કોરોના વાઇરસના નવા અવતાર સ્ટ્રેઇનની અસર અનેક દેશોમાં વધી રહી હોઈ ફરી ડરનો માહોલ ઊભો થયો છે તેમ જ બ્રેક્ઝિટને પગલે યુરો અને પાઉન્ડનું મૂલ્ય સુધરતાં ડૉલરની મંદીથી સોના-ચાંદી વર્લ્ડ માર્કેટમાં સુધર્યાં હતાં તેની અસરે મુંબઈ માર્કેટમાં સોનું પ્રતિ ૧૦ ગ્રામ ૮૯૦થી ૮૯૪ રૂપિયા અને ચાંદી પ્રતિ કિલો ૨૦૩૯ રૂપિયા ઊછળી હતી.
વિદેશી પ્રવાહો
કોરોના વાઇરસના નવા અવતાર સ્ટ્રેઇનનો ડર વધતાં બ્રિટન દ્વારા લૉકડાઉનના નિયમોને વધુ કડક બનાવાયા હતા તેમ જ જપાને સ્ટેટ ઑફ ઇમર્જન્સી ડિકલેર કરી હતી. આ ઉપરાંત અમેરિકામાં જ્યૉર્જિયામાં બે બેઠકનું ઇલકેશન સૅનેટની મેજોરિટી માટે કશ્મકશભર્યું હોઈ વર્લ્ડમાં એકાએક ડરનો માહોલ અને રાજકીય અનિશ્ચિતતા વધી હતી જેને કારણે સોનામાં ચારે તરફથી ખરીદી વધતાં સોનું વધીને આઠ સપ્તાહની ઊંચી સપાટીએ પહોંચી ગયું હતું. કોરોનાના ડરને કારણે ઇકૉનૉમિક ક્રાઇસીસ ઉપરાંત અમેરિકામાં પોલિટિકલ ક્રાઇસીસ ઊભી થવાની શક્યતાને પગલે સોનાનું સેઇફ હેવન સ્ટેટ્સ મજબૂત બન્યું હતું. ખાસ કરીને અમેરિકામાં જ્યૉર્જિયાની બે બેઠકની ચૂંટણીમાં ડેમોક્રેટિક ઉમેદવારની જીત થશે તો રિલીફ પૅકેજ વધવાની ધારણાએ સોનું વધ્યું હતું અને કદાચ એક કે બે બેઠકો ટ્રમ્પની પાર્ટી રિપબ્લિકને મળી જાય તો પોલિટિકલ અનિશ્ચિતતા ઊભી થશે જે પણ સોનાની તેજી માટે પૉઝિટિવ ગણાશે. વર્લ્ડ માર્કેટમાં સોનું ૧૯૦૦ ડૉલરની સપાટી કૂદાવીને ૧૯૨૫ ડૉલર સુધી વધ્યું હતું જ્યારે ચાંદી પણ સવા બે ટકા વધી હતી.
ઇકૉનૉમિક ઇન્ડિકેટર
યુરોપિયન યુનિયનથી અલગ પડેલા બ્રિટનનો મૅન્યુફૅકચરિંગ ગ્રોથ ડિસેમ્બરમાં વધીને ત્રણ વર્ષની ઊંચાઈએ ૫૭.૫ પૉઇન્ટે પહોંચ્યો હતો જે નવેમ્બરમાં ૫૫.૬ પૉઇન્ટ હતો, બ્રિટનના બુલિશ મૅન્યુફૅકચરિંગ ગ્રોથના પગલે બ્રિટિશ પાઉન્ડનું મૂલ્ય કરન્સી બાસ્કેટમાં અઢી વર્ષની ઊંચાઈએ પહોંચ્યું હતું, યુરોનું મૂલ્ય પણ કરન્સી બાસ્કેટમાં અઢી વર્ષની ઊંચાઈએ પહોંચ્યું હતું. જપાનીઝ યેનનું મૂલ્ય પણ ૧૦ મહિનાની ઊંચી સપાટીએ પહોંચ્યું હતું. આમ, ડૉલરની ત્રણેય મુખ્ય પ્રતિસ્પર્ધી કરન્સી યુરો, યેન અને પાઉન્ડ સુધરતાં ડૉલર વધુ ઘટ્યો હતો. યુરો એરિયાનો મૅન્યુફૅકચરિંગ ગ્રોથ ડિસેમ્બરમાં વધીને ૫૫.૨ પૉઇન્ટે પહોંચ્યો હતો જે નવેમ્બરમાં ૫૩.૮ પૉઇન્ટ હતો. ચીનનો પ્રાઇવેટ એજન્સી દ્વારા તૈયાર કરાયેલા રિપોર્ટમાં મૅન્યુફૅકચરિંગ ગ્રોથ ડિસેમ્બરમાં ઘટીને ૫૩ પૉઇન્ટે પહોંચ્યો હતો જે નવેમ્બરમાં ૫૪.૯ પૉઇન્ટ હતો. ઇકૉનૉમિક ઇન્ડિકેટરમાં ડૉલરનું મૂલ્ય સતત ઘટતું બતાવાઈ રહ્યું છે જે સોનાની તેજી માટે પૉઝિટિવ બાબત છે.
શોર્ટ ટર્મ-લોગ ટર્મ ભાવિ
સોનાનો ભાવ ૨૦૨૦માં ૨૪ ટકાથી વધુ વધ્યા બાદ હવે ૨૦૨૧ના આરંભથી જ સોનાની તેજી માટેની સ્થિતિ એકદમ અનુકૂળ બનવા જઈ રહી છે. કોરોના વાઇરસનો ભય ૨૦૨૦માં હતો તેના કરતાં વધ્યો છે, કોરોના વાઇરસની વૅક્સિન શોધાઈ ચૂકી હોવા છતાં પણ નવા અવતાર સ્ટ્રેઇનનો ડર વધુ વ્યાપક બનતાં હજુ સમસ્યાનો અંત દેખાતો નથી. આ સંજોગોમાં વર્લ્ડના અનેક દેશોને ઇકૉનૉમિક કંડિશનને ડૂબતી બચાવવા માર્કેટમાં જંગી નાણાં ઠાલવવા પડશે અને તે પણ લાંબા સમય સુધી આ પ્રક્રિયા ચાલુ રાખવી પડશે જે સોનાને વધુને વધુ ઊંચે લઈ જશે. બિટકોઇન અને ચાંદીની તેજીની આગેકૂચ જો સોના કરતાં આગળ નીકળી જશે તો સોનાની તેજીને મિડિયમ ટર્મમાં બ્રેક લાગી શકે છે.
ભાવ-તાલ
સોનું (૯૯.૯ ટચ, દસ ગ્રામ): ૫૧,૧૯૨
સોનું (૯૯.૫ ટચ, દસ ગ્રામ): ૫૦,૯૮૭
ચાંદી (.૯૯૯ ટચ, કિલોદીઠ): ૬૯,૦૦૨
(સોર્સઃઇન્ડિયન બુલિયન ઍન્ડ જ્વેલર્સ અસોસિએશન લિમિટેડ)
અમેરિકન જૉબ અને હાઉસિંગ ડેટા સુધરતાં સોના-ચાંદીમાં પ્રૉફિટ-બુકિંગથી ઘટાડો
23rd January, 2021 09:55 ISTબે સત્રોમાં સેન્સેક્સ ૯૦૦ પૉઇન્ટ કરતાં વધુ ઘટ્યો
23rd January, 2021 09:54 ISTShare Market: Sensex 746 અંક તૂટ્યું, નિફ્ટી પણ ગબડ્યું, જાણો શું છે કારણ
22nd January, 2021 15:48 ISTઅમેરિકન પ્રેસિડન્ટ બાઇડનની તાજપોશીને બુલિયન માર્કેટે તેજીથી વધાવી
22nd January, 2021 12:17 IST