સોનું અને ચાંદીમાં સ્થિરતાનો પ્રયાસ : ડૉલરની ચાલના આધારે વધઘટ

Published: Sep 10, 2020, 10:14 IST | Mumbai correspondent | Mumbai

એશિયાઇ સત્રનો કડાકો પચાવી સોનું અને ચાંદીમાં સ્થિરતાનો પ્રયાસ : ડૉલરની ચાલના આધારે વધઘટ

સોનું અને ચાંદીમાં સ્થિરતાનો પ્રયાસ : ડૉલરની ચાલના આધારે વધઘટ
સોનું અને ચાંદીમાં સ્થિરતાનો પ્રયાસ : ડૉલરની ચાલના આધારે વધઘટ

એશિયાઇ સત્રમાં અમેરિકન શૅરબજારની મંદીના કારણે તીવ્ર ઘટાડા બાદ ફરી સોનું અમેરિકન સત્રમાં વધીને સ્થિરતા તરફ આગળ વધી રહ્યું છે. જોકે ભાવમાં કોઈ મોટો ઉછાળો નથી, પણ અત્યારે ઘટાડો અટકી ગયો છે. સોના ઉપર ડૉલરની એક મહિનાની ઊંચી સપાટીની વ્યાપક અસર છે અને તેના કારણે ભાવમાં કોઈ મોટી તેજી જણાતી નથી. સોનાના ભાવ માટે ૧૯૨૦ ડૉલર પ્રતિ ઔંસની સપાટી મહત્ત્વની છે અને તેની નીચે ભાવ જાય તો પ્રોફિટ બુકિંગ વધારે વ્યાપક બની શકે છે.
અમેરિકન શૅરબજારમાં મંગળવારે ભારે વેચવાલી પછી ડૉલર વધતા એશિયાઇ સત્રમાં સોનું એક તબક્કે ૧૯૨૮ ડૉલર અને ચાંદી ૨૬.૫૭ ડૉલરની નીચી સપાટીએ પટકાયા હતા.અમેરિકન ટ્રેડિંગ શરૂ થયું ત્યારે કોમેકસ ઉપર સોનું ડિસેમ્બર વાયદો ૧૯૪૩.૨૦ ડૉલરની આગલા બંધની સપાટીએ સ્થિર હતો. હાજરમાં ભાવ ૯.૨૪ સેન્ટ વધી ૧૯૪૧.૨૭ ડૉલર પ્રતિ ઔંસ છે. ચાંદી વાયદો ૦.૨૪ ટકા કે ૭ સેન્ટ ઘટી ૨૬.૯૩ ડૉલર અને હાજરમાં ૦.૯૬ ટકા કે ૨૬ સેન્ટ વધી ૨૬.૯૩ ડૉલર પ્રતિ ઔંસની સપાટી ઉપર છે.
ભારતમાં સોના અને ચાંદીના ભાવ મક્કમ
વૈશ્વિક વધઘટના આધારે ભારતમાં સોના અને ચાંદીના ભાવમાં વધઘટ ચાલી રહી છે. ગઈ કાલે ભાવ પડેલા જોવા મળ્યા હતા. મુંબઈ ખાતે હાજરમાં સોનું ૮૦ વધી ૫૩,૦૮૦ અને અમદાવાદ ખાતે ૯૦ વધી ૫૩,૦૪૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ બંધ આવ્યા હતા. સોનું ઑક્ટોબર વાયદો ૧૦ ગ્રામદીઠ ૫૧,૧૬૫ ખૂલી, ઉપરમાં ૫૧,૨૩૧ અને નીચામાં ૫૦,૮૭૨ રૂપિયાના મથાળે અથડાઈ પ્રથમ સત્રનાં અંતે ૪૨૪ ઘટીને ૫૦,૯૨૯ રૂપિયા બંધ રહ્યો હતો. ગોલ્ડ-ગિની સપ્ટેમ્બર કૉન્ટ્રૅક્ટ પ્રથમ સત્રનાં અંતે ૨૦૯ ઘટીને ૮ ગ્રામદીઠ ૪૧,૪૧૫ અને ગોલ્ડ-પેટલ સપ્ટેમ્બર કૉન્ટ્રૅક્ટ પ્રથમ સત્રનાં અંતે ૩૩ ઘટીને ૧ ગ્રામદીઠ ૫૧૮૨ રૂપિયા થયા હતા, જ્યારે સોનું-મિની ઑક્ટોબર વાયદો ૧૦ ગ્રામદીઠ ૪૦૯ ઘટીને બંધમાં ૫૧,૦૨૪ રૂપિયાના ભાવ રહ્યા હતા.
મુંબઈ હાજર ચાંદી ૮૫ વધી ૬૭,૩૮૫ અને અમદાવાદ ખાતે ૬૫ વધી ૬૭,૩૫૦ રૂપિયા પ્રતિ કિલો બંધ રહ્યા હતા. ચાંદીના વાયદાઓમાં ચાંદી ડિસેમ્બર કૉન્ટ્રૅક્ટ કિલોદીઠ ૬૮,૦૫૬ ખૂલી, ઉપરમાં ૬૮,૧૮૬ અને નીચામાં ૬૭,૨૮૮ રૂપિયાના સ્તરને સ્પર્શી પ્રથમ સત્રનાં અંતે ૧૦૫૦ ઘટીને ૬૭,૪૪૪ રૂપિયા બંધ રહ્યો હતો. ચાંદી-મિની નવેમ્બર ૯૯૧ ઘટીને ૬૭,૪૫૫ રૂપિયા અને ચાંદી-માઇક્રો નવેમ્બર ૯૬૪ ઘટીને ૬૭,૪૫૭ રૂપિયા બંધ રહ્યા હતા.
બે દિવસના કડાકા પછી ડૉલર સામે રૂપિયો વધ્યો
એ સત્રમાં ૪૬ પૈસા ઘટી એક સપ્તાહની નીચી સપાટીએ પડેલો રૂપિયો ડૉલર સામે બુધવારે વધીને બંધ આવ્યો હતો. ક્રૂડ ઑઈલના ભાવમાં તીવ્ર ઘટાડો અને રિલાયન્સમાં ફરી નવા વિદેશી મૂડીરોકાણની આશા સાથે રૂપિયામાં વધારો જોવા મળ્યો હતો. અમેરિકન શૅરબજારમાં ટેક્નૉલૉજી શૅરોમાં ત્રણ દિવસમાં ૧૦ ટકાના જંગી કડાકા વચ્ચે ડૉલર વધી રહ્યો હતો. મંગળવારે ડૉલર સામે રૂપિયો ૭૩.૬૦ની સપાટીએ બંધ આવ્યો હતો. ગઈ કાલે તે ૭૩.૬૭ની નબળી સપાટીએ ખૂલી ઘટીને ૭૩.૭૩ થઈ ગયો હતો, પણ પછી અચાનક રૂપિયામાં ખરીદી નીકળી હતી અને તેમાં વૃદ્ધિ જોવા મળી હતી. રિલાયન્સ દ્વારા ૭૫૦૦ કરોડના શૅર વેચવાની જાહેરાત અને વિદેશી રોકાણની આશાએ રૂપિયો વધીને ૭૩.૪૭ થઈ દિવસના અંતે પાંચ પૈસા વધી ૭૩.૫૫ની સપાટીએ બંધ આવ્યો હતો.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK