સોના અને ચાંદીમાં નિરાશા જોવા મળતાં કડાકો, ડૉલર ફરી વધવો શરૂ થયો

Published: 18th September, 2020 11:31 IST | Mumbai correspondent | Mumbai

ફેડરલ રિઝર્વના નિવેદન બાદ સોના અને ચાંદીમાં નિરાશા જોવા મળતાં કડાકો, ડૉલર ફરી વધવો શરૂ થયો

સોના ચાંદીના ભાવમાં ઘટાડો
સોના ચાંદીના ભાવમાં ઘટાડો

અમેરિકન ફેડરલ રિઝર્વના નિવેદનના આધારે ફરી એક વખત બજારમાં સલામતી માટે દોડ જોવા મળી રહી છે. ડૉલર વધી રહ્યો છે. શૅરબજાર અને કૉમોડિટી માર્કેટમાં વેચવાલી જોવા મળી રહી છે. ફેડરલ રિઝર્વની કોમેન્ટ્રી એકદમ મિશ્રિત છે. વર્ષ ૨૦૨૦માં આર્થિક મંદી ધારણાં કરતાં ઓછી તીવ્ર રહેશે, પણ ૨૦૨૧ અને ૨૦૨૨ની વૃદ્ધિ અગાઉની ધારણાં કરતાં વધારે નરમ રહેશે. આમ છતાં કોઈ સ્ટિમ્યુલસની જાહેરાત નહીં કરતાં ચલણ આકર્ષક બન્યું છે અને એસેટ ક્લાસમાં પ્રૉફિટ બુકીંગ જોવા મળી રહ્યું છે. સોનાના ભાવ બુધવારની ઊંચી સપાટીથી ૩૧ ડૉલર અને ચાંદી ૭૭ સેન્ટ ઘટેલા છે.
સલામતી માટેના સૌથી મોટા ચલણ ગણાય છે એવા ડૉલર અને યેન વધ્યા છે. યુરો એક મહિનાની નીચી સપાટી પર છે અને પાઉન્ડ, કેનેડિયન ડૉલર અને સ્વીસ ફાંક પણ ઘટી ગયા છે.
વૈશ્વિક બજારમાં ફેડરલ રિઝર્વના નિર્ણય પહેલાં સોનાનો વાયદો ૧૯૮૦ ડૉલરની સપાટી સુધી પહોંચ્યો હતો જ્યારે ચાંદી વાયદો ૨૭.૭૦૫ ડૉલર પ્રતિ ઔંસની સપાટીએ પહોંચ્યો હતો. બન્ને ધાતુઓ બુધવારે આગલા બંધથી વધીને બંધ હતી, પણ દિવસની ઊંચી સપાટીથી નીચે હતા, કારણ કે ડૉલર ઇન્ડેક્સ બુધવારે ૯૨.૮૦ સામે વધીને ૯૩.૨૩૧ બંધ આવ્યો હતો. ગઈ કાલે ડૉલર ઇન્ડેક્સ ૦.૧૬ ટકા વધી ૯૩.૨૭૦ની સપાટી પર છે.
આજે પણ સોનામાં ઘટાડાનો દોર જોવા મળી રહ્યો છે. કોમેકસ ખાતે ડિસેમ્બર સોનું વાયદો ૧.૦૮ ટકા કે ૨૧.૩૦ ડૉલર ઘટી ૧૯૪૯.૨૦ અને હાજરમાં ૧.૨૬ ટકા કે ૨૪.૬૧ ડૉલર ઘટી ૧૯૩૪.૬૫ ડૉલર પ્રતિ ઔંસ છે. ચાંદીમાં ડિસેમ્બર વાયદો ૧.૯૭ ટકા કે ૫૪ સેન્ટ ઘટી ૨૬.૯૪ અને હાજરમાં ૨.૪૭ ટકા કે ૬૭ સેન્ટ ઘટી ૨૬.૪૯ ડૉલર પ્રતિ ઔંસની સપાટી પર છે. આજે જૉબલેસ કલેઇમના આંકડાથી પણ બજારમાં નિરાશા જોવા મળી હતી. બજારની ધારણાં કરતાં ગયા સપ્તાહે અમેરિકામાં જૉબલેસ કલેઇમ ૩૩,૦૦૦ ઘટી ૮.૬૦ લાખ જોવા મળ્યા હતા. ગયા સપ્તાહે બજારમાં ૮.૯૩ લાખ કલેઇમ જોવા મળ્યા હતા.
વ્યાજના દર ૨૦૨૩ સુધી શૂન્યની નજીક રહેશે, આગામી બે વર્ષમાં આર્થિક રિકવરી ધારણા કરતાં વધારે ધીમી રહે એવા ફેડરલ રિઝર્વના આંકલન પછી પણ કોઈ મોટા સ્ટિમ્યુલસ કે નાણાપ્રવાહિતાની જાહેરાત નહીં કરતા બુધવારે મોડી સાંજથી જ અમેરિકન ડૉલરમાં વૃદ્ધિ જોવા મળી હતી. આ વૃદ્ધિની સાથે ડૉલર તરફ સલામતી માટે પ્રયાણ જોવા મળ્યું છે. સોનું અને ચાંદી ઘટ્યાં હતાં, શૅરબજારમાં પણ પ્રૉફિટ બુકિંગ જોવા મળ્યું હતું. ડૉલરની સાથે અન્ય સેફ હેવન કરન્સી જૅપનીઝ યેન પણ મજબૂત જોવા મળ્યો હતો.
ભારતમાં સોના અને
ચાંદીના ભાવમાં ઘટાડો
વૈશ્વિક બજારમાં ઘટાડાની સાથે ભારતમાં પણ સોના અને ચાંદીના ભાવ ઘટ્યા હતા. મુંબઈ ખાતે હાજરમાં સોનું ૪૬૫ ઘટી ૫૩,૧૬૫ રૂપિયા અને અમદાવાદ ખાતે ૫૦૦ ઘટી ૫૩,૧૦૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ બંધ રહ્યા હતા. સોનું ઑક્ટોબર વાયદો ૧૦ ગ્રામદીઠ ૫૧,૭૧૦ ખૂલી, ઉપરમાં ૫૧,૭૧૦ અને નીચામાં ૫૧,૨૭૯ રૂપિયાના મથાળે અથડાઈ પ્રથમ સત્રના અંતે ૩૮૦ ઘટીને ૫૧,૪૪૪ રૂપિયા બંધ રહ્યો હતો. ગોલ્ડ-ગિની સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ પ્રથમ સત્રના અંતે ૨૪૬ ઘટીને ૮ ગ્રામદીઠ ૪૧,૬૧૪ રૂપિયા અને ગોલ્ડ-પેટલ સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ પ્રથમ સત્રના અંતે ૩૦ ઘટીને ૧ ગ્રામદીઠ ૫૨૨૪ રૂપિયા થયા હતા, જ્યારે સોનું-મિની ઑક્ટોબર વાયદો ૧૦ ગ્રામદીઠ ૩૭૫ ઘટીને બંધમાં ૫૧,૫૦૧ રૂપિયાના ભાવ રહ્યા હતા.
ચાંદીના ભાવમાં હાજર અને વાયદામાં ઘટાડો જોવા મળ્યો હતો. મુંબઈ હાજર ચાંદી ૧૦૯૫ ઘટી ૬૭,૫૬૫ રૂપિયા અને અમદાવાદ ખાતે ૧૦૯૫ ઘટી ૬૭,૫૫૨ રૂપિયા પ્રતિ કિલો બંધ રહ્યા હતા. ચાંદીના વાયદાઓમાં ચાંદી ડિસેમ્બર કોન્ટ્રેક્ટ કિલોદીઠ ૬૭,૯૦૦ ખૂલી, ઉપરમાં ૬૭,૯૭૪ અને નીચામાં ૬૭,૫૦૦ રૂપિયાના સ્તરને સ્પર્શી પ્રથમ સત્રના અંતે ૯૭૦ ઘટીને ૬૭,૮૧૧ રૂપિયા બંધ રહ્યો હતો. ચાંદી-મિની નવેમ્બર ૯૩૭ ઘટીને ૬૭,૭૯૨ રૂપિયા અને ચાંદી-માઇક્રો નવેમ્બર ૯૩૧ ઘટીને ૬૭,૮૦૫ રૂપિયા બંધ રહ્યા હતા.
દરમિયાન, કીમતી ધાતુઓનો ઇન્ડેક્સ બુલડેક્સનો સપ્ટેમ્બર વાયદો ૧૬,૧૦૫ ખૂલી, ઊંચામાં ૧૬,૧૩૬ અને નીચામાં ૧૬,૦૧૦ના મથાળે અથડાઈ ઇન્ટ્રા-ડેમાં ૧૨૬ પૉઇન્ટની મૂવમેન્ટ સાથે પ્રથમ સત્રના અંતે ૧૩૯ પૉઇન્ટ ઘટી ૧૬,૦૮૪ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો.
ડૉલર સામે રૂપિયો ઘટ્યો
વૈશ્વિક બજારમાં અમેરિકન ડૉલરમાં જોવા મળેલી તેજીના સહારે અને શૅરબજારમાં જોવા મળેલા ઘટાડાથી આજે રૂપિયો પણ નરમ પડ્યો હતો. ડૉલર સામે રૂપિયો આજે ૭૩.૭૦ની નબળી સપાટીએ ખુલ્યા પછી દિવસભર વધીને ૭૩.૬૪ અને ઘટીને ૭૩.૭૮ અથડાયા બાદ ૭૩.૬૬ની સપાટીએ બંધ આવ્યો હતો. બુધવારના બંધ ૭૩.૫૨ સામે રૂપિયો ગઈ કાલે ૧૪ પૈસા ઘટ્યો હતો. આ ઉપરાંત યેન સામે પણ રૂપિયો ઘટ્યો હતો.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK