હળવા વ્યાજદર,નાણાપ્રવાહિતા વધશે એ આશા સાથે સોનું 7 વર્ષની ઊંચી સપાટીએ

Published: Feb 20, 2020, 10:59 IST | Mumbai Desk

સોમવારની બંધ સપાટી ૧૫૮૬ ડૉલર સામે કૉમેક્સ વાયદો મંગળવારે ૧૬૦૩ ડૉલર પ્રતિ ઔંસની સપાટીએ બંધ આવ્યો હતો જે ૨૦૧૩ પછીની સૌથી ઊંચી સપાટી છે.

સોનાના ભાવ વૈશ્વિક બજારમાં સતત પાંચમા દિવસે વધીને ૨૦૧૩ પછીની સૌથી ઊંચી સપાટીએ છે. કોરોના વાઇરસને કારણે વૈશ્વિક અર્થતંત્ર પર સંકટ આવી પડ્યું છે અને ચીનની જેમ અન્ય દેશોએ પણ વ્યાજદર ઘટાડવા પડશે. પુષ્કળ નાણાપ્રવાહિતા કરવી પડશે એવી ધારણાએ વ્યાજ સાથે નહીં જોડાયેલી આ ઍસેટમાં ઉછાળો જોવા મળી રહ્યો છે.
ભાવ વધવા માટેનું મુખ્ય કારણ છે કે ચીન વિશ્વનું ઉત્પાદન કેન્દ્ર છે. બહુ મોટી વસ્તી અત્યારે કામથી અલગ છે. ચીનમાં ઉત્પાદન ઘટી રહ્યું છે એની અસર વૈશ્વિક ઉત્પાદન પર પડી શકે એવાં પ્રાથમિક ચિહ્‍નો મળી રહ્યાં છે અને એટલે જ ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. જોખમની સ્થિતિમાં વ્યાજ સાથે નહીં જોડાયેલી અને ચલણ જેવી જ સોના-ચાંદીની ધાતુમાં સૌથી વધુ સલામત રોકાણ ગણવામાં આવે છે.
સોનાના ભાવ ચાલુ વર્ષે અત્યાર સુધીમાં ૫.૭ ટકા વધી ગયા છે. મંદી ખાળવા માટે ચીનની જેમ અમેરિકાએ પણ વ્યાજદર હળવા કરવા પડશે એવી ધારણાએ મંગળવારે સોનું ૧.૩ ટકા વધ્યા પછી આજે પણ વધ્યું હતું. મંગળવારની સામે આજે જોખમ અવગણીને સોનું ખરીદવાની વૃત્તિ ઘટી છે, પણ ભાવ હજી પણ ઊંચા જ છે. સોમવારની બંધ સપાટી ૧૫૮૬ ડૉલર સામે કૉમેક્સ વાયદો મંગળવારે ૧૬૦૩ ડૉલર પ્રતિ ઔંસની સપાટીએ બંધ આવ્યો હતો જે ૨૦૧૩ પછીની સૌથી ઊંચી સપાટી છે. હાજરમાં સોનું મંગળવારે ૨૦ ડૉલર વધી ૧૬૦૧ની સપાટીએ બંધ આવ્યું હતું.
બુધવારે કૉમેક્સ એપ્રિલ વાયદો વધુ ઊછળી ૧૬૧૦.૭૫ થયા બાદ થોડા પ્રૉફિટ-બુકિંગને કારણે અત્યારે ૧૬૦૪.૮૬ ડૉલર પ્રતિ ઔંસની સપાટી પર છે. હાજરમાં સોનું ૧૬૧૧ની ઊંચી સપાટી બાદ અત્યારે ૧૬૦૪.૮૬ ડૉલર પ્રતિ ઔંસ છે. માર્ચ ચાંદી વાયદો મંગળવારે ૭૫ સેન્ટ વધ્યા બાદ આજે ઊંચી સપાટી ૧૮.૩૭ થઈને અત્યારે ૧૮.૨૧ ડૉલર પ્રતિ ઔંસ છે. હાજરમાં ચાંદી ૧૦ સેન્ટ વધીને ૧૮.૨૭ ડૉલર પ્રતિ ઔંસ છે.
આજે ભારતમાં પણ સોનું-ચાંદીમાં વૃદ્ધિ જોવા મળી હતી. મુંબઈમાં હાજર સોનું ૪૩૦ રૂપિયા વધી ૪૨,૮૦૦ અને અમદાવાદમાં ૪૫૦ વધી ૪૨,૮૦૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ રહ્યું હતું. સોનું એપ્રિલ વાયદો ૧૦ ગ્રામદીઠ ૪૧૪૦૮ રૂપિયા ખૂલી, ઉપરમાં ૪૧૬૧૯ અને નીચામાં ૪૧૩૫૦ રૂપિયાના મથાળે અથડાઈને પ્રથમ સત્રના અંતે ૧૭૩ વધીને ૪૧૫૯૩ રૂપિયા બંધ રહ્યો હતો. ગોલ્ડ-ગિની ફેબ્રુઆરી કૉન્ટ્રેક્ટ પ્રથમ સત્રનાં અંતે રૂ.૪૨ વધીને ૮ ગ્રામદીઠ રૂ.૩૨૬૮૮ અને ગોલ્ડ-પેટલ ફેબ્રુઆરી કોન્ટ્રૅક્ટ પ્રથમ સત્રના અંતે ૮ વધીને ૧ ગ્રામદીઠ ૪૦૬૪ રૂપિયા થયા હતા, જ્યારે સોનું-મિની માર્ચ વાયદો ૧૦ ગ્રામદીઠ ૧૪૫ રૂપિયા વધીને બંધમાં ૪૧૪૫૬ રૂપિયાના ભાવ રહ્યા હતા.
હાજરમાં મુંબઈમાં ચાંદી ૧૦૯૫ વધી ૪૯,૦૫૦ અને અમદાવાદમાં ૧૦૯૫ વધી ૪૯,૦૪૫ રૂપિયા પ્રતિ કિલો રહી હતી. ચાંદીના વાયદાઓમાં ચાંદી માર્ચ કૉન્ટ્રૅક્ટ કિલોદીઠ ૪૭૩૮૧ ખૂલી, ઉપરમાં ૪૭૭૧૦ અને નીચામાં ૪૭૨૮૫ રૂપિયાના સ્તરને સ્પર્શી પ્રથમ સત્રના અંતે ૩૮૨ વધીને ૪૭૬૪૫ રૂપિયા બંધ રહ્યો હતો. ચાંદી-મિની ફેબ્રુઆરી ૩૭૪ વધીને ૪૭૬૪૭ રૂપિયા અને ચાંદી-માઇક્રો ફેબ્રુઆરી ૩૬૬ વધીને ૪૭૬૩૯ રૂપિયા બંધ રહ્યા હતા.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK