૦૪.૫૯ ડૉલર પ્રતિ ઔંસની સપાટી પર છે. ચાંદી વાયદો ૦.૩૭ ટકા કે ૯ સેન્ટ ઘટી ૨૪.૧૭ ડૉલર અને હાજરમાં ૦.૪૩ ટકા કે ૧૦ સેન્ટ વધી ૨૩.૯ ડૉલર પ્રતિ ઔંસની સપાટી પર છે.
ધારણા કરતાં ઓછાને રોજગારી મળી
અમેરિકામાં આજે લેબર ડિપાર્ટમેન્ટ દ્વારા સપ્ટેમ્બર મહિનામાં કૃષિ સિવાયનાં ક્ષેત્રોમાં નવી રોજગારીના ઉમેરાના આંકડા જાહેર કરવામાં આવ્યા હતા. બજારમાં ૮ લાખ નવી રોજગારીના સર્જનની આશા સામે લેબર ડિપાર્ટમેન્ટના અહેવાલ અનુસાર માત્ર ૬.૬૧ લાખ લોકોને નવી રોજગારી મળી હતી. માર્ચ મહિનામાં અમેરિકામાં લૉકડાઉન અમલમાં આવ્યું એ પછી લગભગ ૨.૨ કરોડ લોકોએ રોજગારી ગુમાવી હતી એમાંથી હવે ૧.૨ કરોડ લોકો ફરી કામ પર લાગી ગયા છે એવું છેલ્લા ચાર મહિનાના આંકડા પરથી જાણવા મળે છે.
અમેરિકન અર્થતંત્રમાં રીટેલ સેલ્સ, નવાં મકાનોના વેચાણ વિશે એક પછી એક સારા અહેવાલ આવી રહ્યા હતા ત્યારે ઑગસ્ટમાં નવી રોજગારી સામે સપ્ટેમ્બરમાં એ અડધી થઈ ગઈ છે. ઑગસ્ટ મહિનામાં લેબર ડિપાર્ટમેન્ટના અહેવાલ અનુસાર ૧૪.૭ લાખ લોકો પે-રોલમાં ઉમેરાયા હતા. આ દર્શાવે છે કે કોરોનાની વૅક્સિનના અભાવે અને ઑગસ્ટના અંતે સરકારની રાહત પૂર્ણ થઈ ગયા પછી બિઝનેસમાં ફરી ઢીલાશ આવી રહી છે અને એને કારણે આર્થિક રિકવરી ફરી નબળી પડી શકે છે.
સોનાના ભાવમાં ફ્રૉડ ઃ
જેપી મૉર્ગનને દંડ
સોનાના ભાવમાં એક્સચેન્જ પર ફ્રૉડ ચાલી રહ્યું હોવાની અફવા વચ્ચે એક કેસમાં અમેરિકાના અગ્રણી બ્રોકરેજ હાઉસને દંડ થતાં એને સત્તાવાર સમર્થન મળી ગયું છે. જેપી મૉર્ગને ૯૨ કરોડ ડૉલરમાં અમેરિકન એક્સચેન્જ અને સત્તાવાળાઓ સાથે આ કેસમાં સમાધાન કર્યું છે. એવો આરોપ હતો કે જેપી મૉર્ગન ટ્રેડિંગ દરમ્યાન ખોટા ઑર્ડર (સ્પૂફિંગ) કરે છે. એવા ઑર્ડર જે બજારમાં સ્ક્રીન પર દેખાય, પણ જેવું એમાં સોદા પડવાની સ્થિતિ આવે એટલે એને રદ કરી નાખવામાં આવે. સોનાના ભાવમાં આ રીતે ચેડાં કરવાનો આ પ્રથમ અને સૌથી મોટો કેસ છે.
સપ્ટેમ્બર મહિનામાં ભારતમાં સોના-ચાંદીમાં કડાકા
વૈશ્વિક બજારોમાં જોવા મળેલી વેચવાલીને કારણે સપ્ટેમ્બર મહિના દરમ્યાન સોનાના વાયદાના ભાવમાં ૧૬૩૯ અને ચાંદીમાં ૧૦,૫૧૮ રૂપિયાનો કડાકો જોવા મળ્યો હતો. એમસીએક્સ સોનું ડિસેમ્બર વાયદો મહિનાના પ્રારંભે ૧૦ ગ્રામદીઠ ૫૨,૩૦૪ ખૂલી, મહિના દરમ્યાન ઇન્ટ્રા-ડેમાં ઉપરમાં ૫૨,૩૯૦ અને નીચામાં ૪૯,૨૫૨ રૂપિયાના મથાળે અથડાઈ, આગલા મહિનાના ૫૧,૯૭૩ના બંધ સામે ૧૬૩૯ (૩.૧૫ ટકા)ના ભાવઘટાડા સાથે ૫૦,૩૩૪ રૂપિયાના સ્તરે બંધ થયો હતો. દરમ્યાન વૈશ્વિક બજારમાં સપ્ટેમ્બર મહિનામાં સોનાના ભાવ ૨.૭ ટકા ઘટીને બંધ આવ્યા છે છતાં કૅલેન્ડર વર્ષ (જાન્યુઆરીથી સપ્ટેમ્બર)માં સોનાના ભાવ ૨૭.૭ ટકા વધ્યા છે.
ચાંદી ડિસેમ્બર વાયદો મહિનાના પ્રારંભે કિલોદીઠ ૭૧,૦૦૦ ખૂલી, મહિના દરમ્યાન ઇન્ટ્રા-ડેમાં ઉપરમાં ૭૩,૨૫૪ અને નીચામાં ૫૬,૦૨૦ના સ્તરને સ્પર્શી, આગલા મહિનાનાં ૭૦,૪૩૭ના બંધ સામે ૧૦,૫૧૮ (૧૪.૯૩ ટકા)ના કડાકા સાથે ૫૯,૯૧૯ રૂપિયાના સ્તરે બંધ થયો હતો. 

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK