Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > પાંચ મહિનાની નીચી સપાટી પછી સતત ત્રીજા દિવસે સોનું ઊછળ્યું

પાંચ મહિનાની નીચી સપાટી પછી સતત ત્રીજા દિવસે સોનું ઊછળ્યું

04 December, 2020 11:42 AM IST | Mumbai
Mumbai correspondent

પાંચ મહિનાની નીચી સપાટી પછી સતત ત્રીજા દિવસે સોનું ઊછળ્યું

પાંચ મહિનાની નીચી સપાટી પછી સતત ત્રીજા દિવસે સોનું ઊછળ્યું

પાંચ મહિનાની નીચી સપાટી પછી સતત ત્રીજા દિવસે સોનું ઊછળ્યું


વૈશ્વિક બજારમાં સતત ત્રીજા દિવસે સોનામાં નીચલા મથાળે ખરીદી જોવા મળી રહી છે. ડૉલરની સપાટીમાં રોજ નરમ હવામાનથી બજારમાં ખરીદીને ટેકો મળી રહ્યો છે. ભાવ પાંચ મહિનાની નીચી સપાટીથી ફરી ઊછળ્યા છે. જોકે ચાંદી આજે બીજા દિવસે પણ નરમ છે. મંગળવારે જોરદાર ઉછાળા પછી એમાં સાવચેતી જોવા મળી રહી છે.
અમેરિકન શૅરબજારમાં સાવચેતીનો માહોલ જોવા મળી રહ્યો છે પણ એશિયાઈ શૅરોમાં વિક્રમી સપાટી છે. બજારમાં ચોક્કસ રીતે જોખમની સુરક્ષાને બદલે જોખમ ઉઠાવવાની માનસિકતા જોવા મળી રહી છે. અમેરિકામાં કોરોના વાઇરસના રોજ નવા કેસ આવી રહ્યા છે. નવી વિક્રમી સપાટી ઉપર હોવા છતાં વૅક્સિનની આશાએ બજારમાં એની અવગણના થઈ રહી છે. આર્થિક રીતે અમેરિકામાં આજે નવી બેરોજગારીનો આંકડો ધારણા કરતાં મજબૂત આવ્યો એટલે આર્થિક વૃદ્ધિની આશા પણ વધી રહી છે. સામે ચૂંટણી પહેાં પડી ભાંગેલી પૅકેજની આશા વચ્ચે ડૉલર નબળો પડી રહ્યો છે.
વૈશ્વિક બજારમાં ડૉલર અઢી વર્ષની નીચી સપાટીએ હોવા છતાં છેલ્લા એક મહિનામાં સોનું અને ચાંદી ઘટ્યાં છે. આ સમયમાં સોનું ૭૦.૬ ડૉલર અને ચાંદી ૨૭ સેન્ટ ઘટ્યાં છે. અત્રે ઉલ્લેખનીય છે કે સોમવારે સોનાના ભાવ પાંચ મહિનાની નીચી સપાટીએ અને ચાંદીના ભાવ ૯ સપ્તાહની નીચી સપાટી પહોંચ્યા હતા.
આજે સોનું ફેબ્રુઆરી વાયદો ૦.૫૫ ટકા કે ૧૦ ડૉલર વધી ૧૮૪૦.૨ અને હાજરમાં ૦.૩૫ ટકા કે ૬.૪૨ ડૉલર વધી ૧૮૩૭.૭ ડૉલર પ્રતિ ઔંસની સપાટી પર હતા. ચાંદી માર્ચ વાયદો જોકે ૦.૩૫ ટકા કે ૮ સેન્ટ ઘટી ૨૪ ડૉલર અને હાજરમાં ૦.૯૯ ટકા કે ૨૪ સેન્ટ ઘટી ૨૩.૮૬ ડૉલર પ્રતિ ઔંસની સપાટી પર હતા.
ભારતમાં સોનું ફરી ૫૧,૦૦૦ અને ચાંદી ૬૫,૦૦૦ રૂપિયાને પાર
વૈશ્વિક બજારમાં સોનાના ભાવમાં ઉછાળો અને સ્થાનિક રીતે ડૉલર સામે રૂપિયો નબળો પડતાં સોના-ચાંદીના ભાવમાં સતત ત્રીજા દિવસે ઉછાળો ચાલુ રહ્યો હતો. આજે મુંબઈમાં હાજરમાં સોનું ૫૬૦ વધી ૫૧,૪૧૦ અને અમદાવાદમાં ૫૪૦ વધી ૫૧,૩૪૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામની સપાટીએ હતા. સોનાનો વાયદો ૧૦ ગ્રામદીઠ ૮૯૯ અને ચાંદીનો વાયદો કિલોદીઠ ૪૭૬ રૂપિયા ઊછળ્યો હતો.
એમસીએક્સ સોનું ડિસેમ્બર વાયદો ૧૦ ગ્રામદીઠ ૪૯૮૭૪ ખૂલી, ઉપરમાં ૪૯૯૩૬ અને નીચામાં ૪૯૧૮૯ના મથાળે અથડાઈ પ્રથમ સત્રના અંતે ૮૯૯ વધીને ૪૯૫૪૨ રૂપિયા બંધ રહ્યો હતો. ગોલ્ડ-ગિની ડિસેમ્બર કૉન્ટ્રૅક્ટ પ્રથમ સત્રના અંતે ૨૭૨ વધીને ૮ ગ્રામદીઠ ૩૯૫૦૧ અને ગોલ્ડ-પેટલ ડિસેમ્બર કૉન્ટ્રૅક્ટ પ્રથમ સત્રના અંતે ૩૪ વધીને ૧ ગ્રામદીઠ ૪૯૪૨ રૂપિયા થયા હતા, જ્યારે સોનું-મિની ડિસેમ્બર વાયદો ૧૦ ગ્રામદીઠ ૨૮૬ વધીને બંધમાં ૪૯૨૪૫ રૂપિયાના ભાવ રહ્યા હતા.
મુંબઈમાં હાજર ચાંદી ૮૦૦ વધી ૬૫,૪૩૦ અને અમદાવાદમાં ૮૦૦ વધી ૬૫,૪૦૦ રૂપિયા પ્રતિ કિલોના ભાવ રહ્યા હતા. ચાંદીના વાયદાઓમાં ચાંદી ડિસેમ્બર કૉન્ટ્રૅક્ટ કિલોદીઠ ૬૨૬૦૦ ખૂલી, ઉપરમાં ૬૩૦૦૦ અને નીચામાં ૬૨૨૩૬ના સ્તરને સ્પર્શી પ્રથમ સત્રના અંતે ૪૭૬ વધીને ૬૨૬૨૯ રૂપિયા બંધ રહ્યો હતો. ચાંદી-મિની ફેબ્રુઆરી ૬૮૩ વધીને ૬૩૯૮૯ અને ચાંદી-માઇક્રો ફેબ્રુઆરી ૬૭૧ વધીને ૬૩૯૬૫ રૂપિયા બંધ રહ્યા હતા.
ડૉલર અઢી વર્ષની નવી નીચી સપાટીએ
કોરોનાની વૅક્સિનના પરીક્ષણમાં સફળતા મળી હોવાની ફાઇઝરની જાહેરાતના આજે એક મહિનાના ગાળામાં ડૉલર સતત ઘટી રહ્યો છે. આ ૩૦ દિવસમાં ડૉલરમાં માત્ર ૨૪ દિવસ પ્રત્યાઘાતી ઉછાળો જોવા મળ્યો છે. અમેરિકન ડૉલરનું વિશ્વના ૬ અગ્રણી ચલણ સામે મૂલ્ય નક્કી કરતો ડૉલર ઇન્ડેક્સ આ દિવસોમાં ત્રણ ટકા જેટલો નરમ પડ્યો છે. અત્યારે ડૉલર ઇન્ડેક્સ ૦.૪૩ ટકા ઘટી ૯૦.૭૩ની સપાટી પર જોવા મળી રહ્યો છે. સામાન્ય રીતે એવી માન્યતા છે કે ડૉલરના મૂલ્યમાં ઘટાડો થાય તો અન્ય ચલણમાં સોનાની ખરીદી અને સંગ્રહ આકર્ષક બને છે અને એટલે સોનાના ભાવ વધે છે.
બીજા દિવસે ડૉલર સામે રૂપિયો નરમ
વૈશ્વિક બજારમાં નબળો ડૉલર, શૅરબજારમાં અવિરત આવી રહેલો વિદેશી મૂડીપ્રવાહ, અર્થતંત્રના સુધરી રહેલા ચિત્ર વચ્ચે આજે બીજા દિવસે પણ રૂપિયો નરમ પડ્યો હતો. શુક્રવારે રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા પોતાની ધિરાણનીતિની સમીક્ષા અને નિર્ણય જાહેર કરે એ પહેલાં સાવચેતીરૂપે બજારમાં ડૉલરની ખરીદી હતી હતી અને રૂપિયામાં વેચાણ થયું હતું. ડૉલર સામે રૂપિયો બુધવારે ૭૩.૮૧ની સપાટી પર હતો જે આજે વધીને ૭૩.૬૮ અને ઘટીને ૭૩.૯૫ થયા બાદ દિવસના અંતે ૧૨ પૈસાના ઘસારા સાથે ૭૩.૯૩ બંધ રહ્યો હતો. છેલ્લા બે દિવસમાં ડૉલર સામે રૂપિયો ૨૫ પૈસા નરમ પડ્યો છે.


Whatsapp-channel Whatsapp-channel

04 December, 2020 11:42 AM IST | Mumbai | Mumbai correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK