ચીનમાં લૂનર વેકેશન અને અમેરિકાના ઇન્ફ્લેશન ડેટા નબળા આવતાં સોનું-ચાંદી ઘટ્યાં

Published: 12th February, 2021 12:36 IST | Mayur Mehta | Mumbai

પ્લૅટિનમમાં તેજીની આગેકૂચ યથાવત્, સિટી બૅન્ક દ્વારા પ્લૅટિનમનો ભાવ ૨૦૨૧માં વધીને ૧૩૦૦ ડૉલર થવાની આગાહી

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

ચીનમાં લૂનર ન્યુ યર વેકેશન ચાલુ થતાં તેમ જ અમેરિકાના ઇન્ફ્લેશન ડેટા ધારણાથી નબળા આવતાં ડૉલર સુધર્યો હતો અને સોનું-ચાંદી ઘટ્યાં હતાં, જેને પગલે મુંબઈ જ્વેલરી બજારમાં ચાંદી પ્રતિ કિલો ૭૧૭ રૂપિયા ઘટી હતી. જોકે સોનું નજીવું પ્રતિ ૧૦ ગ્રામ ૧૫ રૂપિયા સુધર્યું હતું.

વિદેશી પ્રવાહો

ચીનમાં લૂનર ન્યુ યરની રજાઓ ચાલુ થતાં તેમ જ અમેરિકન ડૉલર સુધરતાં સોનામાં પીછેહઠ જોવા મળી હતી. અમેરિકામાં ૧.૯ ટ્રિલ્યન ડૉલરના રિલીફ પૅકેજ મંજૂર થવાનું નક્કી મનાઈ રહ્યું હોવાથી હવે સોનાની માર્કેટ માટે આ કારણ ડિસ્કાઉન્ટ થઈ રહ્યું છે. વળી અમેરિકાના ઇન્ફ્લેશન ડેટા નબળા આવતાં ડૉલર સુધર્યો હતો. ડૉલર સુધરતાં સોનામાં પ્રૉફિટ-બુકિંગ જોવા મળ્યુ હતું. પ્લૅટિનમના ભાવની તેજીની આગેકૂચ સતત ચાલુ છે. ગુરુવારે પ્લૅટિનમના ભાવ દોઢ ટકો વધીને ૧૨૫૭.૫૧ ડૉલરની ઊંચાઈએ પહોંચ્યા હતા. કૉમેક્સના સત્તાવાળાઓએ પ્લૅટિનમની તેજી રોકવા માટે ૧૦ ટકા માર્જિન લાદવાનો નિર્ણય કર્યો હતો, પણ એની કોઈ અસર માર્કેટમાં જોવા મળી નહોતી. પ્લૅટિનમની સપ્લાય ૨૦૨૧માં ડેફિસિટમાં રહેવાની ધારણાને પગલે પ્લૅટિનમમાં સતત તેજીની આગેકૂચ જોવા મળી રહી છે.

ઇકૉનૉમિક ઇન્ડિકેટર

અમેરિકાનું ઇન્ફ્લેશન જાન્યુઆરીમાં ૧.૪ ટકાએ જળવાયેલું હતું, પણ માર્કેટની ધારણા ૧.૫ ટકાની હતી એના કરતાં ઇન્ફ્લેશન ઓછું રહેતાં ડૉલર બે સપ્તાહના તળિયેથી સુધર્યો હતો. ખાસ કરીને અમેરિકામાં એનર્જી-કૉસ્ટ ૩.૬ ટકા ઘટતાં તેમ જ ઍપરલના ભાવ ૨.૫ ટકા ઘટતાં ઇન્ફ્લેશનનો વધવાનો ભય ઓછો થયો હતો. અમેરિકાની બજેટ ડેફિસિટ જાન્યુઆરીમાં વધીને ૧૬૩ અબજ ડૉલરે પહોંચી હતી જે ગયા વર્ષે જાન્યુઆરીમાં ફક્ત ૩૨.૬ અબજ ડૉલર હતી અને માર્કેટની ધારણા ૧૫૦ અબજ ડૉલર જ ડેફિસિટ રહેવાની હતી. માર્કેટની ધારણા કરતાં બજેટ ડેફિસિટ વધારે રહેતાં માર્કેટમાં પૅનિક સર્જાયું હતું, પણ ફેડના ચૅરમૅન જેરોમ પૉવેલે હાલમાં ફેડરલ ડેબ્ટનું મહત્ત્વ ન હોવાની જાહેરાત કરતાં માર્કેટમાં એની કોઈ અસર જોવા મળી નહોતી.

શૉર્ટ ટર્મ - લૉન્ગ ટર્મ

ફેડના ચૅરમૅન જેરોમ પૉવેલે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે હાલમાં ફેડરલ ડેબ્ટ કરતાં ફિઝિકલ પૉલ‌િસી પર વધુ ધ્યાન આપવાની જરૂર છે. ફેડના ચૅરમૅનના વક્તવ્ય બાદ ઇકૉનૉમિસ્ટોનું તારણ એવું હતું કે અમેરિકન ગવર્નમેન્ટ દ્વારા વધારે પડતા સ્ટિમ્યુલસ પૅકેજ સામે ફેડ મૉનેટરી પૉલિસી વધુ ટાઇટ રાખશે જે સોનાની તેજી માટે નેગેટિવ ફૅક્ટર બનશે. સોનામાં વધુ તેજી થવા માટે હાલમાં માર્કેટ પાસે કોઈ કારણ નથી એથી નવું કારણ ઉમેરાશે તો જ સોનામાં તેજી જોવા મળશે.

સોના કરતાં પ્લૅટિનમમાં તેજીના ચાન્સિસ વધી ગયા છે. પ્લૅટિનમના ભાવ વધુ પડતા નીચા હોવાથી તેમ જ ઇન્ડસ્ટ્રિયલ અને ઇન્વેસ્ટમેન્ટ ડિમાન્ડ વધી રહી હોવાથી તેજીના ચાન્સ વધ્યા છે. અમેરિકાની અગ્રણી સિટી બૅન્કે પ્લૅટિનમનો ભાવ ૨૦૨૧માં વધીને ૧૩૦૦ ડૉલર થવાની આગાહી કરી હતી જે ગુરુવારે ૧૨૫૦ ડૉલર હતો.

ભાવ-તાલ

સોનું (૯૯.૯ ટચ, દસ ગ્રામ): ૪૭,૯૬૮

સોનું (૯૯.૫ ટચ, દસ ગ્રામ): ૪૭,૭૭૬

ચાંદી (.૯૯૯ ટચ, કિલોદીઠ): ૬૮,૨૬૬

(સોર્સઃઇન્ડિયન બુલિયન ઍન્ડ જ્વેલર્સ અસોસિએશન લિમિટેડ)

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK