જૉબલેસ ક્લેમ અને બેરોજગારી વધશે એવી આશાએ નીચલા મથાળે સોનું વધ્યું

Published: May 08, 2020, 12:55 IST | Mumbai Correspondence | Mumbai Desk

ચીન સોનાની ખરીદીનું સૌથી મોટું બજાર છે અને ત્યાં ખરીદી પાછી આવે તો સોનાના ભાવ હજી વધી શકે છે.

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

કોરોનાને કારણે વૈશ્વિક અર્થતંત્રને કેટલું નુકસાન થઈ શકે છે એની યાદ આપતો અમેરિકામાં જૉબલેસ ક્લેમનો રિપોર્ટ આજે આવ્યો હતો. આ અહેવાલ પછી સોનાના ભાવ મક્કમ ગતિએ વધ્યા હતા, પણ હજી ૧૭૦૦ ડૉલર પ્રતિ ઔંસની સપાટી કરતાં નીચા છે. 

સાપ્તાહિક રીતે અમેરિકામાં નવા જૉબલેસ ક્લેમ ૩૧ લાખ જોવા મળ્યા છે જે બજારની અપેક્ષા અનુસાર જ છે. આગલા સપ્તાહ કરતાં જૉબલેસ ક્લેમમાં ઘટાડો જોવા મળી રહ્યો છે, પણ એમ છતાં એ હજી વધુ છે. શુક્રવારે અમેરિકામાં એપ્રિલના બેરોજગારીના આંકડા જાહેર થશે. બેરોજગારોની સંખ્યા બે કરોડ અને બેરોજગારી દર ૧૫ ટકાથી વધુ હોવાની આશાએ સોનામાં ખરીદી જોવા મળી રહી છે.
નીચા ભાવ પર સોનાની ખરીદીને ટેકો મળી રહ્યો છે. બજારમાં આજે શૅરબજારની વૃદ્ધિ અવગણીને પણ ખરીદી થઈ રહી છે. સોના માટે બે મહત્ત્વના સમાચાર છે; એક, એપ્રિલ મહિનામાં પણ ગોલ્ડ ઈટીએફમાં ખરીદી અને નવો રોકાણપ્રવાહ જોવા મળ્યો હતો અને બીજું, ધારણા કરતાં ચીનમાં અર્થતંત્ર મજબૂત જોવા મળી રહ્યું છે, કારણ કે ચીનમાં નિકાસ વધી હતી. ચીન સોનાની ખરીદીનું સૌથી મોટું બજાર છે અને ત્યાં ખરીદી પાછી આવે તો સોનાના ભાવ હજી વધી શકે છે.

વૈશ્વિક બજારમાં સોનાનો વાયદો ૦.૫૨ ટકા કે ૮.૮૦ ડૉલર વધીને ૧૬૯૭.૩૦ અને હાજરમાં ૦.૬૨ ટકા કે ૧૦.૫૦ ડૉલર વધીને ૧૬૯૬.૨૧ ડૉલર પ્રતિ ઔંસ છે. ચાંદીનો વાયદો ૧.૨૦ ટકા કે ૧૮ સેન્ટ વધીને ૧૫.૨૦ ડૉલર અને હાજરમાં ૧.૫૪ ટકા કે ૨૩ સેન્ટ વધી ૧૫.૦૮ ડૉલર પ્રતિ ઔંસની સપાટી પર છે.

આજે પણ દેશમાં લૉકડાઉનને કારણે હાજર બજારો બંધ રહ્યાં હતાં. બીજી તરફ બુદ્ધ પૂર્ણિમાની રજાને કારણે ઇન્ડિયન બુલિયન ઍન્ડ જ્વેલર્સ અસોસિએશનના રેફરન્સ રેટ પણ જાહેર થયા નહોતા. ખાનગીમાં સોનાના ભાવ ૪૭,૦૪૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ અને ચાંદી પ્રતિ કિલો ૪૨,૯૩૬ રૂપિયા હતી.

સોનું જૂન વાયદો ૧૦ ગ્રામદીઠ ૪૫૪૩૦ ખૂલી, ઉપરમાં ૪૫૫૬૬ અને નીચામાં ૪૫૩૪૦ રૂપિયાના મથાળે અથડાઈ પ્રથમ સત્રના અંતે ૧૦૧ વધીને ૪૫૪૭૨ રૂપિયા બંધ રહ્યો હતો. ગોલ્ડ-ગિની મે કૉન્ટ્રૅક્ટ પ્રથમ સત્રના અંતે ૧૨ વધીને ૮ ગ્રામદીઠ ૩૬૮૯૦ અને ગોલ્ડ-પેટલ મે કૉન્ટ્રૅક્ટ પ્રથમ સત્રના અંતે બે રૂપિયા વધીને ૧ ગ્રામદીઠ ૪૫૭૭ રૂપિયા થયા હતા, જ્યારે સોનું-મિની જૂન વાયદો ૧૦ ગ્રામદીઠ ૭૬ વધીને બંધમાં ૪૫૪૬૩ રૂપિયાના ભાવ રહ્યા હતા.

ચાંદીના વાયદાઓમાં ચાંદી જુલાઈ કૉન્ટ્રૅક્ટ કિલોદીઠ ૪૧૮૪૦ ખૂલી, ઉપરમાં ૪૨૦૭૦ અને નીચામાં ૪૧૭૨૬ રૂપિયાના સ્તરને સ્પર્શી પ્રથમ સત્રના અંતે ૯૦ વધીને ૪૧૯૩૫ રૂપિયા બંધ રહ્યો હતો. ચાંદી-મિની જૂન ૮ રૂપિયા વધીને ૪૨૨૬૫ અને ચાંદી-માઇક્રો જૂન ૧ રૂપિયા ઘટીને ૪૨૩૭૭ રૂપિયા બંધ રહ્યા હતા.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK