સ્વિટ્ઝરલૅન્ડ-ચીનની ડિમાન્ડ વધતાં સોનામાં નવેસરથી ઉછાળો

Published: 19th December, 2014 05:51 IST

અમેરિકી ફેડરલ રિઝર્વે ફરી ઇન્ટરેસ્ટ-રેટ વધારવા વિશે અનિશ્ચિતતા દાખવી : ગોલ્ડ માઇનરોના મત મુજબ સોનામાં મંદીની શક્યતા ઓછી
બુલિયન બુલેટિન - મયૂર મહેતા

સ્વિટ્ઝરલૅન્ડની ગોલ્ડ એક્સપોર્ટ ચાલુ વર્ષે રેકૉર્ડબ્રેક સપાટીએ પહોંચવાની ધારણાએ તેમ જ ચીનના શાંઘાઈ ગ્લોબલ ગોલ્ડ એક્સચેન્જમાં વૉલ્યુમ એપ્રિલ-૨૦૧૩ પછીની નવી ઊંચાઈએ પહોચતાં સોનામાં નવેસરથી તેજીનો આરંભ થઈ ભાવ ૧૨૦૦ ડૉલરની સપાટીને કુદાવી ગયા હતા. અમેરિકન ફેડરલ રિઝર્વે ઇન્ટરેસ્ટ-રેટ વધારવા વિશે ફરી અનિશ્ચિતતા દાખવતાં સોનામાં મંદીના સંજોગો ધૂંધળા બન્યા હતા. વળી ગોલ્ડ માઇનરોની હેજબુકમાં સોદાનું પ્રમાણ બહુ જ ઓછું હોવાથી ગોલ્ડ માઇનરોના મતે સોનામાં આવનારા સમયમાં મોટી મંદીની શક્યતા નથી એવું ફલિત થતું હતું.

પ્રાઇસ મૂવમેન્ટ

આંતરરાષ્ટ્રીય માર્કેટમાં બુધવારે ફેડરલ રિઝર્વની બે દિવસની મીટિંગનો નિર્ણય આવવાનો હોવાથી આખો દિવસ સોનાનો ભાવ ૧૨૦૦ ડૉલર આસપાસ રેન્જબાઉન્ડ રહ્યો હતો. અમેરિકી ફેડરલ રિઝર્વે એનું અગાઉનું સ્ટૅન્ડ કાયમ રાખતાં પ્રાથમિક સમજ અનુસાર સોનાનો ભાવ ઝડપથી ઘટીને ઓવરનાઇટ ૧૧૮૩.૭૩ ડૉલર થયો હતો, પણ પછીથી ફેડરલ રિઝર્વના નિર્ણયની સમીક્ષા બજારને સમજાવા લાગતાં સોનાના ભાવ ઝડપથી વધ્યા હતા જે વધીને એક તબક્કે ૧૨૦૩.૧૦ ડૉલર થયા હતા. ફેડના નિવેદનની મિશ્ર અસર જોયા બાદ ગુરુવારે સવારે સોનાનો ભાવ ૧૧૮૯.૮૬ ડૉલર ખૂલ્યો હતો જે ફરી વધીને ૧૨૦૦ ડૉલરની સપાટી કુદાવી ગયો હતો. ચાંદીનો ભાવ ૧૫.૭૩ ડૉલર ખૂલ્યા બાદ વધીને ૧૬ ડૉલરની સપાટી કુદાવી ગયો હતો. પ્લૅટિનમનો ભાવ ૧૧૯૪.૯૦ ડૉલર ખૂલ્યા બાદ વધીને ૧૨૦૦ ડૉલરની સપાટી કુદાવી ગયો હતો. પેલેડિયમનો ભાવ ૭૭૭.૩૬ ડૉલર ખૂલ્યા બાદ વધ્યો હતો.

ફેડનું સ્ટૅન્ડ યથાવત્

અમેરિકી ફેડરલ રિઝર્વે ફરી એક વખત ઇન્ટરેસ્ટ-રેટ વધારવા માટે ગોળ-ગોળ વાતો ચાલુ રાખી હતી. અગાઉની મીટિંગોમાં ફેડરલ રિઝર્વ દ્વારા એવું કહેવાતું હતું કે ઇન્ટરેસ્ટ-રેટ વધારવા માટે ‘કન્સિડરેબલ ટાઇમ’ લેવામાં આવશે. આ વખતે ફેડરલ રિઝર્વે માત્ર શબ્દો બદલાવીને જૂનો ટોન જ ચાલુ રાખ્યો હતો. બુધવારે મળેલી બેઠકમાં ફેડરલ રિઝર્વ ચૅરપર્સન જૅનેટ યેલેને જણાવ્યું હતું કે ફેડરલ રિઝર્વ ઇન્ટરેસ્ટ-રેટ વધારવા માટે ‘પેશન્ટ અપ્રોચ’ રાખશે, કમસે કમ બે મીટિંગ સુધી ફેડરલ રિઝર્વ ઇન્ટરેસ્ટ-રેટ નહીં વધારે. આનો અર્થ એવો થાય કે આવનારા એપ્રિલ-મે સુધી ઇન્ટરેસ્ટ-રેટ વધારવામાં નહીં આવે. જૅનેટ યેલેને એવું પણ કહ્યું હતું કે અમારી અપેક્ષા કરતાં અમેરિકી ઇકૉનૉમી ઝડપથી સુધરશે તો ઇન્ટરેસ્ટ-રેટ વધારવાની સમીક્ષા કરીશું. આમ ફરી એક વખત અમેરિકી ઇન્ટરેસ્ટ-રેટ ક્યારે વધશે એ બાબતે અનિશ્ચિતતા કાયમ રહી હોવાથી સોનામાં અત્યારે ટૂંકા ગાળા માટે કોઈ મોટી મંદી થવાની શક્યતા ટળી હતી. કેટલાક ઍનલિસ્ટો આવતા ત્રણ-ચાર મહિના સોનું ૧૧૮૦થી ૧૨૦૦ ડૉલર વચ્ચે અથડાતું રહેશે એવું માની રહ્યા છે.

ગોલ્ડ માઇનરોની હેજબુક

વિશ્વના મોટા ભાગના ગોલ્ડ માઇનરોની હેજબુક જોતાં એવું માની શકાય કે આવનારા દિવસોમાં સોનાના ભાવમાં કડાકો બોલી જશે એવું ગોલ્ડ માઇનરો માની રહ્યા નથી. સામાન્ય રીતે જ્યારે સોનાના ભાવ આવનારા દિવસોમાં તૂટી જવાના હોય એવું ગોલ્ડ માઇનરોને લાગે ત્યારે તેઓ તેમનું પ્રોડક્શન વેચીને સંભવિત ખોટ બુક કરીને હેજિંગ કરી લેતા હોય છે. આંતરરાષ્ટ્રીય માર્કેટમાં સોનાના ભાવ ઘટીને સાડાચાર વર્ષની નીચી સપાટીએ પહોંચી ગયા હોવા છતાં ગોલ્ડ માઇનરોની હેજબુકમાં કોઈ મોટો વધારો થયો નથી એવું થૉમસન રૉઇટર ઞ્જ્પ્લ્ (ગોલ્ડ ફીલ્ડ મિનરલ સર્વિર્સિસ)ના પ્રિસિયસ મેટલ ઍનલિસ્ટે જણાવ્યું હતું.

લગ્નની સીઝન પૂરી થતાં સોનાનું પ્રીમિયમ ઘટ્યું

દેશમાં લગ્નની સીઝન પૂરી થતાં તેમ જ સરકાર દ્વારા સોનાની ઇમ્પોર્ટનો ૮૦:૨૦ રૂલ્સ રદ કર્યા બાદ એ વિશેની સ્પક્ટતા આવી ન હોવાથી સોનાનું પ્રીમિયમ ચાલુ સપ્તાહે બેથી પાંચ ડૉલર બોલાઈ રહ્યું છે જે ગત સપ્તાહે પાંચથી આઠ ડૉલર બોલાતું હતું. લંડનના સોનાના ભાવ પર બોલાતું પ્રીમિયમ ભારતમાં એક તબક્કે આસમાની ઊંચાઈએ ૧૬૦ ડૉલર બોલાયું હતું. સોનાની ઇમ્પોર્ટ કરતી એક બૅન્કના પ્રવક્તાના જણાવ્યા પ્રમાણે નવેમ્બરમાં ભારતે ૧૫૧ ટન સોનાની ઇમ્પોર્ટ કરી હતી જેમાંથી મોટા ભાગનો સ્ટૉક હજી અનસોલ્ડ હોવાથી અત્યારે માર્કેટમાં સોનું ઈઝીલી અવેલેબલ છે. વળી છેલ્લા ત્રણ મહિનાથી ભારતમાં સોનાની ઇમ્પોર્ટ ૧૦૦ ટનથી વધારે થઈ રહી છે. માર્કેટ-સૂત્રોના માનવા પ્રમાણે ડિસેમ્બરમાં ભારતની સોનાની ઇમ્પોર્ટ ૨૦ ટનની આસપાસ જ રહેવાની ધારણા છે, કારણ કે લગ્નની સીઝન પૂરી થયા બાદ અત્યારે ડિમાન્ડ સાવ સ્લેક છે અને જૂનો સ્ટૉક પણ પૂરતા પ્રમાણમાં માર્કેટમાં અવેલેબલ છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK